આ બીમારી સમાજ માટે ઘાતક નથી, પરંતુ વ્યક્તિગત જીવનમાં એ ઘરના લોકો માટે અતિ તકલીફદાયક બની જાય છે
પ્રતીકાત્મક તસવીર
મારી દીકરી ૨૯ વર્ષની છે અને છેલ્લા કેટલાક દિવસોથી તેના વર્તનમાં બદલાવ દેખાઈ રહ્યો છે. તે દિવસમાં ૧૦-૧૨ વખત હાથ ધોયા કરે છે. દિવસ હોય કે રાત, ઘરમાં લૉક લગાવ્યું છે કે નહીં એ જોયા કરે છે. સતત ચેક કર્યા કરે છે. જો તેને હું પૈસા આપું તો તે એક નહીં, ત્રણ વાર ગણે છે અને પછી જ પર્સમાં મૂકે છે. મને એવું લાગે છે કે તેને માનસિક અસર થઈ છે, પરંતુ એનો ઍલોપથી ઇલાજ કરાવવાની મને ઇચ્છા નથી. શું આયુર્વેદમાં કોઈ ઉપચાર છે?
આ માનસિક રોગની શરૂઆતની અવસ્થા છે જેને ઑબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઑર્ડર કહેવાય. તેમના મગજમાં કોઈ પણ કામ પૂર્ણ થવાની પરિસ્થિતિ ઊભી થતી નથી, જેને લીધે તે વારંવાર એક જ કામ કર્યા કરે છે. આ બીમારી સમાજ માટે ઘાતક નથી, પરંતુ વ્યક્તિગત જીવનમાં એ ઘરના લોકો માટે અતિ તકલીફદાયક બની જાય છે. આયુર્વેદમાં એને અતત્વાભીનિવેશના નામથી ઓળખીએ છીએ. જે અસ્તિત્વમાં નથી એને સમજવું અને જે અસ્તિત્વમાં છે એને ન કરવું એ આ બીમારીનો સ્થાયી ભાવ છે. આ રોગના ઇલાજમાં દરદી અને તેના ઘરના લોકોનો સહયોગ અતિ જરૂરી છે. દવાઓમાં પ્રમુખ રીતે બ્રાહ્મી, શંખપુષ્પી, સ્મૃતિ સાગર રસ, સારસ્વત ચૂર્ણ, સારસ્વતારિષ્ટ એનો યથા પ્રમાણ ઉપયોગ અને સાથે સારસ્વત ધૃત, બ્રાહ્મી ધૃત, મહા કલ્યાણક ધૃત, પૈશાચિક ધૃત અને પંચગવ્ય ધૃત જેવા દ્રવ્યોનો પ્રયોગ કરવામાં આવે છે, જેમાં શિરોધારા, નસ્ય, બસ્તિ, શિરોબસ્તિ પણ અસરકારક સાબિત થાય છે. દરદીનું કાઉન્સલિંગ કરવું, પણ ખૂબ જરૂરી છે. બધાના સહયોગથી ધીરે-ધીરે દરદીને બીમારીથી સંપૂર્ણ રીતે બહાર કાઢી શકાય છે. યોગ, પ્રાણાયામ, ધ્યાન, પ્રાર્થનાની અસર પણ ઘણી સારી રહેશે.
જોવા મળે છે કે બીમારી થોડી વધે તો ઘરના લોકો વધુ ત્રસ્ત થઈને દરદી પર ગુસ્સો કરે છે, ઘણી વાર હાથ ઉપાડે છે, પરંતુ એનાથી પરિસ્થિતિ કાબૂમાં આવવાને બદલે વણસી જાય છે. અત્યારે આ માઇલ્ડ લક્ષણો છે. જેમ-જેમ સમય જશે એમ લક્ષણો તીવ્ર બનશે અને ત્યારે ધ્યાન રાખવું ખૂબ અગત્યનું બની જશે. આ જે ઉપચાર તમને મેં સૂચવ્યા છે એનો પ્રયોગ કઈ રીતે કરવો, કેટલી માત્રામાં કરવો એ દરદીને ચકાસીને જ ખબર પડશે માટે નિષ્ણાત વૈદ્યને મળીને તમે આગળનો ઇલાજ નક્કી કરી શકશો.


