આજે શીખો ફરાળી મલાઇ કોફ્તા અને સૉફ્ટ કુલચા, સેવરી મિલેટ મફિન્સ અને હેલ્ધી મિલેટ્સ મન્ચુરિયન
પ્રતીકાત્મક તસવીર
ફરાળી મલાઇ કોફ્તા અને સૉફ્ટ કુલચા
ADVERTISEMENT
કુસુમ મજીઠિયા
સામગ્રી : કોફ્તા માટે : બે નંગ બાફેલા બટેટા, ૨૫૦ ગ્રામ પનીર, ૧/૨ નાની ચમચી ગરમ મસાલો, કોથમીર, આરા લોટ
ગ્રેવી માટે : ૬-૮ નંગ ટમેટાં, ૮-૧૦ આખાં કાશ્મીરી લાલ મરચાં (પાણીમાં પલાળી રાખવાં), ૮-૧૦ કાજુ, ૧ મોટો ચમચો મગજતરીનાં બીજ, બે ચમચા દૂધની મલાઈ, બે ચમચી ધાણા-જીરું પાઉડર, ૧ નાની ચમચી ગરમ મસાલો, સાકર-૧ ચમચી, જીરું-તેલ ૧ ચમચી
કુલ્ચા માટે : બે નંગ બાફેલા બટેટા, બે વાટકા ફરાળી લોટ, આદું-મરચાંની પેસ્ટ, કોથમીર, લાલ મરચું ૧ ચમચી, આમચૂર પાઉડર ૧ નાની ચમચી, ગાર્નિશ માટે કાળા તલ.
કોફ્તા : બાફેલા બટેટાનો છૂંદો કરી એમાં મીઠું નાખી બાજુમાં મૂકવું. પનીરનો ભૂકો કરી તેમાં મીઠું, ગરમ મસાલો અને કોથમીર નાખી મિક્સ કરવું. બટેટાના માવાનો ગોળો બનાવી તેમાં પનીરનુ સ્ટફિંગ ભરવું. એને બરાબર બંધ કરી એના પર આરા લોટ લગાડવો. ગરમ તેલમાં આ કોફ્તા તળી લેવા.
ગ્રેવી માટે : ટમેટાના મીડિયમ સાઇઝના ટુકડા કરવા, ૧ ચમચી તેલ ગરમ કરી તેમાં ટમેટાં નાખવાં. એને ઢાંકીને ચડવા દેવાં. ટમેટાં બરાબર રંધાઈ જાય ત્યારે તેમાં કાશ્મીરી મરચાં, કાજુ, મગજતરીનાં બી, ધાણા-જીરું, સાકર, મીઠું અને ગરમ મસાલો નાખવાં. થોડું પાણી નાખી થોડી વાર રંધાવા દેવું. ત્યાર બાદ ગૅસ બંધ કરી દેવો. ઠંડું થાય એટલે મિક્સરમાં બરાબર પીસી લેવું. ત્યારે તેમાં દૂધની મલાઈ ઉમેરવી અને ગ્રેવી તૈયાર કરવી. પાછું કઢાઈમાં ૧ ચમચી તેલ ગરમ કરવું. એમાં આખું જીરું નાખવું. તતડી જાય પછી તેમાં તૈયાર કરેલી ગ્રેવી નાખવી. જરૂર પ્રમાણે પાણી ઉમેરવું. અને ગ્રેવી ઉકાળવી. સર્વ કરતી વખતે બાઉલમાં કોફ્તા રાખી એના પર ગરમ ગ્રેવી રેડવી. કોથમીર અને દૂધની મલાઈથી ગાર્નિશ કરવું.
કુલ્ચા : ફરાળી લોટમાં બાફેલા બટેટા, કોથમીર, આદુંમરચાં, લાલ મરચું, આમચૂર પાઉડર અને સ્વાદ અનુસાર સિંધવ ઉમેરી લોટ બાંધવો. તેલવાળા હાથ કરી લોટ બરાબર મસળી લેવો. આ લોટમાંથી મોટો લુઓ લેવો અને કુલ્ચા વણવા. એના પર કાળા તલ અને કોથમીર ભભરાવી થોડું વણવું. આ કુલ્ચાને ગરમ તવા પર બન્ને બાજુ ઘી શેકી લેવું. આ રીતે બનાવેલા કુલ્ચા બહુ સૉફ્ટ બનશે. આપણી સ્વાદિષ્ટ ફરાળી ડિશ તૈયાર છે!
સેવરી મિલેટ મફિન્સ
સ્વાતિ શ્રોફ
સામગ્રી : ૧ કપ જુવારનો લોટ, ૧/૪ કપ બાજરાનો લોટ, બે ટેબલસ્પૂન રાગીનો લોટ, ૧/૪ ગાજર (ખમણેલું), ૨ ટેબલસ્પૂન કૅપ્સિકમ મરચું (ઝીણું સમારેલું), ૧ ટેબલસ્પૂન ટમેટું (ઝીણું સમારેલું), ૧/૨ ચમચી હળદર, ૧/૩ ચમચી ચિલી ફ્લેક્સ, ૧/૪ મરી પાઉડર, ૧ ચમચી ખમણેલું લસણ, ૧ ચમચી લીલાં મરચાં અને આદું પેસ્ટ, બે ટેબલસ્પૂન તેલ, ૧ ચમચી બેકિંગ પાઉડર, ૧/૨ ચમચી બેકિંગ સોડા, ૩/૪ ચમચી મીઠું, ૧ ટેબલસ્પૂન દહીં, પાણી જરૂર મુજબ, કાળા તલ ગાર્નિશ માટે ૧ ચમચી, ૧/૨ ચમચી મિક્સ હર્બ્સ, મેયોનીઝ સર્વિસ માટે.
રીત : એક મોટા બાઉલમાં જુવાર લોટ, બાજરા લોટ, રાગીનો લોટ, હળદર, ચિલીફેક્સ, મરી પાઉડર, મિક્સ હર્બ્સ, બેકિંગ પાઉડર અને સોડા નાખી મિક્સ કરો. હવે એમાં સમારેલાં શાક, લણસ, દહીં, તેલ, આદું-મરચાં પેસ્ટ અને થોડું પાણી નાખી જરૂર મુજબ જાડું ખીરું બનાવો. હવે એક મફિન ટ્રેને તેલથી ગ્રીસ કરી લો. અવનને ૧૮૦ સેલ્સિયસ પર પ્રીહીટ દસ મિનિટ માટે કરો. હવે ખીરું ૩/૪ સુધી મોલ્ડમાં ભરી લો અને ૧૮૦ સેલ્સિયસ પર ૧૫થી ૨૦ મિનિટ માટે બેક કરો. ટૂથપિક નાખીને ચેક કરી લો. ઉપરથી બ્રાઉનિશ થાય એટલે બંધ કરો. આ મિક્સ મિલેટ મફિન્સ ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બનશે. આ ગ્લુટન ફ્રી, ફાઇબર રિચ અને ફુલ ઑફ માઇક્રો ન્યુટ્રિયન્ટ્સ છે. એને મેયોનીઝ અથવા કેચપ સાથે સર્વ કરો.
હેલ્ધી મિલેટ્સ મન્ચુરિયન
તૃપ્તિ માંકડ
સામગ્રી: એક વાટકી મિક્સ જુવાર, બાજરી, નાચણીનો લોટ, ૧ કપ કોબી સમારેલી, ૧ કપ ગાજર, કૅપ્સિકમ ઝીણાં સમારેલાં, ૧ કપ લીલા કાંદા ઝીણા સમારેલ, ૧ નંગ લીલું મરચું ઊભું સમારેલું, આદુંની ચિપ્સ, મરી પાઉડર, મીઠું, ૧ નાની ચમચી કૉર્નફલોર, રેડ ચિલી સૉસ, સોય સૉસ, ટમૅટો કેચપ, તેલ, ઝીણું સમારેલું લસણ, વિનેગર
રીત : કટરમાં કોબી, કૅપ્સિકમ અને ગાજર ઝીણા કટ કરી લેવા (ચૉપરથી). એક બાઉલમાં સમારેલાં શાક નાખી તેમાં મીઠ઼ું, મરી પાઉડર, તેલ, સમારેલું ઝીણું આદું નાખી મિક્સ કરી લેવું. હવે ઉપર જણાવેલો લોટ ઉમેરી હાથેથી હલાવવું અને એનો કણક જેવો ડો તૈયાર કરવો (પાણી ઉમેરવું નહીં, શાકભાજીમાં પાણી હોય છે એટલે મીઠું નાખવાથી રસ છૂટો પડે છે). તેલવાળો હાથ ફરી નાના બૉલ્સ તૈયાર કરી અપ્પમ પૅનમાં નાની ચમચી તેલ લગાવી ફરતે બૉલ્સ બધા મૂકવા અને બન્ને બાજુ શેકી લેવા. ૩ મિનિટ મન્ચુરિયન બૉલ શેકાતા થાય. એક વાટકીમાં સોય સૉસ, ચિલી સૉસ, ટમૅટો સૉસ નાખી તૈયાર કરી લેવું. બીજી વાટકીમાં પાણીમાં એક નાની ચમચી કૉર્નફ્લોર નાખી સ્લરી બનાવવી. પૅનમાં નાની ચમચી તેલ નાખી સફેદ ડુંગળી, સમારેલું આદું-લસણ નાખી સાંતળવું. એમા સમારેલી કોબી, કૅપ્સિકમ, ગાજર નાખી ફાસ્ટ ગૅસ પર ટોસ્ટ કરી તૈયાર કરેલા સૉસ, મીઠું, મરી સ્લરી નાખી હલાવવું. હવે સૉસ એકદમ પાકી જાય એટલે એમાં મન્ચુરિયન બૉલ્સ નાખી એક મિનિટ હલાવી ઉપરથી લીલી ડુંગળીનાં પાન નાખી મિક્સ કરવું.
કૅલ્શિયમ-આયર્ન અને પ્રોટીનથી ભરપૂર આ મન્ચુરિયન ટેસ્ટી અને ખાવામાં હેલ્ધી છે.

