બીજા કયા પર્યાયો છે જેનો સીધો સંબંધ તમારા કૉન્સન્ટ્રેશન સાથે છે એ જાણી લો
પ્રતીકાત્મક તસવીર
એકાગ્રતા હવે નવા જમાનાની સૌથી મહામૂલી મૂડી બની રહી છે. લોકો હવે બધું જ કરી શકે છે પરંતુ એકચિત્તે કોઈ કામ નથી કરી શકતા. એકધારા કામનું સ્ટ્રેસ અને વધી રહેલા સોશ્યલ મીડિયા ડિસ્ટ્રૅક્શનની બહુ જ ઘેરી અસર આપણા અટેન્શન સ્પૅન પર પડી છે ત્યારે ફોકસ સુધારવા માટે સેલિબ્રિટીઝ નિતનવા રસ્તાઓ શોધી રહી છે. થોડાક સમય પહેલાં ટીવી-ઍક્ટર વિવેદ દહિયાએ એકાગ્રતા વધારવા કલરિંગ બુકનો સહારો લીધો. આવા બીજા કયા પર્યાયો છે જેનો સીધો સંબંધ તમારા કૉન્સન્ટ્રેશન સાથે છે એ જાણી લો.
હજી થોડા દિવસ પહેલાં જ અભિનેતા વિવેક દહિયાએ ખુલાસો કર્યો હતો કે તે દરરોજ સાંજે પાંચથી છ વાગ્યા સુધી કલરિંગ બુક લઈને એમાં રંગ પૂરવા બેસે છે. તેણે કહ્યું હતું કે દિવ્યાંકાએ મને એક કલરિંગ બુક આપી છે. હું એક જગ્યાએ સ્થિર બેસી શકતો નથી. મારે ફોકસ વધારવાની જરૂર છે એટલે હું દરરોજ સાંજે પાંચથી છ વાગ્યા વચ્ચે બુકમાં કલર કરવાનું કામ કરું છું. મારા માટે આ એક મેડિટેશન સમાન છે. નિષ્ણાતોનું પણ માનવું છે કે ડ્રૉઇંગ અને કલરિંગ ફક્ત એક ક્રીએટિવ ઍક્ટિવિટી નથી પણ સાથે-સાથે ધૈર્ય અને એકાગ્રતા શીખવા માટેનું ઉત્તમ સાધન છે. સ્કૂલનાં બાળકોને પણ ભણાવવાની સાથે આર્ટ અને ક્રાફ્ટની ઍક્ટિવિટી કરાવવામાં આવે છે. આનું કારણ એ છે કે બાળકો ભણવાના સ્ટ્રેસમાંથી થોડી રાહત મેળવી શકે, તેમની વિચારવાની શક્તિ વધે, તેમની એકાગ્રતા વધે તેમ જ ધીરજ રાખતાં શીખે. જોકે આપણે જેમ મોટા થતા જઈએ એમ આ બધી પ્રવૃત્તિઓ છૂટી જાય છે, પણ બાળકોની જેમ મોટાઓ માટે પણ આવી ઍક્ટિવિટી કરવી ખૂબ જરૂરી છે.
ADVERTISEMENT
ડ્રૉઇંગ અને પેઇન્ટિંગ
આપણામાંથી મોટા ભાગના લોકોએ સ્કૂલ પૂરી થયા બાદ ચિત્રકામ હાથમાં લીધું નહીં હોય, પણ આ પ્રવૃત્તિ કરવી બાળકોની જેમ આપણા માટે પણ એટલી જ મહત્ત્વની છે. આનું કારણ સમજાવતાં કન્સલ્ટન્ટ સાઇકિયાટ્રિસ્ટ ડૉ. ફિઓના મહેતા ગોર કહે છે, ‘આપણે જે વસ્તુની શબ્દોથી અભિવ્યક્તિ ન કરી શકીએ એને વ્યક્ત કરવા માટે આર્ટ એક ઉત્તમ માધ્યમ છે. આર્ટના માધ્યમથી ઇમોશન્સને આપણે સરળતાથી એક્સપ્રેસ કરી શકીએ. એટલે જ ઘણા કેસમાં ડિપ્રેશન અને ઍન્ગ્ઝાયટીનો સામનો કરી રહેલા લોકોને આર્ટ થેરપી આપવામાં આવે છે. એ સિવાય આનાથી માઇન્ડફુલનેસ એટલે કે વર્તમાનમાં રહેવાની જાગૃતિ વધે છે. પેઇન્ટિંગ કરતી વખતે આપણે એ કામ એટલું ધ્યાનપૂર્વક કરતા હોઈએ છીએ કે આપણે ભૂતકાળ કે ભવિષ્યની બધી જ ચિંતાઓ ભૂલી જઈએ છીએ. આનો ફાયદો એ થાય કે તમે રિલૅક્સ ફીલ કરો. એ સિવાય ઘણી વાર આપણે મનમાં વિચાર્યું કંઈ બીજું હોય, પણ બની કંઈક બીજું રહ્યું હોય ત્યારે આપણે આપણા મગજના ઘોડા દોડાવીને એને કરેક્ટ કરવાનો પ્રયત્ન કરીએ. તો આ રીતે પેઇન્ટિંગ તમારી પ્રૉબ્લેમ સૉલ્વિંગ સ્કિલ પણ સુધારે છે. એ સિવાય ડૂડલ, મંડલા આર્ટ જેવી ઍક્ટિવિટી તમારો કૉન્સન્ટ્રેશન પાવર વધારવામાં ખૂબ મદદરૂપ બને કારણ કે એમાં રહેલી ઝીણી-ઝીણી ડિઝાઇન ખૂબ ફોકસ થઈને કરવી પડે.’
પઝલ્સ અને મેમરી-ગેમ્સ
જો તમે છાપામાં આવતી પઝલ્સ દરરોજ સૉલ્વ કરતા હો તો સમજી જજો કે તમે ટાઇમપાસ નથી કરતા પણ તમારો ટાઇમ સારી વસ્તુમાં ઇવેસ્ટ કરી રહ્યા છો, કારણ કે એનાથી તમારું બ્રેઇન સ્ટ્રૉન્ગ થાય છે. આ વિશે વાત કરતાં ડૉ. ફિઓના કહે છે, ‘તમે જિગ્સૉ, સુડોકુ, ક્રૉસવર્ડ્સ, મિસિંગ આઇટમ જેવી પઝલ્સ અને મેમરી-ગેમ્સ સૉલ્વ કરો તો એનાથી તમારું ફોકસ વધવાની સાથે પણ બીજા ઘણા ફાયદા થાય છે. આ એવી ઍક્ટિવિટી છે જેમાં તમારે વિચારવા માટે મગજ પર જોર નાખવું પડે. એટલે તમારા માઇન્ડ માટે આ વસ્તુ એક વર્કઆઉટની જેમ કામ કરે છે. તમે આવી પ્રવૃત્તિ કરો ત્યારે તમારા બ્રેઇનના વિવિધ પાર્ટ્સને ઍક્ટિવેટ કરે છે. આનાથી તમારી યાદશક્તિ સારી થાય. ઑલ્ઝાઇમર્સ અને ડિમેન્શિયા જેવી ભૂલવાની બીમારીમાં એની અસર ઓછી કરવામાં આ ઍક્ટિવિટી મદદરૂપ થાય છે. તમારી નિર્ણય લેવાની અને સમસ્યા ઉકેલવાની ક્ષમતા વધે છે એટલું જ નહીં, એનાથી આપણી ક્રિટિકલ અને ઍનૅલિટિકલ થિન્કિંગ સ્કિલ સુધરે છે. એ સિવાય આપણે કોઈ પઝલ સૉલ્વ કરવા બેસીએ ત્યારે ખૂબ જ પેશન્સ રાખવું પડતું હોય છે અને એ ઉકેલાઈ ન જાય ત્યાં સુધી આપણે પ્રયત્ન કરતા રહીએ છીએ. એટલે એનાથી આપણામાં ધીરજનો તેમ જ સતત પ્રયત્નશીલ રહેવાનો ગુણ કેળવાય છે.’
ગૂંથણકામ-ભરતકામ
એક સમયમાં ગૃહિણીઓ ગૂંથણકામ અને ભરતકામ જેવી પ્રવૃત્તિમાં વ્યસ્ત રહેતી પણ ધીમે-ધીમે આ કળા વિસરાઈ રહી છે. આજની આધુનિક ગૃહિણીઓએ પણ સમય મળે ત્યારે આવી પ્રવૃત્તિમાં હાથ અજમાવવો જોઈએ. એનું કારણ સમજાવતાં ડૉ. ફિઓના કહે છે, ‘આપણા ગૂંથણકામ-ભરતકામ જેવી ઍક્ટિવિટી તમારા બ્રેઇન અને હાથને એકસાથે કામ કરવા માટે ફોર્સ કરે છે, જેને કારણે તમારી ફાઇન મોટર સ્કિલ્સ ઇમ્પ્રૂવ થાય છે. જેમને ગ્રિપિંગ (હાથની પકડ)નો પ્રૉબ્લેમ હોય અથવા તો જેમના હાથમાંથી વારંવાર વસ્તુઓ છટકી જતી હોય તેમને ગૂંથણકામથી ફાયદો મળે છે, કારણ કે એમાં હાથની નાની-નાની આંગળીઓનો ઉપયોગ થતો હોવાથી એ મજબૂત થતી જાય છે. એ સિવાય ઘણા રિસર્ચમાં એવું કહેવાય છે કે અમુક બીમારીઓ, જેમાં બહુ પીડા થતી હોય જેમ કે કૅન્સર તો એમાં પેશન્ટને ગૂંથણકામ જેવી ઍક્ટિવિટી કરાવવામાં આવે છે, કારણ કે એમાં તેમનું માઇન્ડ એટલુંબધું એન્ગેજ થઈ જાય છે કે તેઓ તેમનું દર્દ ભૂલી જાય છે એટલું જ નહીં, જ્યારે આપણે એક લયમાં ગૂંથણકામ-ભરતકામ કરતા હોઈએ તો સેરોટોનિન હૉર્મોન (જે તમારો મૂડ બૂસ્ટ કરવા માટે જવાબદાર છે) રિલીઝ થાય છે, જે આપણને મનમાં શાંતિ અને આનંદની અનુભૂતિ કરાવે છે. એ સિવાય ગૂંથણકામ-ભરતકામ એક એવી વસ્તુ છે જેમાં ખૂબ જ ધીરજ અને ખંતથી કામ કરવું પડે એટલે ધીરે-ધીરે એ ગુણ આપણે જે પણ કામ કરીએ એમાં પણ કેળવાય.’
સંગીતવાદ્યો શીખવાં
દરેકે જીવનમાં કોઈ એક મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતાં તો શીખવું જ જોઈએ. આ ફક્ત એક હૉબી નથી પણ માઇન્ડ ફિટ રાખવા માટેનું વર્કઆઉટ પણ છે. આ વિશે વધુ માહિતી આપતાં ડૉ. ફિઓના કહે છે, ‘આપણી બૉડીને ફિટ રાખવા માટે આપણે ફિઝિકલ એક્સરસાઇઝ કરીએ એવી જ રીતે જ્યારે કોઈ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડીએ ત્યારે એ મેન્ટલ વર્કઆઉટનું કામ કરે છે. આપણે જ્યારે કોઈ પણ સંગીતવાદ્ય વગાડીએ છીએ ત્યારે બ્રેઇન સ્ટિમ્યુલેટ થાય છે, જે તમારી મેમરીની કૅપેસિટી વધારે છે. મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ શીખવાની પ્રક્રિયામાં આપણી ટાઇમ મૅનેજમેન્ટ અને ઑર્ગેનાઇઝેશનલ સ્કિલ પણ સુધરે છે. એ સિવાય ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતી વખતે આપણે પીચ, રિધમ, ટેમ્પો બધી વસ્તુનું ધ્યાન રાખવું પડે એટલે એને કારણે આપણું કૉન્સન્ટ્રેશન લેવલ પણ વધે. ઉપરાંત પિયાનો, ગિટાર જેવાં કેટલાંક મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતી વખતે હૅન્ડ-આઇનું કો-ઑર્ડિનેશન ઇમ્પ્રૂવ થાય છે; જે રાઇટિંગ, ડ્રાઇવિંગ, કુકિંગ જેવાં ઘણાં કામ કરવા માટે જરૂરી હોય છે એટલું જ નહીં, જો તમે દરરોજ થોડો સમય માટે તમને ગમતું સંગીતવાદ્ય વગાડો તો એનાથી તમારો મૂડ સારો થઈ જાય છે.’


