‘ઘેલાભાઈ ઘૂઘરાવાળા’ નામનું નાટક હું કરતો હોઉં, રાજકોટમાં એનો શો હોય અને હું ઘૂઘરા ટ્રાય કરવા પણ ન જાઉં તો તો મારા જેવો નગુણો કોઈ નહીં. બસ, જાતને આ સંદેશો આપી હું તો પહોંચ્યો રાજકોટના ખત્રી ઘૂઘરાવાળાને ત્યાં
જ્યારે રાજકોટમાં ઘેલાભાઈ ઘૂઘરા ખાવા ગયા ત્યારે
અત્યારે મારું નાટક ‘ઘેલાભાઈ ઘૂઘરાવાળા’ ચાલે છે. મિત્રો, આ જે ઘૂઘરા છે એ સૌથી વધારે જો ક્યાંય ખવાતા હોય તો એ છે સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રમાં પણ જામનગર-રાજકોટમાં તો સૌથી વધારે ખવાય. હમણાં મારા નાટકનો શો રાજકોટમાં હતો એટલે મેં તો અમદાવાદથી જ મન બનાવી લીધું કે આપણે રાજકોટ જઈને ઘૂઘરા ખાવાના થાય છે.
રાજકોટમાં મારો કંઈ લાંબો સ્ટે હતો નહીં એટલે અમે જ્યાં ઊતર્યા હતા એ સૂર્યકાન્ત હોટેલની પાછળ આવેલા ‘ખત્રી ઘૂઘરા’માં હું પહોંચ્યો. આ જગ્યા મારા માટે નવી હતી અને અગાઉ મેં આ જગ્યાનું કંઈ એવું નામ પણ નહોતું સાંભળ્યું એ પણ કહી દઉં. મારી તો ઇચ્છા હતી કે ઘૂઘરાના નામ પરથી જો મારા નાટકનું નામ હોય, જો હું એ જ નાટકનો શો કરવા માટે રાજકોટ જતો હોઉં તો મારે ઘૂઘરા તો ખાવા જ પડે.
ખત્રીમાં જઈને મેં ઘૂઘરાનો ઑર્ડર આપ્યો. ત્રીસ રૂપિયાની પ્લેટ અને એક પ્લેટમાં ચાર ઘૂઘરા. ઘૂઘરા પણ ખાસ્સા મોટા અને ભરેલા. મિત્રો, આ જે ઘૂઘરા હોય છે એનું પૂરણ બટાટા અને વટાણાનું હોય. મને લાગે છે કે આ પૂરણમાં કદાચ એ લોકો નિમક નથી નાખતા અને એટલે જ ઘૂઘરાની પ્લેટ તૈયાર થયા પછી તમારે એના પર સહેજ નિમક છાંટવાનું. નિમક છાંટવાથી ઘૂઘરાનો ટેસ્ટ પણ ચટાકેદાર થઈ જાય છે. બીજી વાત, હજી સુધી મેં આ ઘૂઘરામાં જૈન ઘૂઘરા નથી જોયા એટલે પરેજી પાળતા જૈનો ઘૂઘરાનો આસ્વાદ માણી નહીં શકે.
ગરમાગરમ ઘૂઘરાની વચ્ચે આંગળી મારી સહેજ ખાડો કરવાનો અને પછી એના પર તીખી-મીઠી ચટણી નાખવાની. મીઠી ચટણી તો એવી રીતે નાખે જાણે દાળ નાખતા હોય અને પછી એના પર તીખી ચટણી આવે. આ જે તીખી ચટણી છે એ લાલ મરચાં અને લસણની હોય છે, જ્યારે મીઠી ચટણી હોય છે એ સાવ જુદા જ પ્રકારની હોય છે. સામાન્ય રીતે મીઠી ચટણી ખજૂર-આંબલી અને ગોળની બને પણ ઘૂઘરામાં નાખવામાં આવતી ઑરેન્જ કલરની આ ચટણી માટે મેં એવું સાંભળ્યું કે એ તપકીર અને ગોળની બને છે. ચટણીની ચીકાશ જોઈને તમને પણ સમજાઈ જાય કે આમાં કંઈક તો નવી વસ્તુ નાખી છે. જોકે તીખી ચટણી સાથે આ મીઠી ચટણીનું કૉમ્બિનેશન અદ્ભુત છે એ પણ મારે કહેવું રહ્યું અને એ પણ કહેવું રહ્યું કે આ પહેલી વરાઇટી એવી છે જેમાં રાજકોટવાસીઓ તેમની ફેવરિટ પેલી ગ્રીન ચટણી નાખતા નથી!
ઘણી જગ્યાએ ઘૂઘરાની ઉપર સેવ અને મસાલા સિંગ નાખે છે પણ મને લાગે છે કે એ ખોટું છે. ઘૂઘરા ખાવાની સાચી મજા તો ખાલી ઘૂઘરા અને તીખી-મીઠી ચટણીમાં જ છે, પણ ઘણા એમાં ફૅન્સીપણું લાવે છે અને ઘૂઘરાની મજા મારી નાખે છે. મને મનમાં વિચાર આવ્યો કે આ ઘૂઘરા બનાવવાનું શરૂ કેવી રીતે થયું હશે. જવાબ માટે મેં ખત્રી ઘૂઘરાવાળા ભાઈની સાથે વાત કરી તો તેમને પણ ઘૂઘરા આવ્યા ક્યાંથી એના વિશે વધારે ખબર નહોતી પણ હા, વાત કરતાં ખબર પડી કે તેમણે ૧૯૭૮થી ઘૂઘરા વેચવાનું શરૂ કર્યું છે. વિચાર કરો, પચાસ વર્ષ થવા આવ્યાં એટલે કે કાઠિયાવાડમાં આ ઘૂઘરા આટલા સમયથી ખવાય છે.
ઘૂઘરા ખાવાની સાચી મજા જો કોઈ હોય તો એ કે એકદમ કડક અને કરકરા ઘૂઘરા હોય, ગરમાગરમ હોય અને એની ઉપર એકદમ ઠંડી એવી મીઠી ચટણી અને નૉર્મલ ટેમ્પરેચરની તીખી ચટણી નાખી હોય. તીખી ચટણી સાચા અર્થમાં તીખી હોય છે. ઘણા એવું કહે છે કે તીખી ચટણીમાં તીખાશ માટે લોકો સલ્ફ્યુરિક ઍસિડ નાખતા થયા છે જે બહુ નુકસાનકર્તા છે, પણ ખત્રીની તીખી ચટણીમાં તો રીતસર વાટેલાં મરચાં અને લસણની સુગંધ આવતી હતી. જો ક્યારેય રાજકોટ કે જામનગર જવાનું બને તો યાદ રાખજો, આ ઘૂઘરા અવશ્ય ટ્રાય કરજો અને હા, એ વાતની કાળજી રાખજો કે ઘૂઘરા ટ્રાય કરવા ઑથેન્ટિક જગ્યાએ જજો જેથી શુદ્ધ અને રિયલ ઇન્ગ્રીડિઅન્ટ્સથી બનેલા ઘૂઘરા ખાવા મળે.


