આપણે હાર્ટ ફેલ્યરને રોકી શકવાના નથી પરંતુ હાર્ટને ફેલ્યર સુધી જતું અટકાવી શકાય છે કે કહીએ તો એ ગતિ એકદમ ધીમી કરી શકાય છે અને એની સાથે જો ફેલ્યરનું નિદાન થઈ ગયું
પ્રતીકાત્મક તસવીર
હાર્ટની તકલીફો આમ તો ઘણી જુદી-જુદી છે અને દરેક ઉંમરની વ્યક્તિને એ અસરકર્તા છે, પણ જ્યારે હાર્ટ ફેલ્યરની વાત કરીએ તો આ તકલીફ વધુપડતી ઉંમરલાયક વ્યક્તિઓમાં જોવા મળે છે. એક આંકડા મુજબ ૧૪ ટકા સિનિયર સિટિઝન પુરુષો અને ૧૩ ટકા સિનિયર સિટિઝન સ્ત્રીઓ હાર્ટ ફેલ્યરનો શિકાર બને છે. હાર્ટનું કામ છે ધબકતા રહેવાનું અને એના આ ધબકારથી શરીરમાં સતત લોહીનું પરિભ્રમણ શક્ય બને છે. પરંતુ આ લોહીને આગળ ધકેલવાની પ્રક્રિયાને કારણે જ આખા શરીરમાં દરેક કણને ઍક્સિજન અને જરૂરી પોષક તત્ત્વો પૂરાં પાડી શકાય છે. આ તકલીફને કન્જેસ્ટિવ હાર્ટ ફેલ્યર પણ કહે છે જે ઉંમરલાયક વ્યક્તિઓમાં વધુ જોવા મળે છે. બાકી અમુક જુદાં કારણોસર થતાં જુદા પ્રકારનાં હાર્ટ ફેલ્યર પણ હોય છે જે યુવાનોમાં પણ જોવા મળી શકે છે.
આપણે હાર્ટ ફેલ્યરને રોકી શકવાના નથી પરંતુ હાર્ટને ફેલ્યર સુધી જતું અટકાવી શકાય છે કે કહીએ તો એ ગતિ એકદમ ધીમી કરી શકાય છે અને એની સાથે જો ફેલ્યરનું નિદાન થઈ ગયું તો પણ એક સ્વાવલંબી સુખદ જીવન જીવી શકવામાં મદદ મળી શકે છે. સૌથી મહત્ત્વનું છે નિદાન, જે રેગ્યુલર ચેક-અપથી જ શક્ય બને છે. તમને કોઈ ચિહન દેખતાં હોય કે ન દેખાતાં હોય, તમે ૬૦ વર્ષથી ઉપરના છો એટલા માટે જરૂરી છે કે દર વર્ષે તમે એક વાર આખા શરીરનું ચેક-અપ કરાવો જેમાં હાર્ટ માટે ફક્ત ટેસ્ટ કરાવો એટલું જ નહીં, પરંતુ એક વખત કાર્ડિયોલૉજિસ્ટ પાસે ક્લિનિકલ ચેક-અપ માટે પણ જવું જ. અમુક વસ્તુ જે ટેસ્ટ દ્વારા નથી સમજાતી એ ઘણી વાર અનુભવી ડૉક્ટરના ચેક-અપ થકી સમજી શકાય છે. તમને ડાયાબિટીઝ, બ્લડપ્રેશર અને કૉલેસ્ટરોલની તકલીફ છે તો એનો અર્થ એ નથી કે રેગ્યુલર દવા લઈ લીધી એટલે પતી ગયું. એ કન્ટ્રોલમાં રહે છે કે નહીં એ જોવું જરૂરી છે. ઘણી વખત લાંબા ગાળાથી આ રોગ ચાલ્યા આવતા હોય તો દરદી બેદરકાર થઈ જાય છે અને માપીને જોતા નથી કે તેમની આ તકલીફો કાબૂમાં છે કે નહીં. આ ત્રણેય વસ્તુ જેટલી કાબૂમાં રાખશો એટલું હાર્ટ લાંબું ચાલશે. તમે ગમે તે ઉંમરના હો, તમને હાર્ટ પ્રૉબ્લેમ ન હોય તો પણ અને હોય તો અત્યંત જરૂરી છે લાઇફસ્ટાઇલમાં સુધાર. સ્મોકિંગ બંધ કરો, હેલ્ધી ખોરાક લેતાં શીખો અને દરરોજ એક્સરસાઇઝ કરો જ. ગાડી ગૅરેજમાં હશે તો ખબર કેમ પડશે કે બરાબર ચાલે છે કે નહીં? ફિઝિકલ ઍક્ટિવિટી વધારશો તો સમજાશે કે હાર્ટ કેવું ચાલે છે. એની સાથે-સાથે એની ક્ષમતા પણ વધશે. હાર્ટને સાબૂત રાખવા માટે હેલ્ધી લાઇફસ્ટાઇલ અપનાવવી અત્યંત જરૂરી છે.
ADVERTISEMENT
-ડૉ. લેખા પાઠક


