Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > એક્સરસાઇઝ કરતી વખતે શ્વાસ પર ધ્યાન આપો

એક્સરસાઇઝ કરતી વખતે શ્વાસ પર ધ્યાન આપો

25 December, 2014 05:21 AM IST |

એક્સરસાઇઝ કરતી વખતે શ્વાસ પર ધ્યાન આપો

એક્સરસાઇઝ કરતી વખતે શ્વાસ પર ધ્યાન આપો





જિગીષા જૈન


એક્સરસાઇઝનું મહત્વ શું છે એ આપણે બધા જાણીએ જ છીએ, પરંતુ એનો લાભ પૂરેપૂરો ત્યારે જ મળે છે જ્યારે આપણે એને પ્રૉપરલી કરી શકીએ. શ્વાસ આપણો પ્રાણ છે. શ્વાસ દ્વારા ઑક્સિજન વાયુ જેને આપણે પ્રાણવાયુ કહીએ છીએ એને આપણે આપણી અંદર લઈએ છીએ. એક્સરસાઇઝ દરમ્યાન શ્વાસ લેવા અને છોડવાનું કામ ખૂબ જ અગત્યનું થઈ પડે છે. સામાન્ય રીતે દિવસ દરમ્યાન આપણે જે શ્વાસ લઈએ છીએ એ શ્વાસ પર ધ્યાન આપવાની જરૂર પડતી નથી, કારણ કે શ્વાસ લેવાની અને છોડવાની પ્રક્રિયા સહજ છે. મગજ પોતાની રીતે શરીરને શ્વાસ લેવાનો અને છોડવાનો સંદેશ આપે છે અને એ મુજબ શરીર જાતે જ પોતાની પ્રક્રિયા દ્વારા શ્વાસ લે છે અને છોડે છે.

આમ સામાન્ય રીતે બીજાં કામોમાં શ્વાસ પર ધ્યાન દેવાની જરૂર હોતી નથી, પરંતુ એક્સરસાઇઝ દરમ્યાન શ્વાસ પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. વળી ઘણા લોકોને લાગે છે કે ફક્ત યોગ કરીએ એમાં જ શ્વાસ પર ધ્યાન આપવાની જરૂર હોય છે, પરંતુ એવું નથી. ચાલવામાં, દોડવામાં, ઍરોબિક એક્સરસાઇઝ, જિમ એક્સરસાઇઝ કે કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝમાં શ્વાસ પર ધ્યાન દેવું ખૂબ જ જરૂરી હોય છે. એ સમજાવતાં ફિટનેસ-એક્સપર્ટ મિકી મહેતા કહે છે, ‘જ્યારે આપણે શ્વાસ પર ધ્યાન આપીએ છીએ ત્યારે આપણે સારી ક્વૉલિટીનું બ્રીધિંગ કરીએ છીએ અને જ્યારે આપણે ધ્યાન નથી આપતા ત્યારે સુપર ફિશ્યલલેવલનું બ્રીધિંગ થાય છે. શ્વાસ પર ધ્યાન આપીએ છીએ ત્યારે જે માત્રામાં ઑક્સિજન શરીરની અંદર જાય છે એટલી માત્રામાં ઑક્સિજન જ્યારે સહજ રીતે શ્વાસ લેતા હોઈએ ત્યારે જતો નથી.

રિસર્ચ

તાજેતરમાં બ્રિટિશ મેડિકલ જર્નલમાં છપાયેલા એક રિસર્ચ મુજબ શરીરની ૮૦ ટકા ફૅટનો નિકાલ કરવાનું કામ ફેફસાં દ્વારા કરવામાં આવે છે. ઑસ્ટ્રેલિયાની ન્યુ સાઉથ વેલ્સ યુનિવર્સિટીના સંશોધકોએ પોતાના રિસર્ચમાં નોંધ્યું છે કે શરીરમાં વધુપડતું કાર્બોહાઇડ્રેટ કે પ્રોટીન ભેગું થાય તો એ ટ્રાયગ્લિસરાઇડમાં પરિણમે છે. આ ટ્રાયગ્લિસરાઇડ કાર્બન, હાઇડ્રોજન અને ઑક્સિજનના અણુઓથી બનેલો હોય છે. જો આ અણુઓનું ઑક્સિડેશન થાય તો એ છૂટા પડે. આ ઑક્સિડેશન ત્યારે જ શક્ય બને જ્યારે વધુ ઑક્સિજન આપણે શ્વાસમાં ભરીએ. વળી જ્યારે એને ઑક્સિજન મળે અને ઑક્સિડેશનની પ્રક્રિયા થાય ત્યારે આ રિસર્ચ મુજબ જો ૧૦ કિલો ફૅટ હોય અને એ પૂરેપૂરી ઑક્સિડેશન પામે તો ૮.૪ કિલો ફૅટ ફેફસાં મારફત ઉચ્છ્વાસ દ્વારા જ બહાર નીકળે છે. બાકીની ૧.૬ કિલો ફૅટ પાણી બની જાય છે. આમ આ રિસર્ચમાં એ નોંધવામાં આવ્યું હતું કે શ્વાસ પર જ્યારે ધ્યાન દેવામાં આવે છે ત્યારે વ્યક્તિ પ્રૉપર બ્રીધિંગ કરે છે, જેના ફાયદા સ્વરૂપે તેના શરીરની ફૅટ ઓછી થાય છે.

વેઇટ-લૉસ


એક્સરસાઇઝ દરમ્યાન શ્વાસ લેવાનું એક બીજું પણ મહત્વ છે. એક્સરસાઇઝ દરમ્યાન મસલ્સ વર્કિંગ પોઝિશનમાં હોય છે એટલે કે સ્નાયુઓ પાસેથી કામ લેવામાં આવે છે. આ દરમ્યાન જો શરીરને પૂરતો ઑક્સિજન મળે તો એને સતત એનર્જી‍ મળતી રહે તો વધુ એક્સરસાઇઝ કરવાની શક્તિ મળે અને વધુ એક્સરસાઇઝ કરીએ તો વધુ શરીર કસાય અને વધુ ફૅટ ઓગળે. જ્યારે શ્વાસ વ્યવસ્થિત લેવામાં આવે તો નિયત સમયમાં જ એક્સરસાઇઝ વધુ સારી રીતે કરી શકાય, કારણ કે એનાથી મળતી એનજીર્ને કારણે રેન્જ ઑફ મોશન વધી જાય છે અને નિયત સમયમાં મૅક્સિમમ એક્સરસાઇઝ કરી શકાય છે, જેનું રિઝલ્ટ ઘણું સારું મળે છે. આ પ્રોસેસ સમજાવતાં મિકી મહેતા કહે છે, ‘ઑક્સિજન આપણા શરીર માટે ઈંધણનું કામ કરે છે. જ્યારે એ શરીરમાં જાય છે ત્યારે એ કૅલરીને બાળે છે. એક્સરસાઇઝ દરમ્યાન જે સ્નાયુઓનો ઉપયોગ આપણે કરીએ છીએ એ સ્નાયુમાંની ફૅટને બાળી એ એનર્જી‍ ઉત્પન્ન કરે છે, જેનાથી શરીરનો મેટાબોલિક રેટ પણ વધે છે એટલે કે પાચન-પ્રક્રિયાને બળ મળે છે. આ બધાં જ લક્ષણો વેઇટ-લૉસ માટે ફાયદાકારક સાબિત થાય છે.’

બીજા ફાયદા

એક્સરસાઇઝ દરમ્યાન શ્વાસ પર ધ્યાન દેવાથી અને શ્વાસ બરાબર રીતે લેવાથી વ્યક્તિનું પોસ્ચર સારું બને છે. આથી જ નોંધપાત્ર બાબત એ છે કે જે લોકો યોગ, પ્રાણાયામ અને મેડિટેશન કરતા હોય છે તેમની બૉડીનું પોસ્ચર ખૂબ જ વ્યવસ્થિત હોય છે; કારણ કે એને લીધે મસલ્સ સ્ટ્રૉન્ગ પણ બને છે અને શરીરનું પોસ્ચર સુધારે છે. આ ઉપરાંત બીજા ફાયદા જણાવતાં મિકી મહેતા કહે છે, ‘એક્સરસાઇઝ દરમ્યાન વ્યવસ્થિત શ્વાસ લેવાથી ફેફસાંની સાથે-સાથે હૃદયને પણ ફાયદો થાય છે. આ ઉપરાંત સ્ટ્રેસ રિલીઝ થાય છે અને સ્ટ્રેસ-ફ્રી રહેવાથી સંપૂર્ણ હેલ્થને ફાયદો થાય છે.’

પ્રકાર

શ્વાસના મુખ્ય બે પ્રકાર છે, પેટમાંથી લેવાતો શ્વાસ અને છાતીમાંથી લેવાતો શ્વાસ. જયારે આપણે શ્વાસ લઈએ અને ત્યારે છાતી ફૂલે તો તે છાતી દ્વારા લેવાયેલો શ્વાસ છે જે સામાન્ય રીતે આપણે લેતા હોઈએ છીએ; જેમાં ઑક્સિજન લિમિટેડ માત્રામાં મળે છે. જ્યારે આપણે ઊંડો શ્વાસ લઈએ ત્યારે પેટ ફૂલે છે. આ શ્વાસ દરમ્યાન શરીરને ભરપૂર માત્રામાં ઑક્સિજન મળે છે, જે શરીર માટે લાભદાયક હોય છે. જોકે એક્સરસાઇઝ દરમ્યાન પેટ દ્વારા શ્વાસ લેવો અઘરો બને છે, ખાસ કરીને જ્યારે આપણે ફાસ્ટ એક્સરસાઇઝ કરતા હોઈએ ત્યારે. યોગ, વૉકિંગ કે સ્ટ્રેચિંગ કરતા હોઈએ ત્યારે આવા ઊંડા શ્વાસ શક્ય છે. એક્સરસાઇઝ દરમ્યાન જ્યારે શ્વાસ ખૂબ જ ઝડપી બની જાય ત્યારે પણ એક વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે ક્યારેય મોઢેથી શ્વાસ લેવો નહીં. ઘણા લોકો નાકથી શ્વાસ લે અને મોઢેથી છોડતા હોય છે. એ પણ યોગ્ય નથી. શ્વાસ ગમેતેટલો ઝડપી બને તો પણ મોઢું ક્યારેય ખોલવું નહીં, નાકથી જ શ્વાસ લેવો જોઈએ.

નિયમ

કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝ દરમ્યાન તમારા શ્વાસ પર ધ્યાન આપવું જરૂરી છે. એટલે કે કૉન્શિયસ બ્રીધિંગ કરો. તમે શ્વાસ લીધો અને છોડ્યો એ તમને ખબર હોવી જોઈએ. એને કૉન્શિયસ બ્રીધિંગ કહેવાય. એક્સરસાઇઝ વખતે બ્રીધિંગનો નિયમ સમજાવતાં મિકી મહેતા કહે છે, ‘જ્યારે કોઈ પણ એક્સરસાઇઝ કરો તો એમાં ધ્યાન રાખો કે જે રિલૅક્સ પૉઝિશન છે એમાં શ્વાસ લો અને જેમાં તમારે પ્રયત્ન કરવો પડતો હોય છે એમાં શ્વાસ છોડો. આ નિયમ કોઈ પણ એક્સરસાઇઝમાં વાપરી શકાય છે, જે વાપરવાથી એ એક્સરસાઇઝનો સંપૂર્ણ ફાયદો મેળવી શકાય છે.’


Whatsapp-channel Whatsapp-channel

25 December, 2014 05:21 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK