ડેરીના નૅચરલ દૂધમાં સૅચ્યુરેટેડ ફૅટનું પ્રમાણ: વધુ હોય છે જે તમારા લોહીમાં ખરાબ કૉલેસ્ટરોલનું લેવલ વધારી શકે છે, પરિણામે હૃદય સંબંધિત બીમારીનું જોખમ વધે છે. વધુ દૂધથી શરીરમાં પોષક તત્ત્વોનું અસંતુલન સર્જાવાની શક્યતા છે.
પ્રતીકાત્મક તસવીર
અતિ સર્વત્ર વર્જયેત. કોઈ પણ વસ્તુમાં અતિ થઈ જાય તો એ મુસીબત નોતરે છે. આ વાત દૂધની બાબતમાં પણ લાગુ પડે છે. એમાં કોઈ શંકા નથી કે દૂધ પીવાથી શરીરને અનેક લાભ થાય છે, પણ જો એને વધુપડતું પી લેવામાં આવે તો શરીરમાં આડઅસર થઈ શકે છે. આજે એક્સપર્ટ પાસેથી જાણી લઈએ કે ઉંમરના હિસાબે કેટલું દૂધ પીવું અને કયા કેસમાં દૂધ ઓછું પીવું જોઈએ અથવા તો પીવાનું ટાળવું જોઈએ
અભિનેતા બૉબી દેઓલે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે એક સમય એવો હતો જ્યારે હું દિવસના સાત-આઠ ગ્લાસ દૂધ પીતો હતો, હવે મને સમજાય છે કે એનાથી પાચનસંબંધિત સમસ્યા કેમ થતી હતી.
શું ખરેખર દૂધ પીવાથી પેટની તકલીફો થાય? આપણે ત્યાં તો દૂધને એક સંપૂર્ણ આહાર માનવામાં આવે છે અને રોજિંદા આહારમાં એનો સમાવેશ થવો જોઈએ એવું બાળપણથી શીખવવામાં આવ્યું છે. તો શું દૂધની અવળી અસર પણ થાય? હા, જો તમે આવશ્યકતા કરતાં વધુ દૂધનું સેવન કરો તો એનાથી શરીરમાં અનેક તકલીફો ઊભી થાય છે. આજે એક્સપર્ટ પાસેથી દૂધ પીવાના ફાયદા, વધારે દૂધ પીવાના ગેરફાયદા અને ઉંમરના હિસાબે દરરોજ કેટલું દૂધ પીવું જોઈએ એ જાણીએ.
ADVERTISEMENT
દૂધ પીવાના ફાયદા
દૂધ પીવાથી શરીરને કયા સ્વાસ્થ્ય સંબંધિત લાભો થાય છે એ વિશે જણાવતાં ડાયટિશ્યન જિજ્ઞા ઠક્કર કહે છે, ‘દૂધમાં કૅલ્શિયમ, પ્રોટીન અને વિટામિન D સારા પ્રમાણમાં જોવા મળે છે. દૂધમાં રહેલું કૅલ્શિયમ અને વિટામિન D તમારાં હાડકાંઓ અને દાંતને મજબૂત બનાવવાનું કામ કરે છે. શાકાહારીઓ માટે પ્રોટીનનો કોઈ સારો વિકલ્પ હોય તો એ દૂધ જ છે. દૂધમાં રહેલું પ્રોટીન માંસપેશીઓને મજબૂત બનાવે છે તેમ જ આપણી ત્વચા અને વાળના સ્વાસ્થ્યને સારું રાખે છે. દૂધમાં રહેલું વિટામિન A આંખોની રોશની વધારવામાં મદદરૂપ થાય છે. દૂધમાં રહેલાં સોડિયમ, પોટૅશિયમ જેવા ઇલેક્ટ્રૉલાઇટ્સ શરીરને હાઇડ્રેટ રાખવાનું કામ કરે છે એટલું જ નહીં, દૂધમાં રહેલા લૅક્ટોસ (મિલ્ક શુગર) શરીરને એનર્જી આપે છે. દૂધમાં બ્લડ-પ્રેશરને નિયંત્રણમાં રાખતાં કૅલ્શિયમ, પોટૅશિયમ, મૅગ્નેશિયમ જેવાં ન્યુટ્રિઅન્ટ્સ છે.’

જિજ્ઞા ઠક્કર, ડાયટિશ્યન
કેટલું દૂધ પીવું જોઈએ?
દૂધનો રોજિંદા આહારમાં સમાવેશ કરવો જરૂરી છે પણ ઉંમરના હિસાબે વ્યક્તિએ કેટલું દૂધ પીવું જોઈએ એનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. આ વિશે માહિતી આપતાં જિજ્ઞા ઠક્કર કહે છે, ‘સામાન્ય રીતે છ મહિનાથી બે વર્ષ સુધીનાં બાળકોએ ૧૦૦-૩૦૦ મિલીલીટર, બેથી આઠ વર્ષનાં બાળકોએ ૩૦૦થી ૬૦૦ મિલીલીટર, નવથી ૧૮ વર્ષ સુધીના કિશોરોએ ૩૦૦-૭૫૦ મિલીલીટર, ૧૯-૫૯ વર્ષ સુધીના યુવાનો અને આધેડોએ ૩૦૦થી ૬૦૦ મિલીલીટર અને ૬૦થી વધુ ઉંમરના વયસ્કોએ ૩૦૦થી ૫૦૦ મિલીલીટર જેટલું દૂધ રોજ પીવું જોઈએ. ખાસ કરીને બાલ્યાવસ્થા અને કિશોરાવસ્થામાં દૂધની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હોય છે, કારણ કે એમાં શરીરના ગ્રોથ અને ડેવલપમેન્ટ માટેનાં તમામ જરૂરી ન્યુટ્રિઅન્ટ્સ હોય છે. ગર્ભવતી મહિલાઓ અને સ્તનપાન કરાવતી મહિલાઓએ તેમની ડાયટમાં શરીરની કૅલ્શિયમની જરૂરિયાત પૂરી થાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. એ સિવાય વધતી ઉંમર સાથે આપણી બોન-ડેન્સિટી ઓછી થતી જાય છે અને હાડકાંઓ નબળાં પડવા લાગે છે. એટલે બોન-લૉસની ઝડપ ઓછી કરવા માટે પણ પૂરતા પ્રમાણમાં કૅલ્શિયમ લેવું જરૂરી છે. આહારમાં દૂધનો સમાવેશ કરવામાં આવે તો એ એની અછત આરામથી પૂરી કરી શકે છે.’
વધારે દૂધ પીવાના ગેરફાયદા
દૂધ પીવાના ઘણા ફાયદાઓ છે, પણ વધુપડતું દૂધ પિવાઈ જાય તો તબિયત બગડતાં વાર લાગતી નથી. વધુપડતું દૂધ પીવાથી કઈ સમસ્યા થઈ શકે છે એ વિશે સમજાવતાં જિજ્ઞા ઠક્કર કહે છે, ‘ફુલ ફૅટ મિલ્કમાં ચરબીનું પ્રમાણ વધુ હોય છે. દૂધનું વધુ પ્રમાણમાં સેવન કરીએ તો કૅલરી ઇન્ટેક વધી શકે છે, જે લાંબા ગાળે તમારું વજન વધારી શકે છે. એટલે જે લોકો વેઇટલૉસ જર્ની પર હોય તેમને ફુલ ફૅટ મિલ્ક ન પીવાની સલાહ આપવામાં આવે છે. એવી જ રીતે હોલ મિલ્ક એટલે કે પ્રક્રિયા કર્યા વગરના ડેરીના નૅચરલ દૂધમાં સૅચ્યુરેટેડ ફૅટનું પ્રમાણ વધુ હોય છે જે તમારા લોહીમાં ખરાબ કૉલેસ્ટરોલનું લેવલ વધારી શકે છે, પરિણામે હૃદય સંબંધિત બીમારીનું જોખમ વધે છે. જો તમે વધુ દૂધ પી લો તો તમારા શરીરમાં પોષક તત્ત્વોનું અસંતુલન સર્જાવાની શક્યતા છે. દૂધ પીધા પછી પેટ ભરાઈ ગયું હોય એવું લાગે એટલે તમે શરીર માટે આવશ્યક બીજી વસ્તુઓ ન ખાઓ અથવા તો ઓછી ખાઓ તો એને કારણે તમારા શરીરમાં કેટલાંક આવશ્યક ન્યુટ્રિઅન્ટ્સની અછત થઈ શકે છે. એ સિવાય વધુપડતું દૂધ પીવાથી ખોરાકમાંથી આયર્ન શોષવાની શરીરની ક્ષમતાને અસર પહોંચાડે છે, જેને કારણે આપણા શરીરમાં આયર્નની અછત સર્જાઈ શકે છે એટલું જ નહીં, વધુપડતું દૂધ પીવાથી શરીરમાં કૅલ્શિયમનું પ્રમાણ વધી શકે છે. આમ તો આપણી બૉડી પેશાબના માધ્યમથી એને બહાર કરી દે છે, પણ એમ છતાં જો લોહીમાં વધુપડતું કૅલ્શિયમ હોય તો એનાથી કિડની-સ્ટોન થઈ શકે છે.’
કોણે દૂધથી દૂર રહેવું?
આમ તો દૂધ સ્વાસ્થ્ય માટે સારું છે, પણ એમ છતાં અમુક લોકોએ એનાથી દૂર રહેવું જોઈએ. આ વિશે જિજ્ઞા ઠક્કર કહે છે, ‘ઘણા લોકોને લૅક્ટોસ (દૂધમાં જોવા મળતી શુગર) ઇન્ટૉલરન્સની સમસ્યા હોય છે, જેમાં તેમનું શરીર દૂધ પચાવી શકતું નથી. એટલે આવા લોકો જો દૂધ પીએ તો તેમને પેટમાં દુખાવો, ગૅસ, ડાયેરિયા, બ્લોટિંગ જેવી સમસ્યા થઈ શકે છે. PCOD અને PCOS (હૉર્મોનલ ઇમ્બૅલૅન્સ)ની સમસ્યા હોય એ મહિલાઓને પણ દૂધ અને ડેરી પ્રોડક્ટ્સનું સેવન ઓછું કરવાની અથવા તો એનાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. દૂધમાં નૅચરલી જોવા મળતાં કેટલાંક હૉર્મોન્સ તેમ જ ગાય-ભેંસોને (દૂધનું ઉત્પાદન વધારવા) આપવામાં આવતા હૉર્મોન્સનાં ઇન્જેકશનને કારણે એ દૂધમાં ટ્રાન્સફર થાય અને એમાંથી વ્યક્તિના શરીરમાં આવે છે જે હૉર્મોનલ ઇમ્બૅલૅન્સની સમસ્યાને વધારી શકે છે. જેમને ઍક્ને (ખીલ)ની સમસ્યા હોય તેમને પણ દૂધ ન પીવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે એમાં રહેલાં હૉર્મોન્સ શરીરમાં ઇન્ફ્લમેશન (બળતરા) વધારી શકે છે.’
બીજા શેમાંથી કૅલ્શિયમ મળે?
દૂધ પ્રોટીન અને કૅલ્શિયમનો સારો સ્રોત છે, પણ ઘણા લોકોને એ પચતું નથી અથવા તો કોઈ ને કોઈ હેલ્થ-ઇશ્યુઝને કારણે તેમને દૂધ ન પીવાની સલાહ ડૉક્ટટર આપતા હોય છે. આવા સમયે કૅલ્શિયમ અને પ્રોટીન મળી રહે એવું બીજું ફૂડ ખાવું જરૂરી બની જાય છે. જિજ્ઞા ઠક્કર જણાવે છે, ‘રાગી, નટ્સ (બદામ, અખરોટ) ઍન્ડ સીડ્સ (ખસખસ, તલ, ચિયા સીડ્સ) આ કેટલાંક એવાં ફૂડ છે જેમાં સારા પ્રમાણમાં કૅલ્શિયમ હોય છે. એવી જ રીતે પ્રોટીન માટે તમે ફણગાવેલાં કઠોળ, દાળ (મસૂર, મગ, ચણા દાળ), નટ્સ અને સીડ્સ, તોફુ વગેરેનો તમારા આહારમાં સમાવેશ કરી શકો છો. એ સિવાય ઘણા લોકો ઍનિમલ બેઝ્ડ (ગાય-ભેંસ)ના દૂધને બદલે પ્લાન્ટ બેઝ્ડ એટલે કે સોય મિલ્ક, કોકોનટ મિલ્ક, આમન્ડ મિલ્ક, કૅશ્યુ મિલ્ક લેવાનું પ્રિફર કરતા હોય છે.’


