° °

આજનું ઇ-પેપર
Saturday, 28 January, 2023


ડેન્ગી જેવા ઇન્ફેક્શનમાં યોગથી લાભ થાય?

09 November, 2022 02:23 PM IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

યોગનિષ્ણાતો એનાથી થતા ફાયદાની શાખ પૂરે છે. એ સિવાય પણ બદલાતી સીઝન સાથે વધી રહેલાં શરદી, ખાંસી, તાવ, ગળું ખરાબ થવું વગેરે ફ્લુ જેવાં લક્ષણોમાં શ્વસનના અભ્યાસ અને યોગિક સૂક્ષ્મ વ્યાયામ અદ્ભુત રીતે કામ કરી શકે છે

પ્રતીકાત્મક તસવીર રોજેરોજ યોગ

પ્રતીકાત્મક તસવીર

યોગનિષ્ણાતો એનાથી થતા ફાયદાની શાખ પૂરે છે. એ સિવાય પણ બદલાતી સીઝન સાથે વધી રહેલાં શરદી, ખાંસી, તાવ, ગળું ખરાબ થવું વગેરે ફ્લુ જેવાં લક્ષણોમાં શ્વસનના અભ્યાસ અને યોગિક સૂક્ષ્મ વ્યાયામ અદ્ભુત રીતે કામ કરી શકે છે. તમે પણ આમાંથી પસાર થયા હો તો કેવી રીતે એનો સામનો કરવો એ વિશે જાણી લો

દર વખતે બદલાતી સીઝનના સંધ‌િકાળમાં વાઇરલ ઇન્ફેક્શનના દરદીઓની સંખ્યામાં વધારો થતો હોય છે. એમાં પણ ચોમાસા પછી મોટા ભાગે દેશભરમાં ડેન્ગી, સ્વાઇન ફ્લુ, ચિકનગુનિયા જેવા ઇન્ફેક્શનના દરદીઓની સંખ્યા આંચકાજનક રીતે વધતી હોય છે. સામાન્ય શરદી, ખાંસી અને તાવ હોય તો ઠીક; પરંતુ ડેન્ગી કે સ્વાઇન ફ્લુનો વાઇરસ લાગ્યો હોય અને જો વ્યક્તિની ઇમ્યુનિટી નબળી હોય તો ઘણી વાર એ ઘાતક પણ નીવડી શકે છે. જોકે યોગ એમાં લાઇફ-જૅકેટ જેવું કામ કરી શકે છે એવું અમે નહીં, પણ અત્યાર સુધી એ દિશામાં થયેલાં સેંકડો ‌ક્લિનિકલ રિસર્ચ કહે છે. કોવિડ-19ના કેર દરમ્યાન યોગાભ્યાસથી શરીરની વાઇરસ સામે લડવાની ક્ષમતા વધે છે એ વાત અનેક અભ્યાસોમાં પુરવાર થઈ ચૂકી છે. વાઇરસ તમને લાગે જ નહીં અને ધારો કે લાગે તો તમને મિનિમમ ડૅમેજ કરે જો તમારું શરીર યોગાભ્યાસથી ટ્રેઇન થયેલું હોય. અત્યારે જ્યારે દર ત્રીજી વ્યક્તિ શરદી, ખાંસી, તાવ, ગળામાં ખરાશ જેવી એક યા બીજી સમસ્યાથી ત્રાહિમામ પોકારી રહી છે ત્યારે બદલાતી ‌સીઝન સાથે આવતી આ સમસ્યાઓ સામે યોગથી કઈ રીતે લડી શકાય અને કયા અભ્યાસ કરશો તો લાભ થશે એ વિશે જાણી લો.

વાતમાં દમ છે

યોગાભ્યાસ કરતા હો તો તમારી વાઇરસ સામે લડવાની ક્ષમતા વધે છે એ વાતમાં દમ છે એવું મુંબઈની હીરાનંદાની હૉસ્પિટલના ઇન્ફેક્શ્યસ ડિસીઝ સ્પેશ્યલિસ્ટ ડૉ. નીરજ તુલિરા કહે છે. તેઓ ઉમેરે છે, ‘સામાન્ય શરદી, ખાંસી, તાવમાં એનાથી ચોક્કસ હેલ્પ મળે; કારણ કે તમે બ્રીધિંગ એક્સરસાઇઝ અને સ્ટ્રેચિંગ કરો ત્યારે તમારાં લંગ્સ મજબૂત થતાં હોય છે અને મોટા ભાગે આ પ્રકારના ફ્લુ જેવા વાઇરસ તમારી અપર રેસ્પિરેટરી સિસ્ટમ પર અટૅક કરતા હોય છે. આવા સમયે તમે પહેલેથી જ આવી ફિઝિકલ અને બ્રીધિંગની ટ્રેઇનિંગ લીધેલી હોય તો તમારા પર એની એટલી ધારી અસર ન થાય. જોકે આ વાત ડેન્ગી જેવા વાઇરસ સામે કેટલી લાગું પડે એ કહેવું અઘરું છે. બેશક, કોઈ પણ સ્ટ્રેચિંગ કે બ્રીધિંગ એક્સરસાઇઝ કરો તો મસલ્સ મજબૂત થાય, શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સુધરે અને નૅચરલી જ એ તમારી ઇમ્યુનિટીને બહેતર કરવાનું કામ કરે. આમાં કોઈ રૉકેટ સાયન્સ નથી. ડેન્ગી વાઇરસ તમારી બોન મૅરો સિસ્ટમને સ્લોડાઉન કરી નાખે છે એટલે બોન મૅરોમાં ઉત્પન્ન થતા પ્લેટલેટ્સ, વાઇટ બ્લડ સેલ્સ વગેરેનું પ્રમાણ ઘટવા માંડે છે. મોટા ભાગે ચાર-પાંચ દિવસમાં વાઇરસનું જોર ઘટતાં સિસ્ટમ પાછી પોતાના ઓરિજિનલ ફૉર્મમાં આવવા માંડે છે. શરીર પાસે પણ એ ક્ષમતા છે જ જાતને ટૅકલ કરવાની. અમે પણ ડેન્ગી વાઇરસની દવા નથી આપતા, પણ એનાં લક્ષણોને ઓછાં કરવાની દવા આપતા હોઈએ છીએ. આ વાઇરસ લાગે એટલે અમુક સમય માટે પ્લેટલેટ્સ ઘટે જ ઘટે. એ સહજ છે. એ દરમ્યાન તમે ગમેતેટલા દેશી ઉકાળા કે પપૈયાના પાનનો જૂસ કે ગમે તે આપો, એ પ્લેટલેટ્સ એ ગાળામાં ઘટવાના છે; કારણ કે વાઇરસ બો નમૅરોના ફંક્શનને સપ્રેસ કરે તો એનું પરિણામ આવે જ. હા, તમારું શરીર અંદરથી સ્ટ્રૉન્ગ હોય તો આ આખી પ્રોસેસમાંથી તમે વહેલા બહાર આવતા હો છો. યોગાભ્યાસ કે અન્ય તમામ એક્સરસાઇઝ બૉડીને એ રીતે ઇન્ટર્નલી સ્ટ્રૉન્ગ કરવામાં ઉપયોગી છે.’

સ્ટડીઝ પણ છે

ડૉ. નિરજ તૂલારા અને ડૉ. કાશીનાથ મેત્રી

ઇમ્યુનિટી બૂસ્ટ કરવામાં આયુર્વેદિક આહારની સાથે વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને સૂર્યનમસ્કારને કારણે લાભ થયો હોવાના અઢળક અભ્યાસો કોરોના પહેલાં અને કોવિડ હવે ધીમો પડ્યા પછી પણ થયા છે. આ સંદર્ભે યોગ રિસર્ચમાં અગ્રણી નામ ગણાતા અને સેન્ટ્રલ યુનિવર્સિટી ઑફ રાજસ્થાનના યોગ વિભાગના અસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. કાશીનાથ મેત્રી કહે છે, ‘‘ઇમ્યુનોમોડિલેટિંગ’ એટલે કે ઇમ્યુનિટી વધારવામાં યોગનો મહત્ત્વનો રોલ છે એ પ્રૂવન હકીકત છે અને માત્ર ઇમ્યુનિટી વધારે છે એવું જ નહીં, પણ એ શરીરને સંતુલિત રાખે છે. ઘણી વાર ઍક્સેસ ઇમ્યુનિટી શરીરને જ જોખમ ઊભું કરતી હોય ત્યારે પણ યોગાભ્યાસથી લાભ થયાનું વિવિધ અભ્યાસોમાં જાણવા મળ્યું છે. યોગ સંતુલન આપે છે. કોઈ પણ ઇન્ફેક્શનમાં મોટા ભાગે પહેલો અટૅક તમારાં ફેફસાં પર થતો હોય છે. પ્રાણાયામ અને વિવિધ શ્વસનના અભ્યાસો તમારા શ્વસન તંત્રને સજ્જ કરે છે કોઈ પણ વાઇરસ સામે ટકી રહેવા માટે. યોગ અને એની સાથે સંકળાયેલી રિલૅક્સેશન પ્રૅક્ટિસ વ્ય‌ક્તિના સ્ટ્રેસને કન્ટ્રોલમાં રાખે, તેની ઊંઘની ક્વૉલિટી સુધારે; જેનાથી પણ વ્યક્તિની સેલ્ફ-હીલિંગ કૅપેસિટી ઉમેરો થતો હોય છે. ઘણી વાર એક્ઝામ પહેલાં વિદ્યાર્થીઓને સ્ટ્રેસને કારણે વાઇરલ ઇન્ફેક્શન ઝડપથી લાગતું હોય છે. આના પર થયેલા એક અભ્યાસમાં સાયન્સના સ્ટુડન્ટ્સમાં યોગ કરતા વિદ્યાર્થીઓની તુલનાએ યોગ નહીં કરતા સ્ટુડન્ટ્સમાં વાઇરલ ઇન્ફેક્શનનું પ્રમાણ વધુ હોવાનું અમે નોંધ્યું હતું. જોકે ડેન્ગી જો આઉટ ઑફ કન્ટ્રોલ જાય તો વ્યક્તિને મૃત્યુના મુખમાં ધકેલી શકે છે. ડેન્ગી હોય એવા પેશન્ટને તમે યોગનિદ્રા, ઓમ ચૅન્ટિંગ, ભ્રામરી અને શવાસન જેવી રિલૅક્સેશન પ્રૅક્ટિસ કરાવો તો લાભ થઈ શકે.’

ઇલાજમાં શું કરી શકાય?

તાવ આવવો, શરદી-ખાંસી થવી, ભૂખ ન લાગવી, નબળાઈ અનુભવવી, શરીરમાં દુખાવો થવો, શરીરમાં લાલ ચાઠાં પડવાં, પેટમાં દુખવું, ગળામાં બળતરા થવી કે સોજો આવવો જેવાં લક્ષણો મોટા ભાગે દરેક વાઇરલ ઇન્ફેક્શનમાં દેખાતાં હોય છે. ડૉ. કાશીનાથ કહે છે, ‘જો તમારી હેલ્થ બરાબર હોય તો સૂર્યનમસ્કાર ખાસ કરો. પાંચથી દસ સેટ સૂર્યનમસ્કારના અને એ પછી દરેક પોઝિશનમાં બે-બે આસનો - બે આસનો સ્ટૅન્ડિંગમાં, બે સિટિંગ પોઝિશનમાં, બે પ્રોન પોઝિશનમાં અને બે સુપાઇન પોઝિશનમાં કરો. પછી કપાલભાતિ, અનુલોમ-વિલોમ અને ભ્રામરી પ્રાણાયામ અને છેલ્લે ઓમ ચૅન્ટિંગ અને મેડિટેશન. બસ, આટલું નિયમિત કરતા હો તો તમારું શરીર ઓવરઑલ હેલ્ધી રહેશે. કમ-સે-કમ પાંચથી દસ મિનિટ માટે રોજ અનુલોમ-વિલોમ પ્રાણાયામ કરવાના પણ મૅજિકલ લાભ મળતા હોય છે, પણ ધારો કે તમને વાઇરલ ઇન્ફેક્શન થયું છે અને હવે તમારા શરીરમાં તાકાત નથી કે તમે ખૂબ ઝડપથી થાકી જાઓ છો એવા સમયે હું સૂક્ષ્મ વ્યાયામ કરવાની સલાહ આપીશ. તમારા દરેક સાંધાને કસરત આપો ધીમે-ધીમે. એનાથી તમારા શરીરની ઇમ્યુનિટી વધશે, શરીરનો રક્તપ્રવાહ સુધરવાથી શરીર તાવને લીધે જકડાશે નહીં, તાજગી આવશે અને તમે જલદી સાજા થશો. શરીરમાં એનર્જી ઓછી હોય ત્યારે તમે સૂતાં-સૂતાં શવાસનમાં પણ અનુલોમ-વિલોમ પ્રાણાયામ, ભ્રામરી અને ઓમનું સ્મરણ કરી શકો છો. આ બધા જ બેઝિક અભ્યાસ છે. ઇન્ટરનેટના માધ્યમથી શીખીને પણ તમે સેલ્ફ-પ્રૅક્ટિસ કરી શકો છો.’

ટૉપ ફાઇવ પ્રૅક્ટિસ

સૂક્ષ્મ વ્યાયામ : હથેળી, ખભા, પગની એડીઓ, ઘૂંટણ અને ગરદન - કમ સે કમ શરીરના આ પાંચ અવયવના સાંધાઓને ગોળાકાર ક્લોઝ અને ઍન્ટિ-ક્લૉક વાઇઝ ઘુમાવીને એના સૂક્ષ્મ વ્યાયામ નિયમિત કરવા જોઈએ. 

પાંચ આસન

મંડૂકાસન, શશાંકાસન, ભુજંગાસન, વજ્રાસન, પશ્ચિમોત્તાનાસન

પાંચ મુદ્રા 

લિંગ મુદ્રા : શરીરમાં થયેલા કફને દૂર કરવા અને શરીરમાં ગરમાટો વધારવા માટે લિંગ મુદ્રા કરી શકાય. જોકે જેમને સિવિયર ઍસિડિટી રહેતી હોય તેમણે આ મુદ્રા અવૉઇડ કરવી. 

બ્રૉન્કાઇટિસ મુદ્રા

વાઇરલ ઇન્ફેક્શનનાં અન્ય લક્ષણોને હળવાં કરવા માટે આ બ્રૉન્કિઅલ મુદ્રા પણ ઇફેક્ટિવ મનાય છે. રોજની પંદરથી વીસ મિનિટ માટે દિવસના કોઈ પણ સમયે કરી શકાય. એ સિવાય પ્રાણ મુદ્રા શરીરને એનર્જી આપશે, સમાન મુદ્રા સંતુલન લાવશે અને સૂર્ય મુદ્રા ગરમાટો અને પાચન શક્તિ વધારશે. 

પાંચ પ્રાણાયામ : કપાલભાતિ, ભસ્ત્રિકા, ઉજ્જયી, અનુલોમ-વિલોમ અને ભ્રામરી

09 November, 2022 02:23 PM IST | Mumbai | Ruchita Shah

અન્ય લેખો

હેલ્થ ટિપ્સ

હાર્ટ અટૅક પછી પેટ પર ન સૂઈ શકાય?

રાતે કશું થાય તો એ પણ રિસ્ક વધારે છે, પરંતુ મોટા ભાગે હાર્ટના દરદીઓ ઊંધા સૂઈ નથી શકતા, કારણ કે જેવા એમનાં ફેફસાં ભીંસાય અને શ્વાસની તકલીફ થાય કે તરત જ તેમને ગભરામણ થાય છે અને સીધા થઈ જવું પડે છે

25 January, 2023 05:21 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હેલ્થ ટિપ્સ

પ્રેગ્નન્સી સાથે ડાયાબિટીઝ આવ્યો છે, શું કરું?

જેને પૉલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રૉમ છે એમને ખાસ પ્રેગ્નન્સી દરમ્યાન ડાયાબિટીઝ આવી જવાનું રિસ્ક વધુ રહે છે.

24 January, 2023 05:32 IST | Mumbai | Dr. Suruchi Desai
હેલ્થ ટિપ્સ

દાંત પરની છારી નીકળતી જ નથી

૯૦ ટકા વ્યક્તિઓ અરીસામાં દાંત જુએ તો એને જોઈને તરત ખબર પડતી નથી કે તેમના દાંતની ઉપર છારી કે પ્લાક બની ગયું છે

23 January, 2023 05:05 IST | Mumbai | Dr. Rajesh Kamdar

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK