Health Funda: સોશિયલ મીડિયા પર ચર્ચાઈ રહેલો હેલ્થ ટ્રેન્ડ ‘ફાઇબરમેક્સિંગ’ ખરેખર છે શું?ચાલો જાણીએ ડૉ. રિશિતા બોચિયા જોષી પાસેથી કે, આપણા માટે ફાઇબર શા માટે જરૂરી છે? ટ્રેન્ડનું આંધળું અનુકરણ કરવાને બદલે સંતુલન કઈ રીતે જાળવવું જોઈએ?
તસવીર ડિઝાઇનઃ કિશોર સોસા
સુંદર અને ટકાઉ ઘર બનાવવા મજબૂત પાયો, સારી અને યોગ્ય સામગ્રી તેમજ કુશળ કામદારોની જરૂર પડે છે તેમ આપણા શરીરનું સર્વાંગી સ્વાસ્થ્ય જળવાય તે માટે ખોરાક, કસરત અને મનની સ્વસ્થતા જરૂરી છે. ખોરાક આપણા શરીરને ઊર્જા આપે છે. નિયમિત કસરત શરીરને મજબૂત બનાવે છે, સાથે સાથે મનને તેજ અને તણાવમુક્ત રાખે છે. આમ સર્વાંગી સ્વાસ્થ્ય માટે તન અને મન બન્ને સ્વસ્થ હોવા ખૂબ જરુરી છે. સોશ્યલ મીડિયા જ્યારે આંગળીના ટેરવે છે ત્યારે સરળતાથી માહિતી મળી જાય કે, સર્વાંગી સ્વાસ્થ્ય માટે શું ખાવું જોઈએ? ડાયટિંગમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું? કઈ કસરત કરવી જોઈએ? માનસિક શાંતિ માટે શું જરુરી છે? વગેરે વગેરે બધી જ માહિતી મળી જાય છે. પરંતુ વ્યક્તિ દીઠ દરેક બાબત જુદી-જુદી હોય છે. પણ સર્વાંગી સ્વાસ્થ્યને લગતી કેટલીક બાબતો બહુ કૉમન હોય છે. તમને મૂંઝવણ થતી હોય કે સુખાકારી અને સર્વાંગી સ્વાસ્થ્ય માટે શું કરવું તો ગુજરાતી મિડ-ડે ડોટ કોમ તમારી માટે લઈને આવ્યું છે – ‘હેલ્થ ફંડા’ (Health Funda). જેમાં દર શનિવારે ‘હેલ્થ એન ફૂડવિલા’ (Health n Foodvilla)નાં ડાયટિશન અને ફૂડ ન્યુટ્રિશનિસ્ટ, હોલિસ્ટિક ફંક્શનલ હેલ્થ કૉચ ડૉ. રિશિતા બોચિયા જોષી (Dr. Rishita Bochia Joshi) ખોરાક, શારિરીક સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્યને લગતા વિષયો પર આપણી સાથે વાત કરશે.
આજના ‘હેલ્થ ફંડા’ના એપિસોડમાં ડૉ. રિશિતા બોચિયા જોષી વાત કરે છે, આજના સમયમાં સોશિયલ મીડિયા પર `ફાઇબરમેક્સિંગ` ટ્રેન્ડ વાયરલ થયો છે તેના વિશે.
ADVERTISEMENT
છેલ્લા કેટલાક વર્ષોથી હેલ્થ અને ન્યુટ્રિશનની દુનિયામાં એક જ શબ્દનો દબદબો રહ્યો છે: પ્રોટીન. પ્રોટીન બ્રેકફાસ્ટ, પ્રોટીન શેક્સ, પ્રોટીન બાર્સથી લઈને પ્રોટીન આઈસ્ક્રીમ સુધી બધું જ માર્કેટમાં છવાઈ ગયું. પરંતુ હવે વેલનેસ ક્ષેત્રે એક નવો શબ્દ ગૂંજી રહ્યો છે — ફાઇબરમેક્સિંગ (Fibremaxxing).
આ કોન્સેપ્ટ એકદમ સાદો છે — તમારા રોજિંદા આહારમાં ફાઇબર (રેસાવાળા તત્વો) નું પ્રમાણ અને તેની વિવિધતા ઈરાદાપૂર્વક વધારવી. સોશિયલ મીડિયા અને ગટ-હેલ્થ (પાચન સ્વાસ્થ્ય) ઉત્સાહીઓમાં આ ટ્રેન્ડ ખૂબ લોકપ્રિય થઈ રહ્યો છે, જેમાં રોજનું ૨૫ થી ૩૦ ગ્રામ કે તેથી વધુ ફાઇબર લેવાનો ધ્યેય રાખવામાં આવે છે.
ઈન્ટરનેટના અન્ય અજીબોગરીબ ડાયેટ ટ્રેન્ડ્સની સરખામણીમાં આ ટ્રેન્ડ પાછળ એક ખૂબ જ વ્યાજબી અને વૈજ્ઞાનિક આધાર રહેલો છે. કારણ કે ફાઇબર એવું પોષક તત્વ છે જેની જરૂરિયાત વિશે આપણે સૌ જાણીએ છીએ, પરંતુ તેના પર બહુ ઓછું ધ્યાન આપીએ છીએ.
ફાઇબર શા માટે જરૂરી છે?
પાચનતંત્ર અને પેટની સફાઈ: ફાઇબર પાચનક્રિયા સારું રાખે છે અને કબજિયાત અટકાવે છે.
બ્લડ શુગર અને કોલેસ્ટ્રોલ પર નિયંત્રણ: તે ખોરાકમાંથી શુગરના શોષણને ધીમું કરે છે અને ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે.
પેટ ભરેલું રાખે છે (Satiety): ફાઇબરયુક્ત આહારથી પેટ લાંબો સમય ભરેલું રહે છે, જેથી અતિ-આહારથી બચી શકાય છે.
ગટ હેલ્થ: ચોક્કસ પ્રકારના ફાઇબર આપણા આંતરડાના `ગુડ બેક્ટેરિયા` માટે ખોરાક (Prebiotics) તરીકે કામ કરે છે, જે આંતરડાનું સ્વાસ્થ્ય સુધારે છે.
ભારતીય આહાર અને ફાઇબરની વાસ્તવિકતા
ભારતીય ભોજન અને ખાવાની પધ્ધતિના સંદર્ભમાં આ ચર્ચા ખૂબ મહત્વની છે. આપણી દિનચર્યા મોટે ભાગે સવારે ચા-બિસ્કિટ, પૌંઆ કે પરાઠા, બપોરે થોડુંક શાક, સાંજે બિસ્કિટ કે સ્નેક્સ અને રાત્રે ભાત કે રોટલી પર નિર્ભર હોય છે. આપણે પેટ ભરીને ખોરાક તો લઈએ છીએ, પરંતુ તેમાં ફાઇબરનું પ્રમાણ કાર્બોહાઇડ્રેટ્સની સરખામણીમાં ખૂબ ઓછું હોય છે.
દાળ, ચણા, રાજમા, અનાજ, બાજરી/જુવાર (Millets), લીલા શાકભાજી, ફળો, ડ્રાયફ્રૂટ્સ અને બીજ (Seeds) પેઢીઓથી આપણા આહારમાં ફાઇબર આપતા આવ્યા છે, પણ તેની માત્રા હવે ઘટી ગઈ છે.
ફાઇબરમેક્સિંગ કરવાની સાચી અને સરળ રીત
ફાઇબરમેક્સિંગનો અર્થ એ નથી કે તમારે કાચા સલાડનો મોટો બાઉલ ભરીને ખાઈ જવો કે દરેક ભોજનમાં ફાઇબર પાઉડરની ચમચીઓ ઉમેરવી. આ ફેરફાર ખૂબ સાદો હોઈ શકે છે:
રોજિંદા આહારમાં સરળ ફેરફારો કરો તો પણ તમારા આહારમાં ફાઇબરનો સમાવેશ થઈ જાય. જેમ કે, પૌંઆ કે ઉપમામાં લીલા શાકભાજી ઉમેરો, મેંદા કે ઘઉંની સાદી રોટલીને બદલે મલ્ટીગ્રેન કે મિલટ્સ રોટલી ખાઓ, ફ્રૂટ જ્યુસને બદલે આખું ફળ ખાઓ, સાંજના સમયે તળેલા પેકેજ્ડ્ સ્નેક્સને બદલે મુઠ્ઠીભર મખાના કે પમ્પકિન સીડ્સ ખાઈ શકાય.
સાવચેતી રાખો, અચાનક વધુ પડતું ફાઇબર ન લો!
જો કોઈ વ્યક્તિ અચાનક લો-ફાઇબર ડાયેટમાંથી હાઈ-ફાઇબર ડાયેટ પર શિફ્ટ થઈ જાય, તો પેટમાં ગેસ, અસ્વસ્થતા, પેટ ફૂલી જવું (Bloating) કે કબજિયાત થઈ શકે છે — ખાસ કરીને જો પૂરતું પાણી ન પીવામાં આવે તો.
ફાઇબરનું પ્રમાણ ધીમે-ધીમે વધારો અને તેની સાથે પૂરતા પ્રમાણમાં પાણી પીવો. પાચનસંબંધી ગંભીર બીમારી ધરાવતા લોકોએ ડૉક્ટર કે ન્યુટ્રિશનિસ્ટની સલાહ લેવી જોઈએ.
ફાઇબરમેક્સિંગનો ફાયદો
ફાઇબરમેક્સિંગનો સૌથી મોટો ફાયદો એ છે કે તે પોષણની ચર્ચાને "મારે આહારમાંથી શું કાઢી નાખવું?" ને બદલે "મારે આહારમાં શું ઉમેરવું?" તરફ લઈ જાય છે.
બસ તમારા ભોજનમાં, એક વધુ શાકભાજી ઉમેરો. એક ફળ ઉમેરો. થાળીમાં દાળ કે કઠોળ ઉમેરો. આહારમાં વિવિધતા (Diversity) લાવો.
ધ્યેય ફાઇબરનો "ઓવરડોઝ" કરવાનો નથી, પરંતુ કુદરતી ખોરાક અને વનસ્પતિજન્ય આહારને આપણી દિનચર્યાનો મોટો હિસ્સો બનાવવાનો છે. ઘણીવાર નવો `હેલ્થ ટ્રેન્ડ` બીજું કંઈ નહીં, પણ આપણી જૂની આદત જ હોય છે જેને આપણે ભૂલી ગયા હોઈએ છીએ!
(શબ્દાંકનઃ રચના જોષી)
