AC ખરાબ નથી, પરંતુ એનો ઉપયોગ કરતાં આવડે તો આપણે એ ગેરફાયદાઓથી બચી શકીએ છીએ
પ્રતીકાત્મક તસવીર
ઍર-કન્ડિશનર વિના સૂવાનું આપણને હવે જાણે ફાવતું જ નથી. એ આપણું કમ્ફર્ટ નહીં, જરૂરિયાત બની ગયું છે. જોકે ACમાં ૧૮-૨૦ કલાક રહીને આપણે શરીરનું કેટલું નુકસાન કરી રહ્યા છીએ એ સમજતા નથી, જેના વિશે જાણકારી અત્યંત જરૂરી છે. AC ખરાબ નથી, પરંતુ એનો ઉપયોગ કરતાં આવડે તો આપણે એ ગેરફાયદાઓથી બચી શકીએ છીએ.
એક સમય હતો કે ઍર-કન્ડિશનર એક લક્ઝરી ગણાતું, પરંતુ હવે એ જીવનજરૂરિયાતની વસ્તુઓમાં સામેલ છે. પહેલાં ઘરના એક જ રૂમમાં AC રહેતું, પરંતુ હવે ઘરના દરેક રૂમમાં AC હોય છે. આજની તારીખે મુંબઈમાં રાત્રે AC ચલાવીને સૂવાની આદત નાનાં બાળકોથી લઈને મોટેરાઓ સુધી બધાની જ છે. સૂવાનું તો છોડો; દરેક બૅન્ક, મૉલ, દુકાનમાં AC છે. આપણી લોકલ પણ AC બનતી જાય છે. મેટ્રો તો પહેલેથી ACવાળી જ બની છે. ઑફિસોમાં સેન્ટ્રલાઇઝ્ડ AC હોય છે. ચોમાસાએ મુંબઈને ખાસ્સું ઠંડું કર્યું છે, પરંતુ એ ઠંડકનો આપણને એહસાસ નથી કારણ કે આપણને તો એ તાપમાનની ફરક ખબર પડી જ નથી. આપણે તો શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું; આજની તારીખે આપણે બધા ૧૮-૨૦ ડિગ્રી જેટલા એક જ તાપમાનમાં રહેવા ટેવાયેલા છીએ જેમાં દિવસ-રાતના તાપમાનનો ફરક પણ નથી. સવારે પણ ૧૮ ડિગ્રી અને રાત્રે પણ ૧૮ ડિગ્રી. આ પરિસ્થિતિ શું આપણને બધાને કોઈ રીતે અસર કરી રહી છે? કમ્ફર્ટના ચક્કરમાં શું આપણે અજાણતાં જ આપણી હેલ્થને ખરાબ તો નથી કરી રહ્યા એ આજે જાણવાની કોશિશ કરીએ.
ADVERTISEMENT
હવામાન અને તાપમાન બદલતું રહે છે એ કુદરતી નિયમ છે. વરસના અમુક મહિનામાં ઠંડી હોય, અમુક મહિનામાં ગરમી હોય અને અમુક મહિના વરસાદ એ આપણા દેશનું પર્યાવરણ નક્કી કરે છે. દિવસે ગરમી અને રાત્રે ઠંડી વધવી એ કુદરતી છે. સૂર્યનું હોવું, ન હોવું એ ફરક શરીર અને એના સ્વાસ્થ્ય માટે મહત્ત્વનો છે. હવા ક્યારેક જોરથી ફૂંકાય અને ક્યારેક સાવ થંભી જાય એ બદલાતું પ્રેશર, ભેજનું ઓછા-વત્તું થવું એ કુદરતી છે અને જો આપણે કુદરત સામે ટકી રહેવું હોય તો એ ફેરફારોને સહન કરવા જરૂરી છે.
કુદરતી ફેરફારો સામે ટકવું
એ વિશે સમજાવવા માટે આયુર્વેદ નિષ્ણાત ડૉ. સંજય છાજેડ એક ઉદાહરણ આપતાં સમજાવે છે. તેમણે લાન્સલેટ જર્નલમાં છપાયેલા એક રિસર્ચ વિશે વાત કરી, જે રિસર્ચ પુણે શહેરમાં કરવામાં આવેલું કે જે બાળકો વૉટર પ્યુરિફાયરનું પાણી પીએ છે એ વધુ માંદાં પડે છે. રિસર્ચમાં કહેવામાં આવ્યું હતું કે જે બાળકો અતિ શુદ્ધ પાણીનાં આદી છે તેમના શરીરમાં જ્યારે પણ કોઈ ખરાબ બૅક્ટેરિયા આવે ત્યારે તે નૉર્મલ બાળકો કરતાં વધુ ખરાબ રીતે માંદાં પડે છે કારણ કે તેમના શરીરને બિલકુલ આદત જ નથી. જેમણે ઘાટ-ઘાટનું પાણી પીધું છે એ બાળકોનાં શરીર વધુ તૈયાર છે. સ્ટ્રૉન્ગ છે. એટલે તેઓ ઝટ દઈને માંદાં પડતાં નથી. અહીં ACનું પણ વૉટર પ્યુરિફાયર જેવું જ સમજવું એમ સમજાવતાં તેઓ કહે છે, ‘જે વ્યક્તિએ ટાઢ, તાપ, વરસાદ સહન કર્યાં છે, જે ૫૦ ડિગ્રી ગરમીમાં, ૧૫ ડિગ્રી ઠંડીમાં અને ધોમ વરસાદી વાતાવરણના ભેજમાં રહી ચૂક્યા છે તેમનું શરીર સતત ૧૮ ડિગ્રી ACમાં રહેતા શરીર કરતાં ઘણું સશક્ત હશે. કુદરતના નાના-મોટા ફેરફારોમાં પણ ટકી રહેવા સક્ષમ હશે.’
વધુ ACમાં રહેવાથી થતી તકલીફ
આજની તારીખે કોઈ પણ વ્યક્તિ દિવસના ૧૫-૨૦ કલાક ફક્ત ACમાં રહે છે. એટલી ઠંડક શરીરને કઈ રીતે અસર કરી શકે છે એ પ્રશ્નનો જવાબ આપતાં ડૉ. સંજય છાજેડ કહે છે, ‘ACની એક ખાસિયત છે, એ ભેજને ઓછો કરે છે. ACમાં પરસેવો ન થાય એટલે શરીરમાંથી પાણી બહાર જતું નથી, તરસ લાગતી નથી; જેને લીધે શરીરમાં ડિહાઇડ્રેશન થાય છે. એને કારણે પથરી થઈ શકે છે. જો તમે ACમાં વધુ રહેતા હો તો તરસ લાગે ત્યારે નહીં, નિયમ પ્રમાણે પાણી પી લેવું જોઈએ. દિવસના અઢીથી ત્રણ લીટર પાણી પીવું જ જોઈએ. હવે થાય છે એવું કે એટલું પાણી તમે પીઓ પણ પરસેવો વળતો નથી તો તમારે વારે-વારે બાથરૂમ જવું જરૂરી છે. જો તમે એને રોકી રાખો તો પથરી થવાની શક્યતા છે. પરસેવો ન વળે એનો અર્થ એ કે શરીરનું ડિટૉક્સિફિકેશન થતું નથી; જે સ્કિન, વાળ અને સ્વાસ્થ્ય માટે નુકસાનકર્તા છે. બીજું એ કે શરીરની જુદા-જુદા તાપમાનમાં રહેવાની ક્ષમતા ઓછી થતી જાય. જે લોકો વધુ સમય ACમાં જ રહે છે તેમને વૃદ્ધ થાય ત્યારે હાડકાના રોગ જેમ કે આર્થ્રાઇટિસ થાય છે. ફેફસાંના કે શ્વાસના રોગો થાય છે. આ લોકો જાડા હોય છે અને તેમના શરીરમાં કાયમના માટે પાણીની કમી જોવા મળતી જ હોય છે. મોટા ભાગના લોકોને યુવાવસ્થામાં સમજ નથી પડતી કે તેમના શરીરમાં શું નુકસાન થઈ રહ્યું છે, પરંતુ જેવાં ઉંમરને લાયક ચિહ્નો દેખાવા લાગે ખબર પડે કે નુકસાન ભારે થઈ ગયું.’
ACની આદત એટલી સામાન્ય થતી જાય છે કે ખબર પડતી નથી કે ખરેખર વ્યક્તિને એની આદત લાગી ગઈ છે કે નહીં. એ સમજવું હોય તો ઉપાય બતાવતાં ડૉ. સંજય છાજેડ કહે છે, ‘જો તમે ACમાંથી બહાર નીકળો અને બે જ મિનિટમાં અકળાઈ જાઓ તો ચેતવું જરૂરી છે. વગર ACએ થતી અકળામણ જ તમને જણાવે છે કે તમે AC સિવાય રહેવા માગતા નથી અને માનસિક જ નહીં, શારીરિક રીતે પણ તાપમાનનો તફાવત તમારાથી સહન થઈ નથી રહ્યો.’
તો શું AC બંધ કરી દેવાં? એ તો શક્ય જ નથી. ACની જરૂરત અને ફાયદા વિશે સમજાવતાં ડૉ. સંજય છાજેડ કહે છે, ‘ACનો સૌથી મોટો ફાયદો છે કે એનાથી ભેજ ઓછો થાય છે. પ્રદૂષણયુક્ત હવા અહીં ખૂબ છે તો ACને કારણે માણસ સારી રીતે શ્વાસ લઈ શકે છે. મુંબઈમાં એ જરૂરી છે. દરિયાકિનારો હોવા છતાં આપણે ત્યાં આ ઉનાળે તાપમાન ૪૪ ડિગ્રી ઉપર ગયેલું. આ પરિસ્થિતિમાં AC ન હોય તો માંદા પડાય. આમ AC બંધ ન થઈ શકે, પરંતુ એનું તાપમાન કેટલું રાખવું એ સમજવાની જરૂર છે. બહાર ૪૪ ડિગ્રી હોય અને તમે અંદર ૧૮ ડિગ્રી કરીને બેસો તો તડકો લાગે ત્યારે સહન ન જ થાય. એક વાર વરસાદમાં પલળો ત્યારે તરત જ માંદા પડો. એટલે AC સાવ બંધ કરવાની જરૂર નથી, પણ તાપમાન સમજીને સેટ કરવું જરૂરી છે.’
ACનો વપરાશ કેટલો અને કઈ રીતે કરવો?
- AC ચાલુ હોય ત્યારે પંખા ચાલુ ન રાખવા. એની જરૂર જ નથી હોતી. આવી ખોટી આદતો હોય તો બદલી નાખવી. બન્નેમાંથી એકનો ઉપયોગ યોગ્ય છે.
- રાત્રે સૂવો ત્યારે ૫-૬ કલાકનું ટાઇમર લગાવીને ૨૭ ડિગ્રી તાપમાન સેટ કરીને સૂઈ જાઓ. મુંબઈમાં રાતનું તાપમાન ૨૫-૩૦ ડિગ્રી જેટલું હોય છે. બહારના તાપમાન મુજબ જ તમે ઍડ્જસ્ટ કરો તો ફાયદો છે.
- દિવસ દરમિયાન ACમાં રહેવા કરતાં વેન્ટિલેશન હોય એવી જગ્યાએ રહેવાનું પસંદ કરો. હવા ખાવી, સૂર્યપ્રકાશ લેવો જરૂરી છે. ખાસ કરીને જો તમે વધુ સમય ACમાં જ રહેતા હો તો એક્સરસાઇઝ ઇન્ડોર નહીં, આઉટડોર જ કરવી જોઈએ.
- ઑફિસમાં ૧૬-૧૮ ડિગ્રી તાપમાન ન જ રાખવું. વધુ લોકો હોય તો પણ કૂલિંગ જાળવી રાખવા આ તાપમાન બરાબર નથી જ. એનાથી તમારી કંપનીના લોકોનું સ્વાસ્થ્ય ખરાબ થાય છે એ સમજવું. ઑફિસમાં ૨૫ ડિગ્રી સેટ કરીને રાખી શકાય.