દિવાળીમાં સ્વાદિષ્ટ મીઠાઈઓ અને ફરસાણ ખવાઈ જતાં હોય છે. એવામાં વેઇટ મેઇન્ટેઇન રાખવાનો પ્રયાસ કરતા લોકો માટે તહેવારોમાં કૅલરીનું પ્રમાણ નિયંત્રણમાં રાખવું થોડું મુશ્કેલ બની જાય છે. પરિણામે તહેવારો પૂરા થયા પછી વજન વધી જતું હોય છે.
પ્રતીકાત્મક તસવીર
દિવાળીના તહેવારોમાં વેઇટ મેઇન્ટેઇન કરવું એક મોટો પડકાર બની જતો હોય છે. આ દિવસોમાં મીઠાઈઓ અને ફરસાણનું સેવન વધી જાય છે. સાકર, મેંદો અને તેલ-ઘીથી ભરપૂર આ વાનગીઓ ખાવાથી ઝડપથી કૅલરી વધી જતી હોય છે. તહેવારોમાં મિત્રો અને સગાંસંબંધીઓના ઘરે જવાનું થાય ત્યારે તેમના આગ્રહને માન આપીને પણ ઘણી વાર વધારે મીઠાઈઓ ખવાઈ જતી હોય છે. દિવાળીના દિવસોમાં મોડે સુધી જાગવું, મોડેથી ઊઠવું, શૉપિંગ અને ઘરની સજાવટમાં વ્યસ્ત રહેવું જેવાં કારણોસર નિયમિત વર્કઆઉટ કે કસરત કરવાનું પણ ચૂકી જવાય છે. આ બધાં કારણોસર તહેવાર પત્યા પછી વજન વધી જતું હોય છે. એવામાં વેઇટ મેઇન્ટેઇન કરતા લોકો કૅલરી બૅન્કિંગનો અભિગમ અપનાવે છે. આ કન્સેપ્ટ શું છે અને એ વજન જાળવવામાં કેટલી મદદ કરી શકે છે એ વિશે જાણીએ.
કૅલરી બૅન્કિંગ એટલે શું?
ADVERTISEMENT
જેવી રીતે આપણે દિવાળીમાં મોટો ખર્ચ કરવા માટે અગાઉથી પૈસાની બચત કરીએ છીએ અથવા બોનસના પૈસા સાચવીને રાખીએ છીએ, બરાબર એવી જ રીતે કૅલરીની બચત કરવી એટલે કૅલરી બૅન્કિંગ. સામાન્ય રીતે ડાયટિંગમાં લોકો રોજની કૅલરી ગણે છે, પરંતુ કૅલરી બૅન્કિંગમાં આખા અઠવાડિયાનું કૅલરી બજેટ નક્કી કરવામાં આવે છે. જો તમને ખબર હોય કે દિવાળીમાં તમારે સગાંસંબંધીઓને ત્યાં જવાનું છે અને ફરસાણ-મીઠાઈઓ ખૂબ ખવાશે તો તમે એના આગળના દિવસોમાં થોડી
ઓછી કૅલરી ખાઈને કૅલરી બફર અથવા બૅન્ક-બૅલૅન્સ તૈયાર કરો છો.
કેવી રીતે ગણતરી હોય?
ધારો કે કોઈ વ્યક્તિને પોતાનું વજન જાળવી રાખવા માટે રોજની સરેરાશ ૧૮૦૦ કૅલરીની જરૂર હોય તો આખા અઠવાડિયાનું કુલ બજેટ ૧૨,૬૦૦ કૅલરી થાય. હવે જો તમને અગાઉથી જ ખબર હોય કે અઠવાડિયાના કોઈ બે કે ૩ ચોક્કસ દિવસોમાં તમારે ત્યાં પાર્ટી છે, ગેટ-ટુગેધર છે અથવા બહાર જવાનું છે જ્યાં કૅલરીનો મોટો ખર્ચ થવાનો છે તો એની આગળ-પાછળના દિવસોમાં તમારે કૅલરીની બચત (સેવિંગ) કરવી પડે. આ આયોજન મુજબ જે દિવસોમાં કોઈ પાર્ટી કે પ્રસંગ નથી એ દિવસોમાં તમારે તમારી રોજિંદી જરૂરિયાત કરતાં ૨૫૦થી ૩૫૦ કૅલરી ઓછી લેવી જોઈએ. આમ ચાર-પાંચ દિવસ સુધી રોજ થોડી-થોડી કૅલરી બચાવવાથી તમારી કૅલરી બૅન્કમાં એક મોટું ફન્ડ જમા થઈ જશે જેનો ઉપયોગ તમે તહેવાર કે પાર્ટીના મુખ્ય દિવસોમાં ગિલ્ટ-ફ્રી થઈને કરી શકશો. આ વીકલી મૅનેજમેન્ટથી તમારું વજન પણ કન્ટ્રોલમાં રહેશે અને તમારે તમારી ફેવરિટ ફૂડ-આઇટમ્સને મિસ પણ નહીં કરવી પડે.
ક્યારે આ નુકસાન કરી શકે?
કૅલરી બૅન્કિંગનો ખોટી રીતે અમલ કરવામાં આવે તો વજન જાળવવાને બદલે ખાવાની આદતો પર નકારાત્મક અસર થઈ શકે છે. આ પદ્ધતિ અપનાવતી વખતે લોકો સામાન્ય રીતે કેવી ભૂલો કરે છે એ વિશે વાત કરતાં ડાયટિશ્યન ભાવિ મોદી કહે છે, ‘ધારો કે કોઈ વ્યક્તિને ખબર છે કે સાંજે ફંક્શનમાં હેવી મીલ લેવાનું છે. એવા સમયે ઘણા લોકો કૅલરી બચાવવા માટે સવારનો નાસ્તો જ કરતા નથી અને બપોરે માત્ર સૂપ કે સૅલડ ખાઈ લે છે. તેમને લાગે છે કે આમ કરવાથી સાંજની કૅલરી માટે જગ્યા થઈ જશે, પરંતુ આખો દિવસ પૂરતો ખોરાક ન મળવાથી સાંજે ખૂબ ભૂખ લાગી શકે છે. જ્યારે ખૂબ ભૂખ લાગી હોય ત્યારે મનપસંદ વાનગીઓ સામે પૉર્શન પર નિયંત્રણ રાખવું મુશ્કેલ બની શકે છે. પરિણામે વ્યક્તિ જરૂર કરતાં વધારે ખાઈ લે છે અને પેટ ભરાઈ ગયું હોવાના સંકેતો પણ ચૂકી જાય છે. પછી ખાવા બદલ અપરાધભાવ અનુભવાય છે અને બીજા દિવસે ફરીથી ખાવા પર વધારે નિયંત્રણ મૂકવામાં આવે છે. આમ ભૂખ્યા રહેવું, અતિશય ખાઈ લેવું, ફરીથી ખાવા પર નિયંત્રણ મૂકવું અને અપરાધભાવ અનુભવવો એવું ચક્ર શરૂ થઈ શકે છે. એટલે કૅલરી બચાવવા માટે ભોજન છોડવાને બદલે નિયમિત અને પોષક આહાર લેવો જરૂરી છે. જો સાંજે કોઈ પ્રસંગ હોય તો દિવસ દરમ્યાન સંતુલિત ભોજન લેવું અને પ્રસંગમાં પણ પોતાની ભૂખ તથા પેટ ભરાવાના સંકેતોને ધ્યાનમાં રાખીને ખાવું વધુ યોગ્ય છે.’
કૅલરી બેન્કિંગ લાંબા ગાળા માટે નથી
તહેવારોમાં કોઈ એક દિવસે વધારે મીઠાઈ કે ફરસાણ ખાવાનું હોય ત્યારે અગાઉથી ખોરાકનું આયોજન કરવું વ્યવહારુ રીત છે, પરંતુ રોજ કૅલરી ઘટાડવી અને પછી કોઈ એક દિવસે વધારે ખાઈને બૅલૅન્સ કરવાનો પ્રયાસ કરવો એ લાંબા ગાળા માટે યોગ્ય નથી. સતત જરૂર કરતાં ઓછી કૅલરી લેવાથી શરીરને પૂરતું પોષણ મળતું નથી. એનાથી થાક, નબળાઈ અને સ્નાયુઓના જથ્થામાં ઘટાડો જેવી સમસ્યાઓ થઈ શકે છે. એટલે લાંબા ગાળા માટે એવી ડાયટ ફૉલો કરો જેને તમે તમારી જીવનશૈલીમાં સરળતાથી અપનાવી શકો. રોજના આહારમાં શાકભાજી, ફળો, અનાજ, દાળ, કઠોળ, નટ્સ અને સીડ્સનો સમાવેશ કરો. સાથે જ તમારી મનપસંદ વાનગીઓ માટે પણ જગ્યા રાખો. આ રીતે ખાવા પર અતિશય નિયંત્રણ રાખ્યા વગર સંતુલિત આહાર લઈ શકાય છે અને તહેવારોમાં પણ મનપસંદ વાનગીઓનો આનંદ માણી શકાય છે.
તો બૅલૅન્સ્ડ અપ્રોચ શું?
કૅલરી બૅન્કિંગ કરતી વખતે શરીરમાં નબળાઈ ન આવે અને પૂરતું પોષણ મળે એનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. એક બૅલૅન્સ્ડ અપ્રોચ કેવો હોવો જોઈએ એ વિશે માહિતી આપતાં ડાયટિશ્યન ભાવિ મોદી કહે છે, ‘તમારા શરીરની જરૂરિયાત કરતાં એકદમ ઘણીબધી કૅલરી ઓછી કરવાને બદલે સંતુલિત આહાર પર ધ્યાન આપો. કેટલો ઘટાડો યોગ્ય છે એ વ્યક્તિની જરૂરિયાત પર આધારિત છે. અતિશય ઓછી કૅલરી લેવાથી થાક, નબળાઈ અને ચક્કર આવવા જેવી સમસ્યાઓ થઈ શકે છે. બીજું એ કે ફક્ત કૅલરી ગણવાને બદલે ખોરાકની ગુણવત્તા જુઓ. ૧૦૦ કૅલરીના જન્ક-ફૂડ કરતાં ફળો કે શાકભાજીમાંથી ૧૦૦ કૅલરીની સાથે શરીરને ફાઇબર, વિટામિન્સ અને અન્ય પોષક તત્ત્વો પણ મળે છે. લાંબા સમય સુધી ભૂખ ન લાગે એ માટે પૂરતું પ્રોટીન જેમ કે દાળ, કઠોળ, પનીર અને દહીં ખાવાં. શરીરને ઊર્જા અને ફાઇબર મળી રહે એ માટે મેંદાની વસ્તુઓને બદલે ઓટ્સ, બ્રાઉન રાઇસ, જુવાર અને બાજરી જેવા આખા ધાનનો સમાવેશ કરી શકાય છે. સાથે જ બદામ, અખરોટ અને સીડ્સ પણ આહારમાં સામેલ કરો. દિવસ દરમ્યાન પૂરતું પાણી પીવું જરૂરી છે. પાણીની કમી હોય તો થાક અને સુસ્તી અનુભવાઈ શકે છે. કૅલરી ઘટાડતી વખતે શરીરમાં આયર્ન, વિટામિન B12, વિટામિન D અને કૅલ્શિયમની જરૂરિયાત પૂરી થાય એનું પણ ધ્યાન રાખવું જોઈએ. એ માટે સંતુલિત આહાર લેવો જરૂરી છે. શરીરની રિકવરી માટે સાતથી ૮ કલાકની ઊંઘ પણ મહત્ત્વની છે. અધૂરી ઊંઘને કારણે ભૂખ અને ખાવાની ઇચ્છા પર અસર પડી શકે છે. એ સિવાય જે દિવસે તમારો કૅલરી ઇનટેક વધારે રહેવાનો હોય એ દિવસે પણ કેટલીક વ્યવહારુ બાબતો ધ્યાનમાં રાખી શકાય. સગાંસંબંધીઓને ત્યાં જાઓ ત્યારે દરેક જગ્યાએ આગ્રહને કારણે વધારે મીઠાઈ ખાવાને બદલે પૉર્શન કન્ટ્રોલ કરીને નાનો ટુકડો લઈ શકાય છે, જેથી સામેવાળાનું માન પણ જળવાય અને તમારો સ્વાદ પણ પૂરો થાય. આ ઉપરાંત મીઠાઈ અને ફરસાણની સાથે સૉફ્ટ ડ્રિન્ક્સ કે પૅકેજ્ડ જૂસ જેવાં પીણાંનું પ્રમાણ પણ ધ્યાનમાં રાખવું, કારણ કે એમાંથી મળતી કૅલરી દિવસના કુલ ઇનટેકમાં વધારો કરી શકે છે.’
