આમ તો શિંગોડાં પાકવાની સીઝન શિયાળો છે, પરંતુ સૂકવેલાં શિંગોડાં કોઈ પણ ઋતુમાં થતા ઉપવાસમાં ખાઈ શકાય છે
પ્રતીકાત્મક તસવીર
આમ તો શિંગોડાં પાકવાની સીઝન શિયાળો છે, પરંતુ સૂકવેલાં શિંગોડાં કોઈ પણ ઋતુમાં થતા ઉપવાસમાં ખાઈ શકાય છે. એનું કારણ એ છે કે ભૂખ્યા રહેવાને કારણે શરીરમાં પેદા થતી ગરમી કે ઍસિડને એ શમાવે છે. બળવર્ધક અને કાર્બોહાઇડ્રેટ્સથી ભરપૂર હોવાથી નાનાં બાળકો તેમ જ સ્તનપાન કરાવતી મહિલાઓ માટે ખૂબ ગુણકારી છે.
શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. ભાવિક ભક્તો ઉપવાસ-એકટાણાં કરી રહ્યા છે. કોઈ પ્રવાહી પર રહીને ઉપવાસ કરે છે તો કોઈ નકોરડા ઉપવાસ કરે છે. કોઈ મીઠા વગરનું સાદું ભોજન ખાઈને તો કોઈ મીઠું ખાઈને ઉપવાસ કે એકટાણાં કરે છે. કોઈ ફળાહાર કરે છે તો કોઈ ફરાળી પૂરી, સામો અને શાક ખાઈને ઉપવાસ કરે છે. ઉપવાસની થાળીમાં રાજગરો અને શિંગોડાના લોટની બોલબાલા વધી જાય છે. જે લોકોને ફળાહાર કરવો છે સાથે કશુંક નક્કર કે સૉલિડ ખાવું છે તેમના માટે શિંગોડાનો લોટ બધી જ ગરજ સારે એવો છે, કારણ કે શિંગોડાંની ગણતરી ફળમાં થાય છે. આમ એના લોટની વાનગીથી પેટ પણ ભરાય છે અને ફળાહાર કર્યાનો સંતોષ પણ થાય છે .
ADVERTISEMENT
પાણીમાં પાકતું ફળ
શિંગોડાના પાક માટે ખૂબ પાણી જોઈતું હોવાથી તળાવ ભરાયેલું હોય કે પછી ઘૂંટી જેટલું પાણી ભરી રાખેલું ખેતર હોય એમાં શિંગોડાં ઊગે છે. એનાં પાન પાણીની ઉપર તરતાં હોય છે અને કંદ જમીનની અંદર હોય છે. જ્યારે એને હાર્વેસ્ટ કરવામાં આવે ત્યારે એની છાલ લીલી હોય છે, પણ એને આગમાં ભૂંજીને કાળી કરવામાં આવતી હોવાથી અંદરનો ગર પણ શેકાઈ જાય છે. એટલે જ કાળી છાલ કાઢીને જે સફેદ ફળ નીકળે છે એ કાચું પણ ખાઈ શકાય છે.
આ શિંગોડાંને કાચાં કે બાફીને ખાઈ શકાય છે. બારેમાસ સાચવી રાખવા માટે એને સૂકવી દેવાય છે. સૂકવેલાં શિંગોડાં વળી વધુ મીઠાં લાગે છે અને બારેમાસ ઉપયોગમાં લઈ શકાય છે. આ સૂકાં શિંગોડાંને દળી લો એટલે એનો લોટ તૈયાર. આ લોટને ભેજરહિત વાતાવરણમાં કે ફિજમાં રાખ્યો હોય તો લાંબો સમય સુધી ટકે છે. શ્રાવણ મહિનામાં ઉપવાસી પદાર્થ તરીકે એનો છૂટથી ઉપયોગ થઈ શકે છે.
શક્તિવર્ધક શિંગોડાં
આયુર્વેદની દૃષ્ટિએ જોઈએ તો એ શીતળ અને પૌષ્ટિક છે. પિત્ત, બળતરા, રક્તદોષ, સોજાની તકલીફ હોય તો શમાવે છે. બીમારીમાંથી સાજા થવાની પ્રક્રિયા દરમ્યાન શિંગોડાના લોટની કાંજી કે રાબ બનાવીને આપવાથી દરદીની રિકવરી અને બળ જલદી વધે છે. વધારે તરસ લાગતી હોય કે મોં સુકાતું હોય એવી સ્થિતિમાં પણ આ કાંજી ફાયદાકારક છે. ઉપવાસ કરતી વખતે ઘણી વાર વ્યક્તિ શક્તિ ગુમાવે છે તો એની ડાયટમાં શિંગોડાનો લોટ સામેલ કરવાથી ઇન્સ્ટન્ટ એનર્જી મળે છે.
ફરાળી વાનગી બનાવવામાં શિંગોડાનો લોટ વર્સેટાઇલ છે. રોટલી, પૂરી કે પરોઠાં તો થાય પણ એમાં દૂધ, ખાંડ અને ઘી નાખીને ગળ્યો શીરો પણ બનાવી શકાય તો મીઠું, મસાલો અને મેથીનાં પાન-સાબુદાણા નાખી, તેલમાં તળીને ફરાળી ભજિયાં પણ બનાવી શકાય છે. જે લોકો અનાજ કે ધાન્ય વગરના ઉપવાસ કરતા હોય તેમના માટે શિંગોડાનો લોટ અતિ ઉપયોગી સાબિત થાય છે.
સાત્ત્વિકતામાં મોખરે
ઉપવાસ દરમ્યાન સાત્ત્વિક ખોરાક ખાવાનો આગ્રહ રખાય છે. એમાં પણ આ શિંગોડાનો લોટ ખરો ઊતરે છે. ફળની મીઠાશ અને સાત્ત્વિકતા તો એમાં હોય જ છે ઉપરાંત એ પોષક મૂલ્યો અને ગુણધર્મોની દૃષ્ટિએ ચોમાસા જેવી બીમારીજન્ય ઋતુમાં ખૂબ મદદરૂપ થાય છે. ઉપવાસમાં બટાટા, શિંગ કે તળેલી વસ્તુ વધુ ખાઓ તો ચોમાસાની ઋતુમાં કબજિયાત અને ગૅસની તકલીફ વધી જાય છે. આવી તકલીફવાળી વ્યક્તિ પણ ઉપવાસમાં શિંગોડાનો લોટ ઉપયોગમાં લે તો ફાયદો થાય છે. શિંગોડાંમાં રહેલાં ફાઇબર્સ કબજિયાતથી બચાવે છે. પાચનશક્તિ વધારે છે. ચીરાબજારમાં પ્રૅક્ટિસ કરતાં જાણીતાં આયુર્વેદિક ડૉ. હેમા ઠાકર કહે છે, ‘શિંગોડાં પાણીમાં ઊગતાં હોવાથી પ્રકૃતિમાં શીતળ છે. ચાતુર્માસ દરમ્યાન વરસાદ ન વરસતો હોય ત્યારે ખૂબ ગરમી પડતી હોય છે. આ ગરમીની તનમન પર થતી ખરાબ અસરને ટાળવા ઉપવાસમાં ખાઈ શકાય એવા શિંગોડાના લોટનો ઉપયોગ ફાયદાકારક છે. ઍસિડીટીની સમસ્યા સતાવતી હોય તો પણ શિંગોડાંના સેવનથી ફાયદો થાય છે. શિંગોડાં સૂક્વીને એનો લોટ ઉપવાસ હોય કે ન હોય, વાનગી બનાવીને ખાવામાં ફાયદો છે. શિંગોડાં ત્રિદોષશામક છે જે ચોમાસાની બીમારીવાળી ઋતુમાં શરીરને વિવિધ રોગોથી બચાવે છે.’
મહિલાઓ માટે પણ શિંગોડાં ફાયદાકારક છે. શિંગોડાંમાં રક્તસ્તંભનનો ગુણ છે. એ રક્તસ્રાવને બંધ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. મૂઢ ગર્ભ અર્થાત્ ગર્ભની વૃદ્ધિ ન થતી હોય તો શિંગોડાના લોટની લાપસી કે શીરો બનાવીને ખવડાવવાથી ખૂબ ફાયદો થાય છે. કસુવાવડનું જોખમ ઘટાડે છે. સગર્ભાવસ્થા દરમ્યાન શિંગોડાંના સેવનથી પુરુષોમાં શુક્રાણુઓની સંખ્યા વધારી શકાય છે. શિંગોડાં ખાવાથી માતા અને બાળક બન્ને સ્વસ્થ રહે છે.
ચોમાસામાં ગળામાં ખરાશ રહેવી કે કાકડાનો સોજો થવો એ સામાન્ય ઘટના છે. આ ઉપરાંત ગળામાં કોઈ પણ જાતની સમસ્યા હોય તો શિંગોડાનો લોટ દૂધમાં ભેળવીને પીવાથી અચૂક ફાયદો થાય છે.
મૉડર્ન મેડિસિન
વિદેશોમાં શિંગોડાં એટલે કે વૉટર ચેસ્ટનટ પર અનેક અભ્યાસો અને પ્રયોગો થતા રહે છે. માઉસ પર આ ફળનો ઉપયોગ કરીને એનાં વિવિધ તારણો કાઢવામાં આવ્યાં છે. એ વિશે અમેરિકાની ડાયટિશ્યન લૉરેન મનકેર કહે છે, ‘શિંગોડાંમાં પોટૅશિયમ અને વિટામિન B6 ભરપૂર પ્રમાણમાં છે એટલું જ નહીં, એ લો કૅલરી અને વધુ ફાઇબર્સ ધરાવતાં હોવાથી જેને વજન નિયંત્રણમા રાખવું છે એ લોકો માટે પણ ખૂબ ઉપયોગી છે. શિંગોડાં ખાધા પછી તમને પેટ ભરાઈ ગયું હોવાની લાગણી થાય છે અને લાંબો સમય સુધી જમ્યા વગર ટકી શકો છો. ડાયાબિટીઝના દરદીઓ સાકરના નિયંત્રણ માટે શિંગોડાંનો ઉપયોગ કરી શકે છે. શિંગોડાંમાં કાર્બોહાઇડ્રેટ્સનું પ્રમાણ ઓછું છે અને ફાઇબરનું તેમ જ પૉલિફિનૉલ્સ દ્રવ્યોનું પ્રમાણ વધુ હોવાથી શરીરમાં શુગર લેવલ જળવાઈ રહે છે.’
જોકે સાવધાની જરૂરી છે એમ જણાવતાં તેઓ ઉંદર પર થયેલા સફળ પ્રયોગોને ટાંકતાં કહે છે, ‘માણસો પર સંશોધન હજી થઈ રહ્યું છે એટલે કાર્બોહાઇડ્રેટ્સ ધરાવતાં શિંગોડાં ડાયાબિટીઝના દરદીઓએ ઉપયોગમાં લેતાં પહેલાં નિષ્ણાતની સલાહ જરૂર લેવી.’
બ્લડ-પ્રેશર જાળવવામાં મદદરૂપ છે
અન્ય એક અભ્યાસ મુજબ શિંગોડાનો ગ્લાઇસીમિક ઇન્ડેક્સ ઓછો છે. મતલબ કે એ ધીમે-ધીમે પચે છે. ધીમે-ધીમે પચતું હોવાથી લાંબો સમય એમાંથી થોડો-થોડો ગ્લુકોઝ શરીરને મળતો રહે છે અને લોહીમાં સાકરનું પ્રમાણ જળવાઈ રહે છે. અન્ય ગળ્યાં ફળોની જેમ શિંગોડાના ફળનો ઉપયોગ કર્યા પછી સાકરમાં એકાએક વધારો થતો નથી.
મૉડર્ન ન્યુટ્રિશન સાયન્સ મુજબ શિંગોડાંમાં વિટામિન C સહિત ઍન્ટિઑક્સિડન્ટ્સનું પ્રમાણ વધુ હોવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. વળી હાર્ટ ડિસીઝથી પણ બચાવે છે. શિંગોડાંમાં પોટૅશિયમનું પ્રમાણ વધુ અને સોડિયમની માત્રા ઓછી હોવાથી બ્લડ-પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં ખૂબ મદદ મળે છે. મૅગ્નેશિયમ પણ પૂરતા પ્રમાણમાં છે જે બ્લડ-પ્રેશરને વધવા નથી દેતું. એમાં રહેલું ફાઇબર પણ ખરાબ કૉલેસ્ટરોલ એટલે કે લો ડેન્સિટી લિપોપ્રોટીન (LDL) ઘટાડવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે.
ભારતમાં ઉપવાસના દિવસોમાં શિંગોડાનો લોટ વપરાય છે તો વિદેશમાં એક પોષક દ્રવ્ય તરીકે પણ શિંગોડાં લોકપ્રિય છે. ઘઉંના લોટમાં જે ગ્લુટન હોય છે એની ઘણાને ઍલર્જી હોય છે ત્યારે ડૉક્ટર્સ તેમને ગ્લુટન-ફ્રી લોટ ખાવાનું કહે છે. શિંગોડાનો લોટ ગ્લુટન-ફ્રી હોવાથી આવા દરદીઓ માટે ખૂબ લાભકારી બની રહે છે.