Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > ઔષધ તરીકે શેરડી જ વાપરવી હોય તો રસ પીવા કરતાં એના ટુકડા ચૂસવા સારા

ઔષધ તરીકે શેરડી જ વાપરવી હોય તો રસ પીવા કરતાં એના ટુકડા ચૂસવા સારા

17 May, 2023 04:00 PM IST | Mumbai
Dr. Ravi Kothari | feedbackgmd@mid-day.com

નસકોરી ફૂટે, પિત્તને કારણે માથું ચડી જાય, ગરમીને કારણે શરીરમાં બળતરા થતી હોય, ખૂબ પસીનો થયા પછી થાક લાગતો હોય તો શેરડી બેસ્ટ છે. અલબત્ત, એનો લાંબો ફાયદો જોઈતો હોય તો ચૂસવાનું બેસ્ટ રહેશે

પ્રતીકાત્મક તસવીર

પૌરાણિક વિઝડમ

પ્રતીકાત્મક તસવીર


ખાંડ સફેદ ઝેર છે, પણ એ ઝેર જેમાંથી બને છે એ શુગરકેનનો જો સમજી-વિચારીને ઉપયોગ કરવામાં આવે તો ઉનાળામાં એ અકસીર ઔષધની ગરજ સારે એમ છે. હવેની જનરેશન શેરડીમાં રહેલી સિમ્પલ શુગરને કારણે એની કૅલરી ગણીને જ ડરી જાય છે. યસ, શેરડીનો રસ ગ્લુકોઝનો ડાયરેક્ટ ડોઝ પૂરો પાડે છે, પણ ખાંડમાંથી મળતી કૅલરી અને પ્યૉર શુગરકેન જૂસમાંથી મળતી કૅલરીને સરખાવીને એમ જ ડરી જવાની જરૂર નથી. હા, શેરડીનો રસ પણ જો યોગ્ય માત્રામાં અને યોગ્ય સમયે ન લેવાય તો ચોક્કસપણે હાનિકારક તો છે જ. જો મેટાબોલિઝમ બરાબર ન હોય તો શેરડીના રસથી બ્લડશુગર અચાનક સ્પાઇક થાય એવું બની જ શકે છે. ઉનાળામાં જેટલી છૂટથી તમે નારિયેળનું પાણી કે લીંબુનું શરબત લઈ શકો એટલી છૂટથી શેરડીનો રસ કોઈ પણ વ્યક્તિ ન લઈ શકે. 

એમ છતાં હું કહીશ કે શેરડી ઉનાળાનું અમૃત છે જ. ઉનાળાના તાપમાં લાંબું ચાલવાનું થાય અને પસીને રેબઝેબ થયા હો ત્યારે સતત કંઈક ઠંડું અને ગળ્યું પીવાની ઇચ્છા થાય છે.  ગુણની દૃષ્ટિએ શીતળ, મધુર, શક્તિવર્ધક, મૂત્રલ, વજન વધારનાર, દાહ-બળતરા શમાવનાર છે. ઔષધ તરીકે સૌથી શ્રેષ્ઠ ફાયદો જોઈતો હોય તો શેરડીનો રસ પીવાને બદલે એના ટુકડા ચૂસવા જોઈએ. મુંબઈગરાની કમનસીબી એ છે કે અહીં ચૌરે ને ચૌટે તમને શેરડીના રસના સંચા મળી જશે, પણ કાપેલી શેરડીના ટુકડા એટલી સહજતાથી નથી મળતા. એવામાં દાંતેથી શેરડીની છાલ કાઢી શકતા હોઈએ તો ઠીક, નહીંતર સંચાવાળાને ત્યાંથી જ છોલાવેલી શેરડી લઈ આવવી અને દાંતેથી એ ચૂસીને ડૂચા ફેંકી દેવા. શેરડીનું ફાઇબર એવું નથી હોતું એટલે જો ચૂસતી વખતે રેસા પેટમાં જાય તો પણ ચિંતા ન કરવી. એ રેસા મળ બાંધીને સારવામાં મદદ કરશે.  


શેરડી ચૂસવાના ફાયદા શું?

યુરિન ખૂબ જ ગરમ-ગરમ નીકળતું હોય, અટકીને આવતું હોય, કાયમ પીળાશ પડતા રંગનું કે ખૂબ ઓછું આવતું હોય તો શેરડી ખાવી ખૂબ સારી. રોજ એકાદ સાંઠો શેરડી ચૂસી જાઓ અને સાથે મરચું-ખટાશ બંધ કરી દો તો ગમેએટલી જૂની તકલીફ પણ મટી જાય છે. 


શરીરમાં કે ત્વચા પર બળતરા થતી હોય, પેટમાં આગ લાગતી હોય, ઓડકાર કે ચક્કર આવતાં હોય અથવા હાથ-પગનાં તળિયાંમાં બળતરા થતી હોય તો શેરડીના સાંઠા ખાવા જોઈએ. 
બપોરે માથા પર પિત્ત ચડવાને કારણે માથાનો દુખાવો થઈ આવતો હોય તો બપોરે શેરડીના ટુકડા ચૂસવાથી ફાયદો થાય છે. 

આ પણ વાંચો: ભૂખ્યા પેટે વરિયાળી ખાઓ તો ઍસિડિટી થઈ શકે છે?

ઘણા લોકોને માથાનું તાળવું ખૂબ ગરમ રહેતું હોય છે એને પગલે લાંબા ગાળે વાળ ખરવાની અને પાકા થવાની સમસ્યા આવે છે. વાળમાં ચમક લાવવી હોય, માથાની ગરમી ઘટાડવી હોય તો રોજ એક-બે ગંડેરી ચૂસવાથી ફાયદો થાય છે. 

વધુપડતું માસિક આવતું હોય, ગર્ભાશયની ગરમીને કારણે વારંવાર કસુવાવડ થઈ જતી હોય તેવી સ્ત્રીઓએ રોજ બપોરે ચુસાય એટલી શેરડી ચૂસવી.

વારંવાર નસકોરી ફૂટતી હોય, ગરમીથી આંખો લાલઘૂમ થઈ જતી હોય, બળતરા થતી હોય, ગરમીને કારણે શરીરમાં થાક અને નબળાઈ આવી ગયાં હોય ત્યારે રોજ અડધો કિલો જેટલી શેરડી ધીમે-ધીમે ચૂસવી. 

રસમાં સંચળ છાંટીને લો

શેરડીનો રસ ત્યારે જ પીવો જ્યારે એ હાઇજીનિક હોય અને તમને ઇન્સ્ટન્ટ એનર્જીની જરૂર હોય. પસીનો અને બફારો થાય ત્યારે શેરડીના રસ પીતી વખતે સંચળ અચૂક છાંટવું. એનાથી પસીના વાટે નીકળી ગયેલાં ઇલેક્ટ્રોલાઇટ્સ બૅલૅન્સ થાય છે. શેરડીમાં પોટૅશિયમ, મૅગ્નેશિયમ, મૅન્ગેનીઝ અને આયર્ન જેવાં ખનીજદ્રવ્યો પણ સારીએવી માત્રામાં હોય છે. અત્યારે જે મોટો ગ્લાસ ભરીને શેરડીનો રસ મળે છે એટલા રસની પણ ખરેખર જરૂર નથી હોતી. અડધો ગ્લાસ પૂરતો છે અને એ પણ બરફ નાખ્યા વિનાનો. 

કોણે ન લેવી?

અસ્થમા હોય તો ન લેવાય. વારંવાર શરદી થઈ જતી હોય તો બરફવાળો શેરડીનો રસ ન જ લેવો. ડાયાબિટીઝમાં શેરડીના ટુકડા ચૂસી શકાય, પણ લિમિટમાં. પેટમાં નાનાં-મોટાં કૃમિ થયાં હોય તો શેરડીને વર્જ્ય ગણવી. 

Whatsapp-channel Whatsapp-channel

17 May, 2023 04:00 PM IST | Mumbai | Dr. Ravi Kothari

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK