° °

આજનું ઇ-પેપર
Saturday, 19 June, 2021


દેશી પ્લેટ, વિદેશી ટેસ્ટ

06 May, 2021 11:59 AM IST | Mumbai | Sanjay Goradia

‘જુગાડી અડ્ડા’નાં વડાપાંઉ ખાતી વખતે તમને એ ‘સબવે’નું દેશી વર્ઝન લાગી શકે છે

દેશી પ્લેટ, વિદેશી ટેસ્ટ

દેશી પ્લેટ, વિદેશી ટેસ્ટ

આપણે ત્યાં એક કહેવત છે.
સંઘરેલો સાપ પણ કામ લાગે. એવું જ થયું છે અત્યારે મારી સાથે. સંઘરેલી ફૂડ-ટિપ પણ કામ લાગે. બાકી આ લૉકડાઉનમાં બન્યું એવું હોત કે ફૂડ-ડ્રાઇવનું ગમે એટલું મન થયું હોય તો પણ ઘરમાં જ પડ્યા રહેવું પડ્યું હોત. ઍનીવે, થોડા સમય પહેલાં આપણે શરૂ કરેલી મુંબઈનાં બેસ્ટ વડાપાંઉની ડ્રાઇવમાં મારા ધ્યાનમાં એક વડાપાંઉ હતાં. એ માટે છેક સાઉથ મુંબઈ જવાનું હતું, પણ યશરાજ ફિલ્મ્સની આગામી ફિલ્મના શૂટિંગમાં બહુ વ્યસ્ત હોવાથી જઈ નહોતો શકતો અને પછી તો વડાપાંઉનો ટૉપિક બદલીને બીજી ફૂડ-આઇટમો માણવાની શરૂ કરી દીધી. જોકે વચ્ચે એક દિવસ ટાઇમ મળી ગયો અને હું પહોંચી ગયો સાઉથ મુંબઈમાં ‘જુગાડી અડ્ડા’. અગાઉ એક વાર મને યુટ્યુબ પર આ જુગાડી અડ્ડાનો વિડિયો જોવા મળ્યો હતો અને એ સમયથી મનમાં હતું કે જુગાડી અડ્ડા જવું જ પડે. 
વરલી સી-લિન્ક ક્રૉસ કરીને ગ્લૅક્સોવાળા રસ્તા પર ગ્લૅક્સોના બિલ્ડિંગ પછી ડાબી બાજુએ તરત જ મુંબઈ દૂરદર્શન આવે. મુંબઈ દૂરદર્શનથી સીધા જઈએ એટલે જમણી બાજુએ જિજઝનો ક્રૉસ આવે અને એની પાછળની બાજુએ આવે આ ‘જુગાડી અડ્ડા’.
તમે જુઓ મિત્રો. મુંબઈમાં દરેક દસમો માણસ વડાપાંઉ વેચતો હોય એ પછી પણ એના સ્વાદમાં કેવો નિતનવો ફરક લાવવામાં આવતો હોય છે અને એ પછી પણ મારે કહેવું છે કે ‘જુગાડી અડ્ડા’ની તો વાત જ સાવ જુદી છે. એના વડાપાંઉમાં અને મુંબઈનાં બીજાં વડાપાંઉમાં હાથી-ઘોડાનો ફરક છે. માનવામાં ન આવતું હોય તો લૉકડાઉન ખૂલે એટલે રૂબરૂ જઈને ટ્રાય કરી આવજો, ખાતરી થઈ જશે.
‘જુગાડી અડ્ડા’માં વડાપાંઉ જ નહીં, તંદૂરી મેયો વડાપાંઉ અને તંદૂરી ચીઝ-મેયો વડાપાંઉ જેવાં સાવ ડિફરન્ટ ટેસ્ટનાં વડાપાંઉ પણ મળે છે. આ સિવાય મળતાં બીજાં વડાપાંઉની વાત કરું એ પહેલાં તમને આ તંદૂરી સમજાવી દઉં. આ તંદૂરી સૉસનો જ એક પ્રકાર છે. એમાં ચીઝ અને મેયોનીઝ ઍડ કરવામાં આવે. ટેસ્ટ અદ્ભુત અને અફલાતૂન. આ ઉપરાંત આ ‘જુગાડી અડ્ડા’માં સેઝવાન ચીઝ-મેયો વડાપાંઉ, સેઝવાન મેયો વડાપાંઉ, પેરીપેરી ચીઝ-મેયો વડાપાંઉ, પેરીપેરી-મેયો વડાપાંઉ, બાર્બેક્યુ વડાપાંઉ અને બીજાં અનેક વડાપાંઉ મળે છે. ખરેખર મજા પડી જાય એવાં વડાપાંઉ. આપણો દેશી ટેસ્ટ અને એના પર વિદેશી આનંદ.
મારે એક ખાસ વાત કહેવી છે તમને સૌને. વડાપાંઉમાં અંદરનું જે વડું હોય એનું સૌથી વધારે મહત્ત્વ છે. કહો કે વડાપાંઉનું એ મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ છે. બીજા અનેક લોકો વડાપાંઉને ઇન્ટરેસ્ટિંગ બનાવવામાં વડા પર બહુ ધ્યાન નથી આપતા, જેને લીધે વડાપાંઉને બદલે કંઈ ભળતું જ ખાતા હોઈએ એવું લાગવા માંડે, પણ ‘જુગાડી અડ્ડા’માં એવું નથી. એનાં વડાપાંઉનું વડું ખરેખર સારું છે. 
એનાં ભાતભાતનાં સૉસવાળાં વડાપાંઉ ખાધા પછી મને મનમાં વિચાર આવ્યો કે આનું વડું ચેક કરવું જોઈએ. એટલે મેં તો માત્ર બટાટાવડું લઈને ખાસ ટેસ્ટ પણ કર્યો અને એ ટેસ્ટમાં બેસ્ટ લાગ્યું એટલે કહું છું. વડામાં મેયોનીઝ કે પેરીપેરી કે ચીઝ તંદુરી જેવા બધા સૉસ પડે તો એનો ટેસ્ટ સાવ જ બદલાઈ જાય છે અને સ્વાદમાં ચાર ચાંદ લાગી જાય છે. જો લૉકડાઉન પછી તમારે વરલી તરફ જવાનું થાય તો અચૂક આ જગ્યા પર જઈને એનાં આ નવીન પ્રકારનાં વડાપાંઉ ટેસ્ટ કરવાં અને કહી દઉં કે એક કે બે વડાપાંઉથી તમારી અંદરનો બકાસુર ધરાશે નહીં. ગૅરન્ટી. કિંમત માત્ર ત્રીસ રૂપિયા.
ભાવ વાંચીને જો ઇચ્છા થઈ ગઈ હોય તો ઑનલાઇન ઑર્ડર પણ કરી શકશો. મગાવી લો અત્યારે જ.

06 May, 2021 11:59 AM IST | Mumbai | Sanjay Goradia

અન્ય લેખો

ફૂડ એન્ડ રેસિપીઝ

ક્યારેય ન ખાધો હોય એવો સાંભાર ખાવો હોય તો ખોલો સોશ્યલ મીડિયા

ઘરઘરાઉ વરાઇટી બનાવતાં માટુંગાના કલાબહેનની સાઉથ ઇન્ડિયન વરાઇટી ઑથેન્ટિક તમિલિયન ટેસ્ટની છે

10 June, 2021 11:51 IST | Mumbai | Sanjay Goradia
ફૂડ એન્ડ રેસિપીઝ

ત્રિકોણ નહીં, ચોરસ સમોસાં અને બીજાં અઢળક ફરસાણોની સ્વાદ-યાત્રા

ગરમાગરમ જલેબી, કેરીનો રસ, ખમણ અને ખાટાં ઢોકળાં સાથેનું બપોરનું ભોજન માણ્યા પછી થાય કે છોને લૉકડાઉન ચાલતું રહે, આપણે મસ્ત પેટપૂજા કરીને આરામથી સૂઈ જઈએ

03 June, 2021 11:39 IST | Mumbai | Sanjay Goradia
ફૂડ એન્ડ રેસિપીઝ

ઘેરબેઠાં ચાઇનીઝ અને સાઉથ ઇન્ડિયન સ્વાદની સફર

‘ફોર્ટીફોર’ નામની આ રેસ્ટોરાંની અમુક વરાઇટી ઇન્ડિયન ટેસ્ટની હોવાને લીધે એનો સ્વાદ ચાર ચાસણી ચડી જાય છે

27 May, 2021 11:21 IST | Mumbai | Sanjay Goradia

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK