એની પાછળનું કારણ બે સિમ્પલ ટેસ્ટથી જાણી શકાશે
પ્રતીકાત્મક તસવીર
ઉંમર વધવાની સાથે શરીરની શક્તિ અને સંતુલન ધીમે-ધીમે ઘટવા લાગે છે એટલે ચાલતાં-ચાલતાં અચાનક બૅલૅન્સ જતાં પડી જવાની સમસ્યા થાય છે. અત્યાર સુધીમાં એવું માનવામાં આવતું હતું કે બૅલૅન્સિંગનો ઇશ્યુ માત્ર સિનિયર સિટિઝન્સમાં જ આવે છે, પણ તાજેતરના સંશોધન મુજબ મિડલ એજ ગ્રુપ એટલે કે ૪૦થી ૫૦ વર્ષના લોકોને પણ આ પ્રૉબ્લેમ થઈ શકે છે. આનાથી નાની ઈજા પણ લાંબે ગાળે મોબિલિટી એટલે ગતિશીલતા ગુમાવવાનું કારણ બની શકે છે. જોકે ૩૦ સેકન્ડનું સરળ પરીક્ષણ જોખમ કેટલું છે એ ચોક્કસપણે જણાવી શકે છે. બ્રાઝિલની યુનિવર્સિટીએ કરેલા નવા અભ્યાસે નવી પદ્ધતિ પર પ્રકાશ પાડ્યો છે. તેથી આ ટેસ્ટ માત્ર બૅલૅન્સ જ નહીં પણ સમય જતાં સ્થિરતા જાળવી રાખવાની તમારી ક્ષમતા અને સહનશક્તિને પણ માપે છે. આ સરળ ટેસ્ટથી બૅલૅન્સિંગ ઇશ્યુને વહેલી તકે ઓળખીને સમયસર યોગ્ય પગલાં લઈને ગંભીર અકસ્માત ટાળી શકાય છે.
નવા અભ્યાસ મુજબ સ્ટેબિલિટીનું મૂલ્યાંકન કરવા માટે ૩૦-૩૦ સેકન્ડની બે સિમ્પલ ટેસ્ટ કરવી.
ADVERTISEMENT

પહેલી, હીલ-ટુ-ટો એટલે એક પગની એડી બીજા પગના અંગૂઠાને અડે એમ ઊભા રહેવું અને બીજી પોઝિશન છે સિંગલ લેગ સ્ટાન્સ. એટલે એક પગને જમીનથી થોડો ઊંચો રાખીને બીજા પગથી શરીરનું સંતુલન જાળવવું.

આ બન્ને ટેસ્ટ ૩૦ સેકન્ડ સુધી કરવી. આ બન્ને સ્થિતિઓમાં જેટલો લાંબો સમય વ્યક્તિ સંતુલિત રહી શકે એટલું બૅલૅન્સિંગનું જોખમ ઓછું થાય છે. અભ્યાસ મુજબ દરેક વધારાની સેકન્ડ વ્યક્તિની આવનારા મહિનાઓમાં પડવાની સંભાવના ઘટાડે છે. આ પરીક્ષણને કરવા માટે કોઈ ખાસ સાધનની જરૂર નથી, ઘરમાં જ ખુરસી કે દીવાલનો સહારો લઈને પણ એ કરી શકાય છે. બૅલૅન્સિંગ ઇશ્યુ વધતી જતી સમસ્યા છે. જો સમયસર જાણ થાય તો યોગ્ય કસરતો અને આહાર દ્વારા આ જોખમ ઘટાડવું શક્ય બને છે. ખાસ કરીને આ ટેસ્ટ નબળા મસલ્સ હોય, નર્વ્સ સંબંધિત સમસ્યા, ઓછું દેખાવું કે ચક્કરની ફરિયાદ હોય એવા લોકો માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. વ્યક્તિના આરોગ્ય મુજબ બૅલૅન્સિંગ ટ્રેઇનિંગ, સ્ટ્રેન્ગ્થ ટ્રેઇનિંગ, આંખોની તપાસ અને ફિઝિયોથેરપી જેવા સોલ્યુશન કામમાં આવી શકે છે.


