જ્યારે કામ ન હોય ત્યારે શું તમને પણ અજંપો થાય છે? અમિતાભ બચ્ચન જેવા સફળ લોકો માટે પણ નવરા બેસવું એક પડકાર કેમ બની જાય છે? આજે આની પાછળ રહેલી સાઇકોલૉજી સમજીએ અને જાણીએ કે આરામને સમયનો બગાડ માનવાને બદલે એને ગિલ્ટ વગર કેવી રીતે માણવો...
અમિતાભ બચ્ચન
તાજેતરમાં બિગ બીએ તેમના બ્લૉગમાં લખ્યું હતું કે ‘જ્યારે કોઈ દિવસ સાવ લેઝી હોય, કોઈ જ કારણ વગર બસ નવરા બેસવાનું હોય ત્યારે એ ખરેખર ડિસ્ટર્બિંગ લાગે છે. જો તમે તમારા ફિક્સ શેડ્યુલ મુજબ કામ ન કરો તો આદતોનું આખું ગણિત ખોરવાઈ જાય છે. એ દિવસ પછી એક મિસ્ટરી જેવો લાગે છે જેમાં કશું જ તાલમેલમાં નથી હોતું.’
બિગ બીની આ વાત આજના એવા લોકોના મનનો અવાજ છે જેમને રૂટીનની એવી આદત પડી ગઈ છે કે જો ભૂલેચૂકે રવિવારે પણ કંઈ કામ ન હોય તો તેઓ રિલૅક્સ થવાને બદલે ઊલટાના બેચેન થઈ જાય છે. અમિતાભ બચ્ચન આ સ્થિતિને એડેડ ઍન્ગ્ઝાયટી કહે છે. તેઓ કહે છે કે જ્યારે દિવસ આપણે ઇચ્છીએ એવો નથી જતો ત્યારે એક અજંપો શરૂ થાય છે જે મન અને શરીર બન્ને માટે નુકસાનકારક છે. આ કોઈ સામાન્ય કંટાળો નથી, એક એવી સાઇકોલૉજિકલ સ્થિતિ છે જ્યાં માણસને કંઈ જ ન કરવામાં ગિલ્ટ ફીલ થાય છે. શા માટે આપણને આરામ પચતો નથી? કેમ આપણે અનશેડ્યુલ્ડ સમયથી ડરીએ છીએ? આ વિશે આપણે સાઇકોથેરપિસ્ટ નિધિ શાહ પાસેથી સમજવાનો પ્રયત્ન કરીએ અને આવા સમયે ઍન્ગ્ઝાયટી ફીલ કરવાને બદલે રિલૅક્સ થવાય એ માટે શું કરવું જોઈએ એ જાણીએ.
કામને ઓળખ ન બનાવો
અમિતાભ બચ્ચન જેવા સફળ માણસો જ્યારે નવરા બેસે ત્યારે તેમને જે ગભરામણ થાય છે એનું કારણ સફળતાની કમી નથી પણ આપણી ઓળખ સાથે જોડાયેલી એક વાત છે. આપણામાંના ઘણા લોકોનો ઉછેર એવી રીતે થયો હોય છે કે આપણને નાનપણથી જ આપણે શું કામ કરીએ છીએ એના પર જ શાબાશી મળી હોય છે.
ધીમે-ધીમે આપણા મનમાં એ વાત ફિટ થઈ જાય છે કે જો આપણે કામ નહીં કરીએ તો આપણી કોઈ કિંમત નથી. આ વિચાર પેઢીઓથી ચાલ્યો આવે છે. એટલે જ આજે જ્યારે આપણે આરામ કરીએ છીએ ત્યારે આપણને અંદરથી કંઈક અજંપો કે ડર લાગે છે. ખરેખર તો કામને પોતાની ઓળખથી અલગ કરવું એ માત્ર એક વિચાર નથી, મનને ફરીથી ટ્રેઇન કરવાની આખી પ્રક્રિયા છે. આ ફેરફાર લાવવા માટે સૌથી પહેલાં તો એ સમજવું પડશે કે આપણી કિંમત માત્ર આપણા કામ પરથી નક્કી નથી થતી. આપણે હંમેશાં બધું જ મારે કરવાનું છે એવી જે આદત પાડી દીધી છે એને પણ ઓળખવી પડશે. આપણે એ સમજવું જરૂરી છે કે કોઈ પણ હોદ્દો કે કામ સંભાળતાં પહેલાં આપણે એક માણસ છીએ એટલે જ કામ સિવાય પણ એવી પ્રવૃત્તિઓ કરવી જોઈએ જેમાં કોઈને કશું સાબિત કરવાનું ન હોય. ધીમે-ધીમે કંઈ જ ન કરવાની આદત પાડવી પડશે. જ્યારે પણ કામ વગર ગભરામણ જેવું લાગે ત્યારે ઊંડા શ્વાસ લેવાની કસરત કરવાથી મગજને શાંતિનો અનુભવ થાય છે. આ એક મોટો બદલાવ છે જેમાં આપણે હું જે કામ કરું છું એ જ મારી ઓળખ છે એવું માનવાને બદલે એ સમજવાનું છે કે હું જે છું એને હું મારા કામ દ્વારા દુનિયાને બતાવું છું.
નવરાશ કેમ અકળાવી દે છે?
જ્યારે તમે સાવ શાંતિથી બેસો છો ત્યારે માત્ર મૌન નથી આવતું, એ બધું જ બહાર આવે છે જેને આપણે અત્યાર સુધી કામના બહાને દબાવી રાખ્યું હતું. જેવી તમે તમારી દોડધામ ઓછી કરો એટલે તરત જ તમારા વિચારોનો અવાજ મોટો થવા લાગે છે. અત્યાર સુધી જે લાગણીઓને આપણે બહુ કામ છે એમ કહીને સાઇડમાં મૂકી દીધી હતી એ અચાનક સામે આવીને ઊભી રહે છે. તમારું શરીર પણ જવાબ આપવા લાગે છે. ક્યાંક દુખાવો અનુભવાય, ક્યાંક ભારેપણું લાગે તો ક્યાંક અજાણ્યો ડર લાગે. આપણે મોટા ભાગે આવી શાંતિમાં પોતાની સાથે બેસવા ટેવાયેલા નથી હોતા એટલે જ આપણે આરામને આળસ કે નકામો કહી દઈએ છીએ. જ્યારે આપણે સતત કંઈક ને કંઈક કર્યા કરીએ છીએ ત્યારે આપણે બસ જીવવા માટે દોડતા હોઈએ છીએ. આપણે આપણી જાતને એટલી વ્યસ્ત રાખીએ છીએ જેથી આપણે કશું અનુભવવું જ ન પડે. જોકે જ્યારે તમે છેવટે અટકો છો ત્યારે તમારું શરીર પૂછે છે કે શું હવે આપણે એ બધી વાતો પર ધ્યાન આપી શકીએ જેને તું અત્યાર સુધી ટાળતો આવ્યો છે? આ જ કારણ છે કે ક્યારેક કામ વગરનો ફ્રી ડે આપણને વ્યસ્ત દિવસ કરતાં પણ વધુ ભારે અને અઘરો લાગે છે.
રૂટીન તૂટવાથી બ્રેઇનમાં શું થાય?
આપણું મગજ એક એવી આદત સાથે જીવે છે કે એને બધું જ અગાઉથી ખબર હોવી જોઈએ. આપણા માટે રોજનું કામ કે શેડ્યુલ એ માત્ર લિસ્ટ નથી, એક જાતની સલામતી છે. જેવી આ આદત કે રૂટીન અચાનક તૂટી જાય ત્યારે મગજ જાણે કન્ટ્રોલ ગુમાવી બેસે છે. અચાનક શું કરવું એની ખબર નથી પડતી અને મન તરત જ અલર્ટ થઈ જાય છે. અહીં એ પણ સમજવા જેવું છે કે આપણું મન માત્ર આજના ફ્રી ટાઇમથી નથી ગભરાતું, એને જૂના દિવસો પણ યાદ આવી જાય છે. જો ભૂતકાળમાં ક્યારેય તમે નવરા પડ્યા હો અને એ સમયે એકલતા અનુભવી હોય, કોઈએ તમારી ટીકા કરી હોય અથવા તમને કોઈ તકલીફ પડી હોય તો મગજ એ વાતને મનમાં ફિટ કરી દે છે. એને એવું લાગે છે કે જ્યારે બધું સાવ શાંત હોય અથવા કામ ઓછું હોય ત્યારે સમજી લેવું કે કંઈક લોચો છે કે કંઈક ખોટું થવાનું છે. આ જ કારણ છે કે ઘણા લોકોને નવરાશનો સમય આઝાદી જેવો નથી લાગતો, ઊલટાનો એવો ડર લાગે છે કે હવે કંઈક ખરાબ થશે. આપણને રિલૅક્સ થતાં એટલે જ નથી આવડતું કારણ કે આપણું મન શાંતિને સુખ માનવાને બદલે ખતરો માની લે છે.
રૂટીનમાંથી બ્રેક ન લેવાથી શું થાય?
આજે આપણી હાલત એવી થઈ ગઈ છે કે જેવી બે મિનિટ શાંતિ મળે કે તરત જ આપણો હાથ ખિસ્સામાં રહેલા ફોન તરફ ખેંચાય છે. આપણે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ ખોલીને બેસી જઈએ છીએ, કારણ કે કોઈ પણ કામ વગર ખાલી હાથે પોતાની સાથે બેસવું હવે આપણને બહુ અઘરું લાગે છે. આપણે જાણે આપણી પોતાની જાતથી જ ભાગી રહ્યા છીએ, પણ એક વાત યાદ રાખવા જેવી છે. સાચી શાંતિ કે નિરાંત સતત કામમાં રહેવાથી નથી મળતી, જ્યારે તમે બધું જ સાઇડમાં મૂકીને થોડી વાર માટે અટકી જાઓ છો ત્યારે મળે છે. આ જે નવરાશની પળો છે જેનો આપણે કોઈ હિસાબ નથી રાખતા એ જ સાચી જગ્યા છે જ્યાં તમારું મન ખરેખર હળવું થઈને શ્વાસ લઈ શકે છે. આ નવરાશમાં જ મગજને ફરીથી રીસેટ થવાનો મોકો મળે છે અને નવા-નવા વિચારો આવવાનું શરૂ થાય છે. જ્યારે આપણે સાવ શાંત થઈએ છીએ ત્યારે જ આપણું શરીર અંદર ભરેલો વર્ષોનો થાક અને ટેન્શન બહાર કાઢી શકે છે. જો તમે ક્યારેય બ્રેક જ નહીં લો તો તમે કંઈ નવું નથી કરી રહ્યા, બસ મગજમાં વિચારોનો કચરો ભેગો કરી રહ્યા છો. જો આમ ને આમ ચાલ્યા કરશે તો લાંબા ગાળે તમને થાક લાગશે, ચિંતા વધશે, ચીડિયાપણું આવશે અને ક્યારેક તો શરીરમાં બીમારીઓ પણ ઘર કરી જશે.
ગિલ્ટ વગર નવરાશ માણવાની ટિપ્સ
૧. માત્ર વિચારથી નહીં, શરીરથી ગિલ્ટ દૂર કરો : આપણે અપરાધભાવમાંથી માત્ર વિચારીને બહાર નથી નીકળી શકતા, કારણ કે એ ભાવ આપણી નર્વસ સિસ્ટમમાં સ્ટોર થયેલો હોય છે. એટલે શરીરનો સહારો લો. જ્યારે બેચેની થાય ત્યારે તમારા હાથ અને ખભાને ૩૦થી ૬૦ સેકન્ડ માટે હળવાશથી ઝાટકો. જેમ પ્રાણીઓ કુદરતી રીતે પોતાનો તનાવ દૂર કરે છે એમ આનાથી તમારું સ્ટોર થયેલું સ્ટ્રેસ રિલીઝ થશે. ત્યાર બાદ શાંત થઈને મનને કહો કે આરામ એ સમયનો બગાડ નથી, મારું રીચાર્જિંગ છે.
૨. મનને એક સેફ ઍન્કર (આધાર) આપો : આપણું મન આરામથી નથી ડરતું, ખાલીપાથી ડરે છે. એટલે કંઈ જ નથી કરવું એવું કહેવાને બદલે મનને કોઈ એક નાનકડા અનુભવમાં પરોવી દો. જેમ કે હાથમાં ચા કે કૉફીનો કપ લો અને માત્ર એનો ગરમાવો, એની સુગંધ અને એના સ્વાદ પર જ ધ્યાન આપો. જ્યારે પણ મન કહે કે મારે કંઈક કામ કરવું જોઈએ ત્યારે એને પ્રેમથી ફરી એ ચાના સ્વાદ પર પાછું લાવો. આ ડિસ્ટ્રેક્શન નથી, તમારા મનને વર્તમાનમાં સ્થિર કરવાની ટ્રેઇનિંગ છે. આનાથી ધીમે-ધીમે એ ખાલીપો શાંતિમાં ફેરવાઈ જશે.
૩. દર વીક-એન્ડ પર એક નો-આઉટકમ અવર નક્કી કરો: રવિવારે એક કલાક એવો ફાળવો જેમાં તમારે કશું જ મેળવવું નથી, કશું સાબિત નથી કરવું અને કોઈ પ્લાન નથી બનાવવો. આ એક કલાકમાં તમે માત્ર સંગીત સાંભળો, કાગળ પર લીટા કરો, અમસ્તા જ ચાલો અથવા ખાલી આડા પડીને શ્વાસ લો. આ સમયે જ્યારે પેલી જૂની બેચેની પાછી આવે ત્યારે એનાથી ભાગવાને બદલે એને માત્ર જુઓ અને તમારી જાતને કહો કે અત્યારે મારી પાસે કોઈ અપેક્ષા નથી, મારે કશું જ કરવાની જરૂર નથી.
