તાજેતરમાં એક રિસર્ચમાં ફૅટ બર્નિંગમાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે એવા મૉલેક્યુલ વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યા છે ત્યારે જાણીએ કે શું કામ અમુક ઉંમર પછી વેઇટગેઇન થવું સામાન્ય છે અને એ વજન ઘટાડવા માટે વિશેષ શું કરી શકાય એ પણ જાણીએ

પ્રતીકાત્મક તસવીર
વિદ્યા બાલને પોતાના એક ઇન્ટરવ્યુમાં કહેલું કે હું સાવ પાતળી હતી ત્યારે પણ મને લાગતું હતું કે મારું વજન વધારે છે. મોટા ભાગની સ્ત્રીઓ માટે આ હકીકત છે. બહુ જ રૅર એવી મહિલા હશે જેને એમ લાગતું હોય કે મારામાં બધું જ પર્ફેક્ટ છે. એમાંય વજન વધુ છે એવું તો લગભગ દર બીજી મહિલાનું માનવું હશે. ઉંમરના વિવિધ તબક્કામાં મહિલાઓના શરીરમાં ઊથલપાથલ મચાવતા હૉર્મોન્સને કારણે ઘણા શારીરિક અને માનસિક બદલાવોમાંથી સ્ત્રીઓ પસાર થતી હોય છે. એમાં પણ ચાલીસની ઉંમર પછી આવતા બદલાવો વધુ સ્થાયી થઈને રહેતા હોય છે જો સમય રહેતાં ઉચિત ફેરફારો ન કરવામાં આવે તો. એક તરફ જન્મજાત પોતાને ફૅટ માનવાની મહિલાઓની સદીઓ જૂની માનસિકતા અને બીજી બાજુ હૉર્મોન્સ પણ પોતાનો રોલ ભજવે ત્યારે વેઇટ વધતું જતું હોય ત્યારે તેને કાબૂમાં લેવા અને વજનને ઘટાડવા માટે આપણે શું કરી શકીએ એ દિશામાં નિષ્ણાત સાથે વાત કરીએ.
વજન વધે શું કામ?
ADVERTISEMENT
ચાલીસ વર્ષ પછીનો ગાળો મોટા ભાગની મહિલાઓ માટે પ્રી-મેનોપૉઝ ટાઇમ ગણાય છે, જેને કારણે શરીરમાં થતા હૉર્મોનલ ઇમ્બૅલૅન્સની એક ચોક્કસ અસર પડતી હોય છે એમ જણાવીને ડાયટિશ્યન ચેતના સોની કહે છે, ‘આ ગાળામાં મહિલાઓના શરીરમાં ઇસ્ટ્રોજન નામના હૉર્મોન્સનું પ્રમાણ ઘટે એટલે ફૅટનું સ્ટોરેજ વધે. કૅલ્શિયમની કમી જે ચાલીસ પછીની મહિલાઓમાં નોંધાતી હોય છે એની પાછળનું કારણ પણ ઇસ્ટ્રોજનનું ઘટતું પ્રમાણ જ હોય છે. કાર્ડિઍક પ્રૉબ્લેમ્સનું પ્રમાણ આ એજગ્રુપમાં વધુ જોવા મળે છે એની પાછળ પણ આ જ કારણ. આ એજની મહિલાઓ પર ફૅમિલી રિસ્પૉન્સિબિલિટી અને સ્ટ્રેસનું લેવલ જનરલી હાઈ જોવા મળે છે. પ્રી-મેનોપૉઝનાં લક્ષણોને કારણે ઍક્ટિવિટી પણ ઘટી જાય. હૉટ ફ્લૅશ, ઓછી ઊંઘ, ડાયટનાં ઠેકાણાં નહીં અને દુનિયાભરનું સ્ટ્રેસ એમ બધું જ ભેગું થાય જે વેઇટગેઇનમાં કૉન્ટ્રિબ્યુટ કરે અને સામે વજન ઓછું કરવા જેવી લાઇફસ્ટાઇલ ન હોય તો તેમાં કંઈ સુધાર પણ ન મળે.’
શું કરવું?
જ્યારે વેઇટ વધારે હોય ત્યારે વેઇટ ઓછું કરવા માટેની જે જનરલ પદ્ધતિ હોય તેને તો ફૉલો કરી જ શકાય, પણ સાથે મહિલાઓ માટે કેટલીક વિશેષ ટિપ્સ આપતાં ચેતના સોની કહે છે, ‘સૌથી પહેલાં તો વેઇટ વધી ગયું છે એ વાતને મગજમાં બર્ડન બનાવવાનું બંધ કરવું જોઈએ. આપણે સ્ક્રીન પર અને સોશિયલ મીડિયા પર જે જોઈએ છે એ જ પ્રકારનો દેખાવ આપણો પણ હોય એ અપેક્ષા જ સાવ ખોટી છે. હેલ્ધી થવાનો તમારો ગોલ હોય એ જરૂરી છે નહીં કે દેખાદેખીમાં પાતળા થવાની હોડમાં ઊતરવાની જરૂર છે. મેનોપૉઝ એ દરેક મહિલાઓના જીવનમાં આવતી બાય ડિફોલ્ટ અવસ્થા છે. એને તમે પહેલેથી જ સ્માર્ટલી મૅનેજ કરી શકો છો જો તમારી પૂરતી તૈયારી હોય તો. તમારી પ્રાયોરિટીમાં બાળકો, પરિવાર અને કરીઅર સાથે તમારી પોતાની જાત પણ હોવી જોઈએ અને એને માટે તમારે પૂરતો સમય ફાળવવો પડે તો ફાળવવો જોઈએ. મેં જોયું છે કે કોઈ પણ ઉંમરની મહિલાઓ કેમ ન હોય - તે પોતાની જાતને સૌથી છેલ્લે પ્રાયોરિટી આપતી હોય છે અથવા તો બિલકુલ પ્રાયોરિટી નથી આપતી હોતી. આ એટિટ્યુડ બદલવો જોઈએ. તમે જોજો મહિલાઓ ડાયટની વાત આવે તો પોતાને ભાવે છે અથવા તો પોતાની હેલ્થ માટે જરૂરી છે એ ફૂડ બનાવવાની મહેનત નહીં કરે. એ રીતે તે પોતાની જાતને આરામ આપશે, પણ બીજાની પ્રાયોરિટીને પહેલાં પ્રાધાન્ય આપશે. તે પોતે વધેલું પણ ખાઈ લેશે. સવારનું સાંજે ખાઈ લેશે. આ આદતો મહિલાઓએ બદલવી પડશે. આ હું બહુ જ બેઝિક બાબતો કહી રહી છું જે સામાન્ય રીતે મહિલાઓ ફૉલો નથી કરતી. સ્વીકાર અને જાત માટે ઍક્ટિવલી કંઈક કરવાની તૈયારી આ બન્ને મહત્ત્વનું છે.’
મજાનું રિસર્ચ
આપણે એમ માનીએ છીએ આપણી ડાયટ પૅટર્ન અને આપણી લાઇફસ્ટાઇલથી જ વેઇટ લૉસ શક્ય છે, પરંતુ આપણને સારું લાગે એવું એક રિસર્ચ તાજેતરમાં થયું છે. આંકડાઓ કહે છે કે વિશ્વભરના કુલ પૉપ્યુલેશનમાંથી લગભગ ૪૦ ટકા ઍડલ્ટ ઓવરવેઇટ છે, જેમાંથી ૧૩ ટકા ઓબીસ એટલે કે મોટાપાની કૅટેગરીમાં આવે છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગનાઇઝેશનના આંકડાઓ કહે છે કે ૧૯૭૫થી અત્યાર સુધીમાં ઓબેસિટીનું વિશ્વભરમાં પ્રમાણ ત્રણ ગણું થયું છે. સ્થૂળતા સાથે હૃદયરોગ, સ્ટ્રોક, ડાયાબિટીઝ, કિડનીને લગતી સમસ્યાઓ અને કૅન્સર સુધી સહજ આવતા હોય છે. આ લોકોને ધ્યાનમાં રાખીને થયેલો નવો અભ્યાસ કહે છે કે આપણા શરીરમાં રહેલા ફૅટ સેલ્સમાં બ્રાઉન ફૅટ સેલ હોય છે જે અમુક પ્રકારના મૉલેક્યુલ બનાવે છે, જે ચરબી ઘટાડવામાં કામ લાગી શકે. જર્મનીની યુનિવિર્સિટી ઑફ બોન દ્વારા થયેલું સંશોધન કહે છે, ઓબેસિટીની નવી સારવાર પદ્ધતિ બની શકે એમ છે. આ સંશોધકોએ નોંધ્યું છે કે આપણા શરીરમાં બે પ્રકારના ફૅટ સેલ્સ હોય છે, જેમાંથી વાઇટ ફૅટ સેલ એનર્જીનું સંવર્ધન કરે છે તો બ્રાઉન ફૅટ સેલ્સ હીટ જનરેટ કરવા માટે એનર્જીને બર્ન કરે છે. જ્યારે જ્યારે તમે કોઈ પણ જાતની ફિઝિકલ ઍક્ટિવિટી કરો ત્યારે જોઈતી એનર્જીનો ઉપયોગ કરવામાં આ બ્રાઉન ફૅટ સેલ મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં હોય છે, પરંતુ આપણી ઘટી રહેલી સક્રિયતા વચ્ચે શરીરના બ્રાઉન ફૅટ સેલનું અકાળ મૃત્યુ થઈ રહ્યું છે. નાનાં બાળકોમાં બ્રાઉન ફૅટ સેલનું પ્રમાણ વધારે હોય જે વધતી ઉંમર સાથે ઘટતું જાય, કારણ કે તેનો પૂરતા પ્રમાણમાં ઉપયોગ નથી થતો હોતો. વૈજ્ઞાનિકોએ એવું એક મૉલેક્યુલ (જેનું નામ છે inosine) શોધ્યું છે જે આ મૃતપ્રાય અવસ્થામાં રહેલા બ્રાઉન ફૅટ સેલને તો ઍક્ટિવેટ કરે જ, પણ વાઇટ ફૅટ સેલને પણ બ્રાઉન ફૅટ સેલમાં કન્વર્ટ કરે. ટૂંકમાં આવનારા સમયમાં તમે પેટ ભરીને મીઠાઈઓ કે તળેલી આઇટમો ખાઓ અને પછી પણ તમે આ ઇનોસાઇન નામના મૉલેક્યુલની ટ્રીટમેન્ટથી વજન ઘટાડી શકો.
આટલું ધ્યાન રાખી શકો તમે?
ડાયટ: લીલાં શાકભાજી અને ફળોને તમારા આહારમાં વધારી દો. એક તો એમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે, કૅલરીની દૃષ્ટિએ એ હળવાં હોય અને એમાં રહેલા ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ પણ તમારા શરીરમાં ઉત્પન્ન થતા ફ્રી રેડિકલ્સને કન્ટ્રોલ કરશે, જેથી રોગોથી છુટકારો મળશે, એજિંગ પ્રોસેસ ધીમી પડશે.
l તમારા ડાયટના ટાઇમિંગ્સને પણ મેઇન્ટેઇન કરો. હેલ્ધી ફૂડની સાથે નિયમિત સમયપત્રકનું ધ્યાન રાખવું પણ મહત્ત્વનું છે.
l સોયબીન, અમુક ડ્રાયફ્રૂટ્સ, સીડ્સ, ગોળ જેવી બાબતોમાં ઇસ્ટ્રોજન હોય છે તો તમે તમારી ઇસ્ટ્રોજનની નીડ એનાથી પૂરી
કરી શકો.
l ઊંઘનું પ્રમાણ વધારો. ઊંઘ અને એક્સરસાઇઝમાં શિસ્તબદ્ધ થઈ જશો અને બરાબર ડાયટ પાળશો તો ફૅટ લૉસ તો થશે જ, પણ હેલ્થ પણ સુધરશે.

