ટૉન્સિલ્સ પાકે ત્યારે વારંવાર તાવ આવતો હોય અને બાળકની નૉર્મલ હેલ્થ પર પણ અસર થતી હોય તો એ ચિંતાનો વિષય છે
પ્રતીકાત્મક તસવીર
મારી દીકરી ૧૨ વર્ષની છે અને નાનપણથી કાકડા પાકી જવાની તકલીફ એને છે. અમે બહુ મનાઈ કરીએ છીએ, એમ છતાં તેને ગળ્યું અને ઠંડું ભાવતું હોવાથી ખાઈ લે અને પછી આ કાકડા દુખે. ઘણી વાર તો તેને કાનમાં પણ દુખાવો થાય છે એને કારણે. ઠંડીની મોસમમાં આ સમસ્યા વધી જાય છે. કાકડા પાકી જવાને કારણે તાવ આવી જાય છે અને ઍન્ટિ-બાયોટિકનો કોર્સ વારંવાર કરીને હવે થાકી ગયા છીએ. ડૉક્ટરનું કહેવું છે કે હવે ટૉન્સિલ્સની સર્જરી કરાવી લો. જોકે દીકરી ત્રણ વર્ષની હતી અને પહેલી વાર કાકડા થયેલા ત્યારે જે ડૉક્ટરને મળ્યા હતા તેમનું કહેવું હતું કે કાકડા કપાવવા ન જોઈએ એનાથી ઇમ્યુનિટી સારી રહે છે. તો હવે મૂંઝવણ એ છે કે અમારે કોનું સાંભળવું? બીજું એવું પણ સાંભળ્યું છે કે કાકડા કપાવ્યા પછી વજન વધી જાય છે, તો શું એ સાચી વાત છે?
ટૉન્સિલ્સની સમસ્યા બાળકોમાં બહુ જ કૉમન જોવા મળે છે. ટૉન્સિલ્સ પાકે ત્યારે વારંવાર તાવ આવતો હોય અને બાળકની નૉર્મલ હેલ્થ પર પણ અસર થતી હોય તો એ ચિંતાનો વિષય છે. ઘણી વાર કાકડામાં આવેલા સોજાને કારણે મિડલ ઇયરના ભાગ સુધી એની અસર થાય છે એટલે કાનમાં દુખાવો થાય છે. જો આ ઉંમરે હવે કાકડાને કારણે હેરાનગતિ વધુ થતી હોય તો કાકડા કઢાવી નાખવામાં કશું ખોટું નથી. કાકડાને કારણે એડિનૉઇડ્સ કે જે કાનની પાછળના ભાગમાં આવેલા હોય છે એની પર સોજો આવે છે. એને કારણે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાથી બાળક મોં ખુલ્લું રાખીને સૂએ છે. તેને નસકોરાં બોલે છે અને નેઝલ ડ્રોપ્સ નાખવાથી જ શ્વાસ લઈ શકે છે.
ADVERTISEMENT
પાંચ વર્ષની ઉંમર સુધી ટૉન્સિલ્સ એ શરીરની ઇમ્યુનિટી માટે વૉચમેનનું કામ કરતા હોય છે એટલે એનું મહત્ત્વ રહે છે. તમને પહેલા ડૉક્ટરે જે સલાહ આપેલી એ સાચી જ હતી. જોકે ૧૦-૧૧ વર્ષ પછી ટૉન્સિલ્સનું વૉચમેનનું કામ પતી ગયું હોય છે એટલે સર્જરી કરીને રિમૂવ કરવાથી ઇમ્યુનિટી જોખમાવાનો ભય નથી.
કાકડા કઢાવવાને અને વજન વધવાને ડાયરેક્ટ સંબંધ નથી, પરંતુ સર્જરી પછી વારંવાર તાવ અને ઇન્ફેક્શનની માંદગી આવતી ન હોવાથી સ્વસ્થતા સુધરે છે.

