કેટલાંક સર્વેક્ષણો મુજબ પ્લાસ્ટિકમાં રહેલું BPA નામનું રસાયણ ટાઇપ 2 ડાયાબિટીઝ થવાનું મહત્ત્વનું કારણ છે. પ્લાસ્ટિક બૉટલનું BPA શરીરમાં કઈ રીતે ભળે અને એનાથી કયા પ્રકારની અન્ય સમસ્યાઓ પણ થઈ શકે એ વિશે આજે વિગતવાર ચર્ચા કરીએ
પ્રતીકાત્મક તસવીર
વૈજ્ઞાનિકો લાંબા સમયથી રિસર્ચ કરી રહ્યા છે કે પ્લાસ્ટિકની પાણીની બૉટલોમાં વપરાતાં ઔદ્યોગિક રસાયણો ખાસ કરીને BPA માનવ હૉર્મોન્સને નુકસાન કરી રહ્યાં છે. આજની તારીખે પણ તેઓ આ વિષયમાં સતત અભ્યાસ કરી રહ્યા છે, જેનો અર્થ છે કે પ્લાસ્ટિક અને અમુક રોગો વચ્ચે ચોક્કસ કોઈ સંબંધ છે પરંતુ અત્યાર સુધી તેઓ કોઈ ઠોસ અસર સાબિત કરી શક્યા નથી. પરંતુ તાજેતરમાં હાથ ધરાયેલા એક અભ્યાસ મુજબ બિસ્ફેનોલ A અથવા BPA જે ખોરાક અને પીણાના પૅકેજિંગ માટે વપરાતું રસાયણ છે એ માનવશરીરમાં ઇન્સ્યુલિનને પ્રભાવિત કરી શકે છે અને એને લીધે ટાઇપ 2 ડાયાબિટીઝનું જોખમ નિર્માણ થઈ શકે છે.
ડાયાબિટીઝ શું કામ?
ADVERTISEMENT
અમેરિકામાં ડાયાબિટીઝના લીધે થતા મૃત્યુદરમાં સતત વધારો થઈ રહ્યો છે, જેને જોતાં હવે અહીં BPA-ફ્રી વાસણો, સ્ટેનલેસ સ્ટીલ અથવા કાચની બૉટલો અને BPA-મુક્ત કેનનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી રહી છે જેથી ડાયાબિટીઝના કેસને કન્ટ્રોલમાં લઈ શકાય. આ સિવાય વિશ્વભરની અન્ય રેગ્યુલેટરી સંસ્થાઓએ BPA પર કડક વલણ અપનાવ્યું છે. યુરોપિયન કમિશને ૨૦૨૪ના અંત સુધીમાં ખોરાક અથવા પીણાના સંપર્કમાં આવતાં ઉત્પાદનોમાં BPA પર પ્રતિબંધ મૂકવાની દરખાસ્ત પણ કરી છે. અને આવાં પગલાં દુનિયાના દરેક દેશમાં લેવાની જરૂર પણ છે. આ પ્રકારની વૈશ્વિક હલચલ સ્પષ્ટપણે સંકેત આપી રહી છે કે પ્લાસ્ટિકની વસ્તુઓની બનાવટ માટે વાપરવામાં આવતું BPA રસાયણ ખૂબ જ જોખમી છે. ખાસ કરીને ત્યારે જ્યારે ડાયાબિટીઝ અને કૅન્સર જેવી ગંભીર બીમારી ખૂબ જ ફૂલીફાલી રહી છે. આ સંદર્ભે ડાયાબેટોલૉજિસ્ટ ડૉ. નીતા શાહ કહે છે, ‘ટાઇપ 2 ડાયાબિટીઝ થવાનું એક કારણ BPAયુક્ત પ્લાસ્ટિક છે, પણ એ એકમાત્ર કારણ નથી. એકસાથે ઘણાંબધાં કારણો ભેગાં થઈ જાય ત્યારે ડાયાબિટીઝ થાય છે. માત્ર ડાયાબિટીઝ જ નહીં પણ BPAના લીધે અન્ય રોગોને પણ શરીરમાં આવવાનું આમંત્રણ મળે છે. ટાઇપ 2 ડાયાબિટીઝની વાત કરીએ તો એ ઇન્ફ્લૅમેટરી ડિસીઝ કહેવાય છે. તમારું પૅન્ક્રિઆસ સરખું કામ ન કરે અથવા એમાં ફેરફાર થાય અથવા ઇન્સ્યુલિન સેન્સિટિવિટી ઘટાડી નાખે ત્યારે ટાઇપ 2 ડાયાબિટીઝ થઈ શકે છે, જે BPAના વધુપડતા વપરાશને કારણે સંભવ છે. જો આપણા શરીરમાં સોજા હોય તો ઇન્સ્યુલિન-રેઝિસ્ટન્સ વધી જાય અને શરીરમાં ઇન્ફ્લમેશન વધતું જાય એટલે ડાયાબિટીઝ ઉપરાંત બ્લડ-પ્રેશર, હાર્ટ-અટૅક, કૅન્સર પણ થઈ શકે.’
માઇક્રોવેવ-સેફ પ્લાસ્ટિક વધુ જોખમી
આજે યુવાન વયમાં જાતજાતની બીમારીઓનાં નામ સંભળાય છે એમાં પ્લાસ્ટિકની ભૂમિકા ખૂબ જ અહમ છે. બીમારી ઉપરાંત પર્યાવરણને પણ પ્લાસ્ટિકને લીધે કેટલું બધું નુકસાન થઈ રહ્યું છે. લોકો પ્લાસ્ટિક અને એમાં રહેલા BPAને લઈને સતર્ક બનતાં હવે ઘણી કંપનીઓ BPA-ફ્રી પ્લાસ્ટિક તેમ જ માઇક્રોવેવ-સેફ પ્લાસ્ટિક એવું લખાણ લખીને વેચતા હોય છે, પણ ખરેખર એ સેફ હશે એવું માની લેવાય? ડૉ. નીતા શાહ કહે છે, ‘જરા પણ નહીં, માઇક્રોવેવમાં પ્લાસ્ટિક કન્ટેનરની અંદર ભૂલથી પણ રીહીટ કરવા માટે કોઈ વસ્તુ મૂકવી નહીં. આમ કરવાથી પ્લાસ્ટિકની અંદર રહેલાં કેમિકલ તમારા શરીરમાં વધુ પ્રમાણમાં જઈ શકે છે. એના કરતાં સિરૅમિક કે પછી ગ્લાસ કન્ટેનરમાં રીહીટ કરવું બેસ્ટ રહેશે.’
માટલાનો અને કાંસાનો ઉપયોગ
કેટલાંક સંશોધનોમાં માનવીના શરીરમાંથી માઇક્રો-પ્લાસ્ટિક્સ મળી આવ્યાં છે. આ કણો એટલા નાના છે કે એ આપણા કોષોમાં ઘૂસી જાય છે જે આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. તેમ જ એ ફેફસાંથી લઈને અન્ય અંગો સુધી દરેક જગ્યાએ પહોંચી જાય છે. એનું એક કારણ એ છે કે આજે માનવી સંપૂર્ણપણે પ્લાસ્ટિક પર ડિપેન્ડ થઈ ગયો છે. ઘરની અંદર પણ નજર કરશો તો ચારે તરફ મહત્તમ પ્લાસ્ટિકનો ઉપયોગ થયેલો જોવા મળશે, જે હેલ્થ માટે હાનિકારક છે. એક તરફ આપણે બાળકોને હેલ્ધી ખાવા માટે પ્રાધાન્ય આપીએ છીએ અને બીજી તરફ આપણે તેને હેલ્ધી વસ્તુ પ્લાસ્ટિકના કન્ટેનરમાં ભરીને આપીએ છીએ. ન્યુટ્રિશનિસ્ટ શીલા તન્ના કહે છે, ‘મુંબઈની ઘણી સ્કૂલોમાં પ્લાસ્ટિક ટિફિન-બૉક્સ અને બૉટલ લાવવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. આવું અન્ય સ્કૂલોમાં પણ થવું જોઈએ. માન્યું કે કૉસ્ટની દૃષ્ટિએ પ્લાસ્ટિક સસ્તું પડે છે, પણ હેલ્થને જો પ્રાધાન્ય આપવું હોય તો થોડો ખર્ચ કરીને પ્લાસ્ટિકના બદલે તાંબા અથવા કાચની બૉટલ વસાવવી જોઈએ. ઘરની અંદર ફ્રિજમાં પ્લાસ્ટિકની બૉટલ ભરીને રાખવાને બદલે માટલાનું જ પાણી પીવું, જે નૅચરલી કૂલ હોય છે. માટલાનું પાણી મેટાબોલિઝમ વધારે છે, તેમ જ મિનરલ્સ પણ આપે, શરીરનું pH બૅલૅન્સ જાળવી રાખે, તેમ જ શરીરને ડીટૉક્સિફાઇ પણ કરે. આ તમામ વસ્તુ પ્લાસ્ટિક કે સ્ટીલની વસ્તુ કરી જ ન શકે. મારી પાસે ઘણા પેશન્ટ આવે છે અને કહે છે કે તમે અમને કારેલાનો જૂસ પીવા કહ્યું હતું એ અમે પીએ છીએ. પછી આગળ તેઓ મને ટેટ્રાપૅક બૉટલ બતાવીને કહે છે કે અમે આ કંપનીનો જૂસ પીએ છીએ. પણ ખરું પૂછો તો આ જૂસ પીવાનો કોઈ વિશેષ લાભ થતો નથી. એક તો એમાં પ્રિઝર્વેટિવ હોય અને બીજું, એ પ્લાસ્ટિકની અંદર પૅક કરવામાં આવેલો હોય. એટલે આપણે દવા પણ પ્લાસ્ટિકની જ લઈએ છીએ એમ કહીએ તો ચાલે.’
BPA શું છે?
BPA અથવા Bisphenol-A એક ઔદ્યોગિક રસાયણ છે જેનો ઉપયોગ પ્લાસ્ટિક બનાવવામાં થાય છે તેમ જ ખાદ્ય કન્ટેનર, બેબી બૉટલ અને પ્લાસ્ટિકની પાણીની બૉટલ્સ સહિત ઘણાં ઉત્પાદનોમાં BPAનો ઉપયોગ કરવામાં આવે છે. એ રંગહીન ઘન પદાર્થ છે. એવું કહેવામાં આવે છે કે BPA ધરાવતી બૉટલો કે કન્ટેનરમાં મૂકેલી વસ્તુઓ ચોક્કસ તાપમાન હેઠળ આવે તો એ રસાયણ ખોરાકમાં ઊતરી શકે છે. ઘણી વખત BPA ધરાવતા પ્લાસ્ટિકના ડબ્બામાં લાંબા સમયથી મૂકેલી વસ્તુમાં BPA ઊતરી શકવાની શક્યતા વ્યક્ત કરવામાં આવે છે. એની સૌથી વધુ જોખમી અસર નાનાં બાળકો પર થઈ શકે છે.
પ્લાસ્ટિકના ઉપયોગથી કેવી રીતે બચશો?
- પૉલિકાર્બોનેટ પ્લાસ્ટિક ફૂડ કન્ટેનરને માઇક્રોવેવમાં મૂકશો નહીં. પૉલિકાર્બોનેટ મજબૂત અને ટકાઉ છે, પરંતુ સમય જતાં એ ઊંચા તાપમાને વધુપડતા ઉપયોગથી તૂટી શકે છે અને એમાંનું BPA ખાદ્ય પદાર્થોમાં ઊતરી શકે છે.
- પ્લાસ્ટિકના કન્ટેનરમાં તળિયે રીસાઇકલ કોડ હોય છે જેમાં કેટલાક કોડ કન્ટેનર BPA સાથે બનાવવામાં આવ્યાં હોવાનું સૂચવે છે.
- જ્યારે શક્ય હોય ત્યારે કાચ અથવા સ્ટેનલેસ સ્ટીલનાં કન્ટેનર પસંદ કરો. ખાસ કરીને ગરમ ખોરાક અથવા પ્રવાહી વસ્તુ ભરવા માટે.
- એવી બેબી બૉટલનો ઉપયોગ કરો જે BPA-ફ્રી હોય અને ક્લિનિકલી ટેસ્ટેડ હોય.
- પ્લાસ્ટિકના બદલે ખાદ્ય પદાર્થો તેમ જ લિક્વિડને નૉન-પ્લાસ્ટિક કન્ટેનરમાં રાખો.

