સિક્સ-પૅક ઍબ્સ અને ટોન્ડ ફિગર મેળવવા માટે અભિનેતા હર્ષવર્ધન રાણે નિયમિત રીતે તજના પાઉડરનું પાણી પીએ છે અને તેણે આ ડ્રિન્કને ફૅટબર્નર ગણાવ્યું છે. તેનો આ દાવો કેટલો સાચો છે એ આપણે નિષ્ણાત પાસેથી જાણીએ
પ્રતીકાત્મક તસવીર
બૉલીવુડની સેલિબ્રિટીઝ તેમની ડાયટમાં અવનવાં ગતકડાં કરીને છાશવારે ફિટનેસ-ગોલ્સ આપતી રહેતી હોય છે ત્યારે ‘સનમ તેરી કસ’ ફિલ્મથી લોકપ્રિય થયેલા હર્ષવર્ધન રાણેએ એક ઇન્ટરવ્યુમાં તેની ફિટનેસનું સીક્રેટ જણાવતાં કહ્યું હતું, ‘હું મારી ડાયટમાં તજ તો રાખું જ છું કારણ કે એ મારું ફૅટબર્નર છે. મારી બૉડીને મેઇન્ટેન કરવામાં એનો મહત્ત્વપૂર્ણ ફાળો રહ્યો છે.’
હર્ષવર્ધને કરેલા આ દાવાનું ફૅક્ટ-ચેક કરીએ. તજમાં ફૅટ બર્ન કરવાનો પાવર છે? શરીરમાં એ કઈ રીતે કામ કરે? આવા સવાલોના જવાબ અનુભવી ડાયટિશ્યન માનસી પડેચિયા પાસેથી જાણીએ.
ADVERTISEMENT

તજનું ફૅટબર્નિંગ મેકૅનિઝમ
પહેલી વાત તો એ કે ભારતીય મસાલામાં મહત્ત્વનું સ્થાન ધરાવતું તજ ફૅટબર્નર છે એવું સાયન્ટિફિકલી સાબિત થયું નથી, પણ એ તમારી બૉડીમાં જમા થયેલી ચરબીને ઝડપથી બર્ન કરવામાં મદદ કરે છે એ પણ ખોટું નથી. એને નૅચરલ ફૅટબર્નર કહી શકાય. આપણે વ્યંજનોને સ્વાદિષ્ટ બનાવવા માટે તજની લાકડી વાપરીએ છીએ અને પછી ખાતી વખતે કચરો સમજીને ફેંકી દઈએ છીએ. આ રીતે તજનું સેવન તમને કોઈ હેલ્થ-બેનિફિટ્સ નહીં આપે. તજની લાકડી ખાવા કરતાં એનો પાઉડર બનાવીને ઉપયોગ કરશો તો વધુ ફાયદામાં રહેશો. તજની તાસીર ગરમ હોય છે. ફૅટ બર્ન કરવા માટે સૌથી પહેલાં તો શરીરમાં મેટાબોલિઝમ એટલે કે ચયાપચયની ક્રિયા બરાબર હોવી જરૂરી છે. તજના સેવનથી મેટાબોલિઝમ સુધરે છે. જેટલું એ સુધરશે એટલી વધુ કૅલરીઝ બર્ન થશે અને શરીરમાં ફૅટ જમા નહીં થાય. આ પ્રક્રિયાને થર્મોજેનેસાઇસ કહેવામાં આવે છે. સરળ ભાષામાં કહું તો શરીરમાં ઊર્જા ઉત્પન્ન કરવા માટે ફૅટનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત તજ બ્લડ-શુગર લેવલને સંતુલિત કરવાની સાથે સેન્સિટિવિટીને સુધારે છે. એટલે કે તજ ખાવાથી સાકર ફૅટમાં કન્વર્ટ થતી નથી. એ સીધી કોષો સુધી પહોંચે છે. આ મસાલાના સેવનથી ઓવરઈટિંગની સમસ્યા દૂર થાય છે. ભૂખ ઓછી લાગે છે અને કૅલરી ઇન્ટેક આપમેળે ઘટી જાય છે. ઓબેસિટી હોય અથવા ટોન્ડ ફિગર મેળવવા માટે ફૅટ બર્ન કરવાનું પ્લાનિંગ કરતા હોય એ લોકો માટે તજ પાવરફુલ વેપન સાબિત થશે એમ કહેવું ખોટું નથી.

તજનો પાઉડર
સિલોન તજ સૌથી બેસ્ટ
તજના સિલોન અને કૅશિયા બે પ્રકાર હોય છે. સિલોન સિનેમનનો સ્વાદ થોડો મીઠો હોય છે અને એની શેલ્ફલાઇફ પણ વધુ હોવાથી ભારતમાં સૌથી વધુ સિલોન સિનેમન જ ખવાય છે. એનું સેવન હેલ્ધી માનવામાં આવે છે ત્યારે કૅશિયા સિનેમન કથ્થાઈ કલરનું જાડું હોય છે. એનો સ્વાદ તીખો હોય છે અને એનો ઓવરડોઝ હૉર્મોનલ ઇમ્બૅલૅન્સ કરશે, લિવર ફંક્શન્સ પર લોડ વધારશે અને લોહીને વધુ પાતળું કરશે. જોકે અહીં કૅશિયા તજ જોવા મળતું નથી. હર્ષવર્ધને તજને ફૅટબર્નર ગણાવ્યું એટલે લોકો આડેધડ એનો ઉપયોગ કરશે. આમ કરવું સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે. તજ ડાયરેક્ટ્લી ફૅટ બર્ન નથી કરતું. એ ફૅટ બર્ન થઈ શકે એવી અનુકૂળ પરિસ્થિતિમાં મૂકે છે. ફૅટ બર્ન કરવાની આ મેઇન ટ્રીટમેન્ટ નથી, પણ ફક્ત સપોર્ટિંગ રોલ તરીકે છે. તજને ડાયટમાં ઍડ કરવાની સાથે નિયમિત જિમ અથવા વ્યાયામ કરવાનું બહુ જરૂરી છે.
તજના ફાયદા
તજનું કામ ફક્ત ફૅટ બર્ન કરવાનું છે એવું નથી. એના અન્ય ફાયદાઓ પણ છે. તજ પાચનતંત્રને સક્રિય કરે છે જેથી ખોરાક ઝડપથી પચે છે અને ગૅસ અને અપચાની સમસ્યાઓ ઓછી થાય છે. જે લોકોને ટાઇપ-ટૂ ડાયાબિટીઝ છે એ લોકોના બ્લડ-શુગર લેવલને નિયંત્રણમાં રાખવાનું કામ તજ કરે છે. આ ઉપરાંત બૅડ કૉલેસ્ટરોલને ઘટાડીને ગુડ કૉલેસ્ટરોલને વધારે છે. તજમાં ઍન્ટિ- બૅક્ટેરિયલ, ઍન્ટિ-વાઇરલ અને ઍન્ટિ-ફંગસ ગુણધર્મો હોવાથી શરીરને સીઝનલ ઇન્ફેક્શનથી રક્ષણ આપે છે. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જતી હોય છે ત્યારે તજ ઇમ્યુનિટી-બૂસ્ટર તરીકે પણ કામ કરે છે. તજની ગરમ તાસીર શરદી, ખાંસી, ગળામાં બળતરાની સાથે ઓરલ હેલ્થને જાળવી રાખવાનું કામ કરે છે. તજના ઘટકો ઘણા પ્રકારના બૅક્ટેરિયા સામે લડે છે. ખાસ કરીને પેટના ઇન્ફેક્શન અને ફંગસ સામે અસરકારક સાબિત થાય છે.
આરોગવાની પદ્ધતિ
સવારમાં ખાલી પેટે એક કપ તજનું પાણી પીવાથી દિવસ દરમિયાન ફૂડ-પ્રોસેસિંગ અસરકારક બને છે. જે લોકો વેઇટ-લૉસ કરે છે એ લોકો માટે ફૅટ બર્ન કરવા માટે તજનું સેવન નૅચરલ વિકલ્પ બની શકે છે. તજના ટુકડા કરતાં એના પાઉડરનો ઉપયોગ વધુ અસરકારક સાબિત થશે. એક ગ્લાસ પાણીમાં એકથી ત્રણ ગ્રામ એટલે કે એકથી બે ચપટી જેટલો પાઉડર ઉમેરો અને એને પાંચ મિનિટ સુધી ઉકાળો. આમ તો તજ પહેલેથી જ સ્વાદિષ્ટ હોય છે, પણ ટેસ્ટ એન્હૅન્સ કરવા માટે એક ચમચી મધ ઉમેરી શકાય. એને લીંબુ સાથે પીવાથી એનર્જી-બૂસ્ટર તરીકે કામ કરે છે. તજના પાઉડરનો ઉપયોગ ઉકાળો બનાવવામાં, દાળ-શાકના વઘારમાં કે દહીંમાં મિક્સ કરીને કરી શકાય, દૂધમાં તજનો પાઉડર નાખીને પી શકાય. એ પૅન કેક અને સ્મૂધી જેવી વાનગીઓમાં ઉમેરીને પણ ખાઈ શકાય. દિવસ દરમિયાન એકથી ત્રણ ગ્રામ જેટલું તજ ખાવું જોઈએ. જો તમારી તાસીર ગરમ હોય તો અઠવાડિયામાં એક વાર એનું સેવન કરવું. ગળામાં બળતરા, તાવ કે કોઈ ઍલર્જી હોય તો પણ તજનું સેવન ટાળવું. લિવરને લગતી સમસ્યાઓ હોય કે બ્લડ-થિનરની દવાઓ લેતા હો તો તજ ન ખાવું જોઈએ. જે લોકો ચા-કૉફી જેવા કૅફીનયુક્ત પીણાનું સેવન વધુ કરતા હોય એ લોકોએ પણ તજથી અંતર જાળવવું જોઈએ. જેને ઓબેસિટી અને ડાયાબિટીઝ હોય એ લોકો માટે તજ બહુ કારગત સાબિત થશે, પણ એનું સેવન કરતાં પહેલાં નિષ્ણાતોની સલાહ લેવી હિતાવહ રહેશે. તજના ઉકાળા કે પાણીને આરોગવાનો યોગ્ય સમય ખાલી પેટ જ છે પણ જો સવારનું શેડ્યુલ બહુ જ વ્યસ્ત હોય તો તમે બપોરના ભોજન પહેલાં અથવા જિમ જતાં પહેલાં પણ એ પીશો તો ફાયદો દેખાશે.


