આજે વર્લ્ડ ટીબી ડે પર સમજવાની કોશિશ કરીએ કે કયાં કારણોસર આ રોગનો વ્યાપ વધતો જાય છે અને કઈ રીતે આ રોગનું યોગ્ય નિદાન શક્ય છે
પ્રતીકાત્મક તસવીર
૨૦૨૪માં દુનિયામાં ૧૨ લાખ અને ભારતમાં ૩ લાખ લોકો ટીબીને કારણે મૃત્યુ પામ્યા હતા. ટીબીને ઘાતક બનાવવાનાં મુખ્ય કારણોમાંનું એક છે એનું મોડું નિદાન. સમયસર નિદાન અને યોગ્ય ઇલાજ ટીબીને જડથી દૂર કરી શકવા માટે જરૂરી છે. બીજી તરફ દુનિયામાં વર્ષે ૩૦ લાખ લોકોને ટીબી ન હોવા છતાં ટીબીનું ખોટું નિદાન કરીને ઇલાજ કરવામાં આવી રહ્યો છે. બન્ને પરિસ્થિતિઓ ગંભીર છે. આજે વર્લ્ડ ટીબી ડે પર સમજવાની કોશિશ કરીએ કે કયાં કારણોસર આ રોગનો વ્યાપ વધતો જાય છે અને કઈ રીતે આ રોગનું યોગ્ય નિદાન શક્ય છે!
૨૦૨૪માં ટીબીને કારણે દુનિયામાં ૧૨ લાખથી વધુ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને ૧ કરોડથી વધુ લોકો ટીબીગ્રસ્ત હતા. ભારત પર ટીબીનો ભાર દુનિયાની સરખામણીમાં સૌથી વધુ છે કારણ કે દુનિયાના લગભગ ૨૫ ટકા ટીબીના મૃત્યુના કેસ આપણે ત્યાં છે. ૨૦૨૫માં વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને બહાર પાડેલા રિપોર્ટમાં પ્રકાશિત આંકડાઓ મુજબ ભારતમાં ૨૦૨૪માં ૩ લાખ લોકો ટીબીને કારણે મૃત્યુ પામ્યા છે અને દર વર્ષે ૨.૭ લાખ નવા કેસ ટીબીના આવી રહ્યા છે. જોકે આ આંકડાઓ ૨૦૧૫ની સરખામણીમાં ૨૧ ટકા જેટલા ઘટ્યા છે. એટલે કે આ રોગના દરમાં થયેલો ઘટાડો દુનિયાની સરખામણીમાં બમણો છે, જે ખરેખર ખુશ થવા જેવું કહી શકાય. આ રિપોર્ટ અનુસાર ૨૦૧૪માં ભારતમાં આ રોગ ૫૪ ટકા પુરુષોમાં, ૩૫ ટકા સ્ત્રીઓમાં, ૧૧ ટકા બાળકો અને કિશોરોમાં જોવા મળ્યો હતો. એક સમયે ટીબીને ૨૦૨૫ સુધીમાં નાબૂદ કરવાનો પ્લાન હતો પરંતુ એમાં આપણે વિફળ રહ્યા છીએ. પ્રયાસો ખૂબ ચાલી રહ્યા છે પણ આ રોગથી સંપૂર્ણ રીતે નિજાત પામવી સરળ તો નથી એ સમજાય એવી વાત છે. આજે વર્લ્ડ ટીબી ડેના દિવસે સમજવાની કોશિશ કરીએ કે આ રોગને હરાવવા માટે અતિ જરૂરી નિદાન પ્રક્રિયાને કઈ રીતે ચોક્કસ બનાવી શકાય.
ADVERTISEMENT
કુપોષણ અને ટીબી
ટ્યુબરક્યુલોસિસ બૅક્ટેરિયાથી થતો ટીબી રોગ એક ચેપી રોગ છે. ભારતમાં વધુ ફેલાયેલો હોવાનું કારણ પણ અહીંની ગીચ વસ્તી છે. એ વિશે સમજ આપતાં ધ મહારાષ્ટ્ર સ્ટેટ ઍન્ટિ-ટીબી અસોસિએશનના ઓનરરી સેક્રેટરી અને ટેક્નિકલ ઍડ્વાઇઝર ડૉ. યતિન ધોળકિયા કહે છે, ‘ટીબીના બૅક્ટેરિયાથી લગભગ આખું ભારત એક્સપોઝ થયેલું જ છે એમ કહીએ તો કંઈ ખોટું નથી. એનો સરળ અર્થ એ છે કે દરેક નાગરિકના શરીરમાં ટીબીના જંતુઓ રહેલા જ છે, પરંતુ જેની રોગપ્રતિકારક શક્તિ સ્ટ્રૉન્ગ છે તેના શરીરમાં એ ઍક્ટિવ થઈ શકતા નથી એટલે તેમને રોગ થતો નથી. જોકે જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી છે એ વ્યક્તિના શરીરમાં એ ઍક્ટિવ થઈ જાય છે અને રોગની શરૂઆત થઈ જાય છે. આમ આપણા દેશમાં ટીબીનો ચેપ ન લાગે એ શક્ય જ નથી તો દરેક વ્યક્તિએ જેના પર ધ્યાન આપવાનું છે એ છે રોગપ્રતિકારક શક્તિ પર. કુપોષણ ભારતનો સૌથી મોટો પ્રૉબ્લેમ છે. આજે પણ ભારતનાં ૩૨.૧ ટકા બાળકો કુપોષણને કારણે ઓછું વજન ધરાવે છે. ૧૮.૭ ટકા સ્ત્રીઓ પણ કુપોષણનો શિકાર છે. આવી વ્યક્તિઓને ટીબી થવાની શક્યતા ઘણી વધુ રહે છે. નિદાન માટેની પ્રાથમિક સમજ ત્યાંથી આવે છે કે વ્યક્તિ કુપોષિત છે એટલે તેને આ રોગનું રિસ્ક વધુ છે એટલે રોગ છે કે નહીં, એને દેખાતાં લક્ષણો ટીબી હોવાની શક્યતા દર્શાવે છે.’
આ રીતે એક સમયે ટીબી ફક્ત ગરીબોનો રોગ માનવામાં આવતો પરંતુ આજની તારીખે એવું નથી એવું સ્પષ્ટ જણાવતાં ડૉ. યતિન ધોળકિયા કહે છે, ‘આજે એક એવો રોગ છે જે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ ઓછી કરે છે, જેનું નામ છે ડાયાબિટીઝ. આજે આ રોગ ઘરે-ઘરે પહોંચી ગયો છે. જે વ્યક્તિને ડાયાબિટીઝ ખાસ કરીને લાંબા ગાળાથી છે તેમને કોઈ પણ જાતનું ઇન્ફેક્શન થવાની શક્યતા વધી જાય છે અને એક વખત ઇન્ફેક્શન થાય તો એને ઠીક કરવામાં પણ વાર લાગે છે. આ પરિસ્થિતિમાં આજે સધ્ધર ઘરોમાં પણ ટીબી પહોંચી ગયો છે. ડાયાબિટીઝ સિવાય જે પણ વ્યક્તિને મેટાબોલિક ડિસઑર્ડર હોય છે કે ખોટી લાઇફસ્ટાઇલને કારણે આવતા રોગ હોય છે તેમને પણ ટીબી થવાની શક્યતા ઘણી વધુ રહે છે. આમ તમને બ્લડપ્રેશર, હાર્ટ ડિસીઝ, ઓબેસિટી જેવા રોગો છે તો તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી છે એટલે તમને ટીબી થવાની શક્યતા વધુ રહે છે. આ ઉપરાંત HIV, કૅન્સર જેવા રોગ જેમાં રોગ અને ઇલાજ બન્નેને કારણે રોગપ્રતિકારક શક્તિ નબળી પડી ગઈ છે એવા દરદીને ટીબી થવાનું રિસ્ક ઘણું વધુ છે. આ ઉપરાંત ક્રૉનિક કિડની ડિસીઝ જેવા રોગો હોય તો પણ ટીબી થવાનું રિસ્ક ઘણું છે અને તકલીફ એ થાય છે કે એમાં ટીબીની બધી દવાઓ તમે દરદીને આપી શકતા નથી કારણ કે એ દવાઓ કિડની પર ભારે પડે છે. આમ રોગ અને એનો ઇલાજ બન્ને વિકટ બને છે.’
શરૂઆતનાં લક્ષણોને સમજો
ટીબીનું સાચું નિદાન કરવું એક રીતે અઘરું નથી પણ આજે પણ તકલીફ ત્યાં પડે છે કે લોકોમાં જાગૃતિનો અભાવ જોવા મળે છે. એ વિશે સમજાવતાં ડૉ. યતિન ધોળકિયા કહે છે, ‘વર્ષોથી સરકાર આ બાબતે જાગૃતિ ફેલાવી રહી છે કે કોઈ પણ પ્રકારનો કફ એટલે કે ખાંસી બે અઠવાડિયાંથી વધુ સમય રહે તો તાત્કાલિક ચેસ્ટ ફિઝિશ્યન પાસે જવું. આજે પણ લોકો ખાંસી માટે સ્પેશ્યલિસ્ટ ડૉક્ટર પાસે ન જઈને ફિઝિશ્યન પાસે જાય છે, જેને કારણે નિદાન મોડું થવાની સંભાવના વધી જાય છે. ગામડામાં લોકો ખાંસી જેવી બાબતોને ક્ષુલ્લક ગણીને અવગણે છે અને મુંબઈ જેવા શહેરમાં લોકો પાસે સમય જ નથી કે તે ખુદની તકલીફ માટે ડૉક્ટર સુધી જલદી પહોંચે. બન્ને પરિસ્થિતિમાં લોકો કફની અવસ્થાને સહન કર્યા કરે છે. તકલીફ એકદમ વધી જાય પછી જ અમારા સુધી પહોંચે છે. જેમને ફેફસાંનો ટીબી છે તેમને જ ખાંસીની તકલીફ કે શ્વાસની તકલીફ રહે છે. ટીબી વ્યક્તિને ફેફસાં સિવાય બીજાં અંગોમાં પણ થઈ શકે છે જેમાં ખાંસી થતી નથી. એમાં તમને તાવ આવતો હોય, કોઈ જગ્યાએ ગાંઠ થઈ ગઈ હોય, રાત્રે ખૂબ પરસેવો વળી જતો હોય, અચાનક વજન ઊતરી ગયું હોય એવાં પ્રાથમિક લક્ષણો દેખાઈ શકે છે. આ ચિહ્નો સાથે તમારે ટીબી છે કે નહીં એ ચેક કરાવવું જરૂરી બને છે.’
યોગ્ય નિદાન માટે શું ધ્યાન રાખવું એ સમજાવતાં ડૉ. હરીશ ચાફલે કહે છે, ‘ઘણા લોકો આજે પણ જરૂરી ટેસ્ટ કરાવવા નથી માગતા. બધાને ઇલાજ પર ખર્ચો કરવો ઠીક લાગે છે પણ નિદાન પર ખર્ચો કરવામાં લોકોને તકલીફ છે. ખાસ કરીને ફેફસાંના ટીબીમાં તો હજી પણ લોકો ટેસ્ટ કરાવે છે, પરંતુ જે બીજા અંગમાં થતા ટીબી છે એમાં લોકો બાયોપ્સી કરાવવા નથી માગતા હોતા એટલે નિદાન મોડું થાય છે.’
ખોટું નિદાન
હાર્વર્ડના રિસર્ચર દ્વારા હાથ ધરાયેલા અને ‘નેચર મેડિસિન’ નામના જર્નલમાં હાલમાં પ્રકાશિત એક રિસર્ચમાં જણાવાયું છે કે દુનિયામાં દર વર્ષે ૩૦ લાખ ટીબી કેસ છે જેનું નિદાન ખોટું છે. એટલે કે વ્યક્તિને ટીબી નથી છતાં તેને ટીબી છે એવું નિદાન કરવામાં આવ્યું છે. ૧૧૧ દેશોના આંકડાઓનું તારણ કાઢવામાં આવેલું, જેના અનુસાર તેમને સમજાયું કે ખોટું નિદાન થયેલા કેસ ઘણા છે. એવા કેસ જેમાં વ્યક્તિને ટીબી થયો છે પણ એનું નિદાન થઈ શકતું નથી એ ચિંતાનું કારણ છે જ, પણ એની સાથે-સાથે જેને ટીબી થયો નથી પણ ટીબીનું નિદાન કરીને એનો ઇલાજ ચાલુ કરી દેવામાં આવે એ પણ એટલી જ મોટી ચિંતાનું કારણ છે. એ કઈ રીતે એ સમજાવતાં ગ્લેનીગલ્સ હૉસ્પિટલ, પરેલના ચેસ્ટ ફિઝિશ્યન ડૉ. હરીશ ચાફલે કહે છે, ‘તમને ટીબી નથી છતાં તમે એની દવાઓ લો તો એવું પણ બને કે તમને કશું થાય નહીં. પણ અમુક કેસમાં એનાં ગંભીર પરિણામો પણ જોવા મળી શકે છે. જ્યારે વ્યક્તિને ટીબી નથી છતાં એ ટીબીની દવાઓ લે છે ત્યારે એ દવાઓ તેના લિવર પર અસર કરી શકે છે. તેમને એના થકી ડ્રગ ઇન્ડ્યુસ્ડ હેપેટાઇટિસ થઈ શકે છે. એટલે કે દવાને કારણે લિવર પર થતી અસર અને ઊભો થતો રોગ, જે એક ગંભીર તકલીફ બનીને સામે આવી શકે છે.’
નિદાન માટે જરૂરી ટેસ્ટ
જો તમને શરૂઆતનાં લક્ષણો હોય તો તમારે આ પ્રકારની ટેસ્ટ કરાવવી જરૂરી છે. ઘણી વખત ડૉક્ટર દરદીને ચેક કરે તો પણ સમજી જતા હોય છે કે આ તકલીફ ટીબીની છે જેને ક્લિનિકલ રીતે કરવામાં આવતું નિદાન કહે છે. એમ સમજાયું હોવા છતાં ટેસ્ટ કરાવવી અત્યંત જરૂરી છે.
૧. જો તમને ખાંસી હોય તો એક ચેસ્ટ એક્સરે કરાવવો જરૂરી છે.
૨. ન્યુક્લિયર ઍસિડ એમ્પ્લિફિકેશન ટેસ્ટ (NAAT). આ ટેસ્ટ કરાવવી જરૂરી છે. ફક્ત બે કલાકની અંદર એનું રિઝલ્ટ જાણવા મળે છે.
૩. ગળફાની ટેસ્ટ કરાવવી જરૂરી છે જેને સ્પુટમ માઇક્રોસ્કોપી ટેસ્ટ કહે છે.
૪. જે વ્યક્તિને ફેફસાંનો ટીબી નથી પરંતુ બીજી કોઈ જગ્યાએ ગાંઠ થઈ હોય છે એ ગાંઠ કૅન્સરની છે, ટીબીની છે કે સાદી છે એની તપાસ કરવી ખૂબ જ જરૂરી છે. આ ગાંઠ ઉપર તરફ હોય જેમ કે ગળામાં કે હાથમાં તો તરત દેખાઈ આવે છે. જો એ ગાંઠ મગજમાં કે પેટની અંદર હોય તો દેખાતી નથી એટલે એવી વ્યક્તિમાં નિદાન મોડું થાય છે. આવી વ્યક્તિએ સોનોગ્રાફી દ્વારા અને બાયોપ્સી દ્વારા તપાસ કરવી જરૂરી બને છે કે એ ગાંઠ છે શેની. જો ટીબીની ગાંઠ હોય તો એ રીતે ઇલાજ આગળ ચાલે છે.
૫. જો વ્યક્તિને ટીબીનું નિદાન થયું તો એ જાણવું પણ જરૂરી છે કે તેને ડ્રગ રેઝિસ્ટન્ટ ટીબી તો નથી થયોને. એટલે કે ટીબીની દવાઓ એના પર કામ કરશે કે નહીં એ ચકાસ્યા પછી દવાઓનો કોર્સ શરૂ કરી શકાય.
૬. બાળકોમાં ટીબીનું નિદાન અઘરું છે કારણ કે નાનાં બાળકો કફનો ગળફો કાઢી શકતાં નથી એટલે એની ટેસ્ટ કરવી અઘરી પડે છે. જો તેમનું અચાનક વજન ઓછું થઈ જાય અને તેઓ ટીબીના દરદીના સંપર્કમાં આવ્યા છે કે નહીં એ બાબતે વિચારીને તેમનું નિદાન થતું હોય છે.
ગેરફાયદો
આ પરિસ્થિતિમાં ઉદ્ભવતી ગંભીરતા જણાવતાં ડૉ. હરીશ ચાફલે કહે છે, ‘થાય છે એવું કે જ્યારે તમને રોગ નથી ત્યારે ટીબીની દવા તમે અધવચ્ચેથી મૂકી દો એની શક્યતા ઘણી વધી જાય છે. વ્યક્તિ દવા શરૂ કરે અને પછી અધવચ્ચેથી તેને સમજ પડે કે તેને ટીબી નથી કે ખાસ ચિહ્નો નથી અને તે દવાનો કોર્સ પૂરો ન કરે તો ઘણી મોટી તકલીફ ઊભી થાય છે. તેમને ભવિષ્યમાં ડ્રગ રેઝિસ્ટન્સ ટીબી થવાની શક્યતા ઊભી થાય છે. એટલે કે ભવિષ્યમાં આ અધૂરી દવા ખાધેલી વ્યક્તિને ટીબી થાય તો તેના પર પ્રાઇમરી દવાઓ કામ કરતી નથી કારણ કે તેઓ પહેલેથી એ લઈ ચૂક્યા છે. આવું ન થાય એ માટે પણ કોર્સ તો પૂરો કરવો જરૂરી છે. આ દરમિયાન જો લિવર પર અસર થતી લાગે તો નિષ્ણાત ડૉક્ટરને મળીને સમજવું કે શું કરવું જરૂરી છે. પણ એક વસ્તુ નક્કી છે કે દવાનો કોર્સ અધૂરો મૂકવો ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. જેટલું બને એટલું મિસડાયગ્નોસિસ એટલે કે ખોટા નિદાનથી બચવું જરૂરી છે, જેના માટે યોગ્ય નિદાનનાં જરૂરી સ્ટેપ્સ પૂરાં કરવાં જરૂરી છે.’
