કોરોનાવાઇરસ પાછો આવી ગયો? ના, એ ગયો જ નહોતો
પ્રતીકાત્મક તસવીર
કોવિડ ફક્ત મહારાષ્ટ્રમાં જ નહીં; કેરલા, કર્ણાટક, દિલ્હીમાં પણ ફરી ફેલાયો છે. ભારત સિવાય હૉન્ગકૉન્ગ, થાઇલૅન્ડ, સિંગાપોર અને ચીનમાં પણ એના કેસિસ દિવસે-દિવસે વધતા જઈ રહ્યા છે. આ આંકડાઓ અને પરિસ્થિતિ જોઈને કોઈ પણ ગભરાઈ જાય, કારણ કે હજી પણ એવું જ છે કે કોવિડના નામે આપણે બધા ગભરાઈ જઈએ છીએ. એક અતિ મુશ્કેલ સમયમાંથી આપણે બધા જ પસાર થઈ ચૂક્યા છીએ એટલે જ કોવિડના કેસની વાત આવે ત્યારે એમ લાગે કે બાપ રે, આ પાછો આવી ગયો? કોવિડ ગયા પછી આ પાછા આવી ગયાની ભીતિ ઘણીબધી વાર આપણને સૌને થઈ જ છે, કારણ કે અમુક મહિના જાય અને તરત જ આંકડાઓ સામે આવે કે આટલા લોકોને કોરોના થયો છે ત્યારે લાગે કે માંડ ગયો હતો આ રોગ, ને પાછો આવી ગયો. હકીકતે આ આંકડાઓ ડરવા જેવા છે કે નહીં, કોવિડના વધતા જતા કેસથી આપણને કેટલો ખતરો હોઈ શકે અને એ બાબતે શું ધ્યાન રાખવાનું છે એ આજે જાણી લઈએ.
કોવિડ પાછો આવી ગયો?
ADVERTISEMENT
જેવા આંકડાઓ આપણી સમક્ષ આવે અને છાપામાં કોવિડના ન્યુઝ છપાવાનું ચાલુ થાય ત્યારે એમ લાગે છે કે અરે, આ કોવિડ પાછો આવી ગયો? પણ ખરેખર એવું છે નહીં. એમ સમજાવતાં ડૉ. સુશીલ શાહ કહે છે, ‘કોવિડ ક્યાંય ગયો જ નહોતો અને એ ક્યારેય જશે જ નહીં. એ એક વાઇરસ છે જે જન્મ્યો એટલે રહેશે. જેમ ઇન્ફ્લુએન્ઝા, જેને સાદી ભાષામાં ફ્લુ કહીએ છીએ કે સ્વાઇન ફ્લુ જેવા વાઇરસ વર્ષોથી દુનિયામાં છે. અચાનક જ એનો સ્પ્રેડ કે વ્યાપ વધે એટલે લાગે કે એ પાછો આવી ગયો, પરંતુ એવું નથી. કોવિડ જ્યારથી આવ્યો ત્યારથી સતત એના કેસિસ રહે જ છે. બસ, હવે એવું છે કે લોકો ટેસ્ટ નથી કરાવતા એટલે ખબર પડતી નથી. છતાં અમુક કેસ એવા લાગે તો ડૉક્ટર સજેસ્ટ કરે કે તમે ટેસ્ટ કરાવી લો. ત્યારે સામે આવે. લોકોને લાગે છે કે અત્યારે કોવિડ આવી ગયો, પરંતુ આ વર્ષે જાન્યુઆરીથી આંકડા જોઈએ તો મહારાષ્ટ્રમાં ૭૦૦૦થી વધુ કેસ નોંધાયા છે જેનો અર્થ એ થયો કે લોકોને પહેલાં પણ કોવિડ થતો તો હતો પરંતુ હમણાં કોવિડના કેસ વધ્યા છે એટલે એમ લાગે છે કે કોવિડ પાછો આવી ગયો.’
બદલાતો જતો વાઇરસ
તો શું આ એ જ કોવિડ છે જે ચાર વર્ષ પહેલાં હતો? આ પ્રશ્નનો જવાબ આપતાં ડૉ. બિનિતા મહેતા કહે છે, ‘કોઈ પણ વાઇરસ થોડા-થોડા સમયે મ્યુટેટ થાય છે એટલે કે એની સંરચના બદલાય છે. ૨૦૧૯ના ડિસેમ્બરમાં જે કોવિડનો સ્ટ્રેઇન આવેલો એનું નામ સાર્સ-COV-2 હતું. એ પછી ગ્રીક આલ્ફાબેટ મુજબ વેરિઅન્ટનાં નામ રાખવામાં આવેલાં જેમ કે આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા, કપ્પા, લેમ્ડા, ઑમિક્રૉન વગેરે. આમ દરેક સ્ટ્રેઇન જુદો છે. પણ આપણે બધાને કોવિડ થઈ ચૂક્યો છે. ટેસ્ટમાં આવ્યો હોય કે ન આવ્યો હોય, પણ લગભગ દરેક વ્યક્તિને ભારતમાં કોવિડ થઈ ચૂક્યો છે. વળી રસી પણ બધાએ લઈ લીધી છે, જેનો બૂસ્ટર ડોઝ પણ અપાઈ ગયો છે. એટલે આ વાઇરસ આપણા બધાના શરીર માટે નવો નથી. એટલે એની અસર શરીર પર થાય પરંતુ પહેલાં જેવી ઘાતક ન થાય. એટલે એ વાઇરસનું ઇન્ફેક્શન થાય તો પણ તબિયત થોડી ખરાબ થાય અને થોડા દિવસમાં તમે ઠીક થઈ જશો. જેમની રોગપ્રતિકારક શક્તિ પ્રબળ છે તેમને તો આવીને ક્યારે જતો રહેશે એ પણ નહીં સમજાય. ચિંતા તેમની છે જેમની રોગપ્રતિકારક શક્તિ અતિ નબળી કે કૉમ્પ્રોમાઇઝ્ડ કહી શકાય એવી છે. બાકી સામાન્ય લોકોએ ખાસ ચિંતા કરવા જેવું નથી.’
મૃત્યુ શક્ય છે?
હમણાં જે વાઇરસ ફેલાયો છે એનાથી મહારાષ્ટ્રમાં તાજેતરમાં ચાર મૃત્યુ નોંધાયાં છે. તો શું આ ઇન્ફેક્શન એટલું પ્રબળ છે કે એનાથી મૃત્યુ થઈ શકે છે? હકીકત એ છે કે જે મૃત્યુ થયાં એ બધાને કોઈ ને કોઈ કો-મૉર્બિડિટી હતી. એટલે કે તેમની શારીરિક અવસ્થા કોઈ ને કોઈ રીતે અત્યંત ખરાબ હતી, તેમને કોઈ રોગ હતો જેને લીધે તેમની રોગપ્રતિકારક શક્તિ એટલી ઓછી થઈ ગઈ હતી કે જ્યારે વાઇરસે વ્યક્તિ પર અટૅક કર્યો ત્યારે શરીર એનો સામનો કરવા સક્ષમ જ નહોતું. જેમ કે હમણાં ૨૧ વર્ષના યુવાન છોકરાનું મૃત્યુ નોંધાયું. એ છોકરાને ડાયાબેટિક કીટોએસીડોસિસ હતું. એ વાત સમજાવતાં ડૉ. બિનિતા મહેતા કહે છે, ‘આમ જો તમને કોઈ પણ લાંબા ગાળાના રોગ હોય, ખાસ કરીને ડાયાબિટીઝ, હાઇપરટેન્શન, હાર્ટ-ડિસીઝ, ફેફસાંની તકલીફો, લિવર કે કિડની ડિસીઝ કે પછી કૅન્સર તો તમારે સાવચેત રહેવું; કારણ કે આ રોગોને લીધે તમારી રોગપ્રતિકારક શક્તિ ઘટી ગયેલી હોય છે. આવામાં જો વાઇરસ અટૅક થયો તો એ ગંભીર પણ હોઈ શકે છે.’
નવો વેરિઅન્ટ
હાલમાં જે વાઇરસ ફેલાઈ રહ્યો છે એ કોવિડનો JN.1 વેરિઅન્ટ છે. આ વાઇરસની ખાસિયત એ છે કે એ એના બીજા વેરિઅન્ટ કરતાં થોડો વધારે ચેપી છે અને ઝડપથી ફેલાવાની ક્ષમતા ધરાવે છે. કોવિડનો જે ઑમિક્રૉન પ્રકાર હતો એનો BA.2.86 નામનો સબ-વેરિઅન્ટ પણ વધુ ચેપી હતો જેને લીધે એના કેસ જલદીથી વધતા જણાય છે. એ વિશે વાત કરતાં ડૉ. સુશીલ શાહ કહે છે, ‘અમુક વાઇરસની સંરચના એવી હોય છે કે એ વિપરીત પરિસ્થિતિમાં પણ બીજા વાઇરસની સરખામણીમાં ટકી રહે છે. બીજું એ કે એ માનવશરીરમાં જઈને ખૂબ ઝડપથી ડબલ થઈ જતા હોય છે. એટલે જ્યારે એ ફેલાય ત્યારે એનો વ્યાપ વધારે થઈ જાય છે અને કેસ વધુ દેખાય છે. જોકે ફેલાય જલદી એનો અર્થ એવો નથી કે એ ઘાતક છે.’
કોવિડ તમને થાય નહીં એ માટે શું કરશો?
એક સમયે લૉકડાઉનમાં રહ્યા, ખૂબ જ ધ્યાન રાખ્યું તો પણ લગભગ આખા દેશને કોવિડ થઈ જ ગયો હતો. એટલું બધું આપણે કરી શકીએ નહીં અને કરવાની જરૂર પણ નથી એમ સ્પષ્ટપણે જણાવતાં ડૉ. સુશીલ શાહ કહે છે, ‘જો તમે ઇચ્છતા હો કે હાલમાં જે કોવિડનો વ્યાપ વધ્યો છે એનાથી તમે બચો તો માસ્ક પહેરવાનું શરૂ કરો. ખાસ કરીને ભીડભાડ જ્યાં છે ત્યાં. એટલે કે ઘરની બહાર ટ્રાવેલ કરતી વખતે, બસ, ટ્રેન કે મેટ્રોમાં ખાસ માસ્ક પહેરવો જરૂરી છે. એ પણ સાદો માસ્ક નહીં, N95 માસ્ક. હાથ વારંવાર ધુઓ. જરૂર ન હોય તો ટ્રાવેલ કરવાનું ટાળો.’
શું ધ્યાન રાખવું?
જો તમને શરદી, ખાંસી, તાવ, ગળું ખરાબ જેવાં લક્ષણો હોય તો એની શક્યતા અત્યારે વધારે છે કે તમને કોવિડ જ હોય એમ જણાવતાં ડૉ. સુશીલ શાહ કહે છે, ‘જો એ ન હોય તો સામાન્ય ફ્લુ હોય જેનાં પણ મહદ અંશે એ જ લક્ષણો હોય છે. આમ લક્ષણો પરથી ક્યારેય ખબર ન પડે કે વ્યક્તિને કોવિડ છે કે ફ્લુ? એ ફક્ત ને ફક્ત ટેસ્ટ દ્વારા જ ખબર પડે. પરંતુ બધી વ્યક્તિઓએ જેમને આ લક્ષણો છે તેમણે ટેસ્ટ કરાવવાની જરૂર નથી. જોકે બધી વ્યક્તિઓ જેમને આ લક્ષણો છે તેમણે એક વખત ડૉક્ટરને મળવાની જરૂર છે જ. જો તેમના ડૉક્ટરને લાગે તો એ ટેસ્ટ કરવાની કહેશે, બાકી જરૂર નહીં પડે. લક્ષણો પરથી જે તમને દવાઓ આપવામાં આવશે એનાથી તમે ઠીક થઈ જશો, પણ જાતે દવાઓ ન લેવી અને મેડિકલ સ્ટોરવાળાને પૂછીને દવા ન લેવી. ડૉક્ટરને એક વખત મળવું ખૂબ જરૂરી છે. જાતે નિદાન ન કરો અને જાતે દવાઓ પણ ન લો. ડૉક્ટરને ચોક્કસ મળો.’
હાલમાં જે વાઇરસ ફેલાઈ રહ્યો છે એ કોવિડનો JN.1 વેરિઅન્ટ છે. આ વાઇરસની ખાસિયત એ છે કે એ એના બીજા વેરિઅન્ટ કરતાં થોડો વધારે ચેપી છે અને ઝડપથી ફેલાવાની ક્ષમતા ધરાવે છે પણ સામાન્ય જનતા માટે એને ઘાતક ન કહી શકાય.


