યોગિક જીવનશૈલી કહે છે કે જેટલું કાચું ખાશો એટલું સારું, પણ કાચું તો ફીકું હોય એવું માનો છો? તો આ રેસિપીઓ અજમાવી જુઓ
ડીટૉક્સ જૂસ
હેલ્ધી રહેવું હોય તો રોજિંદા ભોજનમાં પચાસ ટકા જેટલો ભાગ કાચી શાકભાજી અને ફળોનો હોવો જોઈએ એવું લગભગ દરેક ડાયટ-પ્લાનમાં કહેવાયું છે. જોકે કાચું એટલે ઘાસફૂસ અને એ ખાવાનું તો બોરિંગ હોય એવી માન્યતાનો ચૂ.રો કરી નાખે છે હેલ્થ અને વેલનેસ કોચ શિખા સરવૈયાએ શૅર કરેલી આ વાનગીઓ
ડીટૉક્સ જૂસ
ADVERTISEMENT
આ જૂસના અઢળક ફાયદા છે. એમાં વિપુલ માત્રામાં ક્લોરોફિલ છે જે શરીરમાંથી ટૉક્સિન્સ દૂર કરવા માટે ઉત્તમ સોર્સ છે. આ જૂસથી પાચન પણ સુધરે છે અને વેઇટલૉસ પણ થાય છે.
સામગ્રી : ચારથી પાંચ પાલકનાં પાન, બેથી ત્રણ કોથમીરની દાંડીઓ, આઠથી દસ ફુદીનાનાં પાન, અડધો કપ દૂધી, ગ્રીન ટીનાં પાન (ઑપ્શનલ), બેથી ત્રણ આમળાં (જો એ ન અવેલેબલ હોય તો ઉનાળામાં કાચી કેરી વાપરી શકાય અને ચોમાસામાં લીંબુ વાપરી શકાય), એક ટેબલસ્પૂન રસાયણ વિનાનો ગોળ, અડધો ઇંચ આદુંનો ટુકડો, અડધી ચમચી રૉક સૉલ્ટ અને અડધી ચમચી કાળાં મરીનો પાઉડર અને પાણી જરૂરિયાત મુજબ
બનાવવાની રીત : તમામ લીલી ભાજી અને પાનને બરાબર સાફ કરી લેવાં. દૂધીને છોલીને, ધોઈને એના મોટા ટુકડા કરી લેવા અને બધો જ મસાલો મિક્સ કરીને મિક્સર જારમાં બ્લેન્ડ કરી લેવું. બરાબર પેસ્ટ થાય એ પછી થોડુંક વધુ પાણી ઉમેરીને ફરી બ્લેન્ડ કરવું. નેટની બારીક જાળી કે સુતરાઉ કૉટનના પાતળા કાપડથી જૂસ ગાળી લેવો.
દહીંવડાં
સામગ્રી : એક કપ સૂકા પૌંઆનો પાઉડર, અડધો કપ ઝીણી બારીક સમારેલી કોબીજ, અડધો કપ છીણેલી દૂધી, જરૂર મુજબ હિમાલયન સૉલ્ટ, અડધો કપ સિંગદાણા, એક ટીસ્પૂન લીલાં મરચાંની ચટણી, એક ચમચી ખજૂર-આમલીની ચટણી
ગાર્નિશ માટે : ઝીણી અને બારીક સમારેલી કોથમીર, છાંટવા માટે ચપટીક લાલ મરચાંનો પાઉડર, રૉક સૉલ્ટ
બનાવવાની રીત : અડધો કપ સિંગદાણા છથી આઠ કલાક પલાળી રાખવા. એને બરાબર ધોઈ નાખો. થોડુંક પાણી નાખીને એને મિક્સરમાં વાટી નાખો. એને ગાળી લેશો એટલે સિંગદાણાનું દૂધ તૈયાર થઈ જશે. આ દૂધમાં ત્રણથી ચાર લીલાં મરચાંની ડીંટડીઓ નાખીને એને ફર્મેન્ટ થવા માટે ઓવરનાઇટ મૂકી રાખો. છથી આઠ કલાકમાં પીનટ મિલ્કમાંથી દહીં જામી જશે. એમાંથી મરચાંની ડીંટડીઓ કાઢીને પીનટ કર્ડ વાપરી શકાશે. એક બોલમાં પૌંઆનો પાઉડર લો. એમાં છીણેલી દૂધી, કોબીજ અને નમક મિક્સ કરીને એમાંથી વડાની સાઇઝનાં બૉલ બનાવો એટલે તમારાં વડાં રેડી થઈ જશે. સર્વ કરવા માટે પ્લેટમાં બે વડાં લો. એના પર પીનટનું કર્ડ રેડો. લીલી ચટણી અને ખજૂર-આમલીની ચટણી સ્વાદ અનુસાર રેડો. ઉપર ચપટીક લાલ મરચું, રૉક સૉલ્ટ અને કોથમીરથી ગાર્નિશ કરો.
બૅલૅન્સિંગ બ્લિસ બૉલ્સ
સામગ્રી : ૧ કપ ખજૂર (બિયાં કાઢેલી), બે ટેબલસ્પૂન ચિયા સીડ્સ, બે ટેબલસ્પૂન પમ્પકિન સીડ્સ, બે ટેબલસ્પૂન મેલન સીડ્સ, બે ટેબલસ્પૂન અખરોટ, બે ટેબલસ્પૂન બદામ, બે ટેબલસ્પૂન કોકો પાઉડર
બનાવવાની રીત : એક બ્લેન્ડર જારમાં બિયાં વિનાની ખજૂર અને કોકો પાઉડર મિક્સ કરીને બ્લેન્ડ કરો. એમાંથી પેસ્ટ જેવું બનશે એને અલગ કાઢી લો. હવે બ્લેન્ડર જારમાં તમામ સીડ્સ અને નટ્સ ઉમેરીને એનો અધકચરો પાઉડર બનાવો. બારીક ચૂર્ણ જેવું ન બનાવવું. આ અધકચરા પાઉડરને ખજૂરની પેસ્ટમાં મેળવો અને બરાબર હલાવો અને એમાંથી નાના-નાના બૉલ્સ બનાવી લો. ઉપરથી કોકો પાઉડરમાં રગદોળી દો એટલે ચોકો બૉલ્સ સર્વ કરવા માટે તૈયાર થઈ જશે!
ઇટાલિયન નૂડલ્સ
સામગ્રી : અડધો કપ ઝુકિની (ગ્રીન અને યલો), અડધો કપ બ્રૉકલી (ટુકડા), અડધો કપ અમેરિકન કૉર્ન, પા કપ રેડ બેલ પેપર, પા કપ યલો બેલ પેપર,
બે ટેબલસ્પૂન કાજુની પેસ્ટ, અડધી
ચમચી ઑરેગાનો, અડધી ચમચી ચિલી ફ્લેક્સ, પા ચમચી કાળાં મરીનો પાઉડર, અડધી ચમચી લીંબુનો રસ અને નમક સ્વાદ અનુસાર.
બનાવવાની રીત : આ રેસિપીમાં લીધેલી શાકભાજીને તમે કઈ રીતે સમારો છો એ બહુ જ મહત્ત્વનું છે. લીલી-પીળી ઝુકિનીને લાંબી અને પાતળી નૂડલ્સની જેમ સમારો. હવે તો શાકભાજીને નૂડલ શેપમાં કાપે એવી છીણી પણ તૈયાર મળે છે. એનો પણ ઉપયોગ કરી શકાય. લાલ-પીળાં બેલ પેપરને પણ લાંબાં અને પાતળાં સમારવાં. સમારેલી શાકભાજીને એક બોલમાં લઈને બરાબર મિક્સ કરો. એમાં કાજુની પેસ્ટ અને બાકીના મસાલા છાંટીને બરાબર મેળવી લેશો એટલે નૂડલ્સ જેવું સૅલડ તૈયાર.

