ઝામર એક એવી બીમારી છે જેમાં કોઈ લક્ષણો હોતાં નથી
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
મારી ઉંમર ૬૮ વર્ષ છે. હું મારી ફિટનેસનું પૂરું ધ્યાન રાખું છું. રેગ્યુલર ચેકઅપ પણ કરાવું છું. મારા રેગ્યુલર આઇ ચેકઅપમાં આવ્યું છે કે મને ગ્લૉકોમા એટલે કે ઝામરની બીમારી છે. તેમણે મને કહ્યું કે તાત્કાલિક ઇલાજ શરૂ કરવો પડશે. ઇલાજ ચાલશે તો વાંધો નહીં આવે, નહીંતર તમે અંધ પણ થઈ શકો છો. મને લાગે છે કે ડૉક્ટર મને ડરાવે છે. અત્યારે મારી આંખ એકદમ સારી છે. મને કોઈ તકલીફ નથી જોવાની અને અચાનક હું અંધ કેવી રીતે થઈ જઈશ? મારા ઘરના કહે છે કે મારે આઇ-ડ્રૉપ નાખવાં જોઈએ, પણ સાચું કહું તો મને એ જરૂરી લાગતું નથી. શું ખરેખર આ તકલીફ ગંભીર હોઈ શકે છે?
સારું છે કે તમને શંકા છે કે તમે સાચા છો કે નહીં. મોટા ભાગે લોકો ખુદ ધારીને બેસી જાય છે કે તેઓ સાચા છે અને પછીથી પસ્તાય છે. ઝામર એક એવી બીમારી છે જેમાં કોઈ લક્ષણો હોતાં નથી. લક્ષણ પર જઈને જો તમે એનો ઇલાજ ન કરાવ્યો તો તકલીફ વધતી જશે અને એને ઠીક નહીં કરી શકાય. ઝામરનો ઇલાજ ન કરાવીએ તો લગભગ ૭-૮ વર્ષમાં કે વધુમાં ૧૦-૧૨ વર્ષમાં વ્યક્તિને અંધાપો આવી શકે છે. આ હકીકત છે. આ ગંભીર પરિસ્થિતિને ટાળવા માટે એનું વહેલું નિદાન અત્યંત જરૂરી છે. જો એનું નિદાન વહેલું થઈ જાય તો એનો ઇલાજ ખૂબ સરળ છે, જેના વડે ઝામરથી છુટકારો નથી મળી શકતો, પરંતુ આંખમાં થતું ડૅમેજ અટકાવી શકાય છે. સારું છે કે તમારું યોગ્ય સમયે નિદાન થઈ ગયું છે. હવે એનો ઇલાજ તમે ટાળતા નહીં.
ADVERTISEMENT
ઇલાજ વડે આંખમાં આવતો અંધાપો પણ અટકાવી શકાય છે. જે વ્યક્તિને ઝામર થાય .એને એક પ્રકારનાં આઇ-ડ્રૉપ આપવામાં આવે છે જે તમારી જરૂરિયાત મુજબ ડૉક્ટરે લખી આપ્યું હશે. આ ડ્રૉપ્સ દરરોજ આંખમાં નાખવાં જરૂરી રહે છે. ફક્ત ડ્રૉપ્સ નાખવાથી જ ઝામરની તકલીફ આગળ વધતી અટકાવી શકાય છે જે ખૂબ જ સરળ ઇલાજ છે, પરંતુ અમુક ગણ્યા-ગાઠ્યા કેસમાં ડ્રૉપ્સથી કામ ચાતું નથી. એમાં સર્જરી કરાવવી પડે છે. એક લેસર સર્જરી છે અને બીજી નૉર્મલ સર્જરી. બન્નેમાંથી કોઈ પણ એક સર્જરી વ્યક્તિની જરૂરિયાત અનુસાર ડૉક્ટર સૂચવતા હોય છે. તમને હાલમાં તો જે ડ્રૉપ્સ ડૉક્ટરે સૂચવ્યા છે એ લો અને રેગ્યુલર ચેકઅપ કરાવતા રહો. ઝામરનો વિકાસ અટકી જશે તો સર્જરીની જરૂર તમને નહીં પડે. પણ એનો ઇલાજ અનિવાર્ય છે.

