ટિકિટ વગરના મુસાફરો પર નજર રાખશે રેલવેની ટીમ
પ્રતીકાત્મક તસવીર
રાતના સમયે ટિકિટ વગર ફરતા મુસાફરોને પકડવા અને મહિલાઓની સુરક્ષા જાળવવા તથા રેલવે-પરિસર પર નજર રાખવા વેસ્ટર્ન રેલવેએ ‘બૅટમૅન’ ટીમ બનાવવાનો નિર્ણય લીધો છે.
રાતના સમયે નિયમિત ટિકિટ-ચેકિંગ પ્રમાણમાં ઓછું હોય છે એથી કેટલાક પ્રવાસીઓ વગર ટિકિટે પ્રવાસ કરતા હોય છે. એ સાથે જ રાતના સમયે થનારાં ગેરકાયદે કૃત્યો પર અંકુશ મૂકવાનો પણ પડકાર હોય છે. એથી ટિકિટ-ચેકિંગ અને પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી ‘બૅટમૅન’ ટીમ બનાવવામાં આવશે. આ ટીમના સભ્યો વેસ્ટર્ન રેલવેનાં સ્ટેશનો અને લોકલમાં પણ પૅટ્રોલિંગ કરશે. એમનું કામ ફક્ત ટિકિટ તપાસવાનું નહીં, પણ કોઈ પણ શંકાસ્પદ હિલચાલ કે જોખમના અણસાર જાણય તો અેના પર ધ્યાન રાખવાનું રહેશે. ખાસ કરીને રાતના સમયે પ્રવાસ કરતી મહિલાઓ પર આ ટીમનું ધ્યાન રહેશે. પ્રવાસીઓ સાથે વાતચીત કરીને નિયમોનું પાલન કરાવવાનું પબ્લિક અવેરનેસનું કામ પણ આ ટીમ કરશે. એથી ‘બૅટમૅન’ ફક્ત ટિકિટ ન તપાસતાં લોકો માટે સુરક્ષાનો સાથી બનીને કામ કરશે.
