મલાડના માઇન્ડસ્પેસ વિસ્તારમાં બે યંગ છોકરીઓએ સાથે મળીને બાઇટ હાઉસ નામનું નવું સાહસ શરૂ કર્યું છે જ્યાં કૉર્નની જ ડઝન જેટલી વરાઇટી મળી જશે તમને.
સાક્ષી અને માનવી અને તેમનો સ્ટૉલ
મુંબઈ જેવા શહેરમાં ફૂડનો સ્ટૉલ શરૂ કરવો એ ખરેખર હિંમત માગી લે છે. ખાસ કરીને યંગ છોકરીઓ આવો સ્ટૉલ શરૂ કરવાની હિંમત દાખવે અને એ પણ સાંજના સમયે ત્યારે તેમની પીઠ થાબડવાનું મન થઈ જાય છે. સાક્ષી અને માનવીએ મલાડના માઇન્ડસ્પેસ વિસ્તારમાં એક સ્ટૉલ ખોલ્યો છે. આ સ્ટૉલ શરૂ થયાને હજી એકાદ મહિનો જ થયો હશે. આ બન્ને છોકરીઓનું ભણવાનું પૂરું થઈ ગયું છે અને હવે નોકરી કરે છે. સવારે નોકરી અને સાંજે માઇન્ડસ્પેસમાં આવીને સ્ટૉલ લગાડે છે. આ વિશે માહિતી આપતાં સ્ટૉલનાં કો-ઓનર સાક્ષી સાકુંડે કહે છે, ‘અમને બન્નેને ઘણા સમયથી અહીં ફૂડ-સ્ટૉલ શરૂ કરવાની ઇચ્છા હતી અને અમારે કોઈ હેલ્ધી ફૂડ-સ્ટૉલ જ શરૂ કરવો હતો એટલે શરૂઆતમાં અમે સ્પ્રાઉટ્સનો સ્ટૉલ શરૂ કરવાનાં હતાં પણ પછી અમે વિચાર્યું કે આ કૉર્પોરેટ વિસ્તાર છે એટલે અહીં એવી કોઈ વસ્તુ લૉન્ચ કરવી જોઈએ જે હેલ્ધી પણ હોય અને ટેસ્ટી પણ હોય. એટલે અમે અહીં કૉર્ન ચાટનો સ્ટૉલ શરૂ કર્યો.’
અહીં કૉર્ન ચાટમાં ડઝન જેટલી વરાઇટી મળે છે. જેમ કે ફાયર ક્રૅકર, ઇટાલિયન મસ્તી, સ્મોકી સ્વૅગર વગેરે. સૌથી વધારે ચિપોટલે મેયો ચીઝ કૉર્ન લોકોને ભાવી રહ્યા છે. બાઉલની અંદર કૉર્ન અને અલગ-અલગ સૉસ અને ટૉપિંગ ઉમેરીને તેઓ કૉર્ન બાઉલ સર્વ કરે છે. કૉર્નને મળેલા પ્રતિસાદને જોતાં હવે તેઓ ચીઝ કૉર્ન બૉલ અને નાચોઝ પણ લઈને આવ્યાં છે.
ક્યાં મળશે? : બાઇટ હાઉસ, માઇન્ડસ્પેસ ગાર્ડનની બાજુમાં, બૅક રોડ, મલાડ (વેસ્ટ) સમય : સાંજે ૪થી રાત્રે ૧૦ સુધી


