કયા નિયમનું ઉલ્લંઘન થયું એ કંપનીએ સ્પષ્ટ ન કર્યું હોવાનો આક્ષેપ : ૧૮થી ૨૦ ડિસેમ્બર દરમ્યાન મુંબઈમાં યોજાનારી વર્લ્ડ હિન્દુ કૉન્ગ્રેસમાં જોડાવા હિન્દુઓને આમંત્રણ આપતી ક્લિપ બ્લૉક કરવામાં આવી એટલે આયોજકો નારાજ ઃ કેન્દ્ર સરકાર પાસે તપાસની માગણી
દેવેન્દ્ર ફડણવીસ
મુંબઈમાં ૧૮થી ૨૦ ડિસેમ્બર દરમ્યાન યોજાનારી વર્લ્ડ હિન્દુ કૉન્ગ્રેસમાં ઉપસ્થિત રહેવા માટે હિન્દુઓને આમંત્રણ આપતો મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનો એક વિડિયો સોશ્યલ મીડિયા કંપની મેટા દ્વારા ભારતમાં પ્રતિબંધિત કરી દેવામાં આવ્યો હતો અને ફરીથી અપલોડ કરાયા બાદ એને સાવ હટાવી દેવામાં આવતાં મોટો વિવાદ ઊભો થયો છે. આ મામલે આયોજકોએ કેન્દ્ર સરકારના હસ્તક્ષેપની માગણી કરી છે.
વર્લ્ડ હિન્દુ કૉન્ગ્રેસ 2026ની આયોજક સમિતિએ મુંબઈ પોલીસ, દિલ્હી પોલીસ તેમ જ મિનિસ્ટ્રી ઑફ ઇલેક્ટ્રૉનિક્સ ઍન્ડ ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી (MeitY)ને પત્ર લખીને આ કાર્યવાહી પાછળનું કારણ પૂછ્યું છે અને કંપનીનું આ પગલું લાગુ પડતા કાયદાઓ અને નિયમો મુજબ છે કે નહીં એની તપાસ કરવાની માગણી કરી છે.
ADVERTISEMENT
સમિતિના જણાવ્યા અનુસાર આ વિડિયો સોમવારે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને અન્ય પ્લૅટફૉર્મ્સ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. ગણતરીના કલાકોમાં જ ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી (IT)ના નિયમો હેઠળની કાનૂની જોગવાઈઓનું કારણ દર્શાવતા નોટિફિકેશન સાથે ભારતમાં એના ઍક્સેસ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. આયોજકોએ એ જ રાત્રે વિડિયો ફરીથી અપલોડ કર્યો હતો, પરંતુ બીજા દિવસે કંપનીએ એને સંપૂર્ણપણે ડિલીટ કરી દીધો હતો.
આયોજક સમિતિએ જણાવ્યું હતું કે મેટા કંપનીએ કાનૂની જરૂરિયાતોનો હવાલો આપ્યો હતો, પરંતુ કયા ચોક્કસ કાયદા કે પ્લૅટફૉર્મની કઈ પૉલિસીનું ઉલ્લંઘન થયું છે એ સ્પષ્ટ કર્યું નહોતું. સમિતિએ કંપનીને અલગથી પત્ર લખીને સત્તાવાર ખુલાસો માગ્યો છે, વિડિયોને તાત્કાલિક રીસ્ટોર કરવા જણાવ્યું છે અને ધાર્મિક કે વૈચારિક પક્ષપાત વિના કન્ટેન્ટ મૉડરેશનના નિયમો સમાન રીતે લાગુ કરવાની ખાતરી માગી છે.
વર્લ્ડ હિન્દુ ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરાયો છે વિડિયો
આ ૩ દિવસના કાર્યક્રમ માટે લોકોને મુંબઈ આવવા આમંત્રણ આપતો વિડિયો વર્લ્ડ હિન્દુ ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. આ સંમેલન વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના જૉઇન્ટ જનરલ સેક્રેટરી સ્વામી વિજ્ઞાનાનંદની પહેલ છે. આ સંમેલનમાં મીડિયા, રાજકારણ, મહિલા, યુવા, અર્થતંત્ર, શિક્ષણ અને હિન્દુ સંગઠનો સહિત ૭ સમાંતર કૉન્ફરન્સ યોજાશે, જેમાં ૪૦૦૦ નોંધાયેલા પ્રતિનિધિઓ ભાગ લેશે. અગાઉ આ સંમેલન ૨૦૨૩માં બૅન્ગકૉકમાં, ૨૦૧૮માં શિકાગોમાં અને ૨૦૧૪માં દિલ્હી ખાતે યોજાયું હતું.
દુશ્મન કે દોસ્ત?

ઉદ્ધવ ઠાકરે સાથે તો સંબંધો વણસેલા જ છે અને આજકાલ રાજ ઠાકરે પણ દેવેન્દ્ર ફડણવીસની જોરદાર ટીકા કરી રહ્યા છે ત્યારે ત્રણેય ગઈ કાલે દાદરમાં એક પુસ્તકના પ્રકાશન નિમિત્તે ભેગા થયા હતા. આ ઇવેન્ટમાં જોકે રાજ ઠાકરે અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે ભાઈચારો જોવા મળ્યો હતો, પણ ઉદ્ધવ ઠાકરેનો ચહેરો પડી ગયેલો દેખાતો હતો. તસવીર ઃ શાદાબ ખાન
