આપણાં વેદિક અને આધ્યાત્મિક શાસ્ત્રોમાં ત્રણ પ્રકારનાં શરીર કહ્યાં છે; સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીર. આ ત્રણેય કઈ રીતે જુદાં છે અને યોગના કયા અભ્યાસો કઈ રીતે આપણા અસ્તિત્વના આ ત્રણેય ભાગને પ્રભાવિત કરે છે એની વાત કરીએ
પ્રતીકાત્મક તસવીર
આપણે માનીએ છીએ કે જે શરીર દેખાય છે એ જ માત્ર આપણું અસ્તિત્વ છે. જોકે ભારતીય વેદિક પરંપરા અને યોગ વિજ્ઞાનમાં શરીરને જુદા-જુદા દૃષ્ટિકોણથી મૂલવવામાં આવ્યું છે. યોગવિદ્યાનું એ સૌંદર્ય જ છે કે તમને દરેક ગૂંચવણમાંથી બહાર કાઢવા તો સક્ષમ છે જ સાથે ગૂંચવણ ઉકેલીને એમાંથી સાચો માર્ગ આપવાનું કામ યોગ થકી થતું હોય છે. યોગની અકસીરતા અને યોગનો પાવર જ એવો છે કે ગમે ત્યાં કે ગમે તે રીતે ભૂલા પડેલાઓને દિશા ચીંધવાનું કામ એ કરે છે. સામાન્ય વ્યક્તિ તરીકે સ્વસ્થ રહેવાના ધ્યેય સાથે મોટા ભાગના લોકો યોગ તરફ આકર્ષાતા હોય છે અને મજાની વાત એ છે કે શારીરિક, માનસિક અને મનોદૈહિક એટલે કે સાઇકોસમેટિક બીમારીઓ એમ ત્રણેય સ્તર પર યોગથી લાભ સંભવ છે. આજે ભારતીય પરંપરા અને યોગિક વિજ્ઞાનની દૃષ્ટિએ ત્રણ પ્રકારનાં શરીર અને એને પુષ્ટ કરવાના સરળતમ યોગિક રસ્તાઓ પર ચર્ચા કરીએ.
પ્રાણાયામ, ધ્યાન અને શાસ્ત્રીય અધ્યયનથી પુષ્ટ બને સૂક્ષ્મ શરીર
ADVERTISEMENT
ફિઝિકલ બૉડી પછી યોગ સૂક્ષ્મ શરીરને પણ સરખું જ મહત્ત્વ આપે છે અને એને લગતા અભ્યાસો પણ છે. એના વિશે ચર્ચા કરતાં ડૉ. મૃત્યુંજય કહે છે, ‘વેદિક પરંપરા માને છે કે જ્યારે વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે સ્થૂળ શરીર છોડીને નવા જન્મમાં જે નવું સ્થૂળ શરીર વ્યક્તિ ગ્રહણ કરે છે એમાં તેનું સૂક્ષ્મ શરીર સેમ હોય છે. એટલે જ કહેવાય છે કે સંસ્કારો જન્મોજનમ સુધી સાથે રહે છે. મન, બુદ્ધિ અને સંસ્કાર તમારા સૂક્ષ્મ શરીરનો હિસ્સો છે. યોગના તત્ત્વજ્ઞાનના પંચકોષના દૃષ્ટિકોણથી સમજીએ તો પ્રાણમય કોષ (શ્વાસ સાથે સંકળાયેલું શરીરનું લેયર), મનોમય કોષ (મન સાથે સંકળાયેલું શરીરનું લેયર) અને વિજ્ઞાનમય કોષ (વિવેકબુદ્ધિ સાથે સંકળાયેલા શરીરનું લેયર) એમ આ ત્રણ કોષથી આપણું સૂક્ષ્મ શરીર બનેલું છે. મેડિકલની ભાષામાં તમારું શ્વસન તંત્ર, સર્ક્યુલર તંત્ર, ચેતાતંત્ર, પાચનતંત્ર અને ઉત્સર્જન તંત્ર (મળ-મૂત્ર વગેરે દ્વારા શરીરનો કચરો કાઢતું તંત્ર) એ પાંચ મહત્ત્વનાં તંત્ર તમારા સૂક્ષ્મ શરીર સાથે સંકળાયેલાં છે.’
ઉષ્ટ્રાસન
આ પાંચેય તંત્રને અને તમારા મનને રેગ્યુલેટ કરવા માટે પ્રાણાયામ અને ધ્યાનનો અભ્યાસ નિયમિત કરવાથી લાભ થાય. પ્રાણમય કોષ માટે ડૉ. મૃત્યુંજય કહે છે, ‘ભસ્ત્રિકા પ્રાણાયામ, વિભાગીય પ્રાણાયામ, અનુલોમ-વિલોમ પ્રાણાયામ અને ભ્રામરી પ્રાણાયામ એમ ચાર પ્રકારનો અભ્યાસ તમારા સૂક્ષ્મ શરીરની ક્ષમતા વધારવા અને સ્થિતિ સુધારવામાં મદદરૂપ થઈ શકે. માનો તમારું પાચન બરાબર નથી તો આ પ્રાણાયામ મદદ કરે, માનો કે તમને કબજિયાત રહે છે તો આ પ્રાણાયામ મદદ કરે છે, માનો કે મન તમારું સતત વ્યગ્ર અને ઉદ્વિગ્ન રહે છે તો આ પ્રાણાયામ તમને મદદ કરી શકે છે અને શ્વાસને લગતી સમસ્યામાં તો આ પ્રાણાયામનો અભ્યાસ અકસીર છે જ.’
અર્ધમત્સ્યેન્દ્રાસન
એવી જ રીતે મનોમય કોષ અને વિજ્ઞાનમય કોષ માટે કયા અભ્યાસ લાભકારી છે એની વિગતો આપતાં ડૉ. મૃત્યુંજય કહે છે, ‘તમારા બ્રેઇનના મહત્ત્વના અવયવોનો સંબંધ તમારા મનોમય કોષ સાથે છે. તમારી વિચારશીલતા, તમારા શરીરની રિફ્લેક્સ ઍક્શન, તમારી લાગણીઓ, તમારી બૌધિકતા વગેરેને નિખારવા અને બ્રેઇનના તમામ હિસ્સા વ્યવસ્થિત રીતે કામ કરે એવું ઇચ્છતા હો તો કૉન્સન્ટ્રેશનનો અભ્યાસ, ત્રાટકનો અભ્યાસ, કરુણા ધ્યાન એટલે કે દરેક જીવ પ્રત્યે હૃદયમાં કરુણાભાવ જન્માવીને એ ભાવ સાથે એકત્ત્વ સાધવાનો અભ્યાસ, આપણાં શાસ્ત્રોનું વાંચન, નિયમિત નવું શીખતા જવું અને અધ્યયન કરતા રહેવું વગેરે બાબતો મનોમય અને વિજ્ઞાનમય કોષને પ્રબળ કરવામાં મદદ કરશે; જે પણ તમારા સૂક્ષ્મ શરીર સાથે જોડાયેલા છે.’
ભુજંગાસન
ભક્તિ અને ઈશ્વરને સમર્પિત થવાથી સ્ટ્રૉન્ગ બને કારણ શરીર
ત્રીજું શરીર છે જેને આપણે કારણ શરીર કહીએ છીએ. જેમ ઈશ્વરની પરમ સત્તા એક સત્ ચિત્ આનંદના ભાવમાં નિરંતર હોય છે એમ તમારું આ કારણ શરીર પણ એ આનંદમય કોષનું જ પ્રતિપાદન કરે છે. આપણા જન્મોજન્મના સંસ્કારો અને કર્મ આ કારણ શરીરમાં સ્ટોર થતાં હોય છે. ડૉ. મૃત્યુંજય કહે છે, ‘કારણ શરીરને આનંદમય કોષ સાથે સરખાવી શકાય. સત્ ચિત્ આનંદની અવસ્થા આપવા માટે કારણ શરીર સક્ષમ છે. આપણા જન્મોજન્મના દોષો, સ્વભાવગત સંસ્કારો જેમ કે ગુસ્સો, ઈર્ષ્યા, લોભ, લાલચ, કામ, વાસના, મોહ, માયા, અહંકાર વગેરે કારણ શરીર માટે થતી પ્રૅક્ટિસથી પ્રભાવિત થાય છે. ભક્તિયોગ કારણ શરીરને શુદ્ધ કરવાનો શ્રેષ્ઠતમ રસ્તો છે. તમે ભગવાનનાં ગીતો ગાઓ, ઈશ્વરની ભક્તિમાં લીન થઈને જાતને સરન્ડર કરો એટલે
ધીમે-ધીમે દયા, કરુણા, ક્ષમા જેવા ગુણો વિકસિત થતા હોય છે. મનની મલિનતા દૂર થાય છે. એટલે ત્રણેય શરીરમાં સૌથી ઓછા સમજાતા એવા કારણ શરીરને સાધવાનો સરળ રસ્તો છે પ્રભુભક્તિ અને ઈશ્વર પ્રત્યેનો સમર્પણભાવ.’
આસનોથી મજબૂત બને સ્થૂળ શરીર
યોગ નિષ્ણાત ડૉ. મૃત્યુંજય રાઠોર
આપણે જે શરીરનો આકાર જોઈ રહ્યા છીએ; બે હાથ, બે પગ, મોઢું, છાતી એમ શરીરનાં દેખાઈ રહેલાં વિવિધ અંગો, આપણું સ્ટ્રક્ચર એ સ્થૂળ શરીર છે. આપણા શરીરમાં આવેલા ૬૦૦ કરતાં વધુ સ્નાયુઓ, ૨૦૬ જેટલાં હાડકાં અને એ બધું મળીને કુલ ૭૮ મહત્ત્વના અવયવો એ સ્થૂળ શરીરનો ભાગ છે. AIIMSમાં ઍનાટમી વિભાગના અધ્યાપક અને યોગ નિષ્ણાત ડૉ. મૃત્યુંજય રાઠોર કહે છે, ‘શરીરના સ્થૂળ ભાગ પર યોગાસનનો જબરો પ્રભાવ પડતો હોય છે. આસનનો સૌથી મોટો લાભ છે કે એ તમારા સ્નાયુઓની ક્ષમતા વધારીને એમાં સંતુલન લાવવાનું કામ કરે છે. ફિઝિકલ બૉડીમાં પીડાનો પ્રાદુર્ભાવ આ અસંતુલનનું પરિણામ છે. યોગ તમારા અસંતુલનને તોડીને સ્નાયુઓને વધુ દૃઢતા અને સ્ટેબિલિટી પૂરી પાડે છે. આજની આપણી જીવનશૈલીમાં જો સ્થૂળ શરીરને સ્વસ્થ રાખવું હોય તો બે પ્રકારનાં આસન ખાસ કરવાં. બૅકવર્ડ બેન્ડિંગ આસનો જેમાં તમારે છાતીનો ભાગ ચત્તો રાખીને પાછળના ભાગમાં ઝૂકવાનું હોય. એમાં ભુજંગાસન, ઉષ્ટ્રાસન અને સેતુબંધાસન એ ત્રણ મુખ્ય આસન દરેકે દરરોજ ખાસ કરવાં જોઈએ. બીજા નંબરે આવે છે ટ્વિસ્ટિંગ આસનો, જેમાં કરોડરજ્જુમાં મરોડ લાવવાની પ્રક્રિયા થતી હોય છે. વક્રાસન, અર્ધકટિચક્રાસન અને અર્ધમત્સ્યેન્દ્રાસન ઉપયોગી આસન ગણાય એમાં. આધુનિક જીવનશૈલીને કારણે આપણા સ્થૂળ શરીર પર જે દુષ્પ્રભાવ પડી રહ્યો છે એને રિવર્સ કરવામાં આ બે પ્રકારનાં આસનો ખૂબ ઉપયોગી છે.’

