મને લાગે છે કે મારે સેવપૂરી-ભેળપૂરી સાથે ગયા જનમનું કંઈ લેણું છે. કંઈક તો છે કે આ જન્મે એ મારું પેટ ભરે છે!
ફૂડ-ડ્રાઇવ
સંજય ગોરડીયા
હમણાં મારા નવા નાટકનાં રિહર્સલ્સ ચાલે છે અને એક ફિલ્મનું શૂટિંગ હમણાં જ પૂરું કર્યું એટલે દિવસ દરમ્યાન થોડીક નવરાશ હોય છે. આ નવરાશ વચ્ચે તમારા માટે ફૂડ-ડ્રાઇવ શોધવાના ઇરાદે હું નીકળ્યો. મનમાં હતું કે કંઈક નવું શોધું, પણ વરસાદ કહે મારું કામ એટલે પછી ટેસ્ટ-ઓકે કહેવાય એવી જ ફૂડ-ડ્રાઇવ કરવાનું નક્કી કર્યું અને હું એક કામ પતાવીને બોરીવલીથી રવાના થયો મલાડ તરફ પણ સાહેબ, વરસાદના કારણે હાઇવે પર ટ્રાફિક જૅમ હશે એવું ધારીને હું એસ. વી. રોડ પર આવ્યો ને ત્યાં પણ એટલો જ ટ્રાફિક. છેક દોઢ કલાકે હું માંડ મલાડ પહોંચ્યો અને ત્યાં સુધીમાં તો માંહ્યલો બકાસુર એવો તે જોરમાં આવી ગયો કે કાબૂમાં ન રહે. દીનાનાથમાં મળતાં બટાટાવડાં મને ભાવે એટલે મેં નક્કી કર્યું હતું કે બટાટાવડાંનો ટેસ્ટ કરાવીશ, પણ ભૂખથી રહેવાયું નહીં એટલે મેં તો ગૂગલ મહારાજની આંગળીએ ચેક કરવાનું ચાલુ કર્યું કે બેસ્ટ ભેળપૂરી, પાણીપૂરી ક્યાં મળશે અને ગૂગલ મહારાજે મને આદેશ આપ્યો મામલતદારવાડી જવાનો.