એક બહુ ખોટી માન્યતા છે કે દહીં તો ઠંડું પડે અને એટલે આ સીઝનમાં લોકો કાચું દહીં બેફામ ખાય છે, જે તેમના સ્વાસ્થ્ય પર ભારે પડી શકે છે. કાચું દહીં ગરમ પ્રકૃતિનું છે અને પચવામાં ભારે છે એટલે ગ્રીષ્મ ઋતુમાં એનું સેવન સમજીવિચારીને કરવું

પ્રતીકાત્મક તસવીર
પ્રોટીન તેમ જ હેલ્ધી બૅક્ટેરિયા માટે દહીં બહુ સારું એવું મૉડર્ન ન્યુટ્રિશન સાયન્સ કહે છે, પરંતુ દહીં દરેક ઋતુમાં એકસરખા ગુણવાળું નથી હોતું એટલું જ નહીં, દહીંના પણ પાંચ પ્રકાર છે જેનાં ગુણ અને પથ્ય-અપથ્ય જુદાં છે. લોકો દૂધમાંથી બનતું ઘી ખાવું કે નહીં એ વિચારે છે કેમ કે એ ફૅટ વધારે છે એવી માન્યતા છે પણ દહીં તો બહુ હલકું, દહીં તો ઠંડું એવું માનીને ગરમીની સીઝનમાં ભરપૂર મારો ચલાવે છે. બસ, અહીં જ ભૂલ થાય છે. દૂધમાંથી બનતી એકમાત્ર આ વાનગી છે જેનું સેવન કરતાં પહેલાં તમારે કઈ ઋતુ ચાલી રહી છે, એ કેવું અને કેટલું બંધાયેલું છે, દિવસનો કયો સમય છે અને એ કઈ રીતે ખવાઈ રહ્યું છે એ બધું જ જોવું પડે છે.
દહીં સ્વભાવે ખાટું અને મધુર હોવાથી બળપ્રદ અને શરીરપુષ્ટિ કરનારું છે. મતલબ કે જો તમે વેઇટલૉસ માટે મથતા હો તો દહીં વધુ ખાવાથી બાજી ઊંધી પડી શકે છે. બીજું, દહીં ખાટું હોય તો એ એનાથી શરીરમાં પિત્તનું પ્રમાણ વધે છે. જનરલી લોકો દહીંને ઠંડક કરનારું એટલે કે ગુણમાં ઠંડું છે એવું માનતા હોવાથી ઉનાળામાં દહીં વધુ ખાતા હોય છે, જે એક રીતે તદ્દન ખોટું છે. હકીકતમાં દહીં સ્પર્શમાં જ શીતળ છે, બાકી એનો મૂળ સ્વભાવ ગરમ છે. એ પચવામાં પણ સહેજ ભારે છે, જેને કારણે માંદા કે બીમારીમાંથી રિકવર થઈ રહેલા લોકો માટે એ પચવામાં અઘરું બને છે. કફ પેદા કરનારું હોવાથી દહીંથી વધુ ઊંઘ અને આળસ આવે છે. આયુર્વેદમાં દહીંનું વધુપડતું સેવન મોતિયો લાવનારું પણ કહ્યું છે.
દહીં મધુર, ખાટું, ચીકણું અને ભારે હોવાથી કફ પેદા કરે છે. એનું વધુ સેવન કરનારને કફજન્ય રોગો જેવા કે પ્રમેહ, મેદવૃદ્ધિ, ખાંસી, શ્વાસ, કૃમિ, કફજ કાકડા, કાનમાં પરુ, અવાજ બેસી જવો, માથામાં ખોડો, ખંજવાળ, ખસ, ખીલ, ખરજવું, સફેદ કોઢ, સૉરાયસિસ જેવા રોગો કરે છે.
ખાટું દહીં ગરમ હોવાથી પિત્તના રોગો પેદા કરે છે. અમ્લપિત્ત, તાવ, રક્તપિત્ત, કમળો, પાંડુ, દૃષ્ટિમાં નબળાઈ જેવી સમસ્યાઓ થઈ શકે છે.
દહીંના સારા ગુણ | દહીંમાં ત્વચાની કાન્તિ વધારનારો ગુણ છે. છાશ પીનારાઓની ત્વચા સારી હોય છે.
ઝાડાના દરદીઓએ દહીં અથવા છાશ સૂંઠ, ધાણાજીરું, જાયફળ કે જાવંત્રી નાખીને લેવાથી જુલાબ થતા અટકે છે.
દહીં ખાવું હોય તો ખૂબ થોડું ખાવું. મંથન સંસ્કાર એટલે કે વલોવીને લેવાથી એના દોષો ઘટે છે. દહીં ગરમ હોવાથી એની કઢી બનાવીને કે વઘાર કરીને ગરમ કરીને વપરાવામાં આવે તો સારું.
શ્રીખંડ ખરાબ, છાશ ઉત્તમ | દહીંમાંથી બનતો શ્રીખંડ તો દહીંથીયે વધુ ખરાબ છે. એ અભિષ્યંદી એટલે કે ખૂબ જ કફજન્ય છે એટલે સૂક્ષ્મ સ્રોતસોમાં ચીકાશ પેદા કરે છે અને કૉલેસ્ટરોલ વધારીને રક્તવાહિનીઓમાં અડચણ વધારે છે.
દહીંના ઉત્તમ ગુણો મેળવવા હોય તો આ સીઝનમાં છાશ પીવી જાઈએ. ચપટીક નમક અને શેકેલું જીરું વાટીને નાખેલી છાશ બેસ્ટ છે. ગરમીમાં એક ભાગ દહીંમાં ત્રણ ભાગ પાણી નાખીને બનાવેલી છાશ પાચન પણ સારું કરે છે.
ક્યારે ખાવું અને ક્યારે નહીં | આયુર્વેદનાં શાસ્ત્રો અનુસાર વસંત, ગ્રીષ્મ અને શરદ ઋતુમાં દહીંનું સેવન ન કરવાનું અને હેમંત, શિશિર, વર્ષાઋતુમાં પણ ઓછી માત્રામાં ખાવાનું કહેવાયું છે. વર્ષાઋતુમાં દહીંની અંદર ચપટીક નમક નાખીને લેવું, જ્યારે ગ્રીષ્મ અને શરદ ઋતુમાં આમળાં અને ખડી સાકર જેવાં દ્રવ્યો મેળવવાં.
દહીં સાથે કેળાં, દૂધ અને ગોળ ક્યારેય ન ખાવાં. આ ચીજોનું મિશ્રણ વિરુદ્ધ આહાર બને છે. રોજેરોજ કાચું દહીં ખાવાનું અપથ્ય ગણાયું છે. અપથ્ય આહાર દ્રવ્યોમાં દહીં સૌથી પહેલું આવે છે એટલે આયુર્વેદના અષ્ટાંગ હૃદય ગ્રંથમાં રોજ દહીંનું સેવન ન કરવાની સલાહ અપાઈ છે.
આપણે ત્યાં કહેવત છે કે ‘મૂળો, મોગરી અને દહીં; સાંજ પછી નહીં.’ એટલે કે રાતે સૂર્યાસ્ત પછી તો કદીયે દહીં ન ખાવું. નહીંતર એનાથી શીળસ, સોજા, ચામડીના રોગ, ઍલર્જી થાય છે.
ઘણા લોકો જમી લીધા પછી છેલ્લે ભાત સાથે દહીં ખાય છે એ ખોટું છે. જા કાચું દહીં ખાવું જ હોય તો ભોજનના પ્રારંભમાં ખાવું. ખાટું ન હોય એવું કાચું દહીં નહીં નડે એમ માનીને લોકો છૂટથી ખાતા હોય છે, પરંતુ કાચું દહીં વધુ અભિષ્યંદી હોવાથી રોગનું કારણ બને છે.