સફેદ રક્તકણોની સંખ્યા લોહીમાં સપ્રમાણ જળવાઈ રહે એ અત્યંત આવશ્યક

ADVERTISEMENT
લોહી માનવ શરીરની સંરચના અવિભાજ્યનું અંગ છે. તેની ગેરહાજરીમાં આપણો એકેય અવયવ કામ કરી શકતો નથી. જોવામાં માત્ર લાલ પાણી જેવું દેખાતું આ લોહી ખરેખર તો રેડ બ્લડ સેલ્સ (રક્તકણ), વાઇટ બ્લડ સેલ્સ (શ્વેતકણ), પ્લેટલેટ્સ, પ્રોટીન, ફૅટ અને પાણી વગેરે જેવા પદાર્થોનું મિશ્રણ છે. આ દરેક પદાર્થનું શરીરમાં પોતપોતાનું આગવું મહત્વ છે. આ બધામાંથી લોહીને જેનાથી લાલ રંગ મળે છે એ રેડ બ્લડ સેલ્સ વિશે તો આ પહેલાં અનેક વાર વાત થઈ ચૂકી છે, તેથી આજે અહીં આપણે શરીરમાં રેડ બ્લસ સેલ્સ જેટલું જ મહત્વ ધરાવતા વાઇટ બ્લડ સેલ્સ વિશે વાત કરવાની છે, જેના માધ્યમથી શરીર આપણને રોગો સામે સંરક્ષણ પૂરું પાડે છે.
વાઇટ બ્લડ સેલ્સ (ડબ્લ્યુ.બી.સી.)નું મહત્વ શરીરમાં ડબ્લ્યુ.બી.સી.નું મહત્વ સમજાવતાં કાંદિવલીના જાણીતા ડૉક્ટર દિલીપ રાયચુરા જણાવે છે કે ‘શ્વેતકણ આપણા શરીરની સંરક્ષણ રચનાનો એક ભાગ છે. બીજા શબ્દોમાં કહીએ તો એ કુદરતે આપણા શરીરની અંદર મૂકેલી આર્મી છે. શરીરમાં દુશ્મન એટલે કે જંતુઓથી થતા રોગ તથા અન્ય કોઈ હાનિકારક તત્વો બહારથી અંદર પ્રવેશે છે અથવા શરીરમાં કુદરતી રીતે જ ઉત્પ્ાન્ન થાય છે ત્યારે એની સામે લડવા આપણા શરીરમાં રહેલા શ્વેતકણ સર્વ પ્રથમ કાર્યરત થાય છે. આ ડબ્લ્યુ.બી.સી. વિવિધ પ્રકારના બૅક્ટેરિયા, જર્મ્સ, વાઇરસ, ફંગસ અને પેરેસાઇટ્સ વગેરે સામે લડત આપી શરીરને તેના હુમલાથી બચાવે છે. શ્વેતકણોનું આ કામ આપણે જાગતા હોઈએ કે સૂતા, બીમાર હોઈએ કે સાજા, દિવસ-રાત આપણી જાણની બહાર અવિરત ધોરણે ચાલુ જ રહે છે.’
આ શ્વેતકણોનું ઉત્પાદન શરીરનાં હાડકાંની અંદર રહેલા બોન મૅરોમાં થાય છે, જ્યાંથી પરિપક્વ બની એ આપણા લોહીની અંદર ભળી જાય છે. લોહીના માધ્યમથી એ આખા શરીરમાં ફરતા રહે છે અને વિવિધ પ્રકારનાં ઇન્ફેક્શન સામે આપણું રક્ષણ કરતા રહે છે, સામાન્ય રીતે આ શ્વેતકણની આવરદા બેથી ત્રણ અઠવાડિયાંની હોય છે, ત્યાર બાદ એ આપોઆપ ડીકમ્પોઝ થઈ શરીરની બહાર ફેંકાઈ જાય છે.
વાઇટ બ્લડ સેલ્સના પ્રકારો
લોહીમાં રહેલા વાઇટ બ્લડ સેલ્સના મુખ્યત્વે બે પ્રકારના છે (૧) ગ્રેન્યુલોસાઇટ્સ (૨) લિમ્ફોસાઇટ્સ. દરેક વાઇટ બ્લડ સેલ્સની બહાર સેલ વૉલ હોય છે, જેની અંદર સેલ પ્લાઝમા અને તેની અંદર એક ન્યુક્લિયસ રહેલું હોય છે. જે સેલ પ્લાઝમામાં ગ્રેન્યુઅલ્સ એટલે કે દાણા દેખાય તેને ગ્રેન્યુલોસાઇટ્સ કહેવામાં આવે છે. બ્લડ ટેસ્ટમાં આમાંથી કયા પ્રકારના શ્વેતકણની માત્રામાં ફેરફાર થયો છે એને આધારે ડૉક્ટરો રોગનું નિદાન કરી ડૉક્ટર આપણને સારવાર આપે છે.
વાઇટ બ્લડ સેલ્સનું કાર્ય
સામાન્ય રીતે માઇક્રોલિટર લોહીદીઠ આ શ્વેતકણોની સંખ્યા ૪૦૦૦થી ૧૧,૦૦૦ જેટલી હોય છે. અતિશય ગંભીર ઇન્ફેક્શનમાં આ સંખ્યા ઘટીને ૧૦૦૦ સુધી પણ જઈ શકે છે, જ્યારે વધીને ૫૦,૦૦૦ની ઉપર પણ થઈ શકે છે. અહીં ડૉ. રાયચુરા જણાવે છે કે ‘કોઈ પણ ઇન્ફેક્શનવાળા રોગોમાં વાઇટ બ્લડ સેલ્સ ઘણું કરીને વધે છે. સામાન્ય રીતે બૅક્ટેરિયાથી થયેલા શ્વેતકણનું પ્રમાણ વધે છે, જ્યારે વાઇરસથી થયેલા રોગોમાં મોટે ભાગે તેની સંખ્યામાં ઝાઝો ફરક પડતો નથી. જોકે મલેરિયા અને ડેન્ગ્ાી જેવાં કેટલાંક વાઇરલ ઇન્ફેક્શન તથા કેટલાક પ્રકારનાં કૅન્સરની દવા લેવાથી એ ઘટી પણ શકે છે. તેવી જ રીતે બોન મૅરોના રોગોમાં એ વધી પણ શકે છે અને ઘટી પણ શકે છે. સામાન્ય ભાષામાં આપણે જેને બ્લડ કૅન્સર તરીકે ઓળખીએ છીએ એ ખરેખર તો બોન મૅરોનું કૅન્સર હોય છે. આ પ્રકારના કૅન્સરમાં બોન મૅરોમાં શ્વેતકણોની સંખ્યા વધી જાય છે. વળી, આ વધી જવાની પ્રક્રિયા એટલી ઝડપી અને એટલા મોટા પ્રમાણમાં હોય છે કે કેટલીક વાર તે ૫૦,૦૦૦નો આંક પણ વટાવી જાય છે. સામાન્ય રીતે ૪૦,૦૦૦થી ઓછા શ્વેતકણોની સંખ્યા ઇન્ફેક્શનનું સૂચન કરે છે, જ્યારે ૫૦,૦૦૦થી વધુને બ્લડ કૅન્સરની નિશાની તરીકે જોવામાં આવે છે.’
સારવાર
વાઇટ બ્લડ સેલ્સની સંખ્યા શરીરમાં સપ્રમાણ જળવાઈ રહે એ અત્યંત આવશ્યક છે, કારણ કે અતિશય વધવાની કે ઘટવાની બન્ને પરિસ્થિતિમાં તેની અસર આપણી રોગ પ્રતિકારક શક્તિ પર પડતી હોવાથી આપણું શરીર સરળતાથી શરદી, ખાંસી, તાવ, ફેંફસાનું ઇન્ફેક્શન વગેરેનું ભોગ બની શકે છે. અહીં ડૉ. રાયચુરા સમજાવતાં કહે છે કે ‘વાઇટ બ્લડ સેલ્સની સંખ્યામાં થયેલો ફેરફાર મૂળે તો શરીરમાં થયેલા રોગનું સૂચન કરતી હોવાથી સારવાર તેમની સંખ્યા ફરી સામાન્ય કરવાની નહીં, પરંતુ એ રોગને કાબૂમાં લેવા માટે આપવાની રહે છે. રોગ કાબૂમાં આવી જાય તો વાઇટ બ્લડ સેલ્સની સંખ્યા આપોઆપ સામાન્ય થઈ જાય છે. જોકે કેટલીક એવી દવાઓ ચોક્કસ આવે છે, જે તેમની સંખ્યા વધારવામાં મદદ કરે છે, પરંતુ તેનો ઉપયોગ મોટે ભાગે કીમોથેરપીના દર્દીઓ માટે જ કરવામાં આવે છે. તેથી સામાન્ય રીતે જેમના શરીમાં શ્વેતકણોની સંખ્યા વધી કે ઘટી ગઈ હોય તેમને ડૉક્ટર દરેક પ્રકારનાં ઇન્ફેક્શનથી બચવા મોઢું અને નાક ઢંકાયેલું રહે તેવું માસ્ક પહેરી રાખવાની સલાહ આપે છે. એ સિવાય આવા દર્દીઓએ બને તેટલું ચોખ્ખાઈનું ધ્યાન રાખવું જરૂરી છે. જેમાં વારંવાર હાથ ધોયા કરવા ઉપરાંત પોતાની તથા પોતાની આસપાસના વાતાવરણની સાફ-સફાઈનું ધ્યાન રાખવા જેવી બાબતોનો સમાવેશ થાય છે. એ સિવાય તેમના માટે ફોલિક ઍસિડની દવાઓ લેવી અનિવાર્ય બની જાય છે. આપણા શરીરના દરેકેદરેકે સેલના ઉત્પાદન માટે ફોલિક ઍસિડ આવશ્યક હોવાથી તેની દવાઓ વાઇટ બ્લડ સેલ્સના ઉત્પાદનમાં મદદરૂપ બને છે.’

