Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > કેરી ખાઈને ગોટલીને કચરો સમજીને ફેંકવાની ભૂલ નહીં કરતા

કેરી ખાઈને ગોટલીને કચરો સમજીને ફેંકવાની ભૂલ નહીં કરતા

Published : 20 May, 2025 01:43 PM | Modified : 21 May, 2025 06:55 AM | IST | Mumbai
Kajal Rampariya | feedbackgmd@mid-day.com

કેરી તો સ્વાસ્થ્યવર્ધક છે જ પણ આયુર્વેદમાં એની ગોટલીને સ્વાસ્થ્યના ખજાનાની પોટલી કહેવાઈ છે. એ પાચનતંત્રની સાથે પ્રજનનતંત્ર અને ત્વચા તથા વાળ માટે ફાયદાકારક હોવાથી એને ફેંકી દેવા કરતાં જો એને ઘરમાં સાચવીને રાખશો તો એ દવાનું કામ કરશે

કેરીની ગોટલીમાંથી બનાવેલો પાઉડર

કેરીની ગોટલીમાંથી બનાવેલો પાઉડર


ઉનાળાની સીઝન દરમિયાન ફળોના રાજા કેરીનો સ્વાદ સૌ કોઈ માણે છે. એમાંથી મોટા ભાગના લોકો કેરી ખાધા પછી એની છાલ અને ગોટલીને કચરો સમજીને ફેંકી દે છે. જો તમે પણ આવું કરતા હો તો આ ઘડીથી જ બંધ કરી દેજો, કારણ કે કેરી જેટલી સ્વાસ્થ્યવર્ધક છે એટલી જ ગુણકારી એની ગોટલી પણ છે. આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે જો કેરીના ગોટલાનું સેવન કરવામાં આવે તો શરીરની ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે. આયુર્વેદમાં કેરીનાં બીજ એટલે કે કેરીની ગોટલીના ઘણા ઔષધીય ગુણો હોવાથી બહુ જ ઉપયોગી માનવામાં આવતી હોવાથી એનો ઉપયોગ મુખવાસ, પાઉડર, તેલ અને કાઢા તરીકે થાય છે. કેરીની ગોટલીનું આયુર્વેદિક મહત્ત્વ, ફાયદા તથા એના સેવનની યોગ્ય રીત વિશે ઘાટકોપરમાં બે આયુર્વેદિક ક્લિનિકનું સંચાલન કરતા અનુભવી ડૉ. દિનેશ હિંગુ પાસેથી જાણીએ...


ગોટલી પહેલાં કેરીને જાણી લો



ભારતમાં ફળોના રાજા કેરીના આશરે ૩૫૦થી ૪૦૦ પ્રકાર છે. એમાં મહારાષ્ટ્રની આફુસની જેમ દશહરી, બદામી, તોતાપુરી, હિમસાગર અને લંગડા કેરીનો સમાવેશ થાય છે. આયુર્વેદમાં કાચી કેરી ખાવાની મનાઈ કરવામાં આવી છે, કારણ કે એ વાયુ-પિત્ત-કફવર્ધક છે અને સાથે એ રક્તને પણ અશુદ્ધ કરવાનું કામ કરે છે. જે કેરી બહુ પાકી નથી અને કાચી પણ નથી એવી કેરી પણ પિત્તનું પ્રમાણ શરીરમાં વધારતી હોવાથી એને ન ખાવાનાં સૂચનો આયુર્વેદ એક્સપર્ટ આપતા હોય છે પણ એકદમ પાકીને તૈયાર થયેલી કેરી પિત્તને ઓછું કરે છે અને એની પ્રકૃતિ શીતળ છે, પણ પચવામાં ભારે હોવાથી પ્રમાણમાં લેવી જોઈએ નહીં તો એ કફ અને મેદસ્વીપણાને વધારશે, પણ કેરીનાં અલગ-અલગ રૂપ કરતાં ગોટલીના ગુણો જુદા છે.


વિવિધ પ્રકારે ઉપયોગમાં લેવાય


એવરી પાર્ટ ઑફ નેચર હૅઝ પર્પઝ, કેરી ખાધા પછી એની ગોટલી પણ આપણને ઘણા ફાયદાઓ આપે છે. કેરીની ગોટલીને કેરીનું બીજ પણ કહેવાય. કેરી ખાધા બાદ એની ગોટલીને પાણીથી ધોઈને એને તડકામાં સૂકવવા રાખવી. એ બરાબર સુકાઈ જાય પછી દસ્તા કે વજનદાર પથ્થર વડે તોડીને એમાંથી બી કાઢવું. એ નાના બીમાં જ સ્વાસ્થ્યનો ખજાનો છુપાયેલો છે. ગોટલીમાંથી જે બી નીકળે એને કેરીનો ગર્ભ અથવા ગર પણ કહી શકાય. એનો વિવિધ પ્રકારે ઉપયોગ કરી શકાય. એના નાના ટુકડા કરીને ફરીથી તડકામાં સૂકવી અને તવી પર થોડું ઘી નાખીને ગરમ કરી ડબ્બામાં સ્ટોર કરી શકાય અને આ ટુકડાને મુખવાસ કે માઉથ ફ્રેશનરની જેમ ખાવાથી ઓવરઈટિંગની સમસ્યા હોય તો એ દૂર થશે અને પાચનતંત્રના કામને સરળ બનાવશે.

ગોટલીને પાઉડરના ફૉર્મમાં પણ વાપરી શકાય છે. મુખવાસ કરતાં પાઉડરનો ઉપયોગ વ્યાપકપણે થાય છે. આયુર્વેદિક નિષ્ણાતો સવારે અને સાંજે એક-એક ચમચી પાણી સાથે પીવાની સલાહ આપે છે. ઘણા લોકો ઈજા પહોંચી હોય કે ખંજવાળ અથવા ત્વચાસંબંધિત કોઈ સમસ્યા હોય ત્યાં કેરીની ગોટલીના પાઉડરનો લેપ બનાવીને લગાવે છે. એમાં ઍન્ટિસેપ્ટિક ગુણો હોવાથી રુઝ પણ જલદી આવે છે.

અમેરિકામાં કેરીની ગોટલીનું તેલ બને છે અને એનો ઉપયોગ હર્બલ મેડિસિન બનાવવા માટે વપરાય છે. ચોંકાવનારી બાબત એ છે કે ગોટલીના તેલની કિંમત ૯૦૦૦ રૂપિયાની આસપાસ છે. ભારતમાં આમ તો ગોટલીનો ઉપયોગ પાઉડર અને ટુકડા તરીકે જ થાય છે એટલે અહીં ગોટલીનું તેલ માર્કેટમાં જોવા મળતું નથી.

કેરીની ગોટલીમાંથી બનાવેલો મુખવાસ

ગોટલી એક ફાયદાઓ અનેક

પાચનતંત્ર સુધારે : ગોટલીનો પાઉડર સવાર-સાંજ જમ્યા પછી હૂંફાળા પાણી સાથે એક-એક ચમચી પીવાથી પાચનશક્તિને વધારે છે. ઊબકા કે ઊલટી જેવું થતું હોય કે ઍસિડિટી, ગૅસ, મરડો, ડાયેરિયા અને અપચાની સમસ્યા હોય તો એને પણ દૂર કરે છે. ઘણા લોકો ગોટલીના પાઉડરમાં કાળું મીઠું અને જીરું પાઉડર મિક્સ કરે છે. આ મિશ્રણ અપચાની સમસ્યામાં તાત્કાલિક આરામ આપે છે. રાત્રે સૂતી વખતે આ પાઉડરને પાણી સાથે લેવાથી બીજા દિવસે સવારે પેટ પણ સાફ આવે છે.

કફ અને પિત્તને બૅલૅન્સ કરે : પાકી ગયેલી કેરી અને એની ગોટલી પિત્તશામક છે. આયુર્વેદ પ્રમાણે એવું કહેવાયું છે કે જો વાળ સમય પૂર્વે સફેદ થવા લાગે તો એ શરીરમાં પિત્ત વધ્યાનું લક્ષણ છે અને ગોટલી વાળની સમસ્યાને દૂર કરવાનું કામ કરે છે એવી જ રીતે કોઈ પણ બ્લીડિંગને રોકવા માટે પિત્તશામક ઔષધિ આપવામાં આવે છે. આ ઉપરાંત શરીરમાં કફના પ્રમાણને પણ એ બૅલૅન્સ કરતું હોવાથી શરદી-ઉધરસની સમસ્યામાં પણ રાહત મળે છે.

ઍન્ટિ-ડૅન્ડ્રફ ગુણ : કેરીની ગોટલીના પાઉડરનો ઉપયોગ હેરવૉશ માટે પણ કરી શકાય છે. એક વાટકીમાં બેથી ત્રણ ચમચી પાઉડર લેવો અને એને અડધી વાટકી પાણીમાં મિક્સ કરીને વાળમાં લગાવવાથી વાળ સિલ્કી અને મુલાયમ થાય છે. એનું મૉઇશ્ચર જળવાઈ રહે છે. એનો ઉપયોગ ઍન્ટિ-ડૅન્ડ્રફ તરીકે પણ થાય છે. આ ઉપરાંત કોઈને ટાલ પડવાની કે અતિશય વાળ ખરવાની સમસ્યા હોય એ લોકો માટે પણ ગુણકારી છે. આ પાઉડરને વાળમાં ન લગાવી શકાય એમ હોય તો એને દરરોજ ટૉનિકની જેમ બે ચમચી પીવાથી પણ હેર હેલ્થ સારી થશે.

વિટામિન્સ-મિનરલ્સનું પાવરહાઉસ: કેરીની ગોટલીના પાઉડરમાં ભરપૂર પ્રમાણમાં  ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ છે. એટલે કે એ શરીરની અંદર ઉત્પન્ન થતાં અને બહારથી પ્રવેશતાં હાનિકારક તત્ત્વો સામે રક્ષણ આપવાનું કામ કરે છે. આ ઉપરાંત એમાં પોટૅશિયમ, મૅગ્નેશિયમ, આયર્ન, કૉપર અને ઝિન્ક જેવાં મિનરલ્સની સાથે A, C અને E જેવાં વિટામિન્સ અને હેલ્ધી ફૅટ હોવાથી અને એ કાજુ કરતાં પણ વધુ પોષક તત્ત્વો ધરાવતી હોવાથી શરીરમાં ફૅટ જમા થતી નથી અને કાર્ડિયોવૅસ્ક્યુલર અને રેસ્પિરેટરી હેલ્થને ઇમ્પ્રૂવ કરે છે. એમાં રહેલાં વિટામિન્સ રોગપ્રતિકારક શક્તિને વધુ મજબૂત બનાવે છે. એમાં ઍન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણ હોવાથી ઇન્ફ્લમેશન એટલે કે શરીરમાં આંતરિક અને બાહ્ય સોજાને ઓછું કરે છે. ખાસ કરીને જેને આર્થ્રાઇટિસ હોય તેમના માટે ગોટલીનો પાઉડર દવાનું કામ કરશે.

રક્તપ્રવાહ સુધારે : કાચી કેરી ખાવાથી રક્ત અશુદ્ધ થાય છે પણ પાકી કેરી ઉપયોગમાં લીધા બાદ ગોટલીમાં રહેલાં ન્યુટ્રિઅન્ટ્સ શરીરના રક્તને શુદ્ધ કરવાની સાથે એના પ્રવાહને સુધારે છે અને બધાં જ ઑર્ગન્સ અને ટિશ્યુઝને ઑક્સિજન પૂરો પાડે છે.

ગર્ભાવસ્થામાં સારું : કેરીની ગોટલીને સ્ત્રીઓ માટે સર્વશ્રેષ્ઠ ગણવામાં આવી છે. ગર્ભવતી સ્ત્રીઓમાં આયર્નનું પ્રમાણ ઓછું થઈ જતું હોય છે. એને લીધે ચક્કર આવે છે અને એનીમિયાની સમસ્યા સર્જાઈ શકે છે. કેરીની ગોટલીમાં આયર્ન હોવાથી એના પ્રમાણને કોઈ પણ પ્રકારની ગોળીથી વધારવા કરતાં કેરીની ગોટલીના પાઉડરનું પાણી પીવામાં આવે તો નૅચરલી વધારી શકાય છે.

વાઇટ ડિસ્ચાર્જને કન્ટ્રોલ કરશે : જે યુવતી કે મહિલાઓને વાઇટ ડિસ્ચાર્જ એટલે કે સફેદ સ્રાવની સમસ્યા હોય તેમના માટે કેરીની ગોટલી ગુણકારી છે. ગોટલીનો પાઉડર જમ્યા પછી દરરોજ પીવામાં આવે તો ડિસ્ચાર્જની સમસ્યાનો અંત થઈ શકે છે.

દંતમંજન તરીકે ઉપયોગ : ગોટલીના પાઉડરનો ઉપયોગ દંતમંજનની જેમ કરવાથી ઓરલ હેલ્થ પણ સારી રહેશે. દાંતમાં સડો કે પેઢાંમાં ઇન્ફેક્શન થતું નથી. જો સવારે ટૂથપેસ્ટથી બ્રશ કરવાની આદત હોય તો રાત્રે સૂતા પહેલાં દાંતમાં ઘસીને કોગળા કરી લેવા.

ડાયાબિટીઝમાં મદદરૂપ : પાકી કેરીના રસમાં નૅચરલ શુગર હોવાથી એ ડાયાબિટીઝને વધારે છે, પણ એ જ કેરીની ગોટલી ડાયાબિટીઝને કન્ટ્રોલ કરે છે. આ ઉપરાંત શરીરમાં વધેલા બ્લડ શુગર લેવલને પણ નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે. હાઈ બ્લડપ્રેશર અને કૉલેસ્ટરોલના લેવલને પણ આંશિક રીતે નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે. એટલે આ સમસ્યા માટે ફક્ત કેરીની ગોટલી પર નિર્ભર રહેવું હિતાવહ નથી.

પિરિયડ પેઇનને ઓછું કરશે : ગોટલીનો પાઉડર પિરિયડ્સ પેઇનમાં બહુ ફાયદાકારક માનવામાં આવે છે. માસિક સ્રાવની તારીખ નજીક આવે ત્યારથી એટલે કે તારીખ હોય એના ત્રણથી ચાર દિવસ પહેલાંથી ગોટલીનો પાઉડર પાણી સાથે મિક્સ કરીને પીવાથી પેઇનફુલ પિરિયડ્સનો પ્રૉબ્લેમ દૂર થઈ જાય છે. આ ઉપરાંત જે સ્ત્રીઓને પિરિયડ્સ દરમિયાન હેવી બ્લીડિંગની સમસ્યામાં પણ મદદ કરે છે.

હરસની સમસ્યામાં ગુણકારી : કેરીની ગોટલી હરસ કે મસાની બીમારીમાં પણ ફાયદો આપે છે. ઘણા લોકોને હેવી બ્લીડિંગ થતું હોય અને બળતરા થતી હોય તો એને સૂકવવા માટે ગોટલીનો પાઉડર ગુણકારી સાબિત થાય છે.

રૉ ફોર્મમાં શા માટે ખાવી?

કેરીની ગોટલી તો સૂકવી નાખી તો એના ગર્ભને સૂકવવાની શું જરૂર એવો પ્રશ્ન ઘણા લોકોને આવતો હશે, પણ એના ગર્ભને સૂકવવાની જરૂર છે. એને સૂકવ્યા વગર ખાવો ન જોઈએ કારણ કે જ્યારે ગોટલી સુકાઈ જાય અને એમાંથી ગર્ભ બહાર નીકળે તો પણ એમાં પાણીનો ભાગ રહેલો હોય છે. જો એ ગર્ભને સૂકવ્યા વગર સીધો ખાશો તો પચવામાં ભારે લાગશે અને કબજિયાત અને ઍસિડિટીની સમસ્યા ઉદ્ભવી શકે છે. તેથી રૉ ગોટલીને સૂકવવી ફરજિયાત છે, નહીં તો એના ફાયદા શરીરને નહીં મળે.

ઘરગથ્થુ નુસખા

પિરિયડ્સ દરમિયાન બ્લીડિંગ વધુ હોય તો એક ચમચી કેરીની ગોટલીના પાઉડરમાં એક ચમચી વરિયાળી લસ્સીમાં મિક્સ કરીને પીવું. જ્યાં સુધી બ્લીડિંગ કન્ટ્રોલમાં ન આવે ત્યાં સુધી એને પીવું.

કેરીની ગોટલીમાંથી તેલ કાઢવું અઘરું છે, પણ ૨૦૦ મિલીલીટર નારિયેળના તેલને ગરમ કરીને એમાં ગોટલીના પાંચ-છ ટુકડાને ક્રશ કરીને નાખો. પછી એમાં એક ચમચી મેથીદાણા અને એક ચમચી કાળા તલ નાખીને ઉકાળો. ઠંડું થયા બાદ એને ગાળીને બૉટલમાં ભરી દો. આ તેલ હેર ગ્રોથ અને સ્કૅલ્પની હેલ્થને જાળવી રાખવામાં સહાય કરશે.

ડાયેરિયા હોય તો પા ચમચી પાઉડરને મધ સાથે દિવસમાં બેથી ત્રણ વાર લેવાથી ફરક પડશે. નાનાં બાળકોને આ પાઉડર આપતાં પહેલાં તબીબી સલાહ લેવી જરૂરી છે.

એક ગ્લાસ હૂંફાળા પાણીમાં એક ચમચી ગોટલીનો પાઉડર નાખીને ખાલી પેટે પીવાથી ડાયાબિટીઝ કન્ટ્રોલમાં આવી જાય છે.

ગોટલીના પાઉડરમાં જીરું પાઉડર મિક્સ કરીને પાણી સાથે લેવાથી પાચનશક્તિને સુધારવામાં મદદરૂપ થશે.

જેને ભૂખ ન લાગતી હોય એ લોકોએ કેરીની ગોટલીને સૂકવીને એના ટુકડા કરવા, પછી એમાં કાળું મીઠું નાખીને એક દિવસ સૂકવીને ખાવાથી ભૂખમાં વધારો થાય છે તથા શરીરમાં ઊર્જાનો પણ સંચાર થાય છે.

આટલી સાવચેતી રાખો

કેરીના ગોટલાની તાસીર ગરમ હોવાથી ખાસ કરીને ઉનાળાની ઋતુમાં એનો ઉપયોગ બહુ મર્યાદિત પ્રમાણમાં કરવો હિતાવહ રહેશે. જેની તાસીર ગરમ હોય તેણે ગોટલીનું સેવન ટાળવું જોઈએ.

એના દીર્ઘકાલીન ઉપયોગથી માથાનો દુખાવો અને તાવની સમસ્યા સર્જાઈ શકે છે.

ગર્ભવતી સ્ત્રીઓને જો કંઈ કૉમ્પ્લીકેશન્સ હોય તો ડૉક્ટરની સલાહ લીધા વિના એનો ઉપયોગ કરવો નહીં.

વધુ પ્રમાણમાં એનું સેવન કરવાથી ભૂખ નથી લાગતી અને ઍસિડિટી થઈ શકે છે.

જો કોઈને ત્વચા સંબંધિત ઍલર્જી હોય અને આ સંજોગમાં જો કેરીની ગોટલી ખાવામાં આવે તો ખંજવાળ, સોજા કે રેડનેસ જેવું ઍલર્જિક રીઍક્શન થઈ શકે છે.

Whatsapp-channel Whatsapp-channel

21 May, 2025 06:55 AM IST | Mumbai | Kajal Rampariya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK