આ વીકેન્ડ માટે OTT જંક્શન: રાજા શિવાજી, પર્ફેક્ટ ફૅમિલીથી લઈને બાહુબલી : ધ ટૉર્ચબેરર સુધીની ફિલ્મો, વેબ સીરિઝ અને રિયલટી શો વિષે
ફિલ્મોના પોસ્ટર્સ
ગ્રામ ચિકિત્સાલય - સીઝન 2
આ લોકપ્રિય સિરીઝ ફરી એકવાર ભાતખંડી ગામમાં લઈ જાય છે જ્યાં અમોલ પરાશર દ્વારા ભજવાયેલું ડૉ. પ્રભાતનું પાત્ર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નવો જીવ ફૂંકવાનો પ્રયાસ કરી રહ્યું છે. ગામલોકો હવે ધીમે-ધીમે તેમના પર વિશ્વાસ કરવા લાગ્યા છે પણ નવી મુશ્કેલીઓ સતત સામે આવી રહી છે. આ વખતે સૌથી મોટી સમસ્યા દવાઓની અછત છે અને આ સમસ્યા સામે લડવા માટેના પ્રયાસોને અલગ રીતે દર્શાવવામાં આવ્યા છે. ‘ગ્રામ ચિકિત્સાલય - સીઝન 2’ પ્રાઇમ વિડિયો પર જોઈ શકાય.
ADVERTISEMENT
‘પર્ફેક્ટ ફૅમિલી’
‘પર્ફેક્ટ ફૅમિલી’ એક ડ્રામા-કૉમેડી વેબ-સિરીઝ છે. આ સિરીઝ દ્વારા પંકજ ત્રિપાઠી નિર્માતા તરીકે ડેબ્યુ કરી રહ્યા છે. આ સિરીઝની વાર્તા એવા પરિવારની છે જે બહારથી ખૂબ સુખી અને પર્ફેક્ટ દેખાય છે પણ તેમની સૌથી નાની દીકરીને સ્કૂલમાં ગંભીર પૅનિક અટૅક આવતાં પરિવારની વાસ્તવિક સ્થિતિ સામે આવવા લાગે છે. આ ઘટનાના કારણે આખા પરિવારને સંયુક્ત થેરપી લેવી પડે છે. આ સિરીઝમાં નેહા ધુપિયા, મનોજ પાહવા, સીમા પાહવા અને ગુલશન દેવૈયા મહત્ત્વના રોલમાં જોવા મળશે. ‘પર્ફેક્ટ ફૅમિલી’ સોની લિવ પર જોઈ શકાય.
‘રાજા શિવાજી’
‘રાજા શિવાજી’ બૉક્સ-ઑફિસ પર સફળ સાબિત થયેલી પિરિયડ ડ્રામા ફિલ્મ છે અને એમાં રિતેશ દેશમુખ મુખ્ય ભૂમિકામાં છે અને ફિલ્મનું ડિરેક્શન પણ તેણે જ કર્યું છે. ફિલ્મ મહાન મરાઠા શાસક છત્રપતિ શિવાજી મહારાજના પ્રારંભિક જીવન અને સૈન્ય-અભિયાનોની ગાથા રજૂ કરે છે. ફિલ્મમાં તેમના બાળપણ, માતાની શિક્ષણપ્રદ અસર અને હિંદવી સ્વરાજ્યની સ્થાપના માટેના સંઘર્ષને દર્શાવવામાં આવ્યો છે. ફિલ્મમાં રિતેશ દેશમુખ ઉપરાંત જેનિલિયા દેશમુખ અને સંજય દત્ત મુખ્ય ભૂમિકામાં છે અને સલમાન ખાનનો કૅમિયો પણ ખાસ ચર્ચામાં રહ્યો હતો. મૂળ મરાઠી ભાષામાં બનેલી આ ફિલ્મ નેટફ્લિક્સ પર મરાઠી અને હિન્દી બન્ને ભાષાઓમાં ઉપલબ્ધ છે.
બાહુબલી : ધ ટૉર્ચબેરર
આ એક ડૉક્યુમેન્ટરી સિરીઝ છે જે લોકપ્રિય ફિલ્મો ‘બાહુબલી : ધ બિગિનિંગ’ અને ‘બાહુબલી 2 : ધ કન્ક્લુઝન’ના નિર્માણ અને એની પાછળના કલાકારોની સફર પર આધારિત છે. આ સિરીઝમાં ફિલ્મ બનાવવાની પ્રક્રિયા, પડકારો અને કલાકારોના અનુભવોને નજીકથી રજૂ કરવામાં આવ્યાં છે. ‘બાહુબલી : ધ ટૉર્ચબેરર ’ નેટફ્લિક્સ પર જોઈ શકાય છે.
અલાયન્સ
કુણાલ ખેમુ નવા રિયલિટી શો ‘અલાયન્સ’ સાથે દર્શકો સામે આવ્યો છે. આ શોમાં કુલ ૧૬ સેલિબ્રિટી કન્ટેસ્ટન્ટ્સ ભાગ લઈ રહ્યા છે અને તેઓ જોડીમાં એન્ટ્રી લેશે. શોમાં સ્પર્ધકોએ ઘરમાં ટકી રહેવા માટે જોડાણ અને મિત્રતા કરવી પડશે પણ ગેમ જેમ આગળ વધશે તેમ પૉઇન્ટ્સ અને ટાસ્ક જીતવા માટે તેમણે પોતાના જ સાથી સાથે છળકપટ કરવું પડશે. શોમાં રોજ નવા ઝઘડા અને ડ્રામા જોવા મળશે. આ શોમાં રવિ કિશન અને દીકરી રીવા કિશન, કુશાલ ટંડન અને મિની માથુર સહિત અનેક જાણીતા ચહેરાઓ ભાગ લઈ રહ્યા છે. આ રિયલિટી શો પ્રાઇમ વિડિયો પર જોઈ શકાશે.
