ઊંબાડિયું, ઊંધિયું, તુવેર ટોઠા જેવી વિવિધ ગુજરાતી વાનગીઓમાં જેનો ઉપયોગ થાય છે એ લીલી તુવેરને શિયાળામાં ખાવાથી સ્વાદની સાથે સ્વાસ્થ્ય પણ સુધરી જાય છે
પ્રતીકાત્મક તસવીર
શિયાળો આવે એટલે લીલી તુવેરની બોલબાલા વધી જાય છે. લીલી તુવેરનું શાક, લીલી તુવેરની ઢોકળી, લીલવાના ટોઠા, લીલી તુવેરના વઘારેલા ભાત, લીલી તુવેરનાં પરોઠાં, લીલી તુવેરની કચોરી, લીલી તુવેરનાં વડાં જેવી જાત-જાતની વાનગીઓ લોકોના ઘરે બનતી હોય છે. એ સિવાય ઊંબાડિયું, ઊંધિયું જેવી શિયાળા સ્પેશ્યલ વાનગીઓમાં પણ લીલી તુવેરને સ્થાન આપવામાં આવતું હોય છે. આ લીલી તુવેર ખાવામાં તો સ્વાદિષ્ટ હોય જ છે અને શરીરને પોષણ આપવામાં તથા રોગોથી બચાવવામાં પણ એટલી જ લાભદાયક હોય છે. એટલે લીલી તુવેરની સીઝન ચાલુ છે ત્યાં સુધી એનો ભરપૂર લાભ ઉઠાવી લો. સાથે આપણે પણ અહીં લીલી તુવેરના ફાયદાઓ વિશે ડાયટિશ્યન ડિમ્પલ સંઘવી પાસેથી તેમના જ શબ્દોમાં જાણી લઈએ...
પાચન સુધારે
ADVERTISEMENT
લીલી તુવેર પાચનમાં આપણને અનેક રીતે મદદ કરે છે. આમાં રહેલું ડાયટરી ફાઇબર સ્ટૂલમાં બલ્ક ઍડ કરવાનું કામ કરે છે જેથી કચરો સરળતાથી અને જલદી પાચનતંત્રની બહાર નીકળે છે. એ કબજિયાત, પેટ ફૂલવું જેવી પાચનસંબંધિત સમસ્યા ટાળવા માટે ખૂબ જરૂરી છે. એ સિવાય ફાઇબર આપણાં આંતરડાંમાં હાજર ગુડ બૅક્ટેરિયા માટે પ્રીબાયોટિક્સનું કામ કરે છે. એક સંતુલિત ગટ માઇક્રોબાયોમ એટલે કે ગુડ અને બૅડ બૅક્ટેરિયાનું સંતુલન સારા પાચન, સ્વાસ્થ્ય અને મજબૂત ઇમ્યુનિટીસિસ્ટમથી જોડાયેલું હોય છે. ફાઇબર પાચનની ગતિને નિયંત્રિત કરીને પોષક તત્ત્વોના ઍબ્સૉર્પ્શનને વધુ અસરકારક બનાવે છે, જેનાથી શરીરને ભોજનથી વધારે લાભ મળે છે.
વેઇટ-મૅનેજમેન્ટ
લીલી તુવેરમાં ભરપૂર માત્રામાં પ્લાન્ટ-પ્રોટીન અને ડાયટરી ફાઇબર હોય છે, જે પેટને લાંબા સમય સુધી ભરેલું હોવાનો અનુભવ કરાવે છે અને વારંવાર ભૂખ લાગવાથી બચાવે છે. એનો ગ્લાઇસીમિક ઇન્ડેક્સ (GI) ઓછો હોવાને કારણે એ બ્લડશુગરને ધીરે-ધીરે વધવા દે છે જેથી ઇન્સ્યુલિન સ્પાઇક નથી થતું અને શરીરમાં ચરબી જમા થવાની સંભાવના ઓછી થઈ જાય છે. લીલી તુવેરમાં ફૅટ ઓછી અને પોષક તત્ત્વો વધુ હોય છે, જેથી એ ઓછી કૅલરીમાં પણ સારી ઊર્જા આપે છે. સાથે જ આ ફાઇબર પાચન તંત્રને મજબૂત કરે છે, મેટાબોલિઝમ સુધારે છે અને શરીરના વેસ્ટ મટીરિયલને બહાર કાઢવામાં મદદ કરે છે જેનાથી વેઇટ મેઇન્ટેન રાખવાનું સરળ બની જાય છે.
હૃદયનું સ્વાસ્થ્ય
લીલી તુવેરમાં રહેલું સૉલ્યુબલ ફાઇબર લોહીમાં ખરાબ કૉલેસ્ટરોલને ઓછું કરવામાં મદદ કરે છે અને ધમનીઓમાં બ્લૉકેજના ખતરાને ઘટાડે છે. લો ગ્લાઇસીમિક ઇન્ડેક્સ હોવાને કારણે લીલી તુવેર બ્લડશુગરને ધીરે-ધીરે વધારે છે, જેનાથી ઇન્સ્યુલિન સ્પાઇક નથી થતું. બ્લડશુગર નિયંત્રિત રહેવાથી હૃદયરોગોનું જોખમ પણ ઓછું રહે છે. લીલી તુવેરમાં પોટૅશિયમ ભરપૂર હોય છે, જે શરીરમાંથી અતિરિક્ત સોડિયમ બહાર કાઢવાનું કામ કરે છે. એને કારણે બ્લડપ્રેશર નિયંત્રણમાં રહે છે. એમાં રહેતા ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ અને ફાઇબર શરીરમાં સોજો ઓછો કરે છે. સોજો ઓછો થવાથી ધમનીઓ પર દબાવ ઓછો રહે છે અને હાર્ટનું સ્વાસ્થ્ય સારું રહે છે.
હાડકાંઓ મજબૂત કરે
કૅલ્શિયમ અને ફૉસ્ફરસ હાડકાંઓ અને દાંતોના મુખ્ય ઘટકો છે. લીલી તુવેરમાં આ મિનરલ્સ પ્રાકૃતિક રીતે હોય છે, જે હાડકાંઓને મજબૂત બનાવીને ફ્રૅક્ચરનું રિસ્ક ઓછું કરે છે. મૅગ્નેશિયમ અને પોટૅશિયમ હાડકાંઓના સ્ટ્રક્ચરને મેઇન્ટેન રાખવામાં મદદ કરે છે અને કૅલ્શિયમના ઍબ્સૉર્પ્શનને સારું બનાવીને હાડકાંઓની ઘનતા અને લચકતા જાળવી રાખે છે. તુવેરમાં રહેલું પ્રોટીન હાડકાંઓ અને માંસપેશીઓના નિર્માણ માટે આવશ્યક અમીનો ઍસિડ પ્રદાન કરે છે. નિયમિતરૂપે લીલી તુવેરનું સેવન ઑસ્ટિયોપોરોસિસ જેવી નબળ હાડકાં સંબંધિત બીમારીનું જોખમ ઓછું કરી શકે છે.
ઇમ્યુનિટી બૂસ્ટ કરે
લીલી તુવેરમાં વિટામિન C હોય છે, જે ઇન્ફેક્શન સામે લડવામાં મદદરૂપ બનતા વાઇટ બ્લડસેલ્સના ઉત્પાદનને વધારવામાં મદદ કરે છે. એમાં રહેલા ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ શરીરની અંદરના સોજાને ઘટાડે છે, જેથી ઇમ્યુન-સિસ્ટમ પર અનાવશ્યક બોજો નથી પડતો. લીલી તુવેરમાં રહેલું ફાઇબર ગટ-હેલ્થને સારી રાખે છે અને સારી ઇમ્યુનિટી માટે ગટ-હેલ્થ સારી હોવી ખૂબ જરૂરી છે. એમાં રહેલું પ્રોટીન ઇમ્યુન સેલ્સને બનાવવામાં અને રિપેર કરવા માટે આવશ્યક છે. એમાં રહેલાં મિનરલ્સ પણ ઇમ્યુનિટીને સપોર્ટ કરવાનું કામ કરે છે.
રાંધવાની રીત
કોઈ પણ વસ્તુને તમે કઈ રીતે રાંધો છો એનું ધ્યાન રાખવું પણ ખૂબ જરૂરી છે. લીલી તુવેરની દાળમાં રહેલાં પોષક તત્ત્વોનો સૌથી વધુ ફાયદો ત્યારે મળે જ્યારે તમે એને બાફીને ખાઓ. એ સિવાય તમે એને પ્રેશર કુકરમાં બાફો ત્યારે વધારાનું પાણી ફેંકી દેવાને બદલે એનો પણ ઉપયોગ કરી નાખવો જોઈએ, નહીંતર એમાં રહેલાં વૉટર સૉલ્યુબલ વિટામિન્સ અને મિનરલ્સ પણ પાણી સાથે વહી જાય છે. એટલે કુકરમાં જરૂરિયાત પૂરતું પાણી નાખીને પછી જ એને બાફવા મૂકો. તમે આનાં વડાં, કચોરી બનાવો તો તેલમાં તળવાની પ્રક્રિયા દરિમયાન આનાં ઘણાંખરાં પોષક તત્ત્વો નાશ પામે છે. તુવેરની દાળનું શાક, પરોઠાં, વઘારેલા ભાત બનાવો તો એમાં લીલી તુવેરનાં પોષક તત્ત્વો જળવાઈ રહે છે. લીલી તુવેરની દાળની કોઈ પણ વાનગી તેલમાં તળેલી હોય તો એ પચવામાં પણ ભારે હોય. ઉપરથી એ હાર્ટ-હેલ્થ માટે પણ સારું નથી, કારણ કે એ કૉલેસ્ટરોલ વધારે એટલું જ નહીં, વધુ પડતી કૅલરી અને ફૅટને કારણે વજન વધવાનું પણ જોખમ રહે. એની જગ્યાએ જો તમે લીલી તુવેરમાં ગરમ મસાલાઓ, આદું-લસણની પેસ્ટ વગેરે સામગ્રી નાખીને બનાવો તો એનાથી સ્વાસ્થ્યને વધારે ફાયદો થાય છે.
આ તુવેર દાળથી કેટલી અલગ?
લીલી તુવેર અને તુવેર દાળ બન્ને ખાવામાં પૌષ્ટિક હોય છે પણ પોષણ અને પાચનની દૃષ્ટિએ બન્નેમાં થોડો ફેર હોય છે. તુવેર દાળમાં પ્રોટીનની માત્રા વધુ હોય છે, કારણ કે એમાંથી પાણી નીકળી ચૂક્યું હોય છે અને એ કૉન્સન્ટ્રેટેડ હોય છે. લીલી તુવેર ફ્રેશ હોય છે એટલે એમાં પાણી વધારે અને કૅલરી ઓછી હોય છે. લીલી તુવેરમાં વિટામિન C, વિટામિન A અને ફોલેટની માત્રા તુવેર દાળની સરખામણીમાં સહેજ વધુ હોય છે. તુવેર દાળ બનવાની પ્રોસેસમાં કેટલાંક પોષક તત્ત્વો ઓછાં થઈ જાય છે. તુવેર દાળ લીલી તુવેરની તુલનામાં પચવામાં થોડી ભારે હોય છે. લીલી તુવેર તાજી અને કોમળ હોય છે. એમાં રહેલું ફાઇબર મુલાયમ હોય છે અને પ્રોટીન પણ એવી અવસ્થામાં હોય છે જેને શરીર સરળતાથી તોડીને પચાવી શકે. એવી જ રીતે તુવેર દાળ સૂકવેલી હોવાથી એમાં કેટલાંક ઍન્ટિ-ન્યુટ્રિશનલ તત્ત્વો હોય છે જે પાચનને ધીમું કરે છે અને કેટલાક લોકોને ગૅસ અને પેટ ભારે લાગવાની સમસ્યા કરી શકે છે. જો તુવેર દાળને થોડા સમય માટે પાણીમાં પલાળીને અને સરખી રીતે રાંધીને ખાવામાં આવે તો એટલો વાંધો આવતો નથી. વેઇટલૉસ માટે લીલી તુવેરદાળ વધારે સારી કારણ કે એમાં કૅલરી ઓછી અને ફાઇબર વધુ હોય છે જેથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. એવી જ રીતે મસલ્સ બિલ્ડિંગ માટે તુવેર દાળ સારી કારણ કે એમાં પ્રોટીનની ડેન્સિટી વધુ હોય છે. ઇમ્યુનિટી માટે લીલી તુવેર વધારે લાભદાયક કારણ કે એમાં વિટામિન C અને ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ હોય છે. લીલી તુવેર ફક્ત શિયાળાની સીઝનમાં જ મળે એટલે જ્યારે એ ઉપલબ્ધ હોય ત્યારે એનું સેવન અવશ્ય કરો. બાકીના સમયમાં તુવેર દાળ પ્રોટીનનો એક સારો અને સસ્તો સોર્સ છે.


