Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > આયુર્વેદ એવરગ્રીન હતું, છે ને કાયમ રહેશે

આયુર્વેદ એવરગ્રીન હતું, છે ને કાયમ રહેશે

23 October, 2022 04:17 PM IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

કુદરત સાથે લયબદ્ધ હોય એનો અસ્તકાળ કેવી રીતે સંભવ છે? આ પ્રાચીન ઉપચાર પદ્ધતિને ક્રમબદ્ધ રીતે જન-જન સુધી પહોંચાડવાના બહોળા પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે ‘આયુર્વેદ દિવસ’ નિમિત્તે ‘વૉટ નેક્સ્ટ’ વિશે દેશની મુખ્ય આયુર્વેદ સંસ્થાના મુખિયા સાથે વાત કરીએ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


શરદી થાય ત્યારે ગરમ પાણી પીવાનું કે હળદરવાળું દૂધ પીવાનું એ તમને પહેલેથી જ ખબર હતી? પાચન બરાબર ન થતું હોય ત્યારે આહારમાં આદુ કે સૂંઠનો પ્રયોગ કરવા વિશે પણ તમે જાણો છો? આવી તો અઢળક બાબતો છે જેના વિશે તમને ક્યારેય કોઈએ કહ્યું નથી, પણ તમને ખબર છે. તમે અજાણતાં જ કેટલાક નિયમો પાળી લો છો જેનો સીધો જ સંબંધ આયુર્વેદ સાથે છે. તમારા આયુષ્યને બહેતર બનાવવાની વાતો જે આપણી પરંપરાના સર્વોચ્ચ સ્થાને બિરાજતા વેદની કૅટેગરીમાં છે આયુર્વેદ. આજે આ વાતો આપણે કરી રહ્યા છીએ, કારણ કે આજે છે ‘આયુર્વેદ દિવસ’. સમુદ્રમંથન વખતે અમૃતના પ્યાલા સાથે પ્રગટેલા વિષ્ણુના અવતાર અને આયુર્વેદના ભગવાન ધન્વંતરિની યાદમાં આજનો દિવસ ધન્વંતરિ ત્રયોદશી તરીકે ઊજવવામાં આવે છે અને ૨૦૧૬થી આયુષ મિનિસ્ટ્રીએ એને આયુર્વેદ દિવસ તરીકે સેલિબ્રેટ કરવાનું પણ શરૂ કર્યું છે, જેથી આયુર્વેદનો સાચો પ્રચાર થાય અને વધુ ને વધુ લોકો સુધી એનો લાભ પહોંચે. કોવિડ દરમ્યાન તમામ આયુષ સિસ્ટમે લોકોની હેલ્થને સુધારવામાં અને બરકરાર રાખવામાં ગજબનાક ભાગ ભજવ્યો હતો, જેમાં આયુર્વેદિક દવાઓ અને પદ્ધતિઓ પ્રાઇમ ભૂમિકામાં હતી. આ વર્ષે એ જ પૃષ્ઠભૂમિ પર આયુષ મિનિસ્ટ્રીએ ‘હર દિન, હર ઘર આયુર્વેદ’ની થીમ સાથે આયુર્વેદ દિવસની ઉજવણીમાં કેટલાંક ખાસંખાસ આયોજનો કર્યાં છે. પ્રત્યેક વ્યક્તિ આયુર્વેદિક રીતભાત પ્રત્યે સભાનતા સાથે આગળ વધે એ ધ્યેયને સાકાર કરવાનાં આયોજનો અને આયુર્વેદનું એસેન્સ આવનારા દિવસોમાં કેવાં નવાં સ્વરૂપો સાથે મળશે એ વિશે ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ આયુર્વેદના ડિરેક્ટર, નૅશનલ મેડિસિનલ પ્લાન્ટ બોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર અને હેલ્થ સેક્ટર સબ-સ્કિલ કાઉન્સિલ ઑન આયુષનાં ચૅરપર્સન પ્રોફેસર ડૉ. તનુજા મનોજ નેસારી સાથે આ વિષય પર વિગતવાર ચર્ચા કરીએ.

તમે નેચર જ છોને?



હું, તમે કે આપણા દેશમાં રહેતી પ્રત્યેક વ્યક્તિ કુદરત સાથે જોડાયેલી છે અને જે લોકો કુદરત સાથે જોડાયેલા છે એ આયુર્વેદ સાથે જોડાયેલા જ છે, એમ જણાવીને પ્રોફેસર ડૉ. તનુજા કહે છે, ‘સ્વસ્થ રહેવું એ કુદરતી છે. જ્યાં સુધી તમે કુદરતી જીવનશૈલી ફૉલો કરતા હો ત્યાં સુધી તમે તંદુરસ્ત રહેતા હો છો. બીમારી એ કૃત્રિમ છે. બહારની પ્રકૃતિ અને આપણી અંદરની પ્રકૃતિ કંઈ જુદી નથી. આપણું શરીર આ બ્રહ્માંડનો જ ભાગ છે અને કુદરતના એ સાઇકલને જો તમે ફૉલો કરતા હો તો તમારા શરીરને હાનિ પહોંચવાનું કોઈ કારણ જ નથી. એટલે જ ઋતુચર્યા અને દિનચર્યાને આયુર્વેદમાં ભરપૂર મહત્ત્વ અપાયું છે. ઋતુચર્યા એટલે સમયાંતરે પ્રકૃતિમાં આવતા બદલાવો વચ્ચે આપણા શરીરની પ્રકૃતિમાં પણ બદલાવ આવે અને એ જ પ્રકારનો આહાર ગ્રહણ કરવો એ અઘરું છે જરાય? બીજું, દિનચર્યા એટલે સૂર્યના ઉદયથી લઈને અસ્ત સુધી ક્યારે શું ખાવું જે હેલ્થને હિતકારી હોય એને ફૉલો કરવું પણ અઘરું છે સહેજ પણ? ભૂખ લાગે ત્યારે જ ખાઓ, જે ઋતુમાં જે ઊગે તે જ ખાઓ. સમય પર ખાઓ. સમય પર આરામ કરો. સમય પર નિદ્રા લો. આવા બધા બધા સિમ્પલ નિયમો છે આયુર્વેદમાં, જે આપણે ત્યાં સહજ પળાતા હતા એટલે લોકો સામાન્ય રીતે તંદુરસ્ત રહેતા. આજની જેમ લાઇફસ્ટાઇલને લગતા રોગોની લાઇન નહોતી લાગી. જોકે ક્યાંક ને ક્યાંક વેસ્ટર્નાઇઝેશનના અતિરેકમાં આપણે આપણી એ ધરોહરથી દૂર નીકળી ગયા અને એનાં પરિણામ હવે દેખાય છે. આયુર્વેદ એટલે દેશ, કાળ, વય અને પ્રકૃતિ પ્રમાણે આપણા આહાર અને રહેણી-કરણી હોવી જોઈએ જેની યોજના આપણા ઋષિમુનિઓએ તૈયાર કરી છે.’


બહુ સ્લો છે?

આયુર્વેદ માટે કહેવાય છે કે એનો ઇલાજ બહુ ધીમો થતો હોય છે અને આજનો જમાનો ક્વિક ફિક્સ છે એટલે પણ તે વધુ લોકભોગ્ય નથી, જેના જવાબમાં ડૉ. તનુજા કહે છે, ‘આ ખોટી ભ્રમણા છે. કોવિડ દરમ્યાન ૧૦૬ તાવ સાથે આવેલા લોકોનો ઇલાજ અમે આયુષની હૉલિસ્ટિક પદ્ધતિઓ સાથે કર્યો અને અમને ઇન્સ્ટન્ટ પરિણામ મળ્યું છે. અમુક રોગોમાં આયુર્વેદ દેખાય એવું પરિણામ આપવામાં સમય લગાડે છે, કારણ કે તેનું ધ્યેય લક્ષણો દૂર કરવાનું નહીં, પણ લક્ષણો પાછળનાં કારણોને મૂળથી દૂર કરવાનું છે. માથું દુખે અને પૅરાસિટામૉલથી રાહત મળે, પરંતુ માથું કેમ દુખ્યું એ દિશામાં ત્યારે ભાગ્યે જ કોઈ કામ થતું હોય છે. જ્યારે આયુર્વેદ માથાના દુખાવાની પાછળનાં કારણો શોધીને ઇલાજ કરશે એટલે માથું પછી ક્યારેય ન દુખે એ દિશામાં કામ કરશે, કોઈ પણ જાતની સાઇડ ઇફેક્ટ આપ્યા વિના.’


કેમ પાછળ રહી ગયું?

આયુર્વેદ આટલું જોરદાર હોય તો શું કામ એને ફરીથી રીએસ્ટાબ્લિશ કરવાની જરૂર પડી રહી છે એના જવાબમાં ડૉ. તનુજા કહે છે, ‘કારણ કે આપણે ક્યાંક ને ક્યાંક માર્કેટિંગમાં કાચા પડ્યા. બહુ જ ડિસેન્ટ્રલાઇઝ્ડ પણ હતી આખી સિસ્ટમ અને આજની ભાષામાં લોકો સુધી પહોંચ્યું નહોતું. આ બધી જ દિશામાં હવે આપણા માનનીય વડા પ્રધાનની પ્રેરણાથી આયુષ મિનિસ્ટ્રી દ્વારા બહુ જ અગ્રેસિવલી કામ થઈ રહ્યું છે અને કોવિડમાં તો તમે જોયું જ, પણ આવનારા સમયમાં તમને એમાં વધુ પૉઝિટિવ બદલાવ દેખાશે, જેમ કે દવાઓમાં એક સ્ટાન્ડર્ડાઇઝેશન આવે એ માટે અમે સર્ટિફિકેશન પ્રોસેસ વધુ મજબૂત કરી છે. સતત જુદી-જુદી દવાઓ પર રિસર્સ બેઝ્ડ એવિડન્સો પર કામ થઈ રહ્યું છે. ૬૦૦થી વધારે પ્લાન્ટ્સના મૉનોગ્રાફ છે. લગભગ નવ હજાર સર્ટિફાઇડ મૅન્યુફૅક્ચરિંગ યુનિટ્સ છે. પ્રાઇમ મિનિસ્ટરના વિઝન મુજબ આપણે ૨૦૪૭માં ભારતને વૈશ્વિક સ્તરે મહાસત્તા બનાવવી હશે તો સ્વસ્થ અને સશક્ત સમાજ પહેલી પ્રાયોરિટી છે, જેમાં આયુર્વેદ અને આપણી પ્રાચીન અન્ય ઉપચારપદ્ધતિ બહુ મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં છે.

આયુર્વેદ એક જ એવી ઉપચારપદ્ધતિ છે જે તમને ઇલનેસ ટુ વેલનેસ અને વેલનેસ ટુ હૅપીનેસ તરફ લઈ જાય છે. બહુ દૃઢતા સાથે કહું છું કે આપણા દેશના હૅપીનેસ ઇન્ડેક્સને વધારવામાં આયુર્વેદ બહુ મહત્ત્વનો ભાગ ભજવશે.’

હર દિન, હર ઘર આયુર્વેદ

સાયન્સ એવું કહે છે કે ૪૫ દિવસ એક જ વસ્તુ કરો રોજ તો એ આદત બની જાય. આ ફૉર્મ્યુલાને ધ્યાનમાં રાખીને જ અમે ‘હર દિન, હર ઘર આયુર્વેદ’ કૅમ્પેન લૉન્ચ કર્યું છે, એમ જણાવીને ડૉ. તનુજા મનોજ નેસારી કહે છે, ‘જનસંદેશ’, ‘જનભાગીદારી’ અને ‘જનઆંદોલન’ આ ત્રણ દિશામાં આ અભિયાન ચલાવ્યું છે, જેના માટે સોશિયલ મીડિયાથી લઈને વિવિધ ડિજિટલ પ્લૅટફૉર્મ્સ, એજ્યુકેશનલ પ્લૅટફૉર્મ્સ, સોશ્યલ પ્લૅટફૉર્મ્સ પર તેમના જીવનમાં આયુર્વેદ કેવી રીતે વણાયેલું છે અને કઈ રીતે તેઓ આયુર્વેદ સાથે જોડાઈ શકે છે અને શું કામ તેમણે તેમના જીવનમાં આયુર્વેદનો કૉન્શિયસલી સામેલ કરવું જોઈએ જેવી બાબતો પ્રસ્તુત કરી છે. વિવિધ ક્વિઝ, કૉન્ટેસ્ટ, સ્ટ્રીટ પ્લે, કલ્ચરલ ઇવેન્ટ, સેમિનાર્સ, વેબિનાર્સ, વર્કશૉપ્સ, ફૂડફૅર, ગેટ-ટુગેધર ઍક્ટિવિટી દ્વારા લોકોનું ઇન્વૉલ્વમેન્ટ કર્યું હતું. હૅશટૅગ કલ્ચરનો પણ આ કૅમ્પેન માટે ભરપૂર ઉપયોગ કર્યો અને લોકો પાસે કરાવ્યો અને અમને ખૂબ જ બહેતરીન રિસ્પૉન્સ મળ્યો છે. માત્ર આયુષ મિનિસ્ટ્રી નહીં, પણ તમામ બાવીસેબાવીસ મિનિસ્ટ્રીએ પોતાના સ્તર પર આ કૅમ્પેન સાથે જોડાઈને જનજાગૃતિનું અદ્ભુત કામ કર્યું છે. અત્યાર સુધીમાં પચાસ લાખ કરતાં વધુ લોકોએ ડાયરેક્ટ પાર્ટ​સિપેટ કર્યું હોવાનો સ્ટૅસ્ટિકલ ડેટા છે, જેમાં અમારી વેબસાઇટ, માય ગવર્નમેન્ટ ઍપ અને અમારાં વિવિધ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ્સ પરથી ખૂબ સારો રિસ્પૉન્સ મળ્યો છે. આયુર્વેદનો ગોલ્ડન પિરિયડ ક્યારેય ગયો નહોતો અને ક્યારેય જવાનો નથી. એ એવરગ્રીન છે.’

Whatsapp-channel Whatsapp-channel

23 October, 2022 04:17 PM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK