મહિલા મુસાફરોએ તેને નીચે ઊતરવાનું કહ્યું ત્યારે મુસાફરો અને આરોપી વચ્ચે બોલાચાલી થઈ હતી
પ્રતીકાત્મક તસવીર
પનવેલ-CSMT ટ્રેનના મહિલા કોચમાં ૫૦ વર્ષનો એક પુરુષ ચડી ગયો અને વિવાદ બાદ તેણે ૧૮ વર્ષની કૉલેજ-ગર્લને ચાલતી ટ્રેનમાંથી ધક્કો મારી દીધો. પનવેલ ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)એ હત્યાના પ્રયાસના આરોપમાં આધેડની ધરપકડ કરી છે.
પનવેલ GRPના સિનિયર ઇન્સ્પેક્ટર વિજય તાયડેએ આપેલી માહિતી મુજબ યુવતી તેની ફ્રેન્ડ સાથે ખારઘરમાં કૉલેજ જઈ રહી હતી. ગુરુવારે સવારે પનવેલ-CSMT ટ્રેનના મહિલા કોચમાં તેઓ ચડ્યાં ત્યાર પછી આરોપી પણ મહિલા કોચમાં ચડી ગયો. મહિલા મુસાફરોએ તેને નીચે ઊતરવાનું કહ્યું ત્યારે મુસાફરો અને આરોપી વચ્ચે બોલાચાલી થઈ હતી. ગુસ્સામાં તેણે ફુટબોર્ડ પર ઊભેલી યુવતીને ધક્કો મારી દીધો. મહિલા મુસાફરોએ રેલવે હેલ્પલાઇન નંબર પર જાણ કરી ત્યારે રેલવે પોલીસે તપાસ કરતાં જણાયું હતું કે યુવતીને માથામાં, હાથમાં અને પાંસળીઓમાં ઈજા થઈ હતી. યુવતીને તેના પેરન્ટ્સ સારવાર બાદ ઘરે લઈ ગયા હતા.


