વૃદ્ધાવસ્થામાં આવતા આ બદલાવો છે. દેખાવ બદલાય, સુંદરતા ઘટતી જાય છે, હેલ્થ પ્રૉબ્લેમ્સ વધતા જાય છે, આત્મવિશ્વાસ ઓછો થતો જાય છે, નિર્ભરતા પણ વધતી જાય છે.
ઑ .પી .ડી
પ્રતીકાત્મક તસવીર
મારા પપ્પા હમણાં જ રિટાયર થયા છે. પહેલાં તો તેઓ ખૂબ ખુશ હતા કે હવે રિટાયર જીવનની મજા માણીશું, પરંતુ ધીમે-ધીમે તેઓ વધુ ને એકલવાયા રહેવા લાગ્યા છે. મારાં મમ્મી તેમનાથી તદ્દન વિરુદ્ધ વર્તે છે. મારાં લગ્ન પછી તેઓ ટિપિકલ સાસુ બની ગયાં છે. રોફ જમાવ્યા કરે છે. પોતે વૃદ્ધ થઈ ગયાં છે, હવે તેમનાથી કામ નથી થતું એ માનવા જ તેઓ તૈયાર નથી. અતિશય કામ કરીને થાકી જવાથી ચીડચીડિયાં થઈ ગયાં છે. મને સમજાતું નથી કે આ નૉર્મલ લક્ષણ છે કે કાંઈ બીજું? મારાં મમ્મી-પપ્પાનો સ્વભાવ આવો હતો જ નહીં. છેલ્લા એકાદ વર્ષથી બન્ને ખૂબ બદલાઈ રહ્યાં છે. શું આ બન્ને એક પ્રકારના ડિપ્રેશન તરફ ધકેલાઈ રહ્યાં છે?
વૃદ્ધાવસ્થામાં આવતા આ બદલાવો છે. દેખાવ બદલાય, સુંદરતા ઘટતી જાય છે, હેલ્થ પ્રૉબ્લેમ્સ વધતા જાય છે, આત્મવિશ્વાસ ઓછો થતો જાય છે, નિર્ભરતા પણ વધતી જાય છે. તેમના નૉર્મલ રૂટીનમાં અને તેમના સમગ્ર જીવનમાં જ ધરખમ ફેરફાર થાય છે. આ ફેરફાર સાથે તાલમેલ જ્યારે નથી બેસી શકતો ત્યારે માનસિક પ્રૉબ્લેમ્સ શરૂ થાય છે. પોતાની આખી જિંદગી જેણે કામમાં ખર્ચી હોય અચાનક રિટાયર થઈ જાય ત્યારે અચાનક તેના હાથમાંથી સત્તા જતી રહે છે. મારી પાસે એવા ઘણા પેશન્ટ આવે છે જે રિટાયર થવાને લીધે ડિપ્રેશનમાં જતા રહે છે અને એનાથી ઊલટું એવાં બાળકો આવે છે જેનાં માતા-પિતા ૬૦ની ઉંમરે પણ પોતાની ગદ્ધાપચીસીમાં જ જીવતાં હોય છે. એવી જ દાદાગીરી અને રોફ જતાવતાં હોય છે એને કારણે પરિવારજનોએ સહન કરવું પડે છે. તેઓ ઇચ્છે છે કે તેમના પેરન્ટ્સ તેમની ઉંમર પ્રમાણે વર્તે. એ માટે તેમને અમુક રીતે તૈયાર થવું જરૂરી છે. પરિવર્તન નિશ્ચિત છે માટે દરેક પરિવર્તનને અપનાવવાની પૂરેપૂરી સુસજ્જતા કેળવવી જરૂરી છે. દરેક પરિવર્તન માટે જાતને માનસિક રીતે તૈયાર કરીને રાખવું, પણ એટલું જ જરૂરી છે. આખી જિંદગી સ્ટ્રગલ કર્યા પછી ઘડપણ વ્યક્તિને ખરા અર્થમાં પોતાના માટે જીવવાની એક સોનેરી તક છે એવું માનીને એ તકને ઝડપી લે એ વૃદ્ધાવસ્થામાં ખુશ રહી શકે છે. આ નાની બાબતો મોટા ડિપ્રેશનથી બચાવે છે. પેરન્ટ્સનું એક ફિક્સ રૂટીન બનાવો.સરખી ઉંમરના લોકો સાથે તેઓ વધુ મળે એવી તકો ઊભી કરો. તેને લીધે તેમને મોકળાશ મળશે. જે વ્યક્તિ પોતાને અભિવ્યક્ત કરી શકે છે તેને કોઈ પણ પ્રકારનાં ડિપ્રેશન આવતાં નથી.