શરીરમાં જેની ઊણપ હોય એવાં વિટામિન્સ અને મિનરલ્સ લેવાની જરૂર પડે ત્યારે એ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે એનાં કેટલાંક કૉમ્બિનેશન ટૉક્સિક હોય છે
વિટામિન્સ, મિનરલ્સ
આજકાલની અનહેલ્ધી લાઇફસ્ટાઇલને કારણે ઘણાબધા લોકોએ સપ્લિમેન્ટ્સ લેવાં પડે છે. શરીરમાં જેની ઊણપ હોય એવાં વિટામિન્સ અને મિનરલ્સ લેવાની જરૂર પડે ત્યારે એ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે એનાં કેટલાંક કૉમ્બિનેશન ટૉક્સિક હોય છે અને એનાથી શરીરને કોઈ ફાયદો મળતો નથી
શરીરના ફંક્શનિંગ અને બાયોકેમિકલ પ્રક્રિયાને સરળ બનાવવા માટે દરરોજ વિટામિન્સ અને મિનરલ્સની જરૂર પડતી હોય છે. જેમ કે વિટામિન A, B, C, D, E, K ઉપરાંત કૅલ્શિયમ, મૅગ્નેશિયમ, પોટૅશિયમ, ઝિન્ક, આયર્ન જેવાં મિનરલ્સ અનિવાર્ય હોય છે. આ પોષક તત્ત્વો આપણને મુખ્યત્વે આહારમાંથી જ મળે, પણ આજકાલની હેક્ટિક અને અનહેલ્ધી લાઇફસ્ટાઇલને લીધે લોકોમાં એની ઊણપ વર્તાતી હોય છે. આવી સ્થિતિમાં કેટલીક વાર પૂરક તરીકે ડૉક્ટર્સ સપ્લિમેન્ટ્સ એટલે કે શરીરમાં જે ચીજની કમી હોય એ વિટામિન્સ અને મિનરલ્સની ટૅબ્લેટ ખાવાની સલાહ આપે છે. જ્યારે આપણે આ વિટામિન્સ અને મિનરલ્સનું સંતુલિત પ્રમાણમાં સેવન કરીએ ત્યારે એ શરીરને લાભ આપે છે, પણ કેટલાંક કૉમ્બિનેશન વિરોધાભાસી હોવાથી એકબીજાને શરીરમાં ઍબ્સૉર્બ થવા દેતાં નથી અને શરીરને કોઈ ફાયદો મળતો નથી. આવા કૉમ્બિનેશનને ટૉક્સિક કૉમ્બિનેશન કહેવાય.
ADVERTISEMENT
આ કૉમ્બિનેશનથી દૂર રહેવું
કૅલ્શિયમ અને આયર્નઃ વિટામિન્સ અને મિનરલ્સનાં કયાં સંયોજન ન લેવાં જોઈએ એ વિશે વાત કરતાં અનુભવી ડાયટિશ્યન યોગિતા ગોરડિયા જણાવે છે, ‘શરીરને બધા જ પ્રકારનાં વિટામિન્સ અને મિનરલ્સની જરૂર હોય છે, પણ એને યોગ્ય કૉમ્બિનેશનમાં ખાવામાં આવે તો જ ફાયદો થાય છે. કેટલાંક કૉમ્બિનેશન એકબીજાનાં વિરોધી હોય છે, જે શરીરને પોષણ પહોંચવા દેતાં નથી. એમાંથી સૌથી કૉમન છે કૅલ્શિયમ અને આયર્ન. આયર્ન શરીરમાંથી અશક્તિ અને થાકને દૂર કરે છે ત્યારે કૅલ્શિયમ હાડકાંને મજબૂત કરવાનું કામ કરે છે. મહિલાઓના સ્વાસ્થ્ય માટે આ બન્ને બહુ મહત્ત્વનાં છે. જોકે આ બન્નેનું કૉમ્બિનેશન શરીરને કોઈ ફાયદો આપતું નથી. ઘણી વાર મહિલાઓમાં હીમોગ્લોબિનનું લેવલ ઓછું થઈ જતાં ડૉક્ટર્સ આયર્ન અને કૅલ્શિયમની ગોળી લખી આપે છે, પણ સ્થિતિમાં કંઈ સુધારો થતો નથી. આયર્ન કૅલ્શિયમને ઍબ્સૉર્બ કરવા દેતું નથી, પરિણામે શરીરની અંદર સુધી પોષણ પહોંચતું જ નથી. જો પોષણ ન પહોંચે તો ફાયદો ક્યાંથી મળે? મલ્ટિવિટામિન્સનાં સપ્લિમેટ્સ જો લેતા હો તો, કૅલ્શિયમ અને આયર્નના ગુણો શરીરને જોઈતા હોય તો આ કૉમ્બિનેશનને મિક્સ કરાય નહીં. જ્યારે આયર્ન અને કૅલ્શિયમ બૉડીમાં એકબીજા સાથે ઇન્ટરૅક્ટ કરે ત્યારે ઍબ્સૉર્પ્શન લેવલ ઓછું થાય. બન્ને ઇન્ટરૅક્ટ કરે એટલે એવું નથી કે ન લઈ શકાય, પણ એની અસર ઓછી અથવા નહીંવત્ થઈ જાય. આ બન્નેને યોગ્ય સમયના અંતરે લેવામાં આવે તો એ શરીરને ચોક્કસ ફાયદો આપશે. કૅલ્શિયમને આયર્ન કરતાં વિટામિન C સાથે લેવામાં આવે સૌથી વધુ ફાયદાકારક સાબિત થશે, વિટામિન C શરીરમાં કૅલ્શિયમને ઍબ્સૉર્બ કરવામાં મદદ કરશે.’

વિટામિન C અને B12 : વધુ એક રૉન્ગ કૉમ્બિનેશન વિશે વાત કરતાં યોગિતા ગોરડિયા જણાવે છે, ‘વિટામિન C અને વિટામિન B12ના કૉમ્બિનેશનને સાથે લેવાની ભૂલ ન કરવી જોઈએ. જ્યારે કોઈ કૉમ્બિનેશન એકબીજાના વિરોધમાં કામ કરશે તો એ એકબીજાના પોષણને શરીરમાં ઍબ્સૉર્બ થવા દેશે નહીં. આ એક કૉમન રૂલ છે. જે કૉમ્બિનેશન શરીરને ફાયદો આપતાં નથી એ બધાં જ કૉમ્બિનેશનનો આ એક જ સિદ્ધાંત છે, ફક્ત યાદ એટલું રાખવું પડે કે કયાં વિટામિન્સ અને મિનરલ્સની જોડી એકસાથે જામતી નથી. વિટામિન C શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવાનું કામ કરે છે ત્યારે B12ને તેની સાથે લેવામાં આવે તો એનીમિયા, વીક-બોન્સ, વેઇટલૉસ, બ્લર્ડ વિઝન જેવી તકલીફો ઊભી કરી શકે છે. દૂધમાંથી આ વિટામિન મળે છે ત્યારે વિટામિન C ખાટાં ફળ અને શાકભાજીમાંથી મળે છે. બન્ને એકબીજાનાં વિપરીત હોવાથી સપ્લિમેન્ટ્સ તો સાથે ખાઈ શકાય નહીં પણ આહારમાં પણ દૂધ સાથે ખાટાં ફળો સ્વાસ્થ્યને બગાડવાનું કામ કરે છે.’
મૅગ્નેશિયમ અને કૅલ્શિયમઃ શરીરમાં એકબીજાથી વિપરીત કામ કરતાં વિટામિન્સ અને મિનરલ્સના ત્રીજા કૉમ્બિનેશન વિશે જણાવતાં યોગિતા ગોરડિયા કહે છે, ‘મૅગ્નેશિયમ અને કૅલ્શિયમ બન્ને મિનરલ્સનું કામ હાડકાં મજબૂત કરવાનું છે, પણ બન્ને મિનરલ્સને સાથે લેવાથી શરીરને કોઈ ફાયદો મળતો નથી. મૅગ્નેશિયમની વધુપડતી ઊણપથી માનસિક, લો એનર્જી અને અનિયંત્રિત શુગર-લેવલની સમસ્યા ઊભી થઈ શકે છે. તમારા શરીરમાં કયાં વિટામિન્સ અને મિનરલ્સની અછત છે અને કેટલી છે એ બ્લડ-ટેસ્ટના આધારે જ ખબર પડે. જો ઓછી ઊણપ હોય તો એને ડાયટથી મેઇન્ટેન કરી શકાય, પણ જ્યારે એની ઊણપ વધારે હોય ત્યારે ડૉક્ટર્સ હાઈ ડોઝનાં સપ્લિમેન્ટ્સ સજેસ્ટ કરે છે. ઘણા કેસમાં તો લોકો પોતાની રીતે આડેધડ મલ્ટિવિટામિન્સ અને મિનરલ્સની ટૅબ્લેટ્સ ખાતા હોય છે, જે ટોટલી રૉન્ગ છે. હેલ્થ-એક્સપર્ટની સલાહ વિના કોઈ પણ પ્રકારની વિટામિનની ગોળીઓ લેશો તો એનો ફાયદો થશે નહીં. એવી જ રીતે વિટામિન K સાથે વિટામિન E ન લઈ શકાય.’
કયાં કૉમ્બિનેશન બેસ્ટ કહેવાયઃ એકબીજાને કૉમ્પ્લીમેન્ટ આપીને શરીરને ફાયદો અપાવે એવાં સપ્લિમેન્ટ્સનાં કૉમ્બિનેશન વિશે માહિતી આપતાં યોગિતા ગોરડિયા કહે છે, ‘આયર્ન અને વિટામિન C, કૅલ્શિયમ-વિટામિન C-વિટામિન Dનું કૉમ્બિનેશન સૌથી બેસ્ટ કહેવાય છે. હાડકાંને મજબૂત કરવામાં કૅલ્શિયમની સાથે વિટામિન D3નું પણ યોગદાન હોય છે. વિટામિન C વિટામિન D3ને સારી રીતે ઍબ્સૉર્બ કરે છે અને એ સમયસર શરીરને પોષણ પૂરું પાડે છે.
મહત્ત્વપૂર્ણ ટિપ્સ
સપ્લિમેન્ટ્સમાં અમુક કૉમ્બિનેશન શરીરને ફાયદો નથી આપતાં એનો અર્થ એ નથી કે આ કૉમ્બિનેશનવાળા આહાર ન ખાવા જોઈએ. આપણે પનીર સાથે શાકભાજી ખાઈએ જ છીએ, દૂધ સાથે ડ્રાયફ્રૂટ લઈએ જ છીએ. ટૂંકમાં કહેવાનો અર્થ એટલો છે કે સપ્લિમેન્ટ્સ લેતી વખતે ઉપર જણાવેલાં કૉમ્બિનેશન ન લેવામાં આવે તો સારું.
શરીરમાં કોઈ પણ પ્રકારના ચેન્જ દેખાય એટલે કે સતત ચક્કર આવે, કબજિયાત થાય, ઊલટી થાય, માથાનો દુખાવો થાય, વીકનેસ જેવું લાગે તો બ્લડ-ટેસ્ટ કરાવી લેવી. એમાં ખબર પડી જશે કે વિટામિન્સનું પ્રમાણ કેટલું છે. એ પ્રમાણે ડૉક્ટરની સલાહ મુજબ આગળ વધવું. કેટલા સમય સુધી અને કેવી રીતે સપ્લિમેન્ટ્સ લેવાં જોઈએ એ માટે પણ ડૉક્ટરની સલાહ લેવી.
કોઈની દેખાદેખીમાં કે કોઈના સજેસ્ટ કરવાથી કંઈ શરૂ ન કરવું. હું મલ્ટિવિટામિન્સની ગોળીઓ લઉં છું અને મને સારું થઈ ગયું એમ તને પણ સારું થશે તેથી તું આ ગોળીઓ ચાલુ કર એવું કોઈ બોલે તો તેની વાત માનવી નહીં. દરેક વ્યક્તિમાં વિટામિન્સની અછત અલગ-અલગ પ્રમાણમાં હોય છે. આ સાથે શારીરિક સમસ્યાઓ પણ અલગ હોય છે. તેથી ડૉક્ટર પાસે જઈને પર્સનલી કન્સલ્ટ કર્યા બાદ તેમણે સજેસ્ટ કરેલાં વિટામિન્સ ખાવાં.
મલ્ટિવિટામિન્સની ટૅબ્લેટ્સ પોતાના મનથી કે ઇન્ટરનેટ પર દેખાયું એટલે સ્ટોરમાંથી લઈ આવ્યા એવું ન હોવું જોઈએ. મલ્ટિવિટામિન્સમાં ફૅટ સૉલ્યુબલ વિટામિન્સ હોય છે. ફૅટ સૉલ્યુબલ એટલે ફૅટ સાથે વિટામિન્સની ગોળી લેવાથી શરીરમાં એ જલદી ઍબ્સૉર્બ કરે છે. એમાં વિટામિન A, D, E, Kનો સમાવેશ થાય છે. એને વધુ માત્રામાં ખાવાથી લિવરના ફંક્શનિંગને અસર કરે છે અને ભવિષ્યમાં ફૅટી લિવરની સમસ્યા સર્જાય છે. એવી જ રીતે વિટામિન Dનો ઓવરડોઝ કિડનીનાં ફંક્શન્સ પર લોડ આપે છે.
બની શકે એટલું બૅલૅન્સ્ડ ડાયટ રાખવાની કોશિશ કરવી. શાકભાજી, દાળ, ફ્રૂટ, ડેરી-પ્રોડક્ટ્સ ને સૂકા મેવામાંથી શરીરને બને એટલું પોષણ આપતા રહેવું જેથી સપ્લિમેન્ટ્સ ખાવાની નોબત ન આવે.
શું કહે છે ફિઝિશ્યન?
દહિસરમાં છેલ્લાં ૨૭ વર્ષથી પ્રૅક્ટિસ કરતા ફૅમિલી ફિઝિશ્યન ડૉ. સુશીલ શાહ આ મામલે પોતાનો મત વ્યક્ત કરતાં જણાવે છે, ‘દરેકની પ્રકૃતિ અલગ હોવાથી સેલ્ફ-મેડિકેશનની સલાહ હું આપતો નથી. આ સાથે હું લો ગ્લાઇસીમિક ઇન્ડેક્સવાળા ફૂડ ખાવાની સલાહ આપીશ. લો ગ્લાઇસીમિક ઇન્ડેક્સ એટલે ઓછી શુગરવાળો આહાર. ભાતનો ગ્લાઇસીમિક ઇન્ડેક્સ વધારે હોય છે પણ એમાં હાઈ પ્રોટીન ધરાવતી તુવેરની દાળ સાથે ખાવાથી એ ઇન્ડેક્સનું લેવલ ઓછું થઈ જાય છે. આ રીતે બૅલૅન્સ્ડ ડાયટ શરીરને જરૂરી પોષણ પૂરું પાડશે અને વિટામિન્સ અને મિનરલ્સની કમીને પણ પૂરશે. વિટામિન્સ અને મિનરલ્સના બૅડ કૉમ્બિનેશનની વાત કરું તો કૅલ્શિયમ-મૅગ્નેશિયમ, આયર્ન-ઝિન્ક અને વિટામિન C-B12 છે. આ કૉમ્બિનેશનમાં સપ્લિમેન્ટ્સ ખાવાનું ટાળવું જોઈએ. જો સપ્લિમેન્ટ્સ લેવાં જ હોય તો વિટામિન D અને કૅલ્શિયમનાં લેવાનાં. વિટામિન D જરૂરી છે. કૅલ્શિયમ માટે. વિટામિન A, D, E, K જેવાં ફૅટ સૉલ્યુબલ વિટામિનની ગોળી મલાઈવાળા દૂધ સાથે લેવી. કૅલ્શિયમ અને આયર્નની કમી અત્યારે લોકોમાં બહુ જ જોવા મળે છે. આ બન્નેને એકસાથે લેવા કરતાં આઠથી ૧૦ કલાકના અંતરમાં લેવામાં આવે તો બન્નેના ફાયદા શરીર સુધી પહોંચશે. અત્યારે માર્કેટમાં ડુપ્લિકેટ સપ્લિમેન્ટ્સ પણ બહુ મળે છે. એના કૉમ્પોઝિશન અને મૅન્યુફૅક્ચરિંગ ડેટમાં ગડબડ જોવા મળે છે. તેથી સારી ક્વૉલિટીનાં સપ્લિમેન્ટ ખાવાં, પણ ડૉક્ટરની સલાહ લઈને જ.’


