Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > સોનાના વરખવાળું બર્ગર ખાવું છે?

સોનાના વરખવાળું બર્ગર ખાવું છે?

29 July, 2021 04:46 PM IST | Mumbai
Sejal Patel | sejal@mid-day.com

તો ઘેરબેઠાં ઑર્ડર કરી શકાશે. એ પણ અફૉર્ડેબલ પ્રાઇસમાં. મુંબઈમાં શરૂ થયેલા ‘લુઈ બર્ગર’ના ક્લાઉડ કિચનમાં તમને પ્રીમિયમ ક્વૉલિટી વેજિટેરિયન બર્ગર્સની મસ્ત રેન્જમાં તમે કદી ન ટ્રાય કર્યાં હોય એવાં જૅકફ્રૂટ અને ટ્રફલની ફ્લેવર પણ છે

જૅક ઇન ધ બૉક્સ

જૅક ઇન ધ બૉક્સ


વેજિટેરિયન્સ માટે બર્ગરના ઑપ્શન્સ ખૂબ ઓછા હોય છે કેમ કે આ ડિશનો ઉદ્ભવ જ નૉન-વેજિટેરિયન ડિશ તરીકે થયો છે અને એ પછીથી એનું શાકાહારીકરણ થયું છે. મૂળ અમેરિકાની આ ફાસ્ટ ફૂડ ડિશ ૧૯૦૦ની સાલમાં ઇન્વેન્ટ થયેલી એવું ફૂડ હિસ્ટોરિયનો કહે છે. આપણાં વડાપાંઉ જેમ અનાયાસે બની ગયાં એવું જ કંઈક બર્ગરનું છે. સ્ટોરી કંઈક એવી છે કે કનેક્ટિકટના ન્યુ હેવન સિટીમાં આવેલા લુઈ’સ લંચ હોમમાં એક ગ્રાહક ઉતાવળે જમવા આવ્યો. તેની પાસે બેસીને જમવાનો સમય નહોતો એટલે તેણે લંચ હોમના ઓનર પાસે એવું કંઈક માગ્યું કે જે ચાલતાં-ચાલતાં પણ ખાઈ શકાય અને છતાં પેટ ભરાઈ જાય. એ વખતે લંચ હોમના ઓનર લુઈ લાસને સૅન્ડવિચની બે જાડી બ્રેડની વચ્ચે મીટમાંથી બનેલી એક પૅટીસ થોડાંક વેજિટેબલ સૅલડ સાથે રૅપ કરીને આપી દીધી. પેલા ભાઈનું લંચ તો થઈ ગયું, પણ તેને આ કૉમ્બિનેશન ભાવી ગયું. માઉથ પબ્લિસિટીને કારણે બીજા લોકો પણ લુઈભાઈ પાસે આવી જ ફાસ્ટ ફૂડ ડિશની ડિમાન્ડ કરવા લાગ્યા. લુઈ લાસને પણ એ પછી આ ડિશને પોતાના મેન્યુમાં ઑફિશ્યલી ઉમેરી દીધી અને નામ આપ્યું હૅમબર્ગર. અફકૉર્સ બર્ગરના અસલી જનક કોણ એ બાબતે હજીયે બીજા કેટલાય લોકોના દાવા છે, પણ મોટા ભાગના ફૂડ-હિસ્ટોરિયનોએ લુઈ લાસનને જ હૅમબર્ગરનો જનક માન્યો છે. 
મુંબઈમાં લુઈ બર્ગર
આ જ લુઈ લાસનના નામ પરથી મુંબઈમાં ખૂલ્યું છે ક્લાઉડ કિચન, જે ઓન્લી બર્ગર્સ જ સર્વ કરે છે. ખૂબ પ્રખ્યાત ઇન્ડિયન રેસ્ટોરેન્ટિયર અને ફૂડ કૉલમિસ્ટ જિગ્સ કાલરાના દીકરા અને ‘મસાલા લાઇબ્રેરી’, ‘ફર્ઝી કૅફે’, ‘પા પા યા’ જેવી ડઝનથી વધુ ગૉરમે રેસ્ટોરાં ધરાવતાં ઝોરાવર કાલરાનું આ નવું વેન્ચર છે. આ ઝોરાવર કાલરાને તમે શેફ વિકાસ ખન્ના અને શેફ કુણાલ કપૂરની સાથે  ‘માસ્ટરશેફ ઇન્ડિયા’ના હોસ્ટ તરીકે પણ જોઈ ચૂક્યા છો. સૌ જાણે છે કે છેલ્લા દોઢ વર્ષમાં રેસ્ટોરાં ઇન્ડસ્ટ્રીને ખૂબ મોટો ફટકો પડ્યો છે. ડાઇન-ઇન બિઝનેસ ઑલમોસ્ટ એક વર્ષ માટે નહીંવત રહ્યો અને બીજી તરફ ક્લાઉડ કિચન્સ ખૂબ વિકસ્યાં. આ જ બદલાવને ધ્યાનમાં રાખીને ઝોરાવર કાલરાએ પ્રીમિયમ બર્ગરની રેન્જ બહાર પાડી છે. અત્યારે માત્ર સ્વિગી અને ઝોમૅટો જેવાં ઑનલાઇન ડિલિવરી પ્લૅટફૉર્મ પર જ મળે છે. હજી દસ દિવસ પહેલાં જ લૉન્ચ થયેલા આ બર્ગરના ઇન્સ્ટાગ્રામ પર ખૂબ વખાણ જોવા મળી રહ્યાં છે. એમાં વેજ-નૉનવેજ બન્નેનો સમાવેશ થાય છે, પણ આપણે વાત કરીશું માત્ર વેજની. વેજિટેરિયન્સ માટે પણ અહીં સારાએવા ઑપ્શન્સ છે. લુઈ બર્ગરનું સૌથી મોટું આકર્ષણ છે અહીંનું લિમિટેડ એડિશન ગોલ્ડ લીફવાળું બર્ગર. યસ, સોનાનું વરખ ચિપકાવેલું ચમક-ચમક થતું બર્ગર. જ્યારે પણ આવું સાંભળીએ ત્યારે સૌથી પહેલો વિચાર આવે કે આ જસ્ટ માર્કેટિંગ ગિમિક જ હશે લોકોને આકર્ષવાનું. સ્વાદમાં એ કેવું છે એ તો ટ્રાય કરીને પછી જ ખબર પડે.
અમે શું ટ્રાય કર્યું?
અમે ટ્રાય કર્યા ચાર ઑપ્શન્સ. ફાર્મહાઉસ બર્ગર (૨૯૫ રૂપિયા), વીગન ગ્રેટિટ્યુડ બર્ગર (૩૬૦ રૂપિપા), જૅક ઇન ધ બૉક્સ (૨૯૫ રૂપિયા) અને લિમિટેડ એડિશન ટ્રફલટેક બર્ગર (૮૮૮ રૂપિયા). કોઈ પણ બર્ગરનો સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે બન અને પૅટી. બન એકદમ હલકુંફૂલકું, સ્પૉન્જી અને જાળીદાર છે. એકલું બન ખાઓ તોય મજા પડી જાય એવું. જોકે એવી નોબત આવશે જ નહીં કેમ કે બર્ગરની અંદર એટલું સપ્રમાણ ફિલિંગ ભર્યું છે કે પહેલાથી છેલ્લા બાઇટ સુધી તમને બનનો એકલો ડૂચો વાળી રહ્યા છો એવું લાગશે જ નહીં. આ બર્ગરના યુએસપી કહીએ તો એ છે એની પૅટી. આખી હથેળીમાં સમાય એટલી લગભગ દસ ઇંચનો વ્યાસ ધરાવતી પૅટીની અંદર ભરી-ભરીને વેજિટેબલ્સ છે. મોટા ભાગે બર્ગર્સની ચેઇન રેસ્ટોરાંઓમાં ટિક્કીમાં એકલું બટાટાનું પૂરણ હોય છે, પર અહીં તમને એવું નહીં જોવા મળે. ફાઇબરયુક્ત વેજિટેબલ્સથી ભરપૂર પૅટી અંદરથી જેટલી સૉફ્ટ છે એટલું જ ક્રન્ચી એનું પડ છે. પૅટીના પડનો ક્રન્ચ, ફ્રેશ વેજિટેબલ્સનો રસ, બનની સૉફ્ટનેસ અને પીળું ચમતું ઇંગ્લિશ ચેડર ચીઝનું કૉમ્બિનેશન અદ્ભુત... જન્ક ફૂડના રસિયાઓને જલસો કરાવી દે એવું. હા, આ બર્ગરની ખાસિયત એ છે કે એમાં ઠાંસી-ઠાંસીને ચીઝ ભરવામાં નથી આવ્યું અને છતાં એ ટેસ્ટી લાગે છે. લુઈ બર્ગરનો દાવો છે કે આ બર્ગરમાં વપરાયેલાં બન્સ ફૅક્ટરી મેડ નથી, પણ હોમમેડ છે. ખાતી વખતે એ રિયલાઇઝ પણ થાય છે. 
ચીઝી ફીલ
જો તમને વધુ ચીઝી ફીલ પસંદ હોય તો ફાર્મહાઉસ બર્ગર તમારા માટે છે. એમાં એક્ઝૉટિક વેજિટેબલ્સ, આથેલાં કાંદાની રિન્ગ્સની સાથે મોઝરેલા ચીઝ અને હૉટ સૉસનો સ્પાઇસ છે. અમે સાઇડ ડિશમાં ઍનિમલ સૉસવાળી ફ્રાઇસ પણ ટ્રાય કરી. ખાસ્સી જાડી અને છતાં ક્રિસ્પી ફ્રાઇસ છે. અને હા, કેચપ, મેયોનીઝ અને આથેલા લાલ મૂળામાંથી બનેલો ઍનિમલ સૉસ મસ્ટ ટ્રાય. 
વીગન ગ્રેટિટ્યુડ બર્ગરમાં તમને ચીઝી ફીલ થોડીક મિસ થશે, પણ એમાં મેયોનીઝની ક્રીમીનેસ બર્ગરમાં સ્વાદ ઉમેરવાનું કામ કરે છે. એમાં બીટ, સ્વીટ પટેટો, આલપીનો, કૉન્ફિટ ટમેટો અને રીફ્રાઇડ બીન્સથી લોડેડ બર્ગર ક્રન્ચી પૅટી અને ફાઇબરયુક્ત વેજિટેબલ્સનું સારું કૉમ્બિનેશન છે. 
ફણસનું બર્ગર
જૅક ઇન ધ બૉક્સ બર્ગરમાં જૅકફ્રૂટનો સમાવેશ છે. યસ, ટિપિકલ સ્મેલ ધરાવતું ફણસ. એની સ્મેલને કારણે ઘણાને એ નથી ભાવતું, પણ જો તમને કહેવામાં ન આવે કે આ બર્ગરમાં ફણસ છે તો તમે બેઉ હાથે એ ખાશો ને ખબર પણ નહીં પડે. રાધર જૅકફ્રૂટ્સના ફાઇબર્સ મોંમાં આવશે ત્યારે પણ એની પરના ખાસ હર્બ્સને કારણે એનો સ્વાદ સાવ જ અલગ લાગશે. 
છેલ્લે વાત કરીએ લિમિટેડ એડિશન ટ્રફલટેક બર્ગરની. આ બર્ગર હાથમાં આવતાં જ સૌથી પહેલાં તો એનું બ્લૅક બૉક્સ વધુ ગમશે. કાળા બૉક્સમાં ચમકતો પીળો સોનાનો વરખ ધરાવતું બર્ગર. આહા... આંખોને બહુ ગમી જાય એવું દૃશ્ય છે. અફકૉર્સ, સ્વાદમાં પણ સરસ છે કેમ કે એમાં ટ્રફલ મેયોનો સ્વાદ એને હટકે અને પ્રીમિયમ ક્વૉલિટીનું બનાવે છે. રૂટીન વેજિટેબલ્સની સાથે શિતાકે મશરૂમ, ઇંગ્લિશ ચેડર અને પાર્મેઝાન ચીઝને કારણે પૈસાવસૂલ ફીલ થશે. અને હા, બર્ગર ખાધા પછી મૅગ્નેટથી ક્લૉઝ થાય એવું મજબૂત બૉક્સ તમે નહીં જ ફેંકી શકો. સ્ટેશનરી રાખવા કે નાની-નાની ચીજો સાચવવા માટેના ટ્રેઝર બૉક્સ તરીકે વાપરવાનું ચોક્કસ મન થશે અને જ્યાં સુધી એ બૉક્સ રહેશે ત્યાં સુધી તમે સોનાના વરખવાળું બર્ગર ખાધેલું એ યાદ આવશે.

પ્રીમિયમ ક્વૉલિટી અફૉર્ડેબલ પ્રાઇસ
૨૧૫ રૂપિયાથી લઈને ૮૮૮ રૂપિયાની રેન્જનાં બર્ગરનો ઑપ્શન છે. મીડિયમ એપેટાઇટ ધરાવતી વ્યક્તિ માટે એક બર્ગર પણ મોર ધૅન ઇનફ છે.  


Whatsapp-channel Whatsapp-channel

29 July, 2021 04:46 PM IST | Mumbai | Sejal Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK