હમણાં જ વટસાવિત્રી પૂર્ણિમા ઊજવાઈ. એ દિવસે પરિણીત સ્ત્રીઓએ ઉપવાસ કરીને વડની પૂજા-પ્રદક્ષિણા કરી હશે. વટવૃક્ષનું આપણા જીવનમાં ધાર્મિક મહત્ત્વ તો છે જ, પણ એ સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ મહત્ત્વનું છે
પ્રતીકાત્મક તસવીર
વટસાવિત્રી આવે ત્યારે લોકો વડની પૂજા-પ્રદક્ષિણા કરે અને વડલાને યાદ કરે. શા માટે એમ કરવામાં આવે છે એની સમજણ હવે રહી નથી, પરંતુ પરંપરા છે એટલે પાળવામાં આવે છે. એને જ કારણે હવે સાપ ગયા અને લિસોટા રહી ગયા જેવી ગંભીર સ્થિતિ રહી ગઈ છે. હકીકતમાં તો પરંપરાથી ચાલ્યું આવે છે એટલે પૂજા કરવાની એવું વલણ અપનાવવાને બદલે વડની મહત્તા સમજવાનો આ એક અવસર છે એ સમજવું જરૂરી છે. પૌરાણિક કાળમાં કોઈ પણ વ્રત હોય કે પરંપરા એ અકારણ નહોતાં. દરેક પરંપરા પાછળ એક વિજ્ઞાન સમાયેલું હતું. આજે વટસાવિત્રીમાં કેમ વડની પૂજા થાય છે અને આ જાજરમાન વૃક્ષ આપણા સ્વાસ્થ્ય અને સંસ્કૃતિનું કેમ અભિન્ન અંગ છે એ સમજવાની કોશિશ કરીએ.
મુખશુદ્ધિથી લઈને મનશુદ્ધિ
ADVERTISEMENT
હિન્દીમાં વડને બરગદ કહેવામાં આવે છે એ પણ યોગ્ય જ છે. બરગદ એટલે બડા ઔષધ મતલબ અનેક ઔષધિઓથી ભરપૂર વૃક્ષ. વડના વિવિધ ભાગોમાં મુખશુદ્ધિથી લઈને મનશુદ્ધિ કરી શકવાનું સામર્થ્ય છે. ટૂથબ્રશનો જમાનો નહોતો ત્યારે ગામના લોકો વનસ્પતિનું દાતણ કરતા. દાતણમાંનો રસ દાંત, પેઢાં અને મુખની શુદ્ધિ કરતો. દાતણને ચાવવાથી જડબાનાં હાડકાં સહિત સમગ્ર મુખને કસરત મળતી. દાતણને ચાવીને કૂચો કરો એટલે કસરત તો થાય જ સાથે ટૂથબ્રશ તૈયાર થઈ જાય. આમ દાતણ ટૂથપેસ્ટ અને ટૂથબ્રશનું સંયોજન હતું. વળી દાતણને વચ્ચેથી વાળી એના ખરબચડા ભાગ વડે જીભશુદ્ધિ કરી શકાતી હતી. વડની વડવાઈના દાતણની ગણના શ્રેષ્ઠ દાતણોમાં થાય છે જે મુખશુદ્ધિ ઉપરાંત મનુષ્યના વીર્ય અને શક્તિમાં વધારો કરવા માટે ઉપયોગી છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે.
ગરમીમાં ઠંડક આપતું વૃક્ષ
પ્રતિકૂળ સંજોગો પાર કરીને ઓછા સમયમાં ઝડપથી વિકસી શકતું આ વૃક્ષ ગુણમાં શીતળ હોવાથી જેઠ મહિનામાં જ્યારે ગરમી ચરમસીમાએ હોય છે ત્યારે આપણને સૌને ઠંડક પ્રદાન કરે છે.
મુંબઈના ગુલાલવાડીમાં વર્ષોથી આયુર્વેદિક ક્લિનિક ચલાવતા આયુર્વેદ વાચસ્પતિ ડૉ. નીતિન ગોરડિયા કહે છે, ‘વડ ગ્રીષ્મ ઋતુમાં શીતળતા પ્રસરાવતું વૃક્ષ તો છે જ, સાથે-સાથે એનાં અનેક અંગો મેડિસિનલ વૅલ્યુ (ઔષધીય ગુણધર્મ) ધરાવે છે. વડની છાલ અને છાલનું ચૂર્ણ ચામડીના અનેક રોગોમાં ઉપયોગી છે, ચામડીના ઘા કે જખમ ભરવા અત્યંત ઉપયોગી છે. વડના કુમળા અંકુર જેને વટશ્રુંગ પણ કહેવામાં આવે છે એ ચામડીનો વર્ણ સુધારવા તેમ જ અતિસાર કે મરડામાં ઘણા જ લાભદાયક છે. એના સેવનથી સ્ત્રીની ફળદ્રુપતા વધે છે અને ગર્ભસ્થાપનની શક્યતા વધી જાય છે.’
પર્યાવરણનું રક્ષક છે
વડનાં વિશાળ વૃક્ષ વરસાદને ખેંચી લાવવા માટે અત્યંત ઉપયોગી સાબિત થાય છે એમ જણાવતાં ડૉ. નીતિન ગોરડિયા કહે છે, ‘આ વૃક્ષનાં મૂળિયાં જમીનનું ધોવાણ થતું અટકાવે છે. જમીનમાં પાણીનું સ્તર જાળવી રાખવામાં એ મદદરૂપ થાય છે એટલું જ નહીં, સૌથી લાંબું સેંકડો હજારો વર્ષ જીવી શકતું આ વૃક્ષ મનુષ્યનું આયુષ્ય વધારવામાં પણ નિમિત્ત બને છે, કારણ કે બીજાં વૃક્ષો કરતાં અધિક માત્રામાં એ પ્રાણવાયુ ઉત્પન્ન કરે છે. આપણે ત્યાં પ્રત્યેક ગામના પાદરે અને મંદિરોમાં વટવૃક્ષ ઉગાડવામાં આવતાં એમાં આપણા પૂર્વજોની દૂરંદેશી હતી. આ વૃક્ષ માણસોનાં તન-મન અને વાતાવરણની શુદ્ધિ કરી શકવા સક્ષમ છે એટલે જ એને પવિત્ર વૃક્ષ ગણીને એની પૂજા કરવામાં આવે છે. અફસોસ એ વાતનો છે કે આપણે આધુનિક દવાઓ અને ઑપરેશન પાછળ લાખો રૂપિયા ખર્ચીએ છીએ, પણ સાવ નજીવા ખર્ચે વડમાંથી કેટકેટલી મેડિસિન મેળવી શકીએ છીએ એનું જ્ઞાન નથી. સરકારે વડલાને આપણું રાષ્ટ્રીય વૃક્ષ (નૅશનલ ટ્રી) જાહેર કર્યું છે એની કોઈ કદર નથી.’
વડ અને સત્યવાન સાવિત્રી
હર્ષા છાડવા કહે છે કે સત્યવાન સાવિત્રીની કથા સાથે આજે વટસાવિત્રી પૂર્ણિમા ઊજવાય છે એનું પણ આગવું મહત્ત્વ છે. સત્યવાન પાંડુરોગ (લોહીની ઊણપ) ધરાવતો શક્તિહીન નિસ્તેજ પુરુષ હતો, પરંતુ વૃક્ષનાં અનેક અંગોના સેવનથી તે વીર્યવાન પણ થયો, પિતા પણ બન્યો. માબાપનું અંધત્વ પણ દૂર થયું અને આયુષ્યવાન પણ બન્યો. આ વાર્તા આજના દિવસે પણ વંચાય છે, પરંતુ એમાંથી આપણે બોધપાઠ લઈને આચરણ નથી કરી શકતા એ કમનસીબી છે.
જેઠ મહિનો અને વડ
વટસાવિત્રી વ્રત જેઠ મહિનામાં આવે છે એનું પણ એેક કારણ છે. આ મહિનામાં જ વૃક્ષને નવી કૂંપળો ફૂટે છે જે અદ્ભુત મેડિશનલ વૅલ્યુ ધરાવે છે. આવી તાજી કૂંપળનો રસ કોઈ અનુભવી વૈદના માર્ગદર્શનથી લેશો તો શરીર ઘણી બીમારીઓથી દૂર રહેશે.
આપણા શરીરનું મહત્ત્વનું પણ નાજુક અંગ આંખ છે. વડની કુમળી કૂંપળ સહિત અનેક અંગોમાં આંખોનું જતન કરવાની અને આંખને લગતી અનેક બીમારી દૂર કરવાની શક્તિ છે એટલે જ આયુર્વેદમાં વડને ચક્ષુષ્ય અને નેત્રભિષ્યંદ પણ કહેવાય છે.
મહિલાઓ અને વડની પૂજા
પ્રખ્યાત આયુર્વેદનિષ્ણાત ડૉ. રાજીવ શર્મા કહે છે, ‘સ્ત્રીઓને લગતા જેટલા રોગ છે એ બધાના સરળ અને સસ્તા ઇલાજ આપણા વડદાદા પાસે છે. કમરનો દુખાવો, માસિક ધર્મમાં અનિયમિતતા, પ્રદર, ગર્ભાશયના રોગો જેવી અનેક સ્ત્રીસંબંધી તકલીફોનો જવાબ આ વટવૃક્ષ પાસે છે. એટલે જ મહિલાઓ ફરજિયાત વડદાદા પાસે જાય અને એમનું સાંનિધ્ય માણે. એમનાં વિવિધ અંગોના ગુણોની જાણકારી મેળવીને ઉપયોગ કરે એ માટે જ વટવૃક્ષની પૂજા અને પ્રદક્ષિણાનો રિવાજ આવ્યો હશે.’
વડલાનું દૂધ પણ માતાના દૂધ જેટલું ગુણકારી
સેંકડો લોકોને એકસાથે છાંયડો અને શુદ્ધ હવા આપતું આ વૃક્ષ એક પ્રસૂતા માતાની જેમ દૂધ પણ આપે છે. આ દૂધના અનેક વૈદકીય ગુણધર્મો છે. આ દૂધ શરીરની વધારાની ગરમી દૂર કરીને ઠંડક આપે છે. એ ત્રિદોષનાશક છે અર્થાત્ શરીરમાં વાત, પિત્ત અને કફની અસમાનતાને દૂર કરે છે.
ઍન્ટિ-ઑક્સિડન્ટ ગુણો ધરાવતું આ દૂધ શરીરમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ વધારીને લોહીમાં ગ્લુકોઝ (સાકર)નું પ્રમાણ મર્યાદિત રાખે છે એટલે ડાયાબિટીઝના દરદીઓ માટે પણ ઉપયોગી છે. વડના ટેટા સહિત અનેક પુરુષોના શુક્રાણુઓ અને સ્થંભનશક્તિમાં પણ વધારો કરે છે. પૂરતા પ્રમાણમાં પોષણ અને શક્તિ આપે છે. મુંબઈના પ્રખ્યાત નેચરોપૅથ હર્ષ છાડવા કહે છે, ‘વડના દૂધમાં રેઝિન, આલ્બ્યુમિન અને મેલિક ઍસિડ હોય છે જે લોહીવાળા દસ્ત, ડાયેરિયા અને બવાસીર જેવી અનેક બીમારીઓમાં અચૂક રાહત આપે છે. આ વૃક્ષ એટલે દવાઓનો અદ્ભુત ખજાનો.’
- મયૂર જોષી

