Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > સફેદ વટાણાનું સેવ-ઉસળ અને મારી સ્કૂલની યાદો

સફેદ વટાણાનું સેવ-ઉસળ અને મારી સ્કૂલની યાદો

Published : 11 July, 2026 03:29 PM | IST | Vadodara
Sanjay Goradia | sangofeedback@mid-day.com

વડોદરામાં મને એવું ઉસળ ખાવા મળ્યું જે મને મારી લીલાવતી સ્કૂલની કૅન્ટીનમાં ખાવા મળતું હતું

સફેદ વટાણાનું સેવ-ઉસળ

સફેદ વટાણાનું સેવ-ઉસળ


આજકાલ અમારા નાટકના શો વડોદરામાં ચાલે છે એટલે મુંબઈના વરસાદનો ખાસ કંઈ લાભ લેવા મળ્યો નહીં, પણ વાત જેવી આ કૉલમની આવી કે તરત મારા મનમાં હાશકારો થયો કે મુંબઈમાં હોત તો સાલ્લું વરસાદમાં ક્યાંય જઈ શકાયું ન હોત.

વડોદરાની એક ખાસિયત છે. ત્યાં સેવ-ઉસળ બહુ ખવાય. સૌરાષ્ટ્રમાં ગાંઠિયા અને ગોલાનું ચલણ. એવી જ રીતે સુરતમાં કોકો, લોચો અને ખમણ બહુ ખવાય. આપણે ત્યાં વડાપાઉં, ભેળપૂરી અને ફાલૂદાનું ચલણ એવું જ ચલણ વડોદરામાં સેવ-ઉસળનું અને મિત્રો, વડોદરામાં મોટા ભાગે બધી જગ્યાએ સરસ જ સેવ-ઉસળ ખાવા મળે. વડોદરાનું મહાકાળીનું સેવ-ઉસળ તો વર્લ્ડ ફેમસ છે. અનિલ અને લાલાનું સેવ-ઉસળ પણ બહુ સરસ મળે. જોકે આ વખતે મને એમાં એક નવું નામ મળ્યું : રેણુકા દુર્ગાનું સેવ-ઉસળ.



બન્યું એવું કે મારા નાટકનો સાથી કલાકાર વિનાયક કેતકર મૂળ વડોદરાનો. તે વડોદરા આવે ત્યારે આખો દિવસ સેવ-ઉસળ જ ખાધા કરે. વિનાયકે મને કહ્યું કે આપણી હોટેલની પાસે જ રેણુકા દુર્ગા છે, હું તો આજે બપોરે એનું જ લંચ કરવાનો છું. મેં કહ્યું કે ચાલો, હું પણ આવું. આગલી સાંજે ફૂડ-ડ્રાઇવ માટે હું એક રેસ્ટોરાંમાં ગયો હતો. ત્યાં મારે ધરમધક્કો થયો હતો એટલે મનોમન મેં બકાસુરને પ્રાર્થના કરી કે ભાઈ, આ જગ્યા સારી હોય એવું કંઈક કરજે.


આમ તો સેવ-ઉસળ મારી પણ ફેવરિટ વરાઇટી એટલે હું પણ તૈયાર થઈને પહોંચી ગયો રેણુકા દુર્ગામાં અને આપ્યો ઑર્ડર સેવ-ઉસળનો. અહીં જે ઉસળ મળે છે એમાં લાલ મરચું હોય છે. મહાકાળી અને અનિલના ઉસળની ગ્રેવી જરાક સફેદ જેવી દેખાય. એ લોકો એમાં બ્લૅક મસાલા નાખતા હશે અને તીખાશ માટે ઉપરથી તરી નાખે. તરી એટલે તીખુંતમતમતું તેલ. હું તો એ ક્યારેય નખાવું જ નહીં. તરી ન નખાવો તો પણ ઉસળ સ્વાદિષ્ટ લાગવું જોઈએ. તીખુંતમતમતું કરીને સ્વાદિષ્ટ બનાવવાનું મને નથી ફાવતું.

આ સેવ-ઉસળ જોતાં જ હું ખુશ થઈ ગયો. એ સફેદ વટાણાનું હતું. નાનપણમાં હું લીલાવતી હાઈ સ્કૂલમાં ભણતો હતો ત્યારે સ્કૂલની કૅન્ટીનમાં પચીસ પૈસામાં ઉસળ મળે. એક વાટકી ઉસળ અને એની સાથે એક પાઉં આપે. સફેદ વટાણાના ઉસળે મને જરાક નૉસ્ટાલ્જિક બનાવી દીધો.


ઉસળની સાથે ત્યાંનો માણસ ગરમાગરમ, ધુમાડા કાઢતા રસાનો મોટો મગ મૂકી ગયો હતો. તમારે જોઈએ એટલો નાખતા જવાનો. અમુક જગ્યાએ તમારે વારંવાર રસો માગવો પડે જે મને યોગ્ય નથી લાગતું. પૂરતા પ્રમાણમાં અનલિમિટેડ રસો મળતો હોય એ નાના લોકો માટે લાભદાયી કહેવાય. એ લોકો શું કરે. વધારેમાં વધારે રસા સાથે પાઉં ખાઈ લે અને બપોરનું લંચ થઈ જાય.

સેવ-ઉસળમાં જે સેવ આપે છે એ ખરેખર તો ભાવનગરી ઝીણા ગાંઠિયા જેવી હોય. વડોદરામાં એને સેવ કહે છે. ઉસળ સાથે નૉર્મલી લીલા કાંદા આપતા હોય એટલે એમાં થોડાં પાંદડા અને થોડા કાંદા હોય, પણ અહીં ઝીણાં સમારેલા કાંદા અને લીંબુનો ટુકડો આપ્યા. મેં તો પાઉં સાથે ખાવાનું ચાલુ કર્યું અને મને મજા પડી ગઈ. સેવ-ઉસળ ખાવાની મારી રીત કહું.

ઉસળમાં પહેલાં કાંદા અને સહેજ લીંબુ નાખી દેવાનું અને પછી એમાં સહેજ સેવ નાખવાની અને પછી પાઉં સાથે એ લઈને ખાવાનું. બધી સેવ ક્યારેય નહીં નાખી દેવાની. નહીં તો એ સોગી થઈ જાય. રેણુકા દુર્ગાના સેવ-ઉસળની ખાસિયત કહું. સામાન્ય રીતે મને સેવ-ઉસળ ખાધા પછી કોલ્ડ ડ્રિન્ક્સ પીવા જોઈએ, પણ આ ખાધા પછી મને સહેજ પણ એવું નહોતું લાગ્યું કે હું કંઈક પી લઉં. એનું કારણ હતા એના મસાલા જે તામસી નહોતા.

Whatsapp-channel Whatsapp-channel

11 July, 2026 03:29 PM IST | Vadodara | Sanjay Goradia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK