થાણેના નૌપાડામાં પ્રાચી ફૅશન સ્ટોર્સ નામની દુકાનમાં લાગેલી આગમાં કચ્છી વેપારીને આટલો ફટકો પડ્યો : આગ CCTV કૅમેરાના વાયરને લીધે અથવા ઉંદરને લીધે લાગી હોવાની આશંકા
ગ્રાઉન્ડ પ્લસ વન ફ્લોરનો પ્રાચી ફૅશન સ્ટોર્સ આગમાં ખાખ થઈ ગયો.
થાણેના નૌપાડા વિસ્તારમાં પૅરૅડાઇઝ ટાવરના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા પ્રાચી ફૅશન સ્ટોર્સમાં ગઈ કાલે વહેલી સવારે અચાનક આગ લાગી હતી. એને કારણે આશરે ૩ કરોડ રૂપિયાનાં કપડાં અને ફર્નિચર બળીને ખાખ થઈ ગયાં હતાં. થાણેમાં બ્રાઇડલ કપડાં માટે જાણીતો ગ્રાઉન્ડ પ્લસ વન સ્ટ્રક્ચરવાળો પ્રાચી ફૅશન સ્ટોર્સ છેલ્લાં ૩૦ વર્ષથી કચ્છી વેપારી દ્વારા સંચાલિત હતો. આગ લાગવાના મુખ્ય કારણની પોલીસ અને ફાયર-બ્રિગેડ દ્વારા વિશેષ તપાસ કરવામાં આવશે. પ્રાથમિક માહિતી મુજબ શૉર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં
આવી છે.
પ્રાચી ફૅશન સ્ટોર્સના માલિક ચેતન બોરીચાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રવિવારે રાત્રે ૧૦.૩૦ વાગ્યાની આસપાસ અમે દુકાન વધાવીને ઘરે ગયા હતા. ગઈ કાલે સવારે લગભગ પાંચ વાગ્યે સોસાયટીના વૉચમૅનનો ફોન આવ્યો કે દુકાનની અંદરથી ધુમાડો નીકળી રહ્યો છે. આ જાણ થતાં જ તાત્કાલિક અમે દુકાન પર પહોંચ્યા અને શટર ખોલીને અંદર જોયું ત્યારે આગ ખૂબ જ ફેલાઈ ગઈ હતી. થોડા જ સમયમાં ફાયર-બ્રિગેડની ૮ ગાડીઓ સાથે આવેલા અધિકારીઓએ સતત પાંચ કલાકની મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ મારો અંદાજ છે કે CCTV કૅમેરા માટે ચાલુ રાખેલા વાયરમાં શૉર્ટ સર્કિટ થયું હશે અથવા ઉંદરને કારણે પણ શૉર્ટ સર્કિટ થયો હોઈ શકે છે.’
ADVERTISEMENT
ચેતન બોરીચાની આશરે ૨૫૦૦ સ્ક્વેરફુટ કાર્પેટ એરિયામાં આવેલી ગ્રાઉન્ડ પ્લસ વન સ્ટ્રક્ચરની દુકાન છેલ્લાં ૩૦ વર્ષથી હેવી બ્રાઇડલ કપડાં માટે જાણીતી હતી. આ અચાનક લાગેલી આગમાં લગભગ બે કરોડ રૂપિયાનાં કપડાં અને એક કરોડ રૂપિયાથી વધુનું ફર્નિચર બળીને ખાખ થઈ ગયાં હતાં.
થાણેના ફાયર-ઑફિસર ઓમકાર વૈતીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આગની ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક અમારા અધિકારીઓ સાથે TMCના ડિઝૅસ્ટર વિભાગની ટીમ અને પોલીસ ઘટનાસ્થળે દોડી ગયાં હતાં. ઉપરાંત MSEDCLના અધિકારીઓને પણ બોલાવી લેવામાં આવ્યા હતા. આગને કારણે દુકાનમાં રહેલો તમામ માલસામાન સંપૂર્ણપણે બળી ગયો છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી સ્પષ્ટ થયું નથી અને એની તપાસ ચાલી રહી છે.’
