Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



ચૉકલેટપ્રેમીઓનું સ્વર્ગ

25 March, 2021 11:26 AM IST | Mumbai
Sejal Patel | sejal@mid-day.com

સ્વીટનેસની દુનિયામાં આંટો મારવા સાથે અમે અહીંનું એક્ઝૉટિક બ્રેકફાસ્ટ મેનુ પણ ટ્રાય કર્યું. અમને કેવું લાગ્યું એ વાંચો

ચૉકલેટપ્રેમીઓનું સ્વર્ગ

ચૉકલેટપ્રેમીઓનું સ્વર્ગ


ફોર્ટના જીજી મેન્શનમાં હજી દોઢ મહિના પહેલાં જ એક કૅફે કમ સ્ટોર ખૂલ્યો છે. આખા મુંબઈમાં ક્યાંય નહીં જોઈ હોય એવી ચૉકલેટ્સની વિશ્વપ્રસિદ્ધ અને લક્ઝરી બ્રૅન્ડ્સની વરાઇટી અહીં મળે છે. સ્વીટનેસની દુનિયામાં આંટો મારવા સાથે અમે અહીંનું એક્ઝૉટિક બ્રેકફાસ્ટ મેનુ પણ ટ્રાય કર્યું. અમને કેવું લાગ્યું એ વાંચો

સવારે અગિયાર વાગ્યાનો સમય છે. આઝાદ મેદાન પાસેના જીજી મેન્શનમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી કોકો કાર્ટમાં પ્રવેશતાંની સાથે જ નાકમાં મીઠી-કડવી ચૉકલેટની સોડમ ફીલ થવા લાગી. આ એવો સ્ટોર છે જ્યાં તમને માગો એ લક્ઝરી બ્રૅન્ડ્સની ચૉકલેટ્સ મળી જશે. જો તમે બેલ્જિયન ચૉકલેટ્સના શોખીન હશો તો-તો અહીં જલસો પડી જશે. અમને એવું પણ જાણવા મળ્યું કે વિશ્વની કેટલીક જાણીતી ચૉકલેટ બ્રૅન્ડ્સ મુંબઈમાં તમને માત્ર અને માત્ર અહીં જ મળશે. બેલ્જિયન ચૉકલેટ નોયહાઉઝ, ફ્રેન્ચ પ્રીમિયમ ચૉકલેટ વલરોના, સેન્ચુરી ઓલ્ડ ન્યુ ઝીલૅન્ડની વિટેકર્સ, કોલંબિયાની ક્રાફ્ટેડ કોકો ચૉકલેટિયર, સવાસો વર્ષ જૂની ફ્રાન્સની વેઇસ જેવી એક્સક્લુઝિવ ચૉકલેટ્સ અહીં મળશે. એ ઉપરાંત પણ હર્શીઝ, ગડાઇવા, કૅડબરી, કિટકૅટ, લિન્ટ અને એના જેવી બીજી ચૉકલેટ્સ તો ખરી જ.
કોકો કાર્ટ અને કોકો કૅફે એમ બે અલગ એન્ટ્રન્સ અહીં છે, પરંતુ બન્નેનું કિચન એક જ છે. સવારનો સમય હોવા છતાં કૅફે પૂરી ભરેલી હતી એટલે અમે કાર્ટમાં બેસીને અહીંના બ્રેકફાસ્ટ મેનુની ટ્રાયલ લીધી. પહેલી નજરે જોઈએ તો લગભગ દરેક ચીજના ભાવ આસમાનને આંબે એટલા ઊંચા છે. સૌથી પહેલાં અમે મશરૂમ કૅપચીનો સૂપ ટ્રાય કર્યું. મશરૂમના સિમ્પલ સૉલ્ટેડ સૂપની ઉપર ટ્રફલનું ફોમ બનાવેલું હતું અને એની પર શેકેલાં ઑલિવ્સની ડસ્ટ. ચપટીક ઑલિવનો પાઉડર આખા સૂપનો સ્વાદ એકદમ ડિફરન્ટ બનાવે છે. એક ડિશનું નામ છે યુ ગ્વાક માય વર્લ્ડ. એમાં રાય બ્રેડ પર બીટનું સ્પ્રેડ છે અને એની પર ખૂબ જ પાતળી સ્લાઇસ કરેલાં અવાકાડો છે. ગ્રીન ડિલ હર્બનાં પાન વાનગીને એકદમ યુનિક ફ્લેવર આપે છે. આ વાનગી માત્ર બ્લેન્ડ ફૂડ લવર્સ માટે જ છે.
સૅલડ પછી અમે સિરિયલ પૅનકેક મગાવી. અમને એમ કે પૅનકેકની ઉપર સિરિયલ્સ સર્વ કરવામાં આવશે, પણ ના, એવું નથી. અડધા ઇંચની ઢોકળી જેવી નાની-નાની પૅનકેક્સ એમાં છે જે પોતે જ સિરિયલ્સ જેવી ફીલ આપે છે. એમાં બ્લુબેરીઝ, ક્રન્ચી આમન્ડ્સ અને મેપલ સિરપનું મિશ્રણ છે. અહીં તમને કશું જ ઇન્ડિયન સ્ટાઇલનું ચટાકેદાર નથી મળવાનું, પણ એક ટર્કિશ સ્ક્રમ્બલ છે જે તમારી જીભ અને પેટ બન્નેને મજા કરાવે એવું છે. એમાં ચીઝ અને તોફુને ક્રશ કરીને એકદમ સિલ્કી પેસ્ટ જેવું બનાવી લેવામાં આવ્યું છે. એમાં ફ્રેશ સ્કૅલિયન (એક પ્રકારના લીલા કાંદા) ભભરાવવામાં આવ્યા છે અને ઉપરથી ગરમ કરેલું ચિલી ઑઇલ રેડવામાં આવ્યું છે. એકદમ ક્રીમી ટેક્સ્ચર, ચિલી ઑઇલની તીખાશ અને સ્કૅલિયનની તીવ્રતાનું કૉમ્બિનેશન અદ્ભુત છે. આ સ્વાદ એટલો સુંવાળો છે કે આ લખતી વખતે પણ જાણે મોંમાં એનો સ્વાદ વર્તાય છે. અહીંની બેસ્ટ ડિશ કહીએ તોય ચાલે.



ધ વર્લ્ડ બેસ્ટ ગડાઇવા કુકી
નહીં નરમ, નહીં કઠણ એવી મોંમાં નાખતાં ચાવવાની મજા આવે એવી કુકી. એની અંદર ગડાઇવાના ક્રન્ચીઝ અને ઉપર સિલ્ક જેવી ગડાઇવા ચૉકલેટનો બાર. કુકી અને બાર બન્નેનો સાથે ટુકડો આવે એ રીતે ખાશો તો દિલ ખુશ થઈ જશે.


રોઝ લાતે
કંઈક નૉન-ચૉકલેટી ટ્રાય કરવું હોય તો એ માટે છે રોઝ લાતે. રોઝવાળા દૂધમાં માઇલ્ડ સાકર અને ઉપર ગુલાબની કરકરી પાંદડીઓ છે. દરેક સિપમાં હળવા ગુલાબની સ્મેલ માણો.

ઑનલાઇન કોકો કાર્ટ
જો ફોર્ટ સુધી લાંબા ન થવું હોય તો ચૉકલેટનો સ્ટોર તમારા ઘર સુધી પણ આવી શકે છે. એ માટે વેબસાઇટ છે- www.cococart.in. અહીં એક્સક્લુઝિવ ચૉકલેટ્સ પર ઘણી ઑફર્સ પણ મળતી રહે છે.


Whatsapp-channel Whatsapp-channel

25 March, 2021 11:26 AM IST | Mumbai | Sejal Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK