બન્નેને શાંતિ અને સપોર્ટની જરૂર હોય છે જે અંગત પરિસ્થિતિને લીધે તેઓ એકબીજાને આપી શકતાં નથી અને એને કારણે ઘરમાં તનાવ સર્જાય છે
પ્રતીકાત્મક તસવીર
લગ્નો મોડાં થવા લાગ્યાં છે એને કારણે બાળકો પણ મોડાં જન્મે છે. એને કારણે એક જ ઘરમાં એક પેરીમેનોપૉઝલ કે મેનોપૉઝલ સ્ત્રી હોય છે અને તેની સાથે તેનાં ટીનેજ બાળકો પણ હોય છે જે પોતે પણ એક મોટા હૉર્મોનલ બદલાવમાંથી પસાર થઈ રહ્યાં હોય છે. એવું કહી શકાય કે બન્ને એક ટાઇમ-બૉમ્બ પર બેઠાં હોય છે જે ગમે ત્યારે ફાટી શકે છે. બન્ને મૂડ-સ્વિન્ગ્સમાંથી પસાર થઈ રહ્યાં હોય છે. બન્ને ઇમોશનલી વીક હોય છે, બન્નેને શાંતિ અને સપોર્ટની જરૂર હોય છે જે અંગત પરિસ્થિતિને લીધે તેઓ એકબીજાને આપી શકતાં નથી અને એને કારણે ઘરમાં તનાવ સર્જાય છે. ઘર-ઘરમાં જોવા મળતી આ પરિસ્થિતિનો ઉપાય શું?
‘મમ્મી, મેં તને કેટલી વાર કહ્યું છે કે મારા કબાટમાં જે વસ્તુ જ્યાં હોય ત્યાં જ રહેવા દેવી.’ ૧૫ વર્ષની મિશા બરાડી. ૪૮ વર્ષનાં સુમનબહેને કંઈ સાંભળ્યું નહીં. તેઓ રસોડામાં ત્રસ્ત હાલતમાં રસોઈ બનાવતાં હતાં. મિશાએ રસોડામાં આવીને જોરથી કહ્યું, ‘કેટલી વાર મારે કહેવાનું છે કે મારા કબાટને તારે નહીં અડવાનું?’ સુમનબહેન એકદમ જ થયેલા અટૅકમાં હેબતાઈ ગયાં અને શાકમાં મરચું ડબલ ઠલવાઈ ગયું. સુમનબહેનને છેલ્લા ૪ દિવસથી સખત બ્લીડિંગ થતું હતું અને ખૂબ નબળાઈ લાગી રહી હતી. એવામાં આ જે થયું એ તેમને ટ્રિગર કરી ગયું. પછી સતત અડધો કલાક આટલી નાની-સૂની વાત પર મા-દીકરીમાં મહાભારત છેડાયું. બન્ને ખૂબ રડ્યાં. મિશા ઘરેથી નીકળીને તેની ફ્રેન્ડને ત્યાં જતી રહી અને સુમનબહેન બે કલાક તેમની રૂમમાં ભરાઈ રહ્યાં. એ રાત્રે ઘરમાં કોઈ જમ્યું નહીં. એ દિવસે સુમનબહેન જૂનાં આલબમ્સ જોતાં હતાં. જે દીકરી મા વગર પાંચ મિનિટ પણ રહેતી નહોતી તે હવે માથી દૂર ભાગતી કેમ થઈ ગઈ હતી? બીજી તરફ મિશાને લાગતું હતું કે મમ્મી પ્રેમથી એક વાત પણ નથી કરતી, હંમેશાં કટકટ જ કર્યા કરે છે, આખો દિવસ ભાષણ આપ્યા કરે છે. બન્ને એકબીજાને મિસ કરતાં હતાં, પણ જ્યારે મળે ત્યારે ઝઘડવા સિવાય કશું કરતાં નહીં. મિશાને સમજાતું નહીં કે આજકાલ મમ્મી વગર કારણે આટલી ઇમોશનલ કેમ થઈ રહી છે અને સુમનબહેનને લાગતું કે મિશા જેમ-જેમ મોટી થઈ રહી છે એમ-એમ ઉદ્ધત બની રહી છે. બન્નેને એકબીજાની જરૂર હતી, પરંતુ હાલત દેખીતી રીતે એવી બની જતી હતી કે બન્ને એક જ ઘરમાં એકબીજાને સહી નહોતાં શકતાં.
ADVERTISEMENT
ઉંમરનો તફાવત
આજકાલ મોટા ભાગનાં ઘરોમાં આવી હાલત જોવા મળી રહી છે. મમ્મીઓ પેરીમેનોપૉઝલ કે મેનોપૉઝલ સમયમાં પહોંચી ગઈ છે અને એની સામે તેમનાં બાળકો ટીનેજમાં પહોંચી ગયાં છે જ્યાં બન્નેનું શરીર એક મોટા બદલાવમાંથી પસાર થઈ રહ્યું છે. હૉર્મોન્સની ઊથલપાથલ શરૂ થઈ ગઈ છે. મૂડ આમથી તેમ હીંચકા ખાતો હોય છે. ઘડીકમાં વ્યક્તિ ખુશ તો ઘડીકમાં દુખી, ઘડીકમાં એકદમ ઉત્સાહિત તો ઘડીકમાં થાકેલી હોય છે. ચીડ ચડ્યા કરે છે, પૉઝિટિવને બદલે નેગેટિવ વિચારો વધુ આવ્યા કરે છે. આવા સંજોગો રિયલ લાઇફ સિચુએશન છે જેનું મૂળ સમજાવતાં રિલેશનશિપ કાઉન્સેલર અને સાઇકોલૉજિસ્ટ સોની શાહ કહે છે, ‘આજકાલ આ પ્રૉબ્લેમ વધુ એટલે જોવા મળે છે કે લગ્નો મોડાં થવા લાગ્યાં છે. મા અને બાળકો વચ્ચે પહેલાંના સમયમાં ૧૮-૨૫ વર્ષનો ફરક માંડ હતો. એટલે જ્યારે બાળકો ટીનેજમાં પ્રવેશે ત્યારે મમ્મી ૩૫-૪૦ વર્ષની હોય. એ સમયે તે બાળકોને સરળતાથી સંભાળી લેતી, કારણ કે તે એકદમ હેલ્ધી રહેતી. જ્યારે મમ્મી મેનોપૉઝમાં પ્રવેશવાની હોય ત્યાં સુધીમાં બાળકો મોટાં થઈ ગયાં હોય. તેમની એટલી જવાબદારી મમ્મીની હોય નહીં. મમ્મી માંદી હોય તો તેઓ જાતે રસોઈ બનાવી લેતાં. આ સમયે ઘણાં મરજાદી ઘરોમાં સ્ત્રી રસોડામાં નથી જતી એટલે બાળકો જ તેની જવાબદારી હળવી કરી નાખતાં હોય છે. તેને આરામ મળી જતો હોય એટલે અડધો પ્રૉબ્લેમ તો ત્યાં જ સૉલ્વ થઈ જતો હતો. જ્યારે સ્ત્રી ૩૦-૩૫-૪૦ વર્ષે મા બને ત્યારે તકલીફ ઊભી થાય છે, કારણ કે બાળક અને મા બન્ને એક જ સમયે નાજુક સમયમાંથી પસાર થાય છે જેને કારણે પ્રશ્નો ઊભા થાય છે.’
શું કરવું?
પહેલાં આપણે મા અને દીકરીની પરિસ્થિતિ વિશે વિચારીએ તો દીકરીના પિરિયડ્સ શરૂ થયાને અમુક વર્ષો જ વીત્યાં હોય છે. શારીરિક અને માનસિક ઘણા બદલાવ ટીનેજમાં દીકરીઓને આવે જ છે. તે ઉંમરના એ પડાવે છે જેમાં તેને તેની માની ભરપૂર જરૂર હોય છે. આવા સમયે મા પોતાના પ્રશ્નો સામે ઝઝૂમતી હોય તો એ પરિસ્થિતિમાં શું કરવું? એ પ્રશ્નનો જવાબ આપતાં સાઇકોલૉજિસ્ટ કિંજલ પંડ્યા કહે છે, ‘હૉર્મોન્સના આ બદલાવો કાયમી નથી. એ આવે અને જતા રહે. એટલે એ તકલીફોને પકડીને બેસવું નહીં. દીકરી જોશે કે મા આ બધું પકડીને બેઠી છે તો તે પણ એ જ શીખશે. જો બન્નેમાં કોઈએ સમજવાનું છે તો એ માએ સમજવાનું છે, કારણ કે પિરિયડ્સ અને હૉર્મોન્સ ઉપર-નીચે થવાને કારણે શું હાલત થાય છે એનો અનુભવ માને છે. તે પોતે આવા ઘણા મુશ્કેલ પડાવો સર કરી ચૂકી છે. સામે દીકરી માટે આ પહેલી વાર છે એટલે માએ પોતે સમજવું અને પછી દીકરીને સમજાવવું. આજની મમ્મીઓ પહેલાંની મમ્મીઓ કરતાં વધુ જાગૃત છે. તેમને સમજ પડે છે કે કેવી તકલીફો આવી શકે એમ છે. તો તેઓ પહેલેથી એના માટે સજ્જ રહે તો સહેલું પડે.’
પરંતુ દીકરાઓનું શું? તેમને કોઈ અંદાજ હોતો નથી. તેમની જીદ, તેમનું કાળજી વગરનું વર્તન માને આ સમયે વધુ દુખી કરી જાય છે. એ વિશે વાત કરતાં કિંજલ પંડ્યા કહે છે, ‘માએ એવું ન વિચારવું કે બાળકો તેમની મેળે સમજી જશે. તેમને સમજાવવાં પડશે. મા જો પોતાની પરિસ્થિતિ બાળકોને સ્પષ્ટપણે જણાવે તો દીકરાઓ સમજે છે. પિરિયડ્સ વિશે, મેનોપૉઝ વિશે દીકરાઓને ખબર હોવી જ જોઈએ. માએ ખુદ તેમની સાથે આ વાત કરવી. એને લીધે દીકરાઓ સેન્સિટિવ બને છે અને માની કાળજી રાખતાં શીખે છે.’
ખુદની કાળજી
આ સમયે મમ્મીઓએ ખુદની કાળજી ચોક્કસ રાખવી. એ વિશે જણાવતાં સોની શાહ કહે છે, ‘મમ્મીઓનો સ્વભાવ હોય છે કે તે ઘર અને બાળકોની કાળજી લેવામાં ખુદની કાળજી લેવાનું ભૂલી જાય છે. જોકે આ સમયગાળામાં તેણે બીજાને ભૂલીને પહેલાં ખુદનું ધ્યાન રાખવું જરૂરી છે. જો તે સ્વસ્થ રહેશે તો આખું ઘર સ્વસ્થ રહેશે એ નક્કી વાત છે. થાય છે એવું કે તે બીજા પાસે અપેક્ષા રાખે અને નિરાશ થાય એના કરતાં તે ખુદ સમય પર સૂએ, દરરોજ નિયમિત એક કલાક એક્સરસાઇઝ કરે, યોગ્ય ખોરાક લે, પોતાની લાઇફસ્ટાઇલ એકદમ સારી રાખે, નિયમિત ચેક-અપ કરાવતી રહે અને સપ્લિમેન્ટ્સ કંઈ લેવાનાં હોય તો એ યાદ રાખીને લે તો મેનોપૉઝ સમયે પણ તેને તકલીફો ઘણી ઓછી રહે છે.’
મા અને બાળક એક ટીમ
બીજો એક જરૂરી ઉપાય સૂચવતાં કિંજલ પંડ્યા કહે છે, ‘આ અઘરા સમયમાં મા અને બાળક એક ટીમ બનીને રહે તો ભલે બન્નેનો સમય નાજુક હોય, પણ બન્ને એકબીજાને સપોર્ટ કરી શકે. આવું ત્યારે શક્ય છે જ્યારે બન્ને
એકબીજાને ફ્રેન્ડ્લી રીતે પોતાના મનની કે પરિસ્થિતિની વાત કરી શકે. દીકરી કહી શકે કે મમ્મી મને આજે વાતે-વાતે ખૂબ ગુસ્સો આવી રહ્યો છે એટલે હું કંઈ બોલી જાઉં તો દુખ ન લગાડીશ. એની સામે કદાચ ટીનેજ બાળકોથી કોઈ ખોટું વર્તન થઈ જાય તો માએ એને ઉદ્ધતાઈ સમજીને લડવા ન બેસવું, પણ બાળકને તે શાંત થઈ જાય પછી વાત કરવી કે આ રીતનું વર્તન બરાબર નથી. મમ્મી જ્યારે ચીડ-ચીડ કરે ત્યારે તેને થોડો સમય આપવો, તેનું મન હોય તો તેને બહાર ફરવા લઈ જવી કે કશું જ ન કરવું હોય ત્યારે સ્પેસ આપવી એ બાળકોએ સમજવું. એક માના હાથમાં જ છે કે તે તેના બાળકને કેટલું કૅરિંગ બનાવે છે. જે મા પોતાનાં બાળકોની આટલી કાળજી લેતી હોય તે બાળકને સમજાવીને સામે કાળજી માની પણ શકે છે. પોતાનું માથું દુખતું હોય તો એક કપ ચા બનાવી દે એવું તે તેના દીકરાને કહી જ શકે છે. તમારી નાજુક પરિસ્થિતિમાં પણ સંબંધોને કઈ રીતે અકબંધ રાખીને ચાલી શકાય એ તમારે શીખવાનું છે અને બાળકોને શીખવવાનું છે.’


