Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > રોજ સવારે હેવી નહીં પણ હળવો નાસ્તો કરવાની સલાહ આપે છે આપણી વેદિક સિસ્ટમ

રોજ સવારે હેવી નહીં પણ હળવો નાસ્તો કરવાની સલાહ આપે છે આપણી વેદિક સિસ્ટમ

Published : 22 April, 2025 12:27 PM | IST | Mumbai
Kajal Rampariya | feedbackgmd@mid-day.com

બ્રેકફાસ્ટ તો રાજાની જેમ કરવો જોઈએ એવી માન્યતાથી સાવ વિપરીત મત વ્યક્ત કરીને એની પાછળનું લૉજિક સમજાવે છે હેલ્થગુરુ ડૉ. મિકી મહેતા.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


હેલ્ધી ડાયટને ફૉલો કરવા બધા જ ઘેલા થઈ રહ્યા છે, પણ તમે જે હેલ્ધી ડાયટને ફૉલો કરી રહ્યા છો એ રૂટીન તમારી લાઇફને ખરેખર તંદુરસ્ત બનાવી રહ્યું છે કે નહીં એની ખબર છે? મૉડર્ન ડાયટિશિયન્સ હેલ્ધી ડાયટ ફૉલો કરવા માટે સૌથી પહેલાં હેવી બ્રેકફાસ્ટ સજેસ્ટ કરે છે. ભરપેટ બ્રેકફાસ્ટ શરીરને દિવસ દરમ્યાન થાક ફીલ થવા દેતો નથી અને ઊર્જા પૂરી પાડે છે. જોકે તાજેતરમાં પ્રખ્યાત અને અનુભવી હોલિસ્ટિક હેલ્થગુરુ ડૉ. મિકી મહેતાએ વૈદિક સાયન્સનો આધાર રાખીને એક ઇન્ટરવ્યુ દરમ્યાન જણાવ્યું હતું કે સવારના પહોરમાં હેવી ડાયટ ફૉલો કરવી એ ભ્રમ છે. સવારના સમયે હલકો ફળાહાર કરવો અથવા ફણગાવેલાં કઠોળ ખાવાં એને સર્વોત્તમ માનવામાં આવે છે, કારણ કે બપોરે ૧૨ વાગ્યા સુધી પાચકાગ્નિ મંદ હોય છે અને ખાવાનું પચવામાં મુશ્કેલી થાય છે. હેલ્થગુરુએ કરેલા આ દાવા બાદ એ પ્રશ્ન તો મૂંઝવતો હશે કે મૉડર્ન ડાયટ કહે છે કે હેવી બ્રેકફાસ્ટ કરો અને વૈદિક વિજ્ઞાન અનુસાર સવારે હળવો ફળાહાર કરવો જોઈએ. 
આ બન્નેમાંથી સાચું શું છે? ચાલો જાણીએ ડૉ. મિકી મહેતા પાસેથી જ.

શું કહે છે વેદિક સાયન્સ?
મૉડર્ન ડાયટ હેવી બ્રેકફાસ્ટ કરવાની ભલામણ કરે છે જેથી શરીરને એનર્જી મળે અને સુસ્તી ન આવે; જો સવારનો નાસ્તો સ્કિપ કરવામાં આવે તો હૉર્મોનલ ઇમ્બૅલૅન્સ, અશક્તિ અને માથાનો દુખાવો થઈ શકે છે. જોકે આ વિચારધારા કે ડાયટ પદ્ધતિથી વિપરીત હેલ્થગુરુ મિકી મહેતાએ હળવો નાસ્તો કરવાની સલાહ આપી છે ત્યારે એની પાછળનું લૉજિક અને સાયન્સ સમજાવતાં તેઓ કહે છે, ‘મૉડર્ન ડાયટ વેસ્ટર્ન કલ્ચરનું અનુસરણ કરે છે, પણ ભારતમાં પહેલેથી જ આપણી પોતાની વેદિક પદ્ધતિ છે તો આપણે બીજે શા માટે જવું પડે? મૉડર્ન ડાયટમાં વેદિક પદ્ધતિની સમજણ ઓછી હોય છે. સામાન્યપણે નોકરિયાત વર્ગ રાત્રે હેવી ડિનર કરે છે. એમાં દાળ, ભાત, શાક, રોટલી ઉપરાંત પાંઉભાજી, બિરયાની અને આલૂ પરાઠા જેવી વાનગીઓ હોય છે. જોકે આઇડિયલી રાત્રે આટલું હેવી ખાવાથી પાચનતંત્ર પર લોડ વધે છે અને સવારે પણ હેવી બ્રેકફાસ્ટ એટલે કે ઓટ્સ, પરાઠા, ભાખરી અને થેપલાં ખાઈએ તો આપણી સિસ્ટમને આરામ જ મળતો નથી. તેથી રાત્રે હળવો આહાર લેવો જોઈએ જેથી શરીરનાં ફંક્શન્સને રેસ્ટ મળે. આ મારું સિમ્પલ લૉજિક છે. આવું થવા પાછળના વેદિક સાયન્સની વાત કરું તો આયુર્વેદ પ્રમાણે રાત્રે આપણું પાચનતંત્ર નબળું થઈ જાય અને એ સવારે ૧૦ વાગ્યે ઍક્ટિવ થાય. એ સમયે શરીરનું મેટાબોલિઝમ એટલે કે ચયાપચયની ક્રિયા સૌથી બેસ્ટ હોય છે. આ સમયે સાત્ત્વિક અન પૌષ્ટિક આહાર ગ્રહણ કરવામાં આવે તો એ ઇન્સ્ટન્ટ એનર્જીમાં ફેરવાઈ જાય છે. આ ઉપરાંત વધુ એક કારણ એ પણ છે કે આપણું શરીર સૂર્યના હિસાબે કામ કરે છે. જ્યારે સવારે ઊઠીએ છીએ ત્યારે ફ્રેશ અને એનર્જેટિક ફીલ થાય છે, બપોર સુધી એ એનર્જી સસ્ટેન રહે છે; પણ જેવી સાંજ પડે એટલે શરીર થાક અનુભવે છે અને ઊંઘ આવે છે. સૂર્ય તરફથી મળતી એનર્જીની સાથે જો આહાર સાથેનું સંતુલન જળવાય તો રોગમુક્ત જીવન જીવી શકાય. મારા નિવેદન પાછળનું વેદિક સાયન્સ આ જ છે. આમાં કંઈ જ નવું નથી. વર્ષો જૂની જીવન જીવવાની પદ્ધતિ છે જે ઋષિમુનિઓ તેમના કાળમાં અનુસરતા હતા અને એને આપણે અનુસરવાની જરૂર છે.’

આયુર્વેદિક ક્લૉકને સમજો
હેલ્ધી લાઇફસ્ટાઇલને જીવવી હોય તો આયુર્વેદિક ક્લૉકનું અનુસરણ કરો એમ જણાવતાં મિકી મહેતા આ કન્સેપ્ટને સમજાવે છે...
કફકાળ : આપણે આયુર્વેદિક ક્લૉકને અનુસરવાની જરૂર છે. એમાં સવારે અને સાંજે છ વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા સુધી કફકાળ હોય એટલે આ સમય દરમ્યાન આપણો પાચકાગ્નિ મંદ હોય છે. આ સમયે આહાર ગ્રહણ ન કરવો જોઈએ અને જો કરશો તો એ પચશે નહીં. ફિઝિકલ ઍક્ટિવિટી માટે આ સમયને શ્રેષ્ઠ ગણવામાં આવે છે.

પિત્તકાળ : પિત્તકાળ સવારે ૧૦ વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધી હોય છે. આ દરમ્યાન મેટાબોલિઝમ બહુ જ સારું હોવાથી પાચનતંત્ર સૌથી મજબૂત હોય છે. આ સમયે લંચ કરવું સૌથી સારું માનવામાં આવે છે, કારણ કે આ કાળ દરમ્યાન કરેલું ભોજન સરળતાથી પચી શકે છે. રાત્રે ૧૦ વાગ્યાથી બે વાગ્યાનો સમય પણ પિત્તકાળ હોય છે. આ સમયે શરીર ટૉક્સિન્સ બહાર કાઢવાનું કામ કરે છે અને બૉડીને રિપેર કરે છે. તેથી આ સમયે નીંદરમાં હોવું જરૂરી છે. આથી આયુર્વેદમાં કહેવાયું છે કે સૂર્યાસ્ત પછી હેવી ભોજન કરવું નહીં.

વાતકાળ : મધરાતે બે વાગ્યાથી મળસકે છ વાગ્યા સુધીનો સમય આયુર્વેદમાં વાતકાળ કહેવાય છે. આ સમય માનસિક શાંતિ અને મેડિટેશન માટે આઇડિયલ માનવામાં આવે છે. બપોરે બે વાગ્યાથી સાંજે છ વાગ્યા દરમ્યાન પણ વાતકાળ જ હોય છે ત્યારે આ દરમ્યાન ક્રીએટિવ કામ કરવાં જોઈએ. આ સમયે ખાવું જોઈએ નહીં.

આ રીતે પ્લાન કરો ડાયટ
વેદિક સાયન્સની ડાયટ-ફૉર્મ્યુલાની છણાવટ કરતાં મિકી મહેતા જણાવે છે, ‘બપોરનું ભોજન ભરપેટ કરો, પણ મા​ઇન્ડફુલ ઈટિંગ હોવું જોઈએ. આડેધડ કંઈ પણ ન ખાવું જોઈએ. સવારે લાઇટ બ્રેકફાસ્ટ અને રાત્રે કશું જ નહીં ખાવું એ સિમ્પલ અને સરળ ફૉર્મ્યુલા છે જે તમારી લાઇફસ્ટાઇલને રોગમુક્ત બનાવશે. આહાર ગ્રહણ કરવાનો સમય સવારે ૧૦ વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધીનો હોય છે. જેમને સવારે ભૂખ લાગતી હોય એ લોકો સવારે નવ વાગ્યાની આસપાસ ફળાહાર અથવા ફણગાવેલાં કઠોળ ખાઈ શકે, પણ ભરપેટ ખાવું હોય તો બપોરે ૧૨થી ૧૨.૩૦ વાગ્યા સુધીનો સમય સર્વોત્તમ કહેવાય. ભોજનમાં છ રસ આવી જાય તો એ શરીરને જોઈતું પોષણ પૂરું પાડે છે. આયુર્વેદમાં બપોરે એક સમય જ ભોજન કરવું સૌથી હેલ્ધી કહેવાય છે, પણ સવારે અને સૂર્યાસ્ત પહેલાં હળવો આહાર ગ્રહણ કરી શકાય. આ ડાયટ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ જેવું જ હોય, પણ એમાં તો ૧૬ કલાક ભૂખ્યા રહેવાનું હોય છે અને આઠ કલાક દરમ્યાન જન્ક ફૂડ સિવાય મનફાવે એ ખાઈ શકો. વેદિક સાયન્સમાં એવું નથી. બપોરનું ભોજન કરી લીધા બાદ કંઈ ન ખાવું જ બેસ્ટ કહેવાય. એક વાર જમવાથી દીર્ઘાયુ પ્રાપ્ત થાય, મન અને અધ્યાત્મ પર સારો પ્રભાવ પડે, આપણા ગુણો સુધરે, જીવન આંનદિત રહે. વેદિક પદ્ધતિથી આહાર લેવાથી ઇચ્છા જીવનની ઉપલબ્ધિ થાય. બેથી ત્રણ વાર અથવા એનાથી વધુ વાર ખાવાથી શરીર રોગનું ઘર બને છે અને લોકોમાં બીમારીઓ વધવાનું આ જ કારણ છે. જો તમે બપોરે એકટાણું કરો અને એ ભોજન ગુણોથી ભરપૂર અને બૅલૅન્સ્ડ ડાયટ હોય તો એ સાત્ત્વિક પૌષ્ટિકતા આપે છે, બૉડીમાં સંતુલન લાવે છે અને શરીરમાં દવાનું કામ કરીને કૅન્સર, ડાયાબિટીઝ અને બ્લડ-પ્રેશર જેવી બીમારીઓને પણ દૂર કરવાની અને રાખવાની તાકાત રાખે છે.


Whatsapp-channel Whatsapp-channel

22 April, 2025 12:27 PM IST | Mumbai | Kajal Rampariya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK