ધુરંધર : ધ રિવેન્જમાં જમીલ જમાલીનો રોલ કરનાર રાકેશ બેદીને સુનીલ ગાવસકરે આવી વિનંતી કરી હોવાનો ઍક્ટરનો એકરાર
રવિવારે એક ઇવેન્ટમાં રૅમ્પ-વૉક કરતા રાકેશ બેદી અને રાકેશ રોશન તથા સુનીલ ગાવસકર
‘ધુરંધર : ધ રિવેન્જ’ બૉક્સ-ઑફિસ પર હાઉસફુલ જઈ રહી છે. આ ફિલ્મને લઈને એટલો ક્રેઝ છે કે દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસકરને પણ ટિકિટ મળી રહી નથી અને આ વાતનો ખુલાસો ફિલ્મમાં જમીલ જમાલીનો રોલ કરનાર રાકેશ બેદીએ કર્યો છે.
હાલમાં રાકેશ બેદીએ ફિલ્મના કલેક્શન વિશે વાત કરતાં એક વિડિયો પોસ્ટ કર્યો છે જેમાં કહ્યું છે કે ‘ફિલ્મના કલેક્શન અને પ્રતિસાદની કોઈએ કલ્પના પણ કરી નહોતી એટલાં જબરદસ્ત છે. ઘણા લોકો ખુશ છે, પણ મારી વિનંતી છે કે જ્યારે તમે ફિલ્મ જુઓ ત્યારે એના સીન રેકૉર્ડ કરીને સોશ્યલ મીડિયા પર શૅર ન કરો; ખાસ કરીને ક્લાઇમૅક્સ સીન. આ યોગ્ય નથી.’
રાકેશ બેદીએ આગળ એક રસપ્રદ વાત શૅર કરી. તેમણે કહ્યું કે ‘હાલમાં મારી મુલાકાત ભારતના મહાન ક્રિકેટર સુનીલ ગાવસકર સાથે થઈ હતી. તેમણે મને કહ્યું કે રાકેશજી, ફિલ્મની ટિકિટ નથી મળી રહી, તો જો ક્યાંકથી વ્યવસ્થા થઈ શકે તો કરજો. હવે હું તેમના માટે ટિકિટનો મેળ પાડવાનો પ્રયાસ કરી રહ્યો છું.’
