દહિસરના આશાપુરા નાસ્તા હાઉસમાં બટાટાવડાં, સમોસા, ઇડલી, મિસળ જેવાં ગરમ નાસ્તા પણ મળે છે, દિલ્હીની ચાટ આઇટમ ઘણી પ્રખ્યાત છે અને ત્યાં આપણે જે ટેસ્ટની આઇટમ ખાઈએ એવા જ સેમ ટેસ્ટની આઇટમ આપણને મુંબઈમાં જવલ્લે જ ખાવા મળે છે.
માઁ આશાપુરા નાસ્તા હાઉસ
દિલ્હીની ચાટ આઇટમ ઘણી પ્રખ્યાત છે અને ત્યાં આપણે જે ટેસ્ટની આઇટમ ખાઈએ એવા જ સેમ ટેસ્ટની આઇટમ આપણને મુંબઈમાં જવલ્લે જ ખાવા મળે છે. ખાસ કરીને દિલ્હી જેવા દહીભલ્લા ભાગ્યે જ ક્યાંય ખાવા મળે છે. જોકે દહિસરમાં આવેલી નાસ્તાની એક શૉપમાં અદ્દલ દિલ્હી સ્ટાઇલના દહીભલ્લા બનાવવા માટે ખાસ દિલ્હીથી માણસને બોલાવવામાં આવ્યો છે એટલું જ નહીં, સામગ્રી અને મસાલા પણ ત્યાંની સ્ટાઇલનાં હોય છે.
માઁ આશાપુરા નાસ્તા હાઉસના ઓનર અમિષ સુખડિયા કહે છે, ‘હું પોતે શેફ છું, પરંતુ ઘણીબધી વસ્તુઓ પર હાથ અજમાવવા કરતાં અમુક સિલેક્ટેડ આઇટમો બનાવવાનું જ અત્યારે હું પસંદ કરું છું જેથી ફોકસ પ્રૉપર રહે. બટાટાવડાં, સમોસા, ઇડલી, મેદુવડાં, મિસળ અમારી મેઇન આઇટમો છે જે પુષ્કળ વેચાય છે. એમાં અમે બીજી કોઈ ડ્રામેટિક ફ્લેવર લાવ્યા નથી. નૉર્મલ આપણા જે મહારાષ્ટ્રિયન સ્ટાઇલનાં વડાં આવે છે એ જ અમે બનાવીએ છીએ. એની ખાસિયત કહું તો એમાં અંદર નાખેલાં કાંદા-લસણનો ભરપૂર ટેસ્ટ છે અને બીજું છે કિંમત જે અમે બજારભાવ કરતાં ઓછી રાખી છે. સિંધી પાણીપૂરી પણ અહીં મળે છે. જ્યારથી અમે દહીભલ્લા બનાવવાનું શરૂ કર્યું છે ત્યારથી એ એકદમ હૉટ ફેવરિટ બની ગયા છે. એ અમે દિલ્હી સ્ટાઇલના બનાવીએ છીએ. એમાં બટાટાનું પૂરણ, સેવ, તીખી-મીઠી ચટણી અને એક સ્પેશ્યલ મસાલો આવે છે એ અમે નાખીએ છીએ. આ મસાલો અમે પોતે બનાવીએ છીએ. અહીં દહીભલ્લા બનાવવા માટે અમે સ્પેશ્યલ દિલ્હીના માણસને રાખ્યો પણ છે જેને લીધે દહીભલ્લાને ૧૦૦ ટકા દિલ્હીનો ચટાકો મળી રહે છે.’
ક્યાં મળશે? : માઁ આશાપુરા નાસ્તા હાઉસ, ક્રિષ્ના ટાવર, આનંદનગર, દહિસર-ઈસ્ટ
