Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > પારિવારિક પ્રૉબ્લેમ્સનો ભોગ આપણાં બાળકો બની રહ્યાં છે?

પારિવારિક પ્રૉબ્લેમ્સનો ભોગ આપણાં બાળકો બની રહ્યાં છે?

16 September, 2022 02:20 PM IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

જે પરિવારે તેને દુનિયાની તકલીફોથી સુરક્ષા આપવાની હતી એ જ પરિવાર બાળકના આપઘાતનું કારણ બને ત્યારે સમાજ તરીકે આપણને ચિંતા થવી જરૂરી છે એટલું જ નહીં, આત્મમંથનની પણ જરૂર છે કે આપણે ક્યાં ખોટા જઈ રહ્યા છીએ

પારિવારિક પ્રૉબ્લેમ્સનો ભોગ આપણાં બાળકો બની રહ્યાં છે?

હેલ્થ ઇઝ વેલ્થ

પારિવારિક પ્રૉબ્લેમ્સનો ભોગ આપણાં બાળકો બની રહ્યાં છે?


ચોંકાવનારી વાત એ છે કે ૨૦૨૧માં ૩૨૩૩ બાળકોએ ફૅમિલી પ્રૉબ્લેમ્સને કારણે આપઘાત કર્યો હતો. જે પરિવારે તેને દુનિયાની તકલીફોથી સુરક્ષા આપવાની હતી એ જ પરિવાર બાળકના આપઘાતનું કારણ બને ત્યારે સમાજ તરીકે આપણને ચિંતા થવી જરૂરી છે એટલું જ નહીં, આત્મમંથનની પણ જરૂર છે કે આપણે ક્યાં ખોટા જઈ રહ્યા છીએ

જિગીષા જૈન 
jigisha.jain@mid-day.com



કેસ-૧   ત્રણ અઠવાડિયાં પહેલાં બૅન્ગલોરમાં ૯ વર્ષની છોકરીએ ગળાફાંસો ખાઈ લીધો, કારણ કે તેનાં મમ્મી-પપ્પા તેને શૉપિંગ પર ન લઈ ગયાં. મમ્મી-પપ્પા તેના બીજા બે ભાઈઓને લઈને શૉપિંગ પર ગયાં ત્યારે તેને ઘરે રહીને ભણવાનું કહ્યું. છોકરીને પણ સહજ રીતે શૉપિંગ પર જવું હતું એટલે તેણે જીદ કરી, પરંતુ તેના પિતાજી માન્યા નહીં. એ જ દિવસે તેઓ પેરન્ટ્સ-ટીચર્સ મીટિંગમાં ગયા હતા અને ટીચરે કહ્યું હતું કે તેને થોડું ભણવામાં ધ્યાન લગાવો. પિતાજીએ કહ્યું, તું શૉપિંગ પર પછી જજે અને અત્યારે ભણી લે. આવું કહીને માતા-પિતા બીજા બન્ને ભાઈઓ જોડે શૉપિંગ પર ગયાં અને પાછળથી ૯ વર્ષની દીકરીએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું. 


કેસ-૧   જૂનમાં ૧૬ વર્ષના છોકરાએ મલાડ અને કાંદિવલી વચ્ચેના રેલવે ટ્રૅક પર ઝંપલાવીને જીવનનો અંત આણ્યો, જેનું કારણ એ હતું કે તે જે ઑનલાઇન ગેમ્સ રમતો હતો એ ગેમ્સ રમવાનું છોડાવીને તેની મમ્મીએ તેને ભણવા બેસવાનું કહ્યું. તેણે ગેમ માટે જીદ કરી તો પણ એ ગેમ તેની માએ તેને ન આપી. આના પરિણામે આ છોકરાએ ઘરે સુસાઇડ નોટ પણ છોડી અને પોતાના પેરન્ટ્સ પ્રત્યે નારાજગી બતાવી હતી અને એ નારાજગી સાથે તેણે આત્મહત્યા કરી.

કેસ-૧   જુલાઈમાં રાજસ્થાનમાં ૧૫ વર્ષના છોકરાને નવો સ્કૂલ યુનિફૉર્મ જોઈતો હતો એ માટે તેણે તેની વર્કિંગ મધરને કહ્યું ત્યારે મમ્મી ગુસ્સે થઈ ગઈ, કારણ કે તે સ્કૂલ ટીચર હતી અને અને સ્કૂલ જવામાં મોડું થતું હતું. બાળકના પિતા નહોતા જેથી મમ્મી પર બધી જવાબદારી હતી. મમ્મીના ગુસ્સાથી આહત થઈને બાળકે આત્મહત્યા કરી અને ચિઠ્ઠીમાં મમ્મીને લખતો ગયો કે હવે તું ક્યારેય સ્કૂલે મોડી નહીં પડે. મારા તરફથી તને હું આ બેસ્ટ બર્થ-ડે ગિફ્ટ આપી રહ્યો છું. 


આ બધા હકીકતમાં બનેલા બનાવો છે. હાલમાં નૅશનલ ક્રાઇમ રેકૉર્ડ્સ બ્યુરો (NCRB)એ ૨૦૨૧ના બહાર પાડેલા આંકડાઓમાં આપઘાતના આંકડાઓ ખરેખર ચોંકાવનારા છે. એમાં ૧૮ વર્ષથી નીચેનાં કુલ ૧૦,૭૩૦ બાળકોએ આપઘાત કર્યો હતો, જેમાં ૫૦૭૫ છોકરાઓ છે અને ૫૬૫૫ છોકરીઓ છે. આમ તો આપઘાત કરવા માટે કોઈ પણ કારણ વાજબી ગણાય જ નહીં, પરંતુ ઉપરોક્ત બનાવોમાં જે પણ કારણો છે એ કારણો જાણીને કોઈ પણ વ્યક્તિને લાગે કે આવા નજીવા કારણસર બાળકો આવું પગલું ભરે એ કેટલા અંશે યોગ્ય? 

રિપોર્ટ 

NCRBના આંકડાઓ મુજબ ૨૦૨૧માં ચાર મુખ્ય કારણો છે જેને લીધે ૧૮ વર્ષથી નીચેનાં બાળકો આપઘાત કરે છે. એમાં એક્ઝામમાં ફેલ થવાને કારણે, માંદગીને કારણે, પ્રેમ પ્રકરણને કારણે અને ફૅમિલી પ્રૉબ્લેમ્સને કારણે એ ચાર મુખ્ય કારણો છે. આમાં ફૅમિલી પ્રૉબ્લેમ્સ મુખ્ય કારણ છે જેને લીધે સૌથી વધુ ૩૨૩૩ બાળકોએ આપઘાત કર્યો હતો. ભારત જેવો સંસ્કારી દેશ જ્યાં ફૅમિલીનો બૉન્ડ ખૂબ સ્ટ્રૉન્ગ છે, આપણને આપણા પરિવાર એકમ પર ભારોભાર ગર્વ છે તો પછી આજે આપણાં બાળકોની આવી હાલત કેમ છે કે ફૅમિલી પ્રૉબ્લેમ્સને કારણે તેમણે આત્મહત્યા કરવી પડે?  

વિખેરાયેલું ફૅમિલી યુનિટ

આ બાબતે વાત કરતાં સાઇકિયાટ્રિસ્ટ ડૉ. શ્યામ મીથિયા કહે છે, ‘જે સ્ટ્રૉન્ગ ફૅમિલી યુનિટની આપણે વાત કરીએ છીએ એ જૉઇન્ટ ફૅમિલી યુનિટ હતું. આજની તારીખે ન્યુક્લિયર ફૅમિલીઝ થઈ ગયાં છે. માતા-પિતા બન્ને કામ પર જાય. બાળકો માટે સમય હોય નહીં અને એને કારણે આપણાં બાળકો એકાકી બની ગયાં છે. ગૅજેટ્સ એમના મિત્રો બની ગયાં છે. માતા-પિતાના જીવનમાં એટલુંબધું સ્ટ્રેસ છે કે એની અસર બાળકો પર થયા વગર રહેતી નથી. મમ્મી-પપ્પા વચ્ચે પહેલાં આટલુંબધું દ્વંદ્વ નહતું જે આજની તારીખે છે. આ બધો બદલાવ સામાજિક સ્તર પર આવ્યો છે એને કારણે લોકોના માનસિક સ્તરો પણ બદલાય જ છે. વળી આપણને એવો પ્રશ્ન થાય કે આટલાં નાનાં બાળકોના મગજમાં મરવાનો ઑપ્શન આવે છે જ ક્યાંથી? આજનાં બાળકોને એટલું એક્પોઝર છે કે તેમને આ બાબતે બધી ખબર હોય જ છે.’ 

શું બાળકો વધુ સેન્સિટિવ છે? 

આટલી અમથી વાતમાં ખરાબ લાગી જાય અને બાળક આત્મહત્યા સુધી પહોંચી જાય તો શું આજકાલ બાળકો વધુ સેન્સિટિવ છે? આ પ્રશ્નનો જવાબ નકારમાં આપતાં ડૉ. શ્યામ મીથિયા કહે છે, ‘બાળકોને પોતાની સેન્સિટિવિટીને હૅન્ડલ કરતાં આવડતું નથી. એટલે કોઈ નાની શી વાતને મોટું સ્વરૂપ અપાઈ જાય છે. આ માટે બાળકોને પહેલેથી પૂરતો સમય આપ્યો હોય તો તકલીફ થતી નથી. તેમને સાંભળવામાં આવે, સમજવામાં આવે અને તેમની લાગણીઓ ધરબાય નહીં પરંતુ યોગ્ય રીતે બહાર આવે તો આવી તકલીફો ન થાય. જો ફૅમિલી આ સમય કે કમ્ફર્ટ આપી ન શકે તો મિત્રો, સ્કૂલના ટીચર્સ કે પાડોશી પણ એને મદદ કરી શકે છે.’ 

છોકરીઓમાં પ્રૉબ્લેમ વધુ 

આંકડાઓ મુજબ પણ છોકરીઓના આપઘાતનું પ્રમાણ છોકરાઓ કરતાં વધુ છે. એ બાબતે ચિંતા વ્યક્ત કરતાં સાઇકિયાટ્રિસ્ટ હરીશ શેટ્ટી કહે છે, ‘ખાસ કરીને ટીનેજ કે કિશોર વયના છોકરાઓ પોતાનામાં આવતા બદલાવોને વ્યવસ્થિત હૅન્ડલ કરી લે છે. કોઈના પ્રેમમાં પડે અને બ્રેક-અપ થાય તો પણ પોતાનાં ઇમોશન્સને ઍવરેજ છોકરાઓ થોડા ઠીકઠાક હૅન્ડલ કરી શકે છે, છોકરીઓ એવું નથી કરી શકતી. તેના માટે આ બાબત જીવન-મરણની ન બને એ માટે તેને ઇમોશનલી સ્ટ્રૉન્ગ બનાવવી જરૂરી છે, જે પરવરિશનો જ એક ભાગ હોવો જોઈએ. સ્કૂલોમાં પણ લાઇફ-સ્કિલ્સ પ્રોગ્રામ ચલાવવા જોઈએ.’ 

મેન્ટલ હેલ્થ પર ફોકસ જરૂરી 

નાની વયનાં હજારો બાળકોએ આત્મહત્યા કરવી પડે એવી પરિસ્થિતિ આ દેશ માટે ઇમર્જન્સીથી નાની બાબત નથી એમ સમજાવતાં ડૉ. હરીશ શેટ્ટી કહે છે, ‘આપણે ત્યાં મેન્ટલ હેલ્થને હજી પણ ગંભીરતાથી લેતા નથી એ દુઃખની વાત છે. મલેરિયા, ડેન્ગી કે ટીબી જેવા ભયાવહ રોગથી પણ વધુ લોકો આત્મહત્યા કરીને મરી રહ્યા છે ત્યારે જરૂર છે કે દેશ જાગે અને મેન્ટલ હેલ્થનું મહત્ત્વ સમજે. આપણાં બાળકો શારીરિક રીતે સ્વસ્થ છે કે નહીં એની આપણને પરવા હોય તો સાથે-સાથે માનસિક રીતે પણ એ સ્વસ્થ છે કે નહીં એ સમજવું પણ એટલું જ જરૂરી છે.’

૩-૪ આપધાત રોજ 

૨૦૨૧માં ભારતમાં ૧.૬૪ લાખ લોકોએ આપઘાત કર્યો છે. જે આંકડો ૨૦૨૦ના આંકડા કરતા ૭.૨ ટકાનો વધારો નોંધાવે છે. લગભગ દર લાખ લોકોએ ૧૨ જણ આપઘાત કરે છે. આ રિપોર્ટ મુજબ મહારાષ્ટ્ર રાજ્યમાં સૌથી વધુ આપઘાત થયા છે. મુંબઈની વાત કરીએ તો મુંબઈમાં કુલ ૧૪૩૬ આપઘાતના કેસ નોંધાયા છે. આંકડાઓ કહે છે કે મુંબઈમાં દરરોજ ૩-૪ આપઘાત થાય છે. 

ભણતરના ભારની બાબતમાં પરિસ્થિતિ સુધરી 

૧૮ વર્ષથી નીચેનાં બાળકોમાં એક કારણ પરીક્ષામાં ફેલ થવાનું પણ છે જ. ૨૦૧૯માં ૧૫૭૭ બાળકોએ ફેલ થવાને કારણે આત્મહત્યા કરી હતી અને ૨૦૨૧માં આ આંકડો ૮૬૪ જેટલો ઓછો થયો છે. એક રીતે આ સારા સમાચાર છે પણ ૨૦૧૬ની સાથે જો એની સરખામણી કરીએ તો છેલ્લાં પાંચ વર્ષમાં એક્ઝામમાં ફેલ થવાને કારણે આત્મહત્યા કરનાર બાળકોની સંખ્યામાં ૨૭ ટકા જેટલો વધારો થયો હતો. આટઆટલા પ્રયાસો, આટઆટલી જાગૃતિ લાવવા છતાં ભણતરનો ભાર આપણાં બાળકોને આત્મહત્યા સુધી દોરી જઈ રહ્યો છે ત્યારે જરૂર છે કે આપણે આ પરિસ્થિતિને વધુ ગંભીરતાથી લઈએ. 

છેલ્લાં કેટલાંક વર્ષોમાં અભ્યાસ કે પ્રેમસંબંધમાં નિષ્ફળતા મળવાને કારણે આત્મહત્યા કરનારા યુવાનોનું પ્રમાણ ઘટ્યું છે, પરંતુ પારિવારિક કલહને કારણે આત્મઘાતી વલણ વધ્યું છે. 

બાળકોને પોતાની સેન્સિટિવિટીને હૅન્ડલ કરતાં આવડતું નથી. એટલે નાની શી વાતને મોટું સ્વરૂપ અપાઈ જાય છે. જો બાળકોને પહેલેથી પૂરતો સમય આપ્યો હોય તો તકલીફ થતી નથી.  
ડૉ. શ્યામ મીથિયા

Whatsapp-channel Whatsapp-channel

16 September, 2022 02:20 PM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK