વાછૂટ એકદમ સહજ પ્રક્રિયા છે. પાચન દરમિયાન અમુક ઝેરી ગૅસ છૂટા પડે જેની શરીરને જરૂર હોતી નથી એટલે એ બહાર નીકળી જવા ઇચ્છે છે
પ્રતીકાત્મક તસવીર
વાછૂટ એકદમ સહજ પ્રક્રિયા છે. પાચન દરમિયાન અમુક ઝેરી ગૅસ છૂટા પડે જેની શરીરને જરૂર હોતી નથી એટલે એ બહાર નીકળી જવા ઇચ્છે છે. સમાજના ડરે, કોઈ સાંભળશે તો હસશે એમ માનીને જ્યારે તમે એને રોકી રાખો છો ત્યારે ગરબડ થાય છે. એ અંદર ફસાયેલો ગૅસ શરીરમાં જ્યાં જગ્યા મળે ત્યાં ફસાઈને દુખાવો ઊભો કરે છે અને પાચનમાં અવરોધરૂપ બને છે. એટલે છૂટથી વાછૂટ કરો, એ હેલ્ધી છે
‘થ્રી ઇડિયટ્સ’ની પાદવા પરની કવિતા સાંભળીને આજે પણ લોટપોટ થઈ જવાય છે. શરીરના એક ભાગમાંથી બહાર નીકળતો ગૅસ અને એના દ્વારા થતો અવાજ ઉત્ક્રાન્તિનાં આટલાં વર્ષો પછી, અઢળક જનરેશન બદલાઈ ગયા પછી પણ હાસ્યાસ્પદ જ રહ્યો છે. નવજાત બાળકથી લઈને ૯૦ વર્ષના દાદા સુધી બધાને ગૅસ થાય છે અને બધા આ ગૅસને મુક્ત કરે જ છે. પાદનું પણ પ્રેમ જેવું જ છે, બધા કરતા હોવા છતાં એ જાહેરમાં કરવાનું અયોગ્ય માનવામાં આવે છે. બધા જાણે છે એ એકદમ નૅચરલ એટલે કે સહજ પ્રક્રિયા છે છતાં એ એની સાથે અસહજ હાસ્ય લઈને આવે છે. જોકે જ્યારે એ અવાજ સાથે વાસ ભળે છે ત્યારે આજુબાજુના લોકોની હાલતને અસહજ કરી નાખે છે. ગુજરાતીમાં આ પ્રક્રિયા માટે પાદ, વાછૂટ કે અધોવાયુ જેવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે જેમાં પાદ સૌથી વધુ ઉપયોગમાં આવતો શબ્દ છે, પણ એ બોલવામાં અભદ્ર લાગતો હોય છે. નીચે તરફ ગતિ કરતો વાયુ એટલે એને અધોવાયુ શબ્દ આપવામાં આવ્યો છે જે ઘણો સૉફિસ્ટિકેટેડ લાગે છે, જ્યારે વાછૂટ શબ્દ આ બન્નેની વચ્ચેની કૅટેગરી કહી શકાય. એટલે આ લેખમાં વાછૂટ શબ્દ વાપરીશું. વા એટલે હવા અને છૂટ એટલે એની મુક્તિ. આજે જાણીએ આ વાછૂટ પાછળનું વિજ્ઞાન.
ADVERTISEMENT
ગૅસ
જ્યારે આપણે જમીએ છીએ ત્યારે શરીર એ ખાદ્ય પદાર્થના પાચનના કામમાં લાગી જાય છે. એ પાચનની પ્રક્રિયા દરમિયાન અમુક ગૅસ છુટ્ટા પડે છે જેને શરીર બહાર ફેંકવા મથે છે. આ વિશે સમજાવતાં મલાડમાં પ્રૅક્ટિસ કરતા આયુર્વેદ નિષ્ણાત અને નાડી પરીક્ષણ વિશેષજ્ઞ વૈદ્ય ડૉ. સંજય છાજેડ કહે છે, ‘આ જે વાયુ ઉત્પન્ન થાય છે એની પ્રકૃતિ છે નીચે તરફ ગતિ કરવાની અને એટલે વાછૂટ શરીરમાં નીચે તરફથી થાય છે, પરંતુ ઘણી વાર એવું થાય છે કે એને નીચે તરફ જગ્યા મળતી નથી તો એ ઉપર તરફ આવે છે અને વ્યક્તિને ઓડકાર આવે છે. નૅચરલ પ્રક્રિયા એ છે કે આ ઉત્પન્ન થયેલા ગૅસને બહાર તરફ જવાનો માર્ગ આપવો અને એને બહાર કાઢી જ નાખવો. જો એ વધુ માત્રામાં છે અને અંદર રહી જાય તો એ વ્યક્તિને હેરાન કરી મૂકે છે. એ સમય પૂરતી જ હેરાનગતિની વાત નથી, લાંબા ગાળે એ બીમારી લાવે છે.’
ડૉક્ટર પાસે ક્યારે જવું?
કયા પ્રકારના ગૅસની તકલીફ નૅચરલ ગણાતી નથી? કઈ રીતે ખબર પડે કે તમે જે દિવસ દરમિયાન વાછૂટ કરો છો એ માટે ડૉક્ટરને મળવું કે નહીં? એ વિશે સમજાવતાં ડૉ. સંજય છાજેડ કહે છે, ‘જ્યારે અવાજ વધુ અને વાસનું પ્રમાણ પણ વાછૂટમાં ભળે ત્યારે કહી શકાય કે તકલીફ છે. જેમની વાછૂટનો અવાજ વધુ છે તેમને ગૅસ વધુ થાય છે અથવા તો તેઓ મેદસ્વી છે. દૂબળા લોકો પણ જ્યારે ગરબડવાળો ખોરાક લે છે ત્યારે તેમને ગૅસ વધી જાય છે. આ બધાનું એક જ કારણ છે : તમારો જઠરાગ્નિ મંદ પડી ગયો છે, પાચન વ્યવસ્થિત થતું નથી અને જેનું પાચન બગડ્યું એ વ્યક્તિના શરીરમાં બીમારી શરૂ થઈ ગઈ એમ સમજી શકાય. જે લોકોની વાછૂટમાં વાસ આવે છે એનો અર્થ એ છે કે તેમને કબજિયાત છે. જે મળ શરીરની બહાર નીકળતું નથી એ મોટા આંતરડામાં પાછું જતું રહે છે જ્યાં મોટું આંતરડું એનું પાણી શોષી લે છે એટલે એ કઠણ બને છે અને એ મળ ફર્મેન્ટ થવા લાગે છે, જેને લીધે એમાંથી દુર્ગંધ ધરાવતો ગૅસ નીકળે છે. આમ જો તમારી વાછૂટમાં ખૂબ વાસ આવતી હોય તો પાચન ઠીક કરવાની જરૂર ઘણી વધારે છે. એ માટે ઇલાજ કરાવવો જ, જે ખૂબ સરળ છે.’
રિસર્ચ
હાલમાં પ્રકાશિત એક રિસર્ચ જણાવે છે કે વાછૂટમાં નીકળતો ગૅસ બ્લડપ્રેશરને કન્ટ્રોલ કરવામાં મદદ કરે છે. આ પ્રયોગ ઉંદર પર કરવામાં આવેલો. રિસર્ચમાં એ જણાવવામાં આવ્યું છે કે વાછૂટ વખતે જે વાસ આવે છે એમાં હાઇડ્રોજન સલ્ફાઇડ હોય છે જે બ્લડપ્રેશરને કન્ટ્રોલ કરવામાં મદદ કરે છે. ૨૦૧૨માં પણ આ જ પ્રકારનું એક રિસર્ચ સામે આવ્યું હતું. હાઇડ્રોજન સલ્ફાઇડ એક ઝેરી ગૅસ છે જે આપણી પાચનપ્રક્રિયા દરમિયાન કામ કરતા બૅક્ટેરિયા દ્વારા મુક્ત થાય છે. જોકે આ વાતને સ્પષ્ટ રીતે નકારતાં ગ્લેનીગલ્સ હૉસ્પિટલ, પરેલના ગૅસ્ટ્રોએન્ટરોલૉજિસ્ટ ડૉ. મેઘરાજ ઇંગળે કહે છે, ‘બ્લડપ્રેશર અને ગૅસને કોઈ સંબંધ નથી. ગૅસ જેમાં જન્મે છે કે ભેગો થાય છે એ આંતરડું અત્યંત ફ્લેક્સિબલ હોય છે એટલે એ દબાણ પણ કરે તો નસો પર એની કોઈ અસર થતી નથી. એટલે એ સમજવું કે ગૅસને કારણે બ્લડપ્રેશર વધે કે ઘટે એ ખોટું છે. ઘણા લોકો એવું પણ માને છે કે વધુપડતો ગૅસ ઉપર ચડે તો હાર્ટ-અટૅક આવે. એવું જરાય નથી. ગૅસ ઉપર ચડે, છાતીમાં ભરાય તો હાર્ટ-અટૅક જેવા જ સંકેત મળે. પણ એ ફક્ત ગૅસ હોય છે, એમાં હાર્ટને કોઈ જાતની અસર થતી નથી. ઊલટું જે વ્યક્તિને ગૅસ છે તેને હાર્ટ-અટૅક પણ આવે તો તેને જે પેઇન થાય એ ગૅસનું પેઇન છે એમ સમજવાની ભૂલ કરી બેસે છે. એટલે જો તમને ગૅસ ખૂબ રહેતો હોય અને છાતીમાં ભરાઈ જવાની સમસ્યા હોય તો એનો ઇલાજ એટલે કરાવવો જરૂરી છે કે હાર્ટ-અટૅક આવશે ત્યારે તમે સમજી નહીં શકો કે ગૅસ છે કે હાર્ટ-અટૅક.’
ગૅસને દબાવી ન રાખો
વાછૂટ થાય, ગૅસ શરીરની બહાર નીકળે એટલે વ્યક્તિને શાંતિ થાય, સારું લાગે પણ જો એ સમયે તે લોકોની વચ્ચે હોય તો ગમેતેટલું પ્રેશર હોય, વ્યક્તિ એ બધાની વચ્ચે વાછૂટ કરવાનું પસંદ કરતી નથી. પોતાને શરમજનક પરિસ્થિતિથી બચાવવા તે ગૅસને અંદર જ રોકી રાખે છે. આ ગૅસને રોકવો બિલકુલ યોગ્ય નથી એમ સમજાવતાં ડૉ. સંજય છાજેડ કહે છે, ‘આ ગૅસ જ્યારે નીચેથી નીકળી શકતો નથી ત્યારે એ ઉપર ચડે છે. ગૅસની પ્રકૃતિ છે, એને જ્યાં જગ્યા મળે એ તરફ એ આગળ વધે. નીચે તમે એને જગ્યા આપતા નથી એટલે એ ઉપર તરફ આગળ વધે છે અને છાતીમાં ભરાઈ જાય છે. આ ગૅસ અંદર જઈને પાચનમાં અવરોધ ઊભો કરે છે. જે જગ્યાએ ભરાઈ જાય ત્યાં દુખાવો ઊભો કરે છે. એને બહાર કાઢવો ખૂબ જરૂરી છે. એટલે અંદર દબાવીને રાખો નહીં.’
ગૅસ ન થાય એ માટે ઉપયોગી નુસખા
અન્નને ચાર ભાગમાં વહેંચીએ તો બે ભાગ સૉલિડ ફૂડ, ૧ ભાગ પ્રવાહી ફૂડ અને ૧ ભાગ ખાલી હોવો જોઈએ. એટલે કે જમવામાં રોટલી-શાક સાથે દાળ અને છાશ જેવાં પ્રવાહી લેવાં જ જોઈએ. એની સાથે ઠૂંસીને ખાવાની આદત છોડવી. એક ભાગ જેટલું ભૂખ્યા રહેવું. જે જગ્યા છે એમાં ગૅસ બૅલૅન્સ થઈ જશે. જ્યારે તમે ઠૂંસીને જમો છો ત્યારે જે ઓડકાર આવે છે એનું કારણ જ એ છે કે ગૅસને જગ્યા રહેતી જ નથી.
જો ગૅસની તકલીફ વધુ હોય તો જમ્યા પહેલાં લો તો હિંગ, જીરું અને અજમો એક ચમચી ફાંકી જવાં. અને જો એ ન લો તો જમ્યા પછી હિંગ, જીરું અને વરિયાળી એક ચમચી મુખવાસની જેમ લેવી. આનાથી ગૅસની તકલીફ રહેતી નથી. પાચન સારું થાય છે.
જમ્યા પછી તરત સૂઈ ન જવું. બેઠા પણ ન રહેવું. હલનચલન કરવું. ૨૦ મિનિટ જેટલો સમય એક લટાર મારી લેવી. એ દરમિયાન ગૅસ ઍડ્જસ્ટ થઈ જશે.
ગૅસની તકલીફ દૂર કરવા જે લોકો બેઠાડુ જીવન જીવે છે તેમણે ઍક્ટિવ લાઇફ અપનાવવી. ઊંઘ પૂરતી કરવી. ખોરાક સમય પર જ લેવો. ખૂબ વધુ માત્રામાં કે વારંવાર ન ખાવું તેમ જ લાંબો સમય ભૂખ્યા પણ ન રહેવું. આ લાઇફસ્ટાઇલ ચેન્જ નહીં કરો તો ગૅસની તકલીફ ક્યારેય જશે નહીં. દવાઓથી એ ફક્ત થોડો સમય સેટ રહેશે, કાયમી જશે નહીં.
જાણી લો
વિજ્ઞાન પ્રમાણે લોકોનું ખાસ ધ્યાન ન જાય એટલા ઓછા અવાજમાં દિવસની ૧૫-૨૦ પાદ નૅચરલ ગણાય. પરંતુ જો ખૂબ અવાજ સાથે વાછૂટ થાય અને એમાં ખૂબ વાસ આવે તો પાચન સંબંધિત તકલીફો છે એ નક્કી એટલે નિષ્ણાતને મળવું જરૂરી છે. આ તકલીફમાં દવાઓ કરતાં લાઇફસ્ટાઇલમાં બદલાવ જ એનો મુખ્ય ઇલાજ છે.

