હળવાં, નટી સ્વાદવાળાં આ નાનાં બીજ પ્રાકૃતિક રીતે હીમોગ્લોબિનનું સ્તર સુધારવા માટે એક ઉત્તમ વિકલ્પ સાબિત થઈ શકે છે.
અશેળિયો
સેલિબ્રિટી હોલિસ્ટિક ફિટનેસગુરુ લ્યુક કુટિન્હોએ તાજેતરમાં એક પોસ્ટમાં કહ્યું હતું કે ભારતીયોએ હીમોગ્લોબિનની કમીને દૂર કરવી હોય તો વેજિટેરિયન ડાયટમાં હલીમ સીડ્સ (ગાર્ડન ક્રેસ સીડ્સ) ફૂડમાં લેવાં જોઈએ. ગુજરાતીમાં એને અશેળિયો અથવા અલીવ કહેવાય છે. એનાથી આયર્ન લેવલ સુધરશે, ગટ હેલ્થ સુધરશે અને ઇમ્યુનિટી પણ વધે છે. આવો જાણીએ અલીવનું
હલીમ સીડ, જેને ગાર્ડન ક્રેસ સીડ તરીકે પણ ઓળખવામાં આવે છે એ પૌષ્ટિક તત્ત્વોથી ભરપૂર છે અને હીમોગ્લોબિનનું સ્તર વધારવા માટેનો ઉત્તમ પ્રાકૃતિક ઉપાય છે. આ ઝીણાં એવાં રેડ-મરૂન બીજ આયર્નથી સમૃદ્ધ છે અને ખાસ કરીને શાકાહારીઓ માટે તો આયર્નનો અખૂટ ભંડાર છે. જેમને આયર્નની ઊણપ રહેવાની શક્યતા વધુ હોય તેમણે રોજ ફક્ત એક ચમચી હલીમ બીજ પાણી અથવા દૂધમાં ભીંજવીને લેવાથી આયર્નનું મહત્ત્વપૂર્ણ સ્તર મળી શકે છે, જે એનીમિયા અને થાકને અટકાવવામાં મદદરૂપ થાય છે. આ સિવાય પણ હલીમનાં આ બીજ અનેક રીતે ફાયદાકારક છે. આવો જાણીએ.
ADVERTISEMENT
હલીમનાં બીજમાં એવું તે શું છે?
પાંત્રીસ રૂપિયામાં ૧૦૦ ગ્રામ મળતા આ સીડ્સ ખરેખર સ્વાસ્થ્યનું વરદાન છે. આયર્ન ઉપરાંત હલીમ બીજમાં ફોલિક ઍસિડ, પ્રોટીન, ફાઇબર અને વિટામિન C જેવાં અગત્યનાં પોષક તત્ત્વો છે જે આયર્નના શોષણને વધારવામાં મદદ કરે છે. એ પાચનશક્તિ સુધારે છે, રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે અને માસિક ચક્રને નિયમિત રાખે છે જે ખાસ કરીને સ્ત્રીઓના આરોગ્ય માટે તો અત્યંત ફાયદાકારક છે. આ વિશે જણાવતાં ન્યુટ્રિશનિસ્ટ કુંજલ શાહ કહે છે, ‘આયર્નની કમીથી વીકનેસ લાગે, શ્વાસ લેવામાં તકલીફ પડે; કારણ કે આયર્ન ઑક્સિજન લેવલ પણ કૅરી કરે છે. એ સિવાય ચક્કર આવવાં, માથું દુખવું, સ્કિન ડલ થવી, ઠંડી વધુ લાગવી, નખ બરડ થવા, પગ દુખવા અને મેમરી ઇશ્યુ જેવી તકલીફો થઈ શકે છે. આ સિવાય હલીમનાં બીજ મોટા ભાગે છોકરીઓને પિરિયડની તકલીફ હોય છે ત્યારે ખાસ આપવામાં આવે છે. એની તાસીર ગરમ છે એટલા માટે જેમની ત્વચા સંવેદનશીલ છે તેમણે ખાસ એકદમ નાની માત્રામાં વાપરીને શરૂઆત કરવી. ઘણી વાર એનાથી ચહેરા પર ફોડકી આવી શકે છે. આમ પણ એને પાંચ ગ્રામ અથવા એક ટી-સ્પૂનથી વધુ માત્રામાં ન લેવાં જોઈએ. હલીમના ફાયદાઓ અનેક છે પણ એની આવી ગરમ તાસીરને લીધે લોકો એના કાયમી સેવનથી થોડા આઘા ભાગે છે. પલાળીને ખાવાં સૌથી વધુ સારું છે. રાત્રે અથવા એને ખાવાના બે-ત્રણ કલાક પહેલાં પાણીમાં પલાળી લઈ શકાય. આમેય કોઈ પણ ઇન્ડિયન હર્બ પાણીમાં પલાળીને લેવાથી એની ઉત્તમ અસર આપે છે. આયર્નનું શરીરમાં શોષણ કરવા માટે એની સાથે વિટામિન C લેવું જોઈએ. એટલે કે જો તમે નરણા કોઠે હલીમ સવારે લો છો તો એમાં થોડું લીંબુ નિચોવીને લો. આ સિવાય હલીમનાં બીજ રાતે દૂધમાં ઉકાળીને પણ લઈ શકાય છે. મસલ રિકવરી માટે એ બહુ જ સારાં ગણાય છે. પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન બૂસ્ટ કરી સ્પર્મ કાઉન્ટ વધારવા માટે પણ અકસીર છે. એ સ્ટ્રેસ-લેવલ ઘટાડે છે અને ફિટનેસ માટે પણ સારાં.’
ચંદ્રશૂરના ફાયદા જ ફાયદા
હલીમને આયુર્વેદમાં ચંદ્રશૂર કહેવાય છે. આના ફાયદાઓ અનેક છે એ ગણાવતાં ત્રીસ વર્ષથી ગોરેગામમાં પ્રૅક્ટિસ કરતા અને તાતા હૉસ્પિટલના કૅન્સર રિસર્ચ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા સિનિયર આયુર્વેદિક નિષ્ણાત ડૉ. નીતિન કોચર કહે છે, ‘હળવાં, નટી સ્વાદવાળાં આ નાનાં બીજ પ્રાકૃતિક રીતે હીમોગ્લોબિનનું સ્તર સુધારવા માટે એક ઉત્તમ વિકલ્પ સાબિત થઈ શકે છે. હલીમનાં બીજ લોહીવર્ધક છે અને એનાથી વાયુ ઓછો થાય છે. અસ્થમા, હાડકાં માટે સારાં છે. લિપિડિયમ સટાઈવમ એનું સાયન્ટિફિક નામ છે. ટર્કી જર્નલ ઑફ ફાર્મેકોલૉજી સાયન્સ મુજબ પણ જોશો તો એમાં વૈજ્ઞાનિક સંશોધનના અંતે પણ ચંદ્રશૂર ખૂબ જ અકસીર માનવામાં આવ્યાં છે. ટૂંકમાં કહું તો એવું શું છે જેનો ઇલાજ આમાં નથી? આયુર્વેદ મુજબ ઉત્તમ દવાઓમાં એની ગણના કહી શકાય. કોઈ પણ દવા કેવી હોવી જોઈએ? તો એના ચાર ગુણો છે. એ બધે મળે, નાના ડોઝમાં પણ સારું કામ કરે, સુરક્ષિત હોય અને સસ્તી હોવી જોઈએ. એ રીતે આ દવાઓમાં શ્રેષ્ઠ છે અને કુદરતનું અદ્ભુત રસાયણ છે એવું સંશોધનો કહે છે.’
કેવી રીતે લેવાં?
હલીમ બીજને આહારમાં સામેલ કરવા માટે તમે એને રાત્રે ભીંજવીને ગરમ દૂધ સાથે પી શકો છો, શેકમાં મિક્સ કરી શકો છો અથવા સૂપ અને સૅલડમાં ઉમેરી શકો છો આવું જણાવતાં કુંજલ શાહ કહે છે, ‘ભારતીયોમાં જે લોકો વેજિટેરિયન છે તેમનામાં નૉનવેજ ફૂડને અભાવે જો આયર્ન લેવલ ઓછું જોવા મળે તો આને તમારી રેગ્યુલર ડાયટ સામેલ કરી શકાય. સૅલડ, સૅન્ડવિચ, સૂપ અને સ્મૂધીમાં વપરાય. ગુજરાતી ફૅમિલીમાં આપણે લાડવામાં પણ હલીમનાં બીજ નાખીએ છીએ.’
આ બીજ વિશે સંશોધનો પણ થયાં છે અને એકદમ સેફ છે એ વિશે ડૉ. નીતિન કોચર કહે છે, ‘સ્ટાન્ડર્ડ જર્નલ મુજબ પણ એ સેફ છે અને શાસ્ત્રમાં પણ સેફ છે. આ બીજનું ખંડ નાનું હોય છે. તિબેટમાં બહુ થાય છે અને એ લોકો આનું સૂપ બનાવે. એનાં બીજની રાબ બનાવી શકાય. આખાં બીજને દરદરાં કૂટી એને પાણીમાં મૂકી રાબ બનાવી શકાય. બદામ અને કાજુનું દૂધ લઈને કરો તો ખૂબ સારું. એમાં સારા પ્રમાણમાં પ્રોટીન જોવા મળે છે. એમાં હેલ્ધી ફૅટી ઍસિડ અને હાઈ ફાઇબર જોવા મળે છે. કૅલ્શિયમ અને એસેન્શિયલ મિનરલ્સ છે. વિટામિન A, C અને B છે. એસ્કૉર્બિક ઍસિડ છે. આ નાનાં બીજ સુપરફૂડ છે. પ્રેગ્નન્સીમાં માતાઓની આવશ્યકતા વધારે હોય છે. કૉલેસ્ટરોલ ન વધે, વાળ સારા થાય, બાળકની હેલ્થ સારી રહે એ માટે પૂર્વજોએ આપેલી ઉત્તમ ભેટ છે ચંદ્રશૂર.’
ડિલિવરી પછીના ફાયદાઓ અનેક
ચંદ્રશૂર એક એવી દવા છે જે પ્રેગ્નસન્સીમાં ડિલિવરીની પહેલાં અથવા પછી આપવાનું વિધાન છે. આ સમયે સેવન કરવાથી ડિલિવરી સરળ બને છે અને પોસ્ટ-ડિલિવરી માસિક સાફ આવે છે. આવું જણાવી ડૉ. નીતિન કહે છે, ‘પ્રી-ડિલિવરીમાં એનાથી માતાઓના વજાઇના મસલ્સ સૉફ્ટ થાય. લેબર દરમિયાન એનું સંકોચન સારું થાય, બ્લડ-સર્ક્યુલેશન સારું થાય અને સોજા તથા પીડા ઓછી કરે છે. મોટા ભાગે ડ્યુ ડેટના વીસેક દિવસ પહેલાં લેવાની કહેવાય છે. ડિલિવરી પછી ઘણી વાર માતાઓની ગર્ભાશય શુદ્ધિ માટે વપરાય છે. એનાથી એસ્ટ્રોજન હૉર્મોન સારું રહે છે અને બાળકોને માટે દૂધ પણ સારું આવે છે. હૉર્મોનલ ઇમ્બૅલૅન્સ ઘટાડવામાં કામ લાગે છે. પાંચ ગ્રામ એટલે કે એક ચમચી લેવાનું. બદામના દૂધ સાથે ઉત્તમ છે. એને ઉકાળીને, ઘરગથ્થું ઘી અને ગોળ નાખીને પી શકાય. એની રાબ સિવાય દૂધ ન પીતા હો તો પાણીમાં ઉકાળી ગોળ સાથે લઈ શકાય અથવા લાડવા બનાવી ખાઈ શકાય. એમાં ઍન્ટિ-બૅક્ટેરિયલ પ્રૉપર્ટી પણ છે. હીમોગ્લોબિન છે એ સાયન્ટિફિકલી પ્રૂવન છે અને ગુડ જર્નલમાં છે. ડિલિવરી હાઈ ડાયનૅમિક મેટાબોલિક પ્રોસેસ છે, એ દરમિયાન શરીરમાં મેટાબોલિક કચરો જમા થાય છે. એ કચરાને કાઢવા ઍન્ટિઑક્સિડેશન થાય. ડિલિવરીનો મેટાબોલિક વેસ્ટ ઓછો કરવા વીસ દિવસ પહેલાં અશેળિયો ચાલુ કરો અને એક વર્ષ ચાલુ રાખો. એનાથી યુરિન પણ સાફ આવે. કિડની સ્ટોન ન થાય. વજાઇનલ સ્વેલિંગ પણ ઓછું થાય. ઘણી પ્રેગ્નન્ટ સ્ત્રીઓને બ્લડપ્રેશર આવે, એની દવા સાથે આ પીવે તો પણ સારું. આમાં મધુમેહમાં ઉપયોગી એવી ઍન્ટિ-ડાયાબેટિક પ્રૉપર્ટીઝ છે એટલે જેસ્ટેશનલ શુગરમાંય સારું છે. આપણા શરીરમાં ઇન્સ્યુલિન હૉર્મોનનું રેઝિસ્ટન્સ કાઢવા માટે એ કામ કરે છે. ડિલિવરી પછી કમર પકડાય છે. એવા સમયે હાડકાં અને સાંધાનું પોષણ થાય અને એમાં તૈલી દ્રવ્ય ઊભું થાય.’
સંશોધનોમાં જોવા મળેલા ફાયદાઓ
ચંદ્રશૂરની પુરુષો પર થતી અસર શોધવા માટે મેલ ઉંદર પર પ્રયોગ થયેલા. એ વિશે વાત કરતાં ડો. નીતિન કહે છે, ‘એ ઉંદરોને હલીમ સોલ્યુશન આપ્યા બાદ અમુક દિવસોમાં એમના સ્પર્મ-કાઉન્ટ વધી ગયા અને મોર્ટિલિટી પણ વધી ગઈ. જે પુરુષોને સ્પર્મ-કાઉન્ટ ઓછા છે તેમના માટે ધૂમ્રપાન અને વ્યસનની પરેજી સાથે ખાવાનું યોગ્ય છે. રોજ ભૂખ્યા પેટે એક લાડુ ખાઓ અથવા રાતે ગરમ દૂધ સાથે તો વંધ્યત્વ દૂર થાય. જર્નલ ઑફ ફૅમિલી મેડિસિન પ્રાઇમરી કૅર ૨૦૨૦માં લખ્યું છે કે એ લીધા બાદ હાડકાં મજબૂત થાય. એ લીધા પછી મજ્જાધાતુનું પોષણ સારી રીતે થાય અને હાડકાં પણ સારાં થાય. ઉંદરમાં ફ્રૅક્ચર સારાં થયાં છે. એમાં ઍન્ટિ-ઍસ્થમૅટિક ઇફેક્ટ જોવા મળે છે. રોગપ્રતિકારક શક્તિ વધારે. લિવર, કિડની માટે પણ અશેળિયો સારો.’
ઘરેલુ નુસખા તરીકે ગર્ભપાત કરવા અશેળિયો પીવાનું કહે છે એ આયુર્વેદ મુજબ ખોટું છે. એ ગર્ભપાત માટે નથી. સ્ત્રીઓ ઉપરાંત વડીલોમાં ઑસ્ટિયોપોરોસિસ હોય તો રોજ એક ચમચી હલીમ સીડ્સ સૅલડમાં નાખીને ખાઓ. ઇન્ફેક્શન ઘટાડવા માટે પણ સારું. પૉલિસિસ્ટિક ઓવેરિયન ડિસીઝ (PCOD) હોય તો પણ લેવાય. બાળકોને બે-ત્રણ ચપટી જેટલા માપમાં આપી શકાય. – ડૉ. નીતિન કોચર, આયુર્વેદ નિષ્ણાત
કોણે ન લેવાં?
જેમને થાઇરૉઇડની તકલીફ હોય તેમણે હલીમ બીજ પૂછ્યા વગર ન લેવાં અથવા હું તો કહીશ ન જ લેવાં એવું જણાવતાં કુંજલ શાહ કહે છે, ‘હલીમનાં બીજ થાઇરૉઇડના ફંક્શનને અવરોધી શકે છે. આ સિવાય જેમની ત્વચાને ગરમ તાસીરનું ફૂડ જામતું નથી તેમણે પૂછીને લેવું. જે લોકો વજન ઘટાડવાનું કામ કરે છે તેમણે કસરત અને ડાયટ સાથે આનો ઉપયોગ કરવો. એમનેમ ખાવાથી વજન પર અસર નહીં થાય. એમાં ફાઇબર છે એ સાચું પણ એક ટીસ્પૂનમાં તો ભાગ્યે જ કશું ફાઇબર મળે.’

